Print
Parent Category: સમાચાર
Category: નાટક
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ચિત્રલેખા 2013 નાટ્ય સ્પર્ધામાં નવ નવ ઈનામો મેળવી ચકચાર મચાવનારું હૃદયસ્પર્શી સામાજિક થ્રીલર ‘અંતિમ અપરાધ’ હવે એના નવા રંગરૂપ સાથે, મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ઓપ સાથે, 9 મેથી શરૂ થઈ રહ્યું છે. રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત, સપ્તમેઘ સર્જિત, તેજલ રાવલ-ચેતન ગાંધી-શીલાબુટાલા નિર્મિત આ નાટકના દિગ્દર્શક વીરલ રાચ્છ અને લેખક ડો. રઈશ મણિયાર છે.

અંતિમ અપરાધ એ જીવનના જુદા જુદા તપકામાંથી આવનારા અને અચાનક જેલમાં એકબીજાને ભેટી જનારા બે વ્યક્તિઓની વાર્તા છે. એક, 11 ખૂનનો આરોપી પ્રોફેશનલ કિલર અરુણ ગાગન દેખીતી રીતે સંવેદનહીન અને અજંપ વ્યક્તિ છે અને બીજો, પોતાના શેઠના બાળક માટે ગુનો ઓઢનાર પ્રભાત પાટડિયા છે જે એક પ્રાઈવેટ ફર્મમાં મામૂલી ક્લર્કની નોકરી કરી માંડ પેટિયું રળે છે છતાં અપંગ બાળક અને અભણ છતાં પ્રેમાળ પત્ની સાથે પ્રસન્ન અને સંતોષી જીવન જીવે છે. બન્નેના જીવનમાં એવી ઘટના આકાર લે છે કે બન્ને રતનગઢની એક ચેરિટી હોસ્પિટલમાં ફરી ભેગા થાય છે. સમય સંજોગ અને સંવેદનાના આટાપાટા વચ્ચે રહસ્યમય પાત્ર બનીને આવતી નિશા અંતિમ અપરાધનો તખ્તો ગોઠવે છે અને પ્રત્યેક પળે દર્શકને જકડી રાખતો વાર્તાનો પ્રવાહ રોમાંચક અંત સુધી પહોંચે છે.


આજકાલના નાટકો કરતાં જુદા પ્રકારની વાર્તા અને સંવેદન ધરાવતું આ નાટક ડો. રઈશ મનીઆરના ચોટદાર સંવાદો અને વીરલ રાચ્છના કાબેલ દિગ્દર્શનને કારણે ગુજરાતી રંગ
ભૂમિ પર એક નવી તાજગીભરી હવા લઈને આવી રહ્યું છે. પ્રભાત પાટડિયાના પાત્રમાં રંગભૂમિના કુશળ કલાકાર મુનિ ઝા અને અરુણ ગાગનના પાત્રમાં સબળ કલાકાર લીનેશ ફણસેની જુગલબંદી માણવા આ નાટક જોવું રહ્યું. છેલ-પરેશની કલા, ઈકબાલ દરબારનું સંગીત અને વિજય રાવલનું સંકલન આ નાટકને ઑર દીપાવે છે.