આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
‘વુ ઇસ ધ મોસ્ટ મીસરેબલ એનિમલ ઓન અર્થ?’
એક દિવસ ક્લાસમાં મેં કોઈ વાર્તા સમજાવવાની પ્રસ્તાવના કરતાં પૂછ્યું.
ક્યાંક કોઈ ખૂણેથી જવાબ મળ્યો:
‘એન ઇંગ્લીશ ટીચર સર’
મને એક મીનીટ તેને તમાચો મારવાનું માન થયું,મારા-અંગ્રેજીનાં શિક્ષકને ભર્યા ક્લાસની વચ્ચે આવો જવાબ? ‘યે તેરી હિંમત?’ એવો ફિલ્મી ડાયલોગ પણ યાદ આવ્યો.મેં શિવના ત્રીજા નેત્ર જેવી ધગધગતી આંખ તેના તરફ ફેરવી, ત્યાં ગુસ્સો જાણે ઠરી ગયો.તેનાં મોં પર ન હતો કોઈ કટાક્ષ, નહી રમુજ, નહી ‘કેમ સંભળાવ્યુંને?’ એવો ગર્વનો ભાવ. ત્યાં તો હતી નિખાલસતા, નરી નિર્દોષતા.પોતે એવું તે શું બોલીનાખ્યું કે ટીચરને ગુસ્સે થવું પડે? એ નહી સમજી શકવાની અસમંજસ અને મૂંઝવણનો ભાવ ચોખ્ખો વર્તાઈ આવતો હતો.
તેનાં આ વાક્યે મને વિચારતો કરી મુક્યો: આમ તો વાત ક્યાં ખોટી હતી? બીજા વિષયને રસપ્રદ બનાવી શકાય પણ અંગ્રેજીને રસમય બનાવવાનું કમ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું હતું.છોકરું ક્લાસમાં આવે ત્યારે જ એક નકારભર્યું નીરસ વલણ લઈને દાખલ થાય.જાણે વાઘની બોડમાં પ્રવેશતાં હોય તેમ બીતાં બીતાં આવે. તો કેટલાક નરવીર ડરતાં નથી એવો દેખાવ કરે પણ અંદરથી ફફડે.શારીરિક હાજરીથી વિશેષ કોