વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 125 guests and no members online

મદદ

 


 



રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આમ વીચાર કરીએ તો  એક ઓસરીઉતાર બે ઓરડા ! એક બાજુ રસોડું અને સામે કોઠાર. રસોડા પાછળ ખાંચો અને બરાબર તેની સામે બીજો ખાંચો, જ્યાં બાથરુમ. બસ ! વાત પુરી. આ ઘરમાં અમે દસ જણાં રહીએ. ઉપરાંત અનેક મહેમાનોની હાર... પણ ક્યારેય અગવડ પડી હોય એવો અનુભવ થયો નહોતો.     રસોડામાં ભીંતમાં જડેલો ૩/૪ ખાનાવાળો કબાટ; એક પીંજરુ - જે આજકાલનાં ‘ફ્રીઝ’ની ઐસી કી તૈસી બોલાવે. નાના રસોડાની ચારેય બાજુ બે થરમાં અભરાઈ. એક ચુલો, જેને રોજ સવારે કે સાંજે લીંપીગુંપીને સાફસુફ કરવાનો. ચુલો કાઢી નાંખ્યા પછી બે નાની સગડીઓ હતી. ૧૦ કે ૧૨ લોકોથી વધુ માણસોની રસોઈ કરવાની હોય તો સગડીઓ બહાર ઓસરીમાં આવી જાય, હોં ! ઓસરીમાં પાણીયારું, એના ઉપર એક અભરાઈ, જ્યાં પ્યાલાંલોટા ચકચકીત માંજીને હારબંધ ગોઠવાયેલાં હોય. પાણીયારા હેઠે એક કાળો પથ્થર, લાદીમાં જડેલો. જેમાં તમામ પ્રકારનુ વાટવાનું કામ થાય. વાટીદાળના ભજીયાંનો તો મોટો પ્રોગ્રામ યોજાય. (બાપુ, ઈ જમાનામાં ‘બ્લેન્ડર’નું નામોનીશાન નહોતું, હોં સાહેબ !)
આ જ ઓસરીમાં આખ્ખા વરસનાં દાણા-દુણી વીણાય, બટેટાની પતરીઓથી માંડીને અથાણાંપાપડના ભવ્ય પ્રોજેકટ્સો ઉજવાયા હશે. આજ ઓસરીમાં અમારા માથાના લાંબા વાળની જાળવણી માટે ભૃંગરાજ અને કંઈક મસાલાઓ કાદર વોરાની દુકાનેથી આવે અને એયને ત્રણ ત્રણ દીવસ સુધી તેને ઉકાળવામાં આવે. આ જ ઓસરીમાં ભાઈબીજના  દુધપાક બને, ઉનાળામાં કેરીનો રસ નીચોવાય અને શીયાળામાં સ્વેટરો ગુંથાય. આ બધામાંથી, ઓસરી પાસે થોડો સમયગાળો મળે તો બાનો ‘સીંગર’ સંચો ઓસરીમાં બહાર આવી શકે. પછી તો પુછો મા વાત.. જલ્સેથી જોરદાર સીવણકામ હાલે ને આખ્ખાયે ઘરનાં આછા લીલા રંગના ખાદીના પડદાઓ ઝાલર, ફુમતાબુમતા સહીત બધું સીવાઈ જાય ને  ટીંગાડી દેવામાં આવે. ઓસરીનું ‘ફોકલ પોઈન્ટ’ ઘરની જાળી. જાળી ખોલો અને અંદર પ્રવેશો ત્યાં ડાબી બાજુ એક ડામચીયો દેખાયમોટો મજુસ, જેમાં વધારાનાં ગોદડાંઓ અને સુંદર ગાલીચો રાખવામાં આવતો. મજુસની ઉપર ગાદલાંઓ વાળી, એક ઉપર એક ગોઠવાય. બરાબર ગાદલાંઓની બાજુમાં ઓશીકાંઓ લાઈનબંધ ગોઠવાઈ જાય અને પછી એક કલાત્મક સુંદર ચંદરવો  (બાની કલાકોની સીલાઈકામની કારીગરીનો ઉતમ નમુનો જ તો !) ડામચીયા ઉપર ઢાંકવામાં આવે, જેથી સુઘડતા અને વ્યવસ્થા સાથે સાથે દીવસભર ડામચીયો માથે ન આવે. કોઈક વાર શું !હરહંમેશ મહેમાનોથી ઉભરાતા અમારા ઘરમાં ઓસરી રાત પડ્યે ગેસ્ટ રુમ બની જાય. હારબંધ ઢાળેલા પાટીવાળા ખાટલા, ચોખ્ખી પથારી અને મચ્છરદાની સાથે ઓસરી તૈયાર  થઈ જાતી. જાણે નવવધુ !    બાપુ, કોઠારની વાત યાદ કરતાં તો રડવું જ આવી જાય છે. અમેરીકાની મોટી મોટી લાયબ્રેરીઓને ભાંગી નાંખે હોં ! એક બાજુ રંગરંગની રંગોળી ને શરમાવે તેવી દાળકઠોળની બરણીઓ, એક બાજુ આખ્ખા વરસનાં અથાણાંની બરણીઓ, જેને ધોઈધફોળી, ચોખ્ખી કરીને તેને માથેનાં ઢાંકણ ખાદીનાં સફેદ કપડાંથી નાડી વડે બાંધેલાં હોય. બરણી ઉપર ચોખ્ખા અક્ષરે અથાણાંનાં નામની ચીઠ્ઠી ચોંટાડેલી હોય. પાપડના ગોળ ડબ્બાઓ, મશાલાઓની પારદર્શક બરણીઓ. ચા, ખાંડ, લોટના ભુરા કે લીલા રંગના મોટા ડબ્બાઓ (બાનાં મુડ પ્રમાણે દર વરસે રંગ બદલાતા રહેતા) હોય. પછી આવે છે આરોગ્ય અને આયુર્વેદીક દવાઓની દુકાન ! જેમાં હીંગાષ્ટકથી માંડીને વીરેચન ચુર્ણ, મહાસુદર્શન ચુર્ણ, મહાયોગરાજ ગુગલ કે  ભાતભાતના ક્વાથ. બરાબર તે ખાનાંની નીચે નહાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, કૉસ્ટીક સૉડા, અરીઠા વગેરે વગેરે. અમ્મારા ઘરમાં કોઈ અજાણ્યું માણસ આંખ બંધ કરીને કોઠારમાંથી કાંઈપણ ગોતી શકે ! એકી સાથે ૨૦/ ૨૫ માણસોની રસોઈ થાતી હોય પણ રસોડું/કોઠાર હરહંમેશ સ્વચ્છ, સુઘડ, સરળ, હસતાંરમતાં દેખાય. બાથરુમનો વીભાગ રસોડા કરતાં સહેજ મોટો હશે. જેમાં એક મોટું લીલા રંગનું પીપ ભરીને પાણી ભરેલું રાખવામાં આવતું. એક બેઠા ઘાટની પહોળી ડોલ, સામે ગરમ પાણીનો બંબો. બે ઉંચી બારીઓ, બારીની પાંધી ઉપર નહાવાના સાબુ, નહાવાનો પાટલો. ધબાધબ અમે બધા નહાતાં ધોતાંને દોડતાંક નીશાળે પહોંચી જતાં.

