આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
રાજકોટમાં વળી એવું તે શું કે ‘રાજકોટ’ બોલતાં જ દાંતમાં ખડીસાકરના કટકા ભરાણા હોય એવો સવાદ આવે, દીલમાં ગલગલીયાં થાય અને શરીરમાં એક નાનો શો ગરમાટો અનુભવાય ?
બેત્રણ રાજકોટીયા ભેગા થાય ને તરત જ રાજકોટની શેરીઓ, ગટર, જગ્ગડનાં ભજીયાં, પટેલનો આઈસ્ક્રીમ, ધર્મેન્દ્રસીંહજી કૉલેજ, પટનું મેદાન, ત્રીકોણ બાગ, શ્રોફ બંગલો, રેઈસ કોર્સ, જુબીલી ગાર્ડનની વાતું કુદી કુદીને, તાળીયું દઈ દઈને રસપુર્વક કરે. એમાં ચાંપલાં મુંબઈગરાં કે ભાવનગરીયાંઓ, પોરસીયાં રાજકોટીયાંઓની નસ દાબે, ‘કાં, તમારા રાજકોટમાં ગંદવાડ બહુ, હોં ! ખુલ્લી ગટરોને લીધે બહુ વાસ મારે !’ રાજકોટના ‘બાપુ’ એવે ટાણે ભાઈસા’બ મુછનો દોર વાંકો ન થાય એવા ધીમા કાઠીયાવાડી અવાજે, તમાકુ ચાવતાં ચાવતાં બારીની બહાર જોઈને કહે કે, ‘હા, તમારી વાત સોળ આના સાચી કે ગંદવાડ ખરો...પણ સોખ્ખો ગંદવાડ, હોં !’ અને તરત જ કાઠીયાવાડી અદાથી વાતનો દોર બદલાવી કહે, ‘બાપુ, સાંજે છ વાગ્યા નથી ને એય રાજકોટના ઉનાળાની સાંજ કેવી માદક, કાં ને ?’ રાજકોટના માણસો દલીલ ચર્ચામાં ન પડે; પણ સહેલાઈથી, સીફતથી ફીરકીના દોરની ઢીલ મુકી જુદી જ દીશામાં પતંગ ચગાવે !
છેલ્લાં ત્રીસ વરસથી મેં રાજકોટને ભૌગોલીક રીતે છોડી દીધું છે; પણ દીલમાં તો તાજા ગુલાબ જેવું તે સતત મહેકે છે, સુંવાળપથી સ્પર્શે છે, ધબકે છે, વહે છે અને એક અનેરો કેફ ચડાવે છે. અહીંના મારા અમેરીકાફીલાડેલ્ફીયાના લોકો પુછે કે, ‘એવું તે ત્યાં શું છે ?’ ત્યારે થાય, ક્યાંથી શરુ કરું મારી વાત !
મારે માટે મારું રાજકોટ એટલે મારું જાની બીલ્ડીન્ગ, રાષ્ટ્રીય શાળા, જી. ટી. સ્કુલ અને ધર્મેન્દ્રસિંહજી કૉલેજ. બસ, બધું એમાં સમાઈ ગયું ! જાની બીલ્ડીન્ગ એટલે ફક્ત તે મોટું મકાન માત્ર નથી. જાની બીલ્ડીન્ગ એટલે જાણે ‘ગાંધી આશ્રમ’નું એક્સટેન્ડેડ વર્ઝન. ફરક માત્ર એટલો હતો કે ગાંધીજી ત્યાં રહેતા ન હતા. આશ્રમવાસીઓએ અને ગાંધીજીના અનુયાયીઓએ ત્યાં આવી એમનું રહેઠાણ બનાવેલું. મોટું ડેલાબંધ મકાન, ડેલામાં પરમાત્મા પગીનો વાસ, ડેલાની બન્ને બાજુએ બે ઑફીસો, એક બાજુ જાણીતા વકીલ બાલકૃષ્ણ શુક્લ અને બીજી બાજુ જાણીતા વકીલ સત્યેન જોશી, વચ્ચે ફળીયું, ફળીયામાં ડંકી, ડંકીની આજુબાજુ બાંધેલી ચોકડી, ડંકીની સામે બે સીડી, સીડી પાસે વાવેલા કરેણના છોડ એક સફેદ, એક લાલ. આગળ ચાલો તો પાછું નાનું શું ચોરસ ફળીયું, વચ્ચે નાનો પૅસેજ, ફરી જાની બીલ્ડીન્ગનો વીસ્તાર જ્યાં ભાઈઓ અને બહેનોનાં પાયખાનાં, પાસે બીજી ડંકી અને સામે અમારા ‘મામા’ની દુકાન, જ્યાં નારંગીની પીપરમીન્ટ. શીંગદાળીયા મળે. અને છેલ્લે આવે બગીચો.
