વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 111 guests and no members online

મદદ

 


 



રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

નવાં નવાં અમેરીકામાં રહેવા આવો ને જે એકલું લાગે, કંઈ એકલું લાગે કે ન પુછો વાત ! છેક કાઠીયાવાડથી આવેલા રંગીલા માણસો જેને સતત વાતું, વાતું ને બસ વાતું જ કરવા જોઈએ ! માણહ માણહમાં રહેવાની ટેવ. સવાર પડે ને કામવાળી ગામ આખાની વાતું લાવે...છાપાં વાંચવાની જરુર ન પડે. કામવાળીનું છાપું પતે ત્યાં શાકવાળો આવે. શાકવાળો જાય, ત્યાં પસ્તીવાળો આવે. અરે, વચમાં ભીખારીઓ આવે ! વળી, બાએ કાયમના બાંધેલા બ્રાહ્મણ, ‘દયા પ્રભુની’ કરીને આવે. ઉભરાતા માણસોની વચ્ચે ધમાધમ જાગતા પાડોશમાં બપોર તો ઘડીવારમાં પડી જાય.

હું બાપડી આવા વાતાવરણને છોડી ૧૯૭૦માં અમેરીકા આવી. પહેલે જ દીવસે સવાર પડી; પણ સાવ સુનકાર ! અંધારી કાળી ચૌદસની રાત જેવો દી’ ઉગવા લાગ્યો. ઉપરવાળા ઘરમાં સહેજ પગલાંનો અવાજ આવતાં, હડી કાઢીને હું તો ઉપર ગઈ ને બારણું ખખડાવ્યું. એક ઉંચી કદાવર ગોરી અમેરીકન સ્ત્રીએ બારણું જરીક ખોલ્યું. ભારતમાંના ખાદીભંડારમાંથી, અમેરીકનોને આપવા ખરીદેલો ખાસ મોંઘોદાટ સૅન્ડલવુડ સાબુ સાથે લઈને ગઈ હતી. મેં મારી ઓળખ આપી, પેલો સાબુ ભેટ આપ્યો. બારણાંની વચોવચ ઉભી રહી પેલી બાઈએ પોતાનું નામ ‘સૅન્ડી’ છે કહી ઓળખ આપી. મેં નવા પાડોશી તરીકે ઓળખ આપી. મીત્રભાવે ઔપચારીક–વ્યાવહારીક રીતે સાબુ આપ્યો. પટ્ટ કરતોક સાબુ લઈ, ‘થેન્ક યુ’ કહી સટાક દઈને બારણું કર્યું બંધ ! મને તો આભમાંથી વીજળી પડી હોય એટલો બધો ‘શૉક’ લાગ્યો. બસ હાંવ ! આવા પાડોશીઓ ! ન વાત, ન ચીત; ન આવો, ન બેસો કહે ! આટલી બધી વ્યવહારશુન્ય અને શુષ્ક જીન્દગી કેમ જીવાશે ? થોડા સમયે સમજાણું કે મોટાં શહેરોમાં લોકો મળતાવડા નથી હોતા. બેત્રણ મહીનામાં અમારા જ અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં થોડા ‘દેશીઓ’ રહેવા આવી ગયા એને એમાંથી એમને એમ આખું હીન્દુસ્તાન ઉભું થઈ ગયું. દાળનાં તપેલાં, ભજીયાંના થાળો સુગન્ધ પ્રસરાવવા લાગ્યાં. શીખડ–પુરી, ચીકન–પુરીની સોડમથી શેરીઓ મઘમઘી ઉઠી.

૧૯૭૬માં અમે ડીટ્રોઈટ મુવ થયા. નાનું શું કૉન્ડોમીનીયમ(ફ્લેટ) ખરીદ્યું. સાવ જુદો જ અનુભવ નીવડ્યો. પહેલે જ દીવસે હજુ અમારો સામાન આવતો હતો ત્યાં લગભગ આઠથી દસ જેટલાં દંપતીઓ પોતાનાં બાળકો લઈને આવી પહોંચ્યાં. આવકાર માટે કોક–કૉફી જેવું લાવી ભાવભીનો આવકાર આપ્યો. ભણેલા–ગણેલા ગોરા માણસોનો આવો ઉષ્માસભર આવકાર ! દીલ તો તરબતર થઈ ગયું. મીશીગનમાં ઠંડી બહુ પડે. પણ માણસો અતીશય હુંફાળા. એ હુંફમાં અમને જરાયે ઠંડી ન લાગી.
મીશીગનમાં  અમારી એક બાજુમાં એક વકીલ અને બીજી બાજુમાં એક પ્લમ્બર રહે. બન્ને ઠાઠમાઠથી રહે. નવી મોટી ગાડીઓ, ઘરમાં રાચરચીલું ભવ્ય, દીવ્ય. ક્યારેક આપણને મનમાં થાય કે આ બન્નેમાં કોણ ચડે ! કોણ વધારે પૈસા કમાતું હશે ? વકીલસાહેબ જ વધુ પૈસાવાળા હશે એવી સર્વસામાન્ય સમજમાં અમે પાડોશીઓ હતા. એક દીવસ વકીલસાહેબના ઘરમાં નાનો અમથો એક પાઈપ તુટી ગયો ને લગભગ ત્રણ–ચાર લોકોનાં ઘરોનાં ભોંયરાંમાં પાણી ભરાણાં. આડોશપાડોશમાં ધમાલ મચી ગઈ. પ્લમ્બરનાં બારણાં ખખડાવી તેમને ઉઠાડ્યા. નસનસમાં કામગારનું લોહી ધબકતું હોય આવો એ પ્લમ્બર તો એનાં સઘળાં ઓજારો લઈને પહોંચી ગયો. અતીશય અદાથી સીગરેટની એક મોટી ફુંક મારી કામ શરુ કર્યું ને દસ જ મીનીટમાં પુરું કર્યું. વાહ વાહના પાડોશીઓના પોકારોને બાઅદબ વળતી સલામ ભરી, ફક્ત ૧૫૦ ડૉલરનું બીલ વકીલસાહેબના હાથમાં ધરી દીધું. વકીલ એટલે દલીલ તો કરે જ ! એમણે કહ્યું, ‘અમે વકીલ લોકો  કલાકના ૧૫૦ ડૉલર ચાર્જ નથી કરતા ને તમે પ્લમ્બર લોકો ૧૦ મીનીટમાં ૧૫૦ માંગો ! બહુ કહેવાય !’ સખ્ખત ખંધું હાસ્ય આપીને પ્લમ્બર કહ્યું, ‘વકીલસાહેબ, તમારી વાત સાથે હું સમ્મત થાઉં છું; કેમ કે પ્લમ્બરના કામનું લાઈસન્સ મેં લીધું તે પહેલાં હું વકીલાત જ કરતો હતો.’ અમે સૌ પેટ દુઃખી જાય એટલું હસતાં હસતાં ઘરમાં ચાલ્યા ગયાં.

જીવનનો ‘સુન્દરકાંડ’ ડીટ્રોઈટમાં વીતાવી ૧૯૮૨માં ફરી પાછાં અમે ફીલાડેલ્ફીયા આવ્યાં. એક અલગારીનો જુનો બંગલો ભાડે રાખ્યો હતો, જેમાં ૮–૧૦ વર્ષોથી કોઈ રહેતું નહોતું. ૬૧૧ હાઈ–વે ઉપર, ઉંચો, એકદંડીયો મહેલ ને લસકણો ડ્રાઈવ–વે સીધેસીધો ૬૧૧માં જાય. કાચાપોચા, નબળાઓની તાકાત નથી કે ઘરના ડ્રાઈવ–વેમાં આવે. ને આવે ને પાછો રીવર્સમાં ગાડી ૬૧૧ હાઈ–વે પર ગાડી લાવે તો ભડના દીકરાને ઈનામ આપું ! ‘માતાજીના ઉંચા મન્દીર નીચા બાર, ઝરુખડે દીવા બળે રે લોલ...’ આ ભુતાવળા બંગલાનું નામ ‘ઈરવીન બંગલો.’ ન કોઈ આગળ, ન કોઈ પાછળ, ન કોઈ બાજુમાં– હા, બાજુમાં ઘર હતું જે છેલ્લાં ૨૫ વર્ષથી બંધ હતું. ઘરની પાછળ એક વીશાળ બંગલો, ફરતી લગભગ બે એકર જેવી જમીન અને ફુલોથી ભરપુર બગીચો. ફળોનાં અસંખ્ય ઝાડ. આપણા ભુતાળવા બંગલાની પ્રત્યેક બારીમાંથી આ સ્વર્ગીય બંગલાનું દર્શન થાય. ભયાનક લટકટા–લસકણા ડ્રાઈવ–વેમાં ફુલો દોડી દોડીને આવે. દીવસરાત જહેમતથી ઉગાડેલો, ફુલ્યો–ફાલ્યો બગીચો જાણે આપણા માટે જ કેમ ન હોય !
આવી મોટી પ્રોપર્ટીના માલીક, ભાઈ–બાપા–ડોસા એડવર્ડ. ઘરમાં હોય તેના કરતાં લગભગ બગીચામાં જ વધુ હોય. એડી બાપાનો રુઆબ, એનાં હાઈટ–બૉડી બધું જોઈને બીક લાગે કે જો ગાલાવેલા થઈને સામેથી વાત કરવા જશું તો કદાચ મોઢું તોડી બેસશે ! મેં તો ક્યારેય હીમ્મત જ ન કરી. ક્યારેક જતાં–આવતાં આંખો ચાર થાય તો એડીબાપા મોઢું ફેરવી લે, મનમાં કદાચ કહેતા હશે કે – ‘આ ઈન્ડીયાના દેશી સાવ નક્કામ છે !’

બાવીસ વરસના અમારા વસવાટમાં એડીબાપાએ સમ ખાવા બે વાર અમારી સાથે વાત કરી હશે. પહેલી વાર અમારા પંદર વરસના વસવાટ પછી અમે, ભાડાનો આ ‘ઈરવીન’ બંગલો ખરીદી લીધો, ત્યારે પંદર વરસે એડીબાપાએ અમેરીકન રીવાજ પ્રમાણે બે વાક્યોમાં કહેલું, ‘વૅલકમ ટુ ધીસ નેબરહુડ ! આઈ ફાઉન્ડ આઉટ ફ્રોમ એબીન્ગટન ટાઉનશીપ ન્યુસપેપર ધૅટ યુ બૉટ ધીસ પ્રોપર્ટી.’ હવે આનો અર્થ એ થયો કે છેલ્લાં પંદર વરસથી અમે ‘વૅલકમ’ નહોતાં ? અને બીજીવાર, ૨૦૦૩માં અમે ઘર વેચી વીદાય લીધી ત્યારે કહેલું, ‘યુ વર ગુડ નેબર્સ’ ! લો, બોલો ! વળી મનમાં તો બોલ્યા હશે કે, ‘હાશ ! લપ ટળી !’

૨૦૦૩માં મોટી ઉમ્મરે ફરી નવા પાડોશમાં જતાં ડર લાગતો હતો. નવું સબડીવીઝન, નવાં મકાનો જોતાં લાગ્યું કે આવા ઘરમાં તો નવાં પરણેલાં નાની ઉમ્મરનાં કપલ્સ, બાળકો સાથે આવશે જેમાં આપણા જેવાં મોટાં, પુખ્તવયના માણસો સાથે કોણ બોલશે ? કોણ સમ્બન્ધ રાખશે ? છેલ્લાં બાવીસ વરસથી એડીબાપાએ અમને બરાબર તૈયાર કરી દીધેલાં. અમે શાન્તીપુર્વક ‘આખરી મંઝીલ’માં બીન્ધાસ્ત પ્રવેશ કર્યો.

બે–ચાર દીવસ પછી બાજુના મકાનમાં નવ્વી નક્કોર, ચકચકીત, બ્લુ રંગની સ્પોર્ટ કાર  આવીને ઉભી રહી. એ રંગનો લેધર સુટ પહેરેલો, ઉંચો, કદાવર, ત્રાંબાવરણો, સુશીક્ષીત માણસ બહાર આવ્યો. મારા મનમાં સહેજ ઉદ્ગાર નીકળી ગયો, ‘માર્યા ઠાર, આ ડ્રગ ડીલર જેવો લાગે છે.’ અતીશય વીવેકથી હાથ લંબાવી તે બોલ્યો, ‘મારું નામ હર્બર્ટ મરે છે. આજ સાંજ સુધીમાં હું અને મારાં પત્ની ઘરમાં ગોઠવાઈ જશું.’ તે દીનથી આજ લગણ એ હરખપદુડા હર્બીની દોસ્તી અમે માણી રહ્યાં છીએ. એકદમ ચેતન તત્ત્વથી ભરપુર હર્બી, આખો દવસ ખુલ્લા ગરાજમાં દોસ્તારોની મહેફીલ જમાવી, તમામ પાડોશીઓનાં ઘરની ઉભે પગે ચોકી કરે છે અને ‘પહેલા સગા પાડોશી’નો ધર્મ અક્ષરસઃ પાળે છે.

