આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મારી બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજનો એક ટીવી જનાર્લીસ્ટ તરીકેના અનુભવનો આ બીજો ભાગ હું લખી રહ્યો છું. ગુજરાતની આ ચૂંટણીમાં વારંવાર કંઈને કંઇ કારણસર ગુજરાત તથા બિહારની વાતો થયા જ કરે છે.બિહાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ ગુજરાતના કોમી રમખાણનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. તે સમયે ઘણાં વખતથી હું ગુજરાત તથા બિહારની કોઇ સરખામણી થઈ શકે તેવી સ્ટોરીની ફિરાકમાં હતો ત્યાં તો લાલુ પ્રસાદ યાદવે ગુજરાતમાંથી કેટલાંક મુસ્લિમ ધર્મગુરૂઓને બોલાવ્યા હતા. જેઓ ગુજરાતમાં મુસ્લિમો પર કેવો અત્યાચાર થયો હતો તેની વાત કરવાના હતા. જેથી મુસ્લિમો ડરના માર્યા કે પછી સલામતીનાં નામ પર તેમની પાર્ટીને જ મત આપે. યાદવ તથા મુસ્લિમ વોટના આધારે જ તેમની પાર્ટીને સતત જીત મળતી હતી પરંતુ આ વખતે કદાચ મુસ્લિમ વોટ બેંક નિતિશ કુમારની પાર્ટીની તરફ ઢળે તેવી શક્યતા હતી. તેથી ચૂંટણી જીતવા આવા દાવપેચ આવશ્યક હતા.
ઘર્મગુરૂઓની ફતવા કાઢવાની તાકતને કારણે જ નેતાઓ તમામ બાવાઓ તથા મૌલવીના શરણે જતા હોય છે. આ ફતવો શબ્દ પણ મને બહુ ગમે છે આમ તો તેનો ખરો અર્થ ધાર્મિક આદેશ એમ થાય પરંતુ આપણે તેનો નકારાત્મક અર્થ જ વધુ લઈએ છીએ. સરકારનો કોઈ મનગઢત આદેશ, કે પછી ચૂંટણી દરમ્યાન ફલાણા કે ઠિકણાં પક્ષને પછી ચોક્કસ ઉમેદવારના પક્ષમાં મત આપવાનો આદેશ. શરૂઆતમાં તો આ મોલવીઓના આદેશનું થોડું ઘણું મહત્વ હતું પરંતુ હવે તો કોન્ગ્રેસ વાળા લાવ્યા ન હોય તો પણ બીજેપી વાળા કોઇની પાસે 500 રૂપીયા આપીને લખાવી લાવે અને પેપરોમાં 50,000 રૂપીયા ખર્ચીને જાહેરાત કરે કે જુઓ આ બધા તો કોન્ગ્રેસને જ મત આપશે આમ કરીને હિંદુ મતોનું પણ ઘ્રુવીકરણ થાય અને ફતવોનો લાભ ભલતો જ લઈ જાય. આ બધુ હોવા છતાંય તેનું મહત્વ ઓછું તો નથી જ.