બે માળના મકાન ઉપર મોટી અગાશી. મારાં જેવાં બસોએક છોકરાછોકરીઓનું શૈશવ ફળીયામાં અગાશીમાં ગયું હશે. રમતોમાં લંગડી, ખોખો, ધપ્પો, ભમરડા, અમીનો, નાગોળીયો, ક્રીકેટ, સાઈકલ, ગરબડીયો ગોરાવો, ઘોઘો અને પ્રસંગોમાં નવરાત્રી, હોળી, લગનમરણ અને આત્મહત્યાઓ બધું આવી જાય ! અગાશીમાં પતંગ, ગુબારો, ઉનાળાની રાતો, તારાઓનું જ્ઞાન, અને પરાક્રમી પુરુષાતનો જેમ કે બંગડીવાળો નીકળે તો પાણા ફેંકી બંગડીઓ ફોડવી, કોઈના પર ઠંડું પાણી રેડવું, ધમાચકડી કરવી. સાંજે ઘરભેળા થઈએ ત્યારે હરહંમેશ સારા એવા મારની આગાહી. ઉભાં ઉભાં બે હજાર વાર રામનામ લખ્યા છતાં ન સુધરેલી પ્રજા તે અમે ! લગભગ ૨૫૩૦ છોકરાંની ગૅન્ગ નીર્દોષ આનન્દ લુંટે. આશ્ચર્યની વાત તો એ છે કે, આમાંથી કોઈનો પણ પ્રેમમાં પડીને કે પ્રેમમાં પડ્યા વગર પરણ્યાનો એકે દાખલોય નથી જડતો ! કોઈનાંય અંદરોઅંદર લગ્ન નથી થયાં. નાખી દેતાંયે જાની બીલ્ડીન્ગનાં, તે વેળાનાં ૨૫૩૦ બાળકો, આજે વયોવૃદ્ધ થયેલાં, અમેરીકામાં રહેતાં હશે અને આટલાં વર્ષે પણ જ્યારે એકબીજાને મળે ત્યારે સગાં ભાઈબહેનથીય વીશેષ પ્યાર કરે છે.