ભાઈ હર્બી એફબીઆઈ (અમેરીકાની છુપી પોલીસ)ના નીવૃત્ત થયેલા અમલદાર છે. ડાના નામની પત્નીનો સેવાભાવી પતી છે. કામે ગયેલી પત્નીની સાંજે ઘરે પાછા વળવાની રાહ જોતો, સ્વાગત સમીતી સહીત હસતો હસતો ઉભો હોય. જાણે ગરમાગરમ રસોઈ કરીને છાપેલું છાયલ પહેરીને ઉમરે વાટ જોતી નવવધુ ! ડાનાની રાહ જોતો હર્બી પ્રત્યેક સાંજે, અમને પણ, એક નાનું બાળક માબાપ ઘરે આવે અને કેવું ખુશખુશાલ, પુલકીત બે હાથ લાંબા કરી દોડે, એમ જ આવકારે. ક્યારેક હર્બીનો હરખાતો ચહેરો સાંજે જોવા ન મળે તો આપણને અડવું લાગે.

એક વાર બરફના તોફાન પછી અમે બધા પાડોશીઓ સૌ સૌનો ડ્રાઈવ–વે સાફ કરતાં હતાં. કામ કરતાં કરતાં ક્યાં સાડાબાર–એક વાગી ગયો તે ખબર જ ન પડી. કોઈક બોલ્યું, ‘એક વાગી ગયો.’ પાવડો ફેંકીને હર્બી દોડ્યો. મેં પુછ્યું કે, ‘શું થયું ?’ હર્બીએ વીધાન બહાર પાડ્યું. હાફળો–ફાંફળો શ્વાસ ઉંચો કરી બોલ્યો, ‘ડાના મસ્ટ બી હંગ્રી.’ માળું કૌતુક લાગે  ! એક બાળક ભુખ્યું હોય અને માને ચીન્તા થાય તેવી ચીન્તા હર્બીને થઈ પડી ! (મને તો અદેખાઈ જ આવી ગઈ !) ‘વર રાંધણીયો, વર ચીંધણીયો, વર બેડે પાણી ભરે/ જો કન્યાના ભાગ્ય હોય તો વર ઘમ્મર ઘંટી તાણે.’ ઘરમાં આવી ગીરીશ(મારા પતી)ને કહ્યું કે, ‘તમે દેશી ભાયડાઓ આવા સંસ્કારી, હરખપદુડા હર્બી પાસે કાંઈક શીખો કે પત્નીની સેવા કેમ થાય !’ ફટાક કરતાંકને પતીદેવ તરફથી ધનધનતો જવાબ એમની ટીખળી શૈલીમાં મળ્યો, ‘હર્બીની ડાના બીજી વારની બતકી છે. અમે પણ બીજી વારની બતકીના સેવાભાવી પતી બનીશું ત્યારે જોઈ લેજે અમારો સેવાભાવ, હોં !’

આમ હર્બી જેવો જ એક બીજો પાડોશી કરોડાધીપતી ટામ છે. આખી જીન્દગી મોટી મોટી ટ્રકો ચલાવી ચલાવી એક મોટા અકસ્માત પછી, મોટો ધનનો ઢગલો પ્રાપ્ત કરી, નાની ઉમ્મરે નીવૃત્ત છે. અમારા સબડીવીઝનનો પ્રમુખ છે. સાત–આઠ ઘરોનાં દર અઠવાડીયે ઘાસ કાપે છે, ગોંદરી કાપે છે. આપણા દેશી માનસને નવાઈ લાગે અને મનમાં એક પ્રશ્ન ઉઠે કે આપણી બાજુના સેવંતીલાલ શેઠ આવીને આપણું આંગણું વાળે ખરા  !

અમેરીકી પાડોશી સાથે સીન્ધી, મદ્રાસી, ગુજરાતી, ખોજા–મુસલમાનો પણ છે. એક જમાનામાં ગીરનારના સન્તો ‘અલખ નીરંજન’નો પોકાર કરતા ત્યારે પ્રત્યુત્તર મળતો ‘અલખ નીરંજન’ એમ જ આખરી મંઝીલના આ જાગતાં પાડોશમાં જ જાગતાં પાડોશને માણીએ છીએ.

– સુચી વ્યાસ , અમેરીકા

સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ અને ‘લેક્સિકોન’,

http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM

Zazi.com © 2009 . All right reserved