કોઈ પણ ચૂંટણી હિંદુ મુસ્લિમ કે પછી જાતિવાદ વગર જીતી જ ન શકાય. કોલેજમાં હતા ત્યારે ઘણાં સ્વપ્નશીલ હતા આજે પણ છીએ પરંતુ જાણીએ છે આવું જ બધું રાજકારણમાં ચાલતું હોય. અમારો એક મિત્ર જનરલ સેક્રેટરી (જીએસ)ની ચૂંટણીમાં ઉભો રહ્યો. અમારો એક ખાસ મિત્ર મુસ્લિમ હતો. તે એક વખત આવીને કહેવા લાગ્યો કે આપણો હરિફ જીએસ ઉમેદવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે બંને મુસ્લિમ છીએ તેથી તારે મને સર્પોટ કરવો જોઇએ. અમને બઘાને બહુ જ ગુસ્સો આવ્યો કે કોલેજની ચૂંટણીમાં પણ આવી રીતે હિંદુ મુસ્લિમ લાવવામાં આવે છે તેને હરાવવો જ જોઈએ. યેનકેન પ્રકારે અમારા હરિફને હરાવવાની ગાંઠ વાળી દિધી હતી. કોલેજમાં અમુક સંપ્રદાયના ઘણાં વિદ્યાર્થી હતા. તો તેમનાં જ એક જાણીતા ધાર્મિક ગુરૂનાં પ્રવચનમાં અમે જતા. સ્વામીજીનો જયજયકાર બોલાવતા અને તેમણે ફતવો અમારા ઉમેદવારની તરફેણમાં કાઢ્યો હતો. કોલેજની ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અમે જીતી ગયા હતા. તેમાં ફતવાનો પણ મોટો ફાળો હતો. તે ઉપરાંત અમે કોલેજની આદીવાસી વોટ બેન્ક ગણાતી હોસ્ટેલોમાં દારૂ તથા મટનની પાર્ટીઓ પણ આપી હતી.જો કોલેજના ઇલેકશન જીતવા માટે આ બઘું કરવું પડ્યું હતુ તો આ તો વિધાનસભાનું ઇલેકશન હતું આ જીતવા માટે તો શું ન થાય.
મુસ્લિમ ધર્મગુરૂઓએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના કોમી રમખાણોમાં મુસ્લિમોની થયેલી હાલતની બે વર્ષ જૂની વાતોને ફરી દોહરાવી. 2004 માં લોકસભાની ચૂંટણીમાં વાજપેયી ચૂંટણી હારી ગયા તેમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણ પણ એક પ્રમુખ કારણ હતું. તેથી જ નિતિશ કુમાર નહોતા ઇચ્છતા કે નરેન્દ્ર મોદી બિહારની ચૂંટણી સભાને સંબોધવા આવે. પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ મેં એક ઘર્મગુરૂને પૂછ્યું તોફોનો થશે ત્યારે મરશે . પણ અહિંયા તો વગર તોફાને વીજળી, પાણી તથા રસ્તા જેવી સામાન્ય સુવિધા ના અભાવે પણ લોકો મરી રહ્યાં છે. તેમાં મુસ્લિમો પણ સામેલ છે. તમને બિહારની તથા ગુજરાતની પરિસ્થિતી વિશે કંઈ ફરક નથી લાગતો. પણ ધર્મગુરૂ પણ પ્હોંચેલી માયા હતી. તેમણે નિતિશ કુમારની સરકાર એટલે એનડીએની સરકાર. એનડીએની સરકારમાં મુસ્લિમો સલામત નથી તેવી પોપટવાણી જ કહી.
જો કે નિતિશ કુમારને એવો વિશ્વાસ હતો કે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દે લોકોએ યુપીએને સમર્થન આપ્યું હતું. પરંતુ હવે આ મુદ્દો બહુ ધસાઈ ગયો છે. તેથી આ વખતે મુસ્લિમો લાલુ યાદવની આ ચાલમાં નહિ આવે. ચૂંટણીનાં આવા દિવસે ને દિવસે ગરમ થતા માહોલમાં એક દિવસ અચાનક હૈદરાબાદની ટીવી ચેનલની હેડઓફિસથી મારા એક સહકર્મચારીનો ફોન આવ્યો કે તે બિહાર જવાનું તારા ઘરે પણ નહોતું કીધું. તારા મમ્મી અમદાવાદથી સાહેબને ફોન કરે છે મારા દિકરાને મરવા માટે બિહારમાં મોકલી દીધો. સામાન્ય રીતે બિહારની ચૂંટણી એટલે હિંસા, બુથ કેપ્ચરીંગ, એવી છાપ હતી. ટીવી પર એવા દ્રશ્યો પણ સામાન્ય. પરંતુ મારી મમ્મી સાહેબને ફોન કરે તે વાત મારા મગજમાં ઉતરતી નહોતી. મેં તુરંત જ સાહેબને ફોન જોડ્યો તો તેમણે કહ્યું કે અરે મને ફોન કરનાર તારી મમ્મી નહોતી પણ રાજકોટની આપણી જ કોઈ થોડીક ગાંડી દર્શક છે. જે તને સ્ટુડીયોને બદલે બિહારમાં જોઈને ગભરાઈ ગઈ છે. તેથી આવા ફોન કરે છે.મેં હાશકારો લીધો. કારણ કે બિહાર મેં હજુ પુરૂ જોયું જ નહોતું. પટનાથી બહાર હું નિકળ્યો જ નહોતો.
બિહારના બીજા એક મહત્વના ગણાતા નેતા રામ વિલાસ પાસવાને પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. આ વખતે તેઓ લાલુ પ્રસાદ યાદવ તથા કોન્ગ્રેસની સાથે નહોતા. કોન્ગ્રેસની હાલત 80 દસકમાં ભાગલપુરમાં થયેલા કોમી રમખાણ બાદ જે બગડી હતી તે તો આજે પણ નથી સુધરી. પરંતુ કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવા બિહારમાં અપમાનનો કડવો ઘુટ પી જવાની કોન્ગ્રેસને ફરજ પડી હતી.લાલુએ પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ત્યારે સીએમ હાઉસમાં પત્રકારોની ભારે ભીડ હતી. તેમના કોઈ એક સાળાએ ભારે ગડબડ કરતાં તે વખતે તેમને પાર્ટીર્માંથી શિસ્ત ના નામે હાંકી કાઢવામાં આવ્યા હતા. પરિવાર નહિ પરંતુ પાર્ટી મહત્વની છે તેવી ઘસાઈ ગયેલી ટેપ પણ વગાડવામાં આવી હતી. લાલુનાં દરેક મહત્વનાં રાજકીય કાર્યક્રમ માં રેડિયોવાળા પોતાનાં સ્પુલ લઈને આવતા જોઈને મને ઘણી વાર નવાઈ લાગતી. વળી જેઓ તેમનો કાર્યક્રમ પતે એટલે તેનું સીધું પ્રસારણ પણ કરી દેવામાં આવતું થોડી ઘણી તપાસ કરતા માલુમ પડ્યું કે તેઓ બીબીસી (બ્રિટીશ બ્રોડકાસ્ટીસ કોર્પોરેશન) રેડિયોની હિન્દી સવિર્સનાં પ્રતિનિધીઓ હતા. બિહારમાં રેડિયો ઘણો જ લોકપ્રિય હોવાની વાતો મેં સાંભળી હતી. જેનો આ પુરાવો હતો. જો કે મને ઘણી વાર લાગતું કે ત્યાં વીજળીની સમસ્યાએ પણ તેમાં આડકતરો ભાગ ભજવ્યો હશે મનોરંજન સાથે માહિતીનું એક માત્ર હાથવગું સાધન હતું. જેમાં તારથી આવતી વીજળીની કોઈ જરૂર નહોતી.
લાલુનો કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં જવું ફરજિયાત હતું. કારણકે સમોસેમે આલું ઔર ન્યુઝમે લાલું. તેવું કહેવાતું. લાલુ પ્રસાદ યાદવ ટીવી ન્યુઝ માટે મોટી ટીઆરપી હતા. જો તેની કોઈ બાઈટ (ટીવી ઇનટરવ્યુ) ન મળે તો ઓફિસમાં ગાળો ખાવી પડતી. એક વખત કોઈક કારણસર હું એરપોર્ટ મોડો પ્હોંચ્યો. લાલુએ પોતાની બાઈટ આપી દિધી હતી. પરંતુ ઓફિસમાં ગાળ ખાવી પડશે એ બીકે હું તેમની પાછળ પાછળ મારા કેમેરામેન અશોકની સાથે દોડ્યો.મને ખ્યાલ ન રહ્યો કે તે એરપોર્ટનું ટોઇલેટ છે. તેથી લાલુએ તેની અનોખી સ્ટાઇલમાં હુડ હુડ કરતા પોતાનો ઝભ્ભો ઉંચો કરીને કહ્યું કે ઇય્યા ભી પીછે પીછે આવોગે ક્યા.
