આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દર વેકેશન પડે એટલે ક્યાંક બહાર જવું પડે,એ શાસ્ત્રનો વળલખ્યો નિયમ છે.આપણા માટે નહિ તો બીજાને માટે પણ જવું પડે.કારણ પડોશી,સગા-વાલા,ઓળખીતા સહુ એક જ પ્રશ્ન કરે: ‘રજામાં ક્યાં જવાના?’ અને કાકા, મામા કે મને ત્યાંતો શું સગા ભાઈ-બહેનને ત્યાં જવાનું હવે ‘આઊટડેટેડ’ બની ગયું છે.
‘પિયર ક્યાંથી જાઉં?છોકરાવ ને ન ગમે’ કહી પોરસાતી વેવલી માતાઓનો ગુજરાતમાં તોટો નથી.રજામાં કોઈના ઘેર નહિ,ફરવા જ જવું પડે,દિવાળી સમયે ચાર દિવસ ઘરમાં રહેતાં લોકો હવે હાંસીને પાત્ર બની રહે છે.જેટલાં દુર જાવ કે વધારે ખર્ચ કરો,તેટલું તમારું સ્ટેટસ ઊંચું. અભ્યાસમાં સમયાંતરે જુદા જુદા ટ્રેન્ડ જોવા મળે છે.જેમકે વર્ષો પહેલાં મેડીકલની બોલબાલા હતી. પછી એન્જીનીરનો જમાનો આવ્યો. તેમાં પછી કમ્પ્યુટરની કમાલ આવી. કમ્પ્યુટર એન્જીનીર થવાય તો ઠીક નહીતર બી.એસ.સી.,નહીતર તેનાં નાનામોટાં કોર્સ પણ કરવા.માઈક્રોબાયોલોજી પછી બાયોટેક ને જીનેટિક..અને સી.એ.,એમબીએ -એમ જુવાળ ઉઠતા જાય છે અને શમી જાય છે.તેનાં જેમ જ એક જમાનો હતો લોકો વૈશ્નોદેવી ઉપડતા.કે પછી હરદ્વાર-દિલ્હી.પછી હવા ખાવાનાં સ્થળની બોલબાલા વધી.ઉટી,સિમલા કે માથેરાન વિષે ત્યાં આપણું ઘર હોય તેવી રીતે વાતો કરતાં થયા.વળી સાઉથની ‘ ઠેકડી’ પણ ચાલી.પણ ના,હવે તો જુદી વાત કરવાની.એકવીસમી સદીમાં દેશની બહાર ફરવા જવું પડે.પેકેજ ટુરની લોભામણી જાહેરખબરો લગભગ બધાને આકર્ષે છે. બીસનેસમાં પડેલાઓને પૈસા ખર્ચી કુટુંબને બહાર ફરવા લઇ જઈ,પછી વરસ-બે વરસ માત્ર ધંધામાં મન રાખી કમાવાનું,પત્નીની કોઈ કચકચ નહિ-એમાં સરવાળે ફાયદો દેખાય છે.એલ.ટી.સી.,ગાડીના બંને પૈડાની કમાણીની દોટ,અને આ બધાં કરતાંયે અંતહીન દેખાદેખી-બધાને લીધે હવે તો વિદેશ ફરવા જવાની ફેશન ફૂલીફાલી છે.
અને એટલે બધાં વિદેશ ફરી આવે અને આપને રહી ન જઈ તેથી અમે પણ બહાર જવાનું નક્કી કરી દીધું અને આ બાબતનો લાગતાવળગતા સહુને ઢંઢેરો પીટી દીધો.કારણ બહાર જવા જેટલું જ –કદાચ તેનાથી વિશેષ મહત્વ આ વાત સહુ જાણે તે હતું.તેથી અમારા જવા અને પછી પાછા આવવાની સહુ કાગડોળે રાહ જોતા હતા.
ફરીને ઘરમાં પગ મુક્યો ત્યાં તો બાજુવાળાં નલીનીબેન આવી પહોચ્યાં. ‘ઓહો! આવી ગયા? કેવી રહી તમારી સિંગાપુરની સફર?’
મારી સફર અને સિંગાપુરની વાતો મેં ઉત્સાહથી કહેવા માંડી ત્યાં મને અધવચ્ચે અટકાવી તેમણે પૂછ્યું: ‘પણ ત્યાં ખાવાપીવાનું કેવું?આપણા જેવું કે?’
‘સાવ તેવું તો ક્યાંથી હોય?’અલબત્ત નોર્થ ઇન્ડિયન,સાઉથઇન્ડિયન હોટેલ મળી જાઈ ખરી.’
‘તો શું?’ કહી નલીનીબેન મોંમચકોડી ચાલતા થયા.’હાઈ-ટેક’ સિટીની મારી સફરની વાતો હવામાં અધ્ધર જ રહી.
વળી બીજા દિવસે કોઈએ પૂછ્યું: ‘તે તમે ટ્રાવેલ્સમાં ગયા હતા?કે’છે રાજવાળો સારી વ્યવસ્થા કરે છે. ખાવાનું પણ ગુજરાતી અને સાથે પણ મોટા ભાગે ગુજરાતી જ, આપણા લોકો જ હોય.હો!’
મને લાગે છે કે ખાવાનાં મુદ્દે આપણે બહુ સમાધાન ન કરી શકીએ તેથી તે વાત પડતી મૂકી મેં કહ્યું:
‘ના, બુકિંગ ટ્રાવેલ્સ થ્રુ હતું,પણ ગયા અમે અમારી રીતે.મોટા ગ્રુપમાં આપણા જ લોકો હોય-બધી વ્યવસ્થા હોય તો ખરેખર વિદેશનીધરતીની સોડમ ન મળે,ત્યાંના લોકોનો પરિચય મેળવી શકાય નહિ.વિવિધ લોકોની સંસ્કૃતિ શું તે ખબર પડે.આપણી રીતે જઈએ તો ફલાઈટમાં પંજાબી નવપરિણીત યુગલ પણ હોય,વૃધ્ધ ઓસ્ટ્રેલિયનપણ હોય કે એકલદોકલ લબરમુછીયો જાપાનીઝ પણ હોય.’
હું જાણે વિચિત્ર પ્રાણી હઉ તેમ તે મારી સામે જોઈ રહ્યાં.વિદેશની ફાઈવસ્ટાર હોટલના રીસેપ્શનીસ્ટ સાથે બે વાક્ય પણ બોલ્યા વિના,જાણીતા અને આપણા લોકો સાથે ફરવા મળતું હોય તો ‘બીજા’ લોકો સાથે ફરવાની જરૂર શી? અને આ સંસ્કૃતિ-બંસ્કૃતીની લપ શી વળી? તેનો તાગ મેળવવા તેમણે માથુ ખંજવાળ્યું.
‘એ સંગલી..કઈ ગઈ?’સિંગાપુરની નાઇટ-સફારી માટેની ટ્રેઈનની કતારમાં ઉભેલા એક શર્ટ પેન્ટ પહેરેલા પિસ્તાલીસેક વરસનાં સન્નારીએ બૂમ પાડી.સંગલી-પેલાં સન્નારીની નાની પ્રતિકૃતિ શી-દોડતીત્યાં આવીત્યાં તો ચારની સંખ્યામાં પાડેલી ક્યુને કોઈએ તોડી,દોરી કુદાવી સીધા અંદર એન્ટ્રી લઇ લીધી.તેથી માતાજીએ પણ સંગલીનો હાથ ખેંચી તેની સાથે દોરી કુદાવી ટ્રેનમાં બે હાથ પહોળાં કરી જગ્યા લીધી અને સામેની સીટમાં પર્સનો ઘા કરી સંગલીના પૂજ્ય પિતાશ્રી-જે ક્યાંક શિસ્તબદ્ધ સૈનિકની જેમ શાંતિથી કતારમાં ઉભા હતા –માટે પણ સીટ રોકી રાખી.
રાતનાં અંધકારમાં પ્રાણીઓને જોવા માટે ટ્રેનમાં અમારી જંગલયાત્રા શરૂ થઇ ત્યાર પહેલાં જ કેટલીક સૂચનાઓ મળી.જેમકે શાંતિ રાખો,ઘોંઘાટ ન કરો,કેમેરા સંપૂર્ણ બંધ.પ્રકાશથી ડરીને પ્રાણીઓ જંગલમાં ભાગી જવાની પૂરી શક્યતા છે.વ.ધીમે ધીમે ઘાટા અંધકારને ચીરતી ટ્રેન આગળ ચાલી.રસ્તાની બંને તરફ મધ્યમ સ્પોટ લાઇટમાં સાવ હાથવેંત દેખાતા પ્રાણીઓનો પરિચય અપાતો હતો.પણ સાંભળે કોણ?
‘જો બેટું,હઠી(હાથી) .....હેય ભેંસ આવી તો આપણે ઇયા લાટ પડી છે...’
‘હેય...પણે ચિતો....હે સાપ..જુઓ જુઓ...ભાગ્યો..’ગોકીરાવચ્ચે કેમેરાનો ફ્લેશ થયો અને બે હરણાંની આંખમાં ભયનો ઝબકારો કરતો ગયો.તે ત્યાંથી તરત જ ભાગ્યા.ફરી ઇ જ સૂચના અપાઈ-કેમેરા બંધ રાખો.થોડીવારની શાંતિ પછી પાછો અવાજ અને કેમેરા ચાલુ થયા.બે ત્રણ વાર સૂચના અપાયા છતાંય કેમેરા ક્લિક થયા રાખ્યા.આખરે એક ક્લિક પછી ટ્રેન ઉભી રહી ગઈ.થંભી જ ગઈ.કડક શબ્દોમાં ફરી સૂચના અપાઈ.થોડી વારે ટ્રેન ચાલુ થઈ ત્યાં કોઈ ટહુક્યું:ફિર ભી કાફી લે લીયે.
બર્ડ પાર્કમાં બધાને સૌથી વધારે જલસો પડ્યો.ડોલ્ફીન કે સાપ કરતાં રૂપકડાં પક્ષી જોવા વધુ ગમે ને? તેમાં પણ પોપટ જેવાં પક્ષીઓ બિલકુલ માણસ જેવું જ બોલે.તમે જે બોલો તેનો જાણે પડઘો પાડતા હોય તેમ પક્ષીઓ એજ વાક્ય બોલે. ના માત્ર વાક્ય જ નહિ,ઇ જ ઢાળ અને ઇ જ લહેકો પણ આવે.એટલે એક પછી એક કેટલાંય ‘આઈ લવ યુ’ ના શબ્દઘોષ ઉઠ્યા,પડઘાયા અને શમી ગયા.કેટલાકે વળી લલકાર્યું:હું મૂરખ છું.સામેથી પક્ષી બોલ્યું:હું મૂરખ છું.
અમે હોટલમાં ૧૪મા માળેથી નીચે આવવા લીફ્ટમાં પગ મૂક્યો ત્યાં તો સામે બ્રહ્માંત્વના સાક્ષાત દર્શન થયા.સામે એક ઉંચી વ્યક્તિ લીફ્ટમાં હતી-સફેદ ધોતિયું,ઉપર વસ્ત્ર કે ઉપવસ્ત્ર જે ગણો તે થોડી કાળી પાડેલી જનોઈ પહેરેલી.લીફ્ટ નીચે આવી.લોબીમાં ચાલ્યા જતાં ઇ જવાંમર્દ પર કેટલીયે પરદેશી નજર વિસ્મયથી મંડાઈ.મને વિસ્મય થયું-‘ટોપલેસ સમાજવાળા આ બધાને આમાં શું ટીકીટીકીને જોવા જેવું લાગ્યું હશે?’
સિંહની મુખાકૃતિ અને માછલીની પૂંછડી ઇ સિંગાપુરનું રાષ્ટ્રીય પ્રતિક છે. આ પ્રતીકની મેં મિત્રને સફરની યાદગીરી રૂપે હોંશે હોંશે ભેટ ધરી.સિંગાપુરની ધરતી પર રાજ્ય કરતાં શક્તિશાળી સિંહ-મર્લિયન-તે ધરતીને જીતવા આવેલા પ્રિન્સની આંખમાં એવું તે કયું તેજ જોયુંકે તેણે પ્રિન્સને પ્રવેશવાની સંમતિઆપી ઇ બધી વાતો કહેવા મારું મન તલપાપડ હતું.ત્યાં તો મિત્રએ તેણે હાથમાં લઇ ચારે બાજુ ઉપરનીચે ફેરવી જોયું અને કહ્યું: આમાં તો પાણી જેવું થોડું કંઈ હલે છેઅને થોડી જરી ઉપરનીચે થાય છેબીજું કઈ નથી.’ તેની નિરાશાને નજરઅંદાઝ કરી મેં સમજાવવા માંડ્યું
‘આ રમકડું નથી કે તેમાં કરામત હોયતે સિંગાપુરની વિશિષ્ટ ગણાતી વસ્તુ છે. લાયનનું મુખ અને ફિશની પૂંછ એ માત્ર કૃતિ નથી,સિમ્બોલ છે.તેનાં દ્વારા.....’
બાકીના શબ્દો મારે ગળી જવા પડ્યા કારણ તેણે લયાનનું મોં કે ફિશની પુંછડી જેવી મોં માથા વિનાની વાતમાં રસ ન હતો.
પાડોશીનાં પુત્રના હાથમાં મેં ચોકલેટ પધરાવી ત્યાં તેનાં મમ્મીએ બહાર આવતાં પૂછ્યું: શું લાવ્યા?
‘આ ચોકલેટ,કંઈ નહિ.’
‘અરે એમ નહિ તમારા માટે શું લાવ્યા?’
‘’કંઈ નહિ હવે અહીં બધું મળે જ છે ને? બસ ફરી આવ્યા.’
‘લે,એવું કેવું?’
બહાર જઈએ એટલે કપડાં-લતા,પાકીટ,નામ લખાવેલી નેમપ્લેટ,કીચેન,પેનસ્ટેન્ડ છેવટે શંખ ક્યાંક તો શક્તિ પ્રમાણે લાવવું જોઈએ.અને પછી વાપરો નહિ તોય શોભામાં મુકવું જોઈએને? તેને મારી વાતમાં વજુદ લાગ્યું નહિ.પણ મારાં ચહેરાના હાવભાવ પરથી મારી વાત ખોટી નથી તેની ખાતરી થતાં કહ્યું:
‘લે ખરી કરી તમે તો...’અને સામે દુનિયાની સૌથી મૂરખ અને ડફોળ વ્યક્તિ ઉભી હોય તે રીતે મારી સામે જોયું.
સારું છે કે આવા મૂરખ અને તદ્દન ડફોળ ‘ઢ’ ની સંખ્યા દુનિયામાં બહુ વધારે નથી.
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Comments
manish