અમારા જેવા નાલાયકો ભણવામાં હોશીયાર તો ખરા; પણ છતાંયે ખાદીધારી દવે સાહેબ બરાબર સાડાચાર વાગ્યે, ‘ચાલો બહેન, ચાલો ભાઈ !’ કરતાં અમને ભણાવવા આવે. ધોતીયાની પાટલી હાથમાં પકડી, ટોપી સરખી કરી, છોકરાઓને ધોલ મારે અને છોડીઓને ડોળા દેખાડે ! અહીં અમેરીકા આવી બધા હવે ‘દવે’ના ‘ડેવ’ થઈ જાય; પણ દવે સાહેબ અમેરીકા આવ્યા વગર અમારા તો ‘દેવ’ થઈ ગયા ! એમનું પ્રાથમીક શીક્ષણ આજે પણ એટલું જ કામ આપે છે. રાષ્ટ્રીય શાળામાં બધાં સાથે ભણવા જઈએ, રેંટીયો કાંતીએ, સફાઈ કરીએ, શાળાના પ્રાર્થનાખંડમાં પ્રાર્થના કરીએ. ગાંધર્વ મહાવીદ્યાલયનાં ‘બહેન’ અને ‘ભાઈ’ તરીકે ઓળખાતી પતીપત્નીની જોડી વીજયાબહેન અને પુરુષોત્તમભાઈ અમને સંગીત શીખવે. જાની સાહેબ કસરત કરાવે. એય ને લીલાલહેર હતી..! બાલ્કનજીબારીનાં પર્યટનો, છવ્વીસ જાન્યુઆરીનાં સરઘસો, પંદરમી ઑગસ્ટનાં ઝંડાવંદનો...
પાંચમા ધોરણથી જાની બીલ્ડીન્ગનાં છોકરાંછોકરીઓ છુટ્ટાં પડી જાય; તે છેક પાછાં કૉલેજમાં ભેળાં થાય ! અમે જી.ટી. સ્કુલમાં અને છોકરાઓ વીરાણીમાં જાય. ભણાવનારાં બધાં અમારાં માયબાપ જેવાં. અમારા જેવી બાંગડ પ્રજાને ભણાવવી, કેળવવી એટલે માથાની ઓલીકોરનું જ કામ.
રાજકોટ આમ તો જૈન વાણીયાનું ગામ. એમાં પાછાં ગરાશીયાઓરાજપુતોની દાદાગીરી ! પણ અમારે એની હારે કોઈ લેવા કે દેવા નહીં. અમારી દુનીયા જાની બીલ્ડીન્ગ, રાષ્ટ્રીય શાળા, જી.ટી. સ્કુલ અને ધર્મેન્દ્રસીહજી કૉલેજમાં વસેલી. એ જમાનામાં રાજકોટમાં ૬૦ ઘોડાગાડીઓ અને ૨૦૦ સાઈકલ માંડ હશે.
રાજપુતપરામાં અભેસીંગભાઈની ઘોડાગાડી કરાવવાની અને જનમદીવસ વખતે રાણા સાઈકલ સ્ટોરમાંથી લાલ સાઈકલ એક આનાની આખા દી’ માટે ભાડે કરી ગામ આખું ખુંદી વળવાનું. આંગળીને ટેરવે ગણીએ એટલી મોટર ગામમાં ! બજારમાં જઈએ તો ગાડીના હૉર્ન પરથી જ ખબર પડી જાય કે કોની ગાડી નીકળી. ‘આ તો રસીકભાઈ શાહ, દેરાસર જવા નીકળ્યા... આ તો સવીતાબહેન વીભાકર, વીઝીટે જવા નીકળ્યાં... આ તો સદરબજારવાળાં ડૉ. તારાબહેન જાદવની બેબકાર હૉસ્પીટલને રસ્તે રુમઝુમતી ઉપડી... કે હવે સારેગમ વગાડતી ડૉ. વરીયાવાળાની ગાડી...’
પોલ્યુશનનું નામ નહીં. ગંદવાડ તો હતો જ નહીં અને હશે તો દેખાય નહીં એટલો ચોખ્ખો ગંદવાડ ! આજે અમે ત્યાં પાછાં જઈએ ત્યારે જુના રાજકોટનાં દર્શન થાતાં નથી. પરીવર્તન તો જગતમાં એક ધ્રુવની જેમ અચલ જ છે. આપણા મોઢાની સુરખી પણ ક્યાં હવે પહેલાં જેવી રહી છે?
પણ મારા ખયાલોમાં રહેલું મારું રાજકોટ સદાયે સુંદર, સ્વચ્છ અને રળીયામણું છે.
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
Comments
BHARATKUMAR H SANGHVI