ત્યાં હાજર રહેલા બધા હસતા અમને અમારી ભૂલ સમજાઈ હતી. બીજા દિવસે ત્યાંના એક લોકલ ન્યુઝ પેપરમાં આ અંગેનું કાર્ટુન પણ છપાયું હતું. કે કઈ રીતે આ ટીવી ચેનલવાળા ટોઇલેટમાં પણ લાલુનો ઇન્ટરવ્યુ લેવા માટે ઘુસી ગયા હતા.
ઘણાં લાલુ ચૂંટણી હારી ગયા તેની પાછળ તેના સાળાઓની દખલગીરી કારણરૂપ ગણાવી હતી. પરંતુ સારી ખુદાઈ એક તરફ જોરૂ કા ભાઈ એક તરફ. લાલુનો એક સાળો એક વખત પટના રેલવે સ્ટેશને ગયા હતા.તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર ગયા અને રાજધાની ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 પર આવી. રેલવે પ્રધાનના સાળાનું આવું અપમાન કઈ રીતે થઈ શકે. રાજઘાની ટ્રેનને પાછી વાળવામાં આવી અને પ્લેટફોર્મ નંબર 2 પર આવી ત્યારે સાળાભાઈની સવારી તેમાં પ્રવેશી. આવા બઘાં ગતકડા જેવા સમાચારોથી ટીવીની ટીઆરપી જરૂર વધતી હતી. પરંતુ બિહારની પ્રજાની હાલાકી માં કોઈ ફરક નહિ પડતો હોય. તેથી જ આગળ કહ્યું તેમ બિહારની આવી હાલત જોઈને 15 વર્ષ સુધી લાલુનાં પક્ષને લોકોએ કેમ જીતાડ્યો હશે તેની મને નવાઈ લાગતી. તેમજ એક નેતા તરીકે લાલુ યાદવ પ્રત્યે એક જાતના અણગમાની લાગણી થતી. આજે જ્યારે પેપરો તથા ટીવીમાં તેમજ મારાં બિહારનાં મિત્રો થકી નિતિશ કુમારનાં શાસનકાળમાં પરિસ્થિતી ઘણી બદલાઈ હોવાની વાતો સાંભળીને ઘણી રાહત થાય છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી ત્રણ વખતથી મુખ્ય પ્રધાન બની શક્યાં છે. ચોથી ટર્મ થોડીક ટફ છે પણ લગભગ વાંધો નહિ આવે તેવું હાલ તો લાગુ રહ્યું છે. ગુજરાતની બહાર નરેન્દ્ર મોદીની ઇમેજ રમખાણ બાદ ખરાબ થઈ છે. તેમ છતાંય ગુજરાતનાં લોકોને એમ છે કે તેનું કામ તો થાય છે. જે નેતાઓ પ્રજાના મનમાં આવું ઠસાવવામાં સફળ થતા હોય છે તેમની રાજકીય કારકિર્દી લાંબી ચાલતી હોય છે. પરંતુ જ્યારે હું બિહારમાં ગયો હતો તો ગુજરાતમાંથી આવ્યો હશે તો ભારે કટ્ટરવાદી હશે. કારણ કે ગોધરા કાંડ પછી ગુજરાતમાં થયેલા ભીષણ કોમી રમખાણને કારણે તેવી છાપ એ વખતે પ્રર્વતતી હતી. જો કે હવે તેવી છાપ ભૂંસાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ પણ કટ્ટર હિંદુ વાદી છાપની જગ્યાએ સદભાવના, વિકાસ જેવી વાતો કરવી પડી છે. ગુજરાતની બહાર રાષ્ટ્રીય નેતા બનવા માટે આવી છાપ હોવી જરૂરી છે.