હવે આવે છે હીંચકાવાળો, ભગવાનનો, ભાઈ/ભાભીનો, અમ્મારા બધાનો મલ્ટીપરપઝ રુમ. (અમેરીકામાં આવા રુમનું ખાસ નામ ‘ફેમીલી રુમ’) રુમની વચ્ચોવચ હીંચકો, એક ભીંતે ખાટલો, બે ગોદરેજના કબાટ, સામી ભીંતે એક કબાટ ભીંતમાં જડેલો. અને ખુણામાં ભગવાનનું લાકડાનું મંદીર. ભીંતમાં જડેલા કબાટમાં અમારા રોજનાં કપડાંની ઘડીઓ, વધારાના ટુવાલ, નેપકીન સૌથી ઉપલા ખાને રહે. એકાદ બે જોડી બહાર પહેરવાનાં કપડાં ગોદરેજના કબાટમાં રહે. ઘરમાં આવો કે તરત દોડીને હીંચકા ઉપર બેસવાની પડાપડી થાય. બા કે મોટાભાઈ આવે તો ટપ કરતાં ઉભા થઈ જવાનો  ન નોંધાયેલો નીયમ. બપોરે હીંચકાની સુવાંગ માલીકી બાની. સવારસાંજ આ રુમમાં જ પુજા-પાઠ થાય. સાંજે દીવો કરી, જમ્યા પછી અચુક પ્રાર્થના થતી. પીતાશ્રી રાષ્ટ્રનાં કામ પછી ક્યારેક ઘરે આવ્યા હોય ત્યારે ગાંધી પ્રાર્થના અને ‘આશ્રમ-ભજનાવલી’નાં ભજનો થતાં.