બિહારના ચૂંટણી દરમ્યાન બુથ કેપચરીંગ કરવા માંગતી ટોળકીનો ઇન્ટર્વ્યૂ અમારી રાજસ્થાન ચેનલમાંથી આવેલા ભવાની સિંહ નામના પત્રકાર લઈ આવ્યા હતા. ટીવી ચેનલમાં સામાન્ય રીતે અમે આવી ટોળકીનો ચહેરો ઢાંકીને ઇન્ટર્વ્યૂ લેતા હોઈએ છીએ. ભવાની સિંહે મને કહ્યું કે આપણને એમ કે આપણે એમનો યુઝ કરીએ છીએ. પરંતુ ખરેખર તો આ લોકો જ આપણો યુઝ કરતા હોય છે.અમે જયારે એમને મળ્યાં તેમજ તેઓની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ રાખવા માટે કહ્યું તો કહે અમે તો એમ જ ઇન્ટર્વ્યૂ આપીશું. અમે તો કોઈ પાર્ટીના સમર્થક નથી.અમને અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ તેમના માટે બુથ કેપચરીંગ કરવાના કોન્ટ્રાકટ આપ્યા છે.
બિહારમાં બુથ કેપચરીંગ વિશે ઘણી વાર પેપરમાં વંચ્યું હતું તેમજ ટીવી ફિલ્મોમાં ઘણી વાર જોયું હતું કે લોકો વોટીંગ કરતા હોય ત્યારે અચાનક ગુંડાઓ ત્યાં આવી પ્હોંચે તેમજ તમામ વોલેટ પેપરમાં એક જ ઉમેદવારના સિક્કા મારે. પરંતુ ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન કઈ રીતે કેપ્ચર કરે.મને યાદ છે કે ગઈ ચૂંટણી માં ગુજરાતમાં કોન્ગ્રેસની હાર થતા ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન પર દોષનો ટોપલો ઢોળ વામાં આવ્યો હતો. ભાજપે ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીનમાં એવી ગડબડ કરી હતી કે લોકો કોઈને પણ વોટ આપે પરંતુ લાઇટ હંમેશા ભાજપના ઉમેદવાર પર જ થતી. વિગેરે, વિગેરે.
ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન તથા વોટર આઇ ડી કાર્ડ ફરજિયાત થયા બાદ ઘણી ગડબડ ઓછી થઈ છે. બુથ કેપચરીંગ કરી તેઓ ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન ચોરી કરી જશે. તેનાથી બહુ ફરક નહિ પડે. બહુ બહુ તો જે મત વિસ્તાર માંથી તેમના ઉમેદવારોના મતો બહુ ઓછા હશે ત્યાં ગડબડ કરી મતદાન જ નહિ થવા દે.મારા ચાર મહિનાનાં બિહાર વિધાનસભાના ચૂંટણી દરમ્યાન સુરક્ષા બળોની હાજરીને કારણે ઘણાં સંવેદનશીલ ગણાતા કેન્દ્રોમાં પણ શાંતિપૂવર્ક મતદાન જોવા મળ્યું હતું. આમ બુથ કેપ્ચરીંગની વાતો હવે ત્યાં પણ ભૂતકાળની જ વાતો રહી છે.
આ બધી વાતો તો હવે કરી શકાય કે લખી શકાય કારણ હાલ કોઈ ચેનલ માટે કામ નથી કરતો પરંતુ ત્યારે તો મારા મિત્ર ભવાની સિંહે બુથ કેપચરીંગ કરવા માંગતી ટોળકીનાં સરદારનો ઇન્ટર્વ્યૂ વખતે ચહેરા પર બાંધેલો રૂમાલ સરકી ન પડે તેને વાંરવાર ખ્યાલ રાખવો પડતો હતો. થોડુંક છૂપાવવામાં જે મજા છે તે તદ્દન ઉધાડામાં નથી આવતી. તેવી હિન્દી ફિલ્મવાળી સ્ટાઇલ ટીવીમાં પણ હિટ છે.
ધીમે-ધીમે બિહાર ચેનલના રીપોર્ટર તરીકે મેં મારી જગ્યા મજબૂત બનાવી લીધી હતી. પરંતુ અગાઉ એમ નક્કી કરવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસ બાદ હૈદરાબાદથી બીજા લોકોને બોલાવવા. પરંતુ તેમ થયું નહિ. કારણકે બિહાર ચેનલના હેડના મતે નવા માણસોને અહિ પોતાની જાતને ગોઠવતા ફરી પાંચ-સાત દિવસ જતા રહેશે. તેથી તેમણે અહિં આવેલાઓને ફરી પાછા હૈદરાબાદ મોકલવાની નાં પાડી દિધી.
બિહાર ચેનલ માટે ભલે મારુ મહત્વ વધી ગયું હોય પરંતુ અમારી ગુજરાતી ચેનલ હેડને એમ લાગતું રહેતું કે બિહારમાંથી ગુજરાતને રિલેટ કરતી કોઈ સ્ટોરી આવી નથી રહી. મને એવી કોઈ સ્ટોરી મળતી પણ નહોતી. દરરોજ ચૂંટણી ઉપરાંતની સ્ટોરીમાં માત્ર કોઈ મોટી સ્કુલમાં ભણતાં બાળકનું અપહરણ થયું હોય તેમજ તેને છોડાવવા માટે મોટી રકમ માંગવામાં આવી હોય તેવી જ સ્ટોરી રહેતી. જેની ગુજરાતી ચેનલમાં બતાવવાનો કોઈ અર્થ રહેતો નહોતો. પરંતુ તેમનું સતત દબાણ રહેતું એક વખત તેમણે વીજળી, રોડ તથા એજ્યુકેશનની સમસ્યા બતાવીને તેની ગુજરાત સાથે સરખામણી કરતી સ્ટોરી બનાવવાનો આઇડીયા આપ્યો.
મારા કેમેરામેન સાથે હું પટનામાં આવેલી ઇલેક્ટ્રિસિટી બોર્ડની ઓફિસમાં ગયો. આપણે ત્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જેવી જ ખરાબ તેની હાલત હતી. એક ઉચ્ચ અધિકારીને પહેલો સવાલ પૂછ્યો બિહારનું વિજળીનું કુલ ઉત્પાદન કેટલું છે. તેમણે કહ્યું 1500 મેગાવોટ. મને તેમની વાત બરાબર સમજાય નહિ હોય તેથી મે ફરી પાછો સવાલ પૂછયો કે સમગ્ર બિહારનું વિજળીનું કુલ ઉત્પાદન કેટલું છે. તેમણે ફરી એ જ જવાબ આપતા મે કહ્યું સાહેબ મારે પટનાના નહિ સમગ્ર બિહારના આંકડા જોઇએ છે. તેમણે મને ત્યાનાં અલગ અલગ ત્રણ ચાર પ્લાન્ટના આંકડા બતાવતા મારે તેમની વાત સ્વીકારવી પડી. બિહારમાંથી ઝારખંડ અલગ થઈ જતા આવી હાલત થઈ છે તેવી સફાઇ પણ તેમણે આપી. ટૂંકમાં પોતાના કુલ વપરાશનાં 40 ટકા જ વીજ ઉત્પાદન બિહાર કરતું હતું. બાકીની ખોટ કેન્દ્ર સરકારની કંપનીઓ પૂરી કરતી હતી. પરંતુ તેમને નાણાં મળતા ન હોવાથી વીજ સપ્લાયમાં ભારે કાપ મૂકવામાં આવતો હતો.
મને ખબર હતી કે મારા સુરત શહેરની વીજળીની ખપત 500 થી 600 મેગાવોટની હતી. તો સમગ્ર બિહારમાં આટલું ઓછું વીજ ઉત્પાદન હોય તો બીજા તો ક્યા ઉદ્યોગો ત્યાં વિકસી શકે. બહારથી આવતા ઘણાં નેતાઓ પોતાના પ્રવચનમાં તેની ઠેકડી પણ ઉડાવતા જોક્સ પોતાના ભાષણમાં કહેતા કે ઘણી વાર મુંબઈથી આવતા હેલિકૉપ્ટરનો પાઇલોટ વીજળીનાં તાર જોઇને નિચે સેફ લેન્ડિંગ કરતા ગભરાતો. ત્યારે નેતાઓ તેમને સમજાવતા આ બિહાર છે અહિં તાર છે પણ અંદર પાવર નથી હોતો. આવું જ કંઇક બિહારના રોડ વિશે ઘણાં લોકો કહેતા કે અમારુ પ્લેન પટના એરપોર્ટ પર લેન્ડિગ થયું ત્યારે તો રસ્તો હતો પરંતુ એરપોર્ટથી બહાર નીકળ્યો તો રસ્તો ગાયબ. બિહારના રોડને હેમા માલીનાના ગાલ જેવી બનાવવાનો દાવો પણ લાલુ પ્રસાદે એક વખત કર્યો હતો. પરંતુ તે ઓમપુરીના ગાલ જેવા ખાડા ભરેલા તેમના શાસનકાળ દરમ્યાન થઈ ગયા હતો તેવા જોક્સમાં સાવ અતિશ્યોક્તી તો નહોતી જ.
રાત્રે જ્યારે ટ્રેન બિહારમાંથી પસાર થતી તો સ્ટેશન સિવાય બધી જગ્યાએ કેમ અંધારૂ જ દેખાતું તેની પણ મને ખબર પડી હતી.પટનામાં હું રહેતો હતો તે હોટેલમાં, અમારી ટીવી ચેનલની ઓફિસમાં બધી જગ્યાએ જનરેટર ફરજિયાત હતા.મારા સાહેબને મે કહી દીધું સાહેબ આ સ્ટોરીમાં મજા નહિ આવે. ત્યારબાદ મને એજ્યુકેશનની સરખામણી સ્ટોરી કરવાનું કહ્યું તો ત્યારે ત્યાંથી સુધરાઇની તેમજ જીલ્લા પરિષદની ઘણી સ્કુલોમાં 300 વિદ્યાર્થીઓ તેમજ બે જ શિક્ષક. સ્કુલના નામે કંઇ જ નહિ. વૃક્ષની નીચે પાટીયું હોય આવી બધી સ્ટોરી કરવા કરતા લાલુ પ્રસાદ યાદવની ઉલ્ટી સુલ્ટી બાઇટ વાળી સ્ટોરી ચલાવીઓ તો લોકોને મજા પણ આવે. તેમજ ન્યુઝની ટીઆરપી પણ વધે.છેવટે બિહાર અને ગુજરાતની સરખામણીનો સ્ટોરી આઇડીયા ડ્રોપ કરવામાં આવ્યો. આવી તો કંઈ કેટલીક વાતો અહિં જાણવા મળતી. મારો કેમેરામેન અશોકના મતે જો તમારી પાસે હિરો હોન્ડા મોટરસાયકલ હોય તો તમે પૈસાદાર છો તમને લૂંટી લેવામાં આવશે. મને એકલા-એકલા કશે પણ નહિ જવાની સલાહ પણ આપવામાં આવતી. તેમ છતાં હુ રખડતો રહેતો મારી હોટેલની સામે જ પટનાનું પ્રખ્યાત ગાંધીમેદાન હતું. ત્યાં હુ સવારે વહેલો ઉઠીને કે પછી રાત્રે પણ જતો. ત્યાંની ટોકીઝમાં માત્ર 6 થી 9 સુધી જ શો ચાલતા. 9 થી 12 નાં શો હતા જ નહિ. ઘણાં હાઈ વે એવા હતાં કે ત્યાં સાંજે 8 વાગ્યા બાદ કોઈ વાહન આગળ જાય જ નહિ. કારણકે આગળ લૂંટાઈ જવાનો ડર રહેતો હતો. ખરૂ પૂછું તો દુખ થતું કે આપણાં દેશમાં આવા રાજ્યો પણ છે જ્યાં આ બધી પાયાની વસ્તુઓ પણ નસીબ નથી હોતી. ગુજરાત મહારાષ્ટ્ર સિવાય ભારતમાં અન્ય રાજ્યોમાં હું બહાર બહુ ફર્યો નથી. પરંતુ મારી બિહારની મુલાકાત બાદ મને અમારે ત્યાંના નેતાઓ વિશે થોડું માન થયું બીજુ ગમે તે હોય પરંતુ પ્રજાને વિજળી, પાણી તથા રસ્તા જેવી પાયાની સુવિધાઓ તો ઘણાં સ્થળોએ આપી તો છે.
નક્ષલવાદીઓના પ્રભાવિત ગણાતા ગામોમાં પણ ચૂંટણીની તારીખો નજદીક આવતા પ્રચાર કાર્ય શરૂ થયું હતું. મારા મનમાં ઘણાં દિવસોથી ઈચ્છા હતી કે હું પણ નક્ષલવાદીઓ જોવા મળે. અત્યાર સુધી માત્ર ન્યુઝપેપરોમાં સમાચાર કે ટીવી ચેનલોમાં તેમણે સરકારી મિલકતને કરેલા નુકશાન કે પછી પોલીસો પર કરેલા હુમલાની ખબરો વાંચી કે જોઈ હતી. ગુજરાતમાં કોઈ દિવસ નક્ષલવાદી સમસ્યા નથી જોવા મળી. તેથી પણ ખાસ ઇંતેજારી હતી કે આ લોકો કેવા હોય છે. પરંતુ મને એરપોર્ટના કામમાંથી કોઈ હટાવતું નહોતું. પરંતુ એક દિવસ ભવાની સિંહને બીજે કશેક જવાનું હોવાથી મને એક નક્ષલવાદીનો ઇન્ટર્વ્યૂ લઇ આવવા માટે જણાવવામાં આવ્યું. ટીવી ચેનલવાળાઓ સાથે તેઓ ભારે સલુકાઈપૂર્વક વર્તે છે.
બીજા દિવસે સવારે સફેદ એમ્બેસેડરમાં બેસીને અમે પટનાથી ત્રણ-ચાર કલાક દૂર આવેલા એક ગામમાં પ્હોંચ્યા. ત્યાંના રસ્તાઓ એટલા ખરાબ કે એમ્બેસેડર કે પછી સુમો જેવી મજબૂત કાર કે જીપ જેવી ગાડીઓ જ ત્યાં ચાલી શકે બાકી બધીને તો હાલત જ ખરાબ થઈ જાય. જેવી અમારી કાર ગામમાં પ્રવેશી તો એક સાવ ગરીબ જેવા દેખાતા ભાઈ અમારી કાર પાસે પ્હોંચ્યા. બાદમાં જ્યારે મને ખબર પડી કે મારે આ ભાઈનું ઇન્ટર્વ્યૂ જ લેવાનું છે તો નક્ષલવાદી નેતાની પેલી ખતરનાક છાપ મગજમાંથી કકડભૂસ થઈ ગઈ.અમારા કેમેરામેને તેને મળેલી સૂચના મુજબ કપડું ઢાંકીને ઇન્ટર્વ્યૂ લીધો. પેપરમાં અમે અગાઉ વાંચ્યું હતું તેમ તેણે આ ચૂંટણીનાં બહિષ્કારના એલાનની જ વાત કરી.
નક્ષલવાદીઓના ચૂંટણી બહિષ્કારના એલાન છતાંય તે વખતે બિહારમાં 60 ટકાથી વધુ મતદાન થયું. આટલું મતદાન તો મુંબઈ શહેરમાં પણ જવલ્લે જ થતું હોય છે.ઇન્ટર્વ્યૂ પૂર્ણ થતાં જ તેમણે મને પૂછ્યું શું ખાશો. સાહેબ ચિકન બનાવી આપું. મેં તેમને ઘણાં સમજાવ્યા પરંતુ તેમણે હઠ પકડી પરિણામે મારે નાછૂટકે બોલવું પડ્યું હું બ્રાહ્મણ છૂં બહારનું નથી ખાતો. આમ કહીને ત્યાંથી અમે વિદાય લીધી.આજે પણ જ્યારે ટીવી તથા ન્યુઝપેપરોમાં નક્ષલવાદીઓનાં ભયાનક ચિત્રો દર્શાવવામાં આવે છે તો મને ચિકન ખાવા માટે આગ્રહ કરનાર પેલા નક્ષલવાદી નેતાનો ગરીબડો ચહેરો જરૂરથી યાદ આવી જાય છે.
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved |
Read more...