હવે ઑફીસ-રુમ: જે અમારો ભણવાનો, કોઈ આવે તો મળવાનો, લાઈબ્રેરી રુમ, અને રાત પડ્યે બધાં બાળકો અને બાનો સુવાનો રુમ બની જતો. આ રુમમાં થોડા ખાસ ફોટાઓ ટીંગાડવામાં આવેલા. જેમાં રમણ મહર્ષી, ગાંધીબાપુ, પોંડીચરીવાળાં માતાજી, રવીન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે. એક લાંબી પાટ, લાકડાની ચાર ખુરશીઓ, જેના ઉપર પડદાના રંગ જેવા જ કુશન કવર, ખુરશી પાછળનો ભાગ પણ ખાદીના કવરથી શણગારવામાં આવતો. સામેની ભીંતે એક ભીંતમાં જડેલો કબાટ હતો, જેમાં અનેક પુસ્તકો રાખવામાં આવતાં. ગાંધીસાહીત્ય તો ખરું જ ! સાથે સાથે ‘હીમાલાયનો પ્રવાસ’થી માંડીને ‘યોગીની આત્મકથા’થી માંડીને તે શરદબાબુની તમામ નવલકથાઓ, ર.વ દેસાઈનો સેટ, ગોવર્ધનરામ ત્રીપાઠીના ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ, ‘કન્યાને પત્રો’ કીશોરલાલ મશરુવાળાનુ અમુલ્ય પુસ્તક. અમારા ઘરના નીયમ પ્રમાણે ૧૦મું ધોરણ પાસ કરતાં પહેલાં આટલું વાચન પુરું કરવું પડતું. આ જ રુમમાં હરીજન સેવક સંધ/ રાષ્ટ્રીયશાળાની અનેક મીટીંગો ભરાતી. મોટાભાઈ વકીલાત કરતા તેથી અસીલો સાથે મોડી રાત સુધી કન્સલ્ટીન્ગ ચાલતું. અમે ત્યાં જ વાંચતા, લખતા અને ભણતા.

ઘરની બહાર ત્રણ લાંબાં પગથીયાં અને સામે ડંકી હતી. ઓટલા અને આંગણું દીવસમાં બે વખત ધોવાઈ જતાં. દીવાલીના દીવસોમાં તો પગથીયાં ને આખ્ખુંયે આંગણુ સ્વર્ગીય રંગોળથી ઝગમગતાં હતાં.
અમેરીકાના  અમારા  આ  હાઈ-ટૅક હાઉસમાં રહેવા  છતાં; મારા બાળપણના આ ઘરની મારે હૃદયે રહેલી ઉંડી મમતાની છાપને, અક્ષરોથી ઉપસાવવાનાં મારા આ દીલી પ્રયાસોમાં, મને નીષ્ફળ થતી હું જોઈ શકું છું... સલામ... મારા વહાલા ઘરને !...

Comments  

Guest
+2 # Guest 2010-05-06 02:31
nice one ... a very sanctity & sweetness moment . also live in natural life style live in organic life style .. well it was amazing moment... isn't that excellent !! . .
by the way a very congratulation for a best of the best article

warm regards..

Devesh Patel
Guest
+1 # Guest 2010-09-15 21:07
Exellent article. But Shuchiben, why you are reminding old forgotten moments?
Zazi.com © 2009 . All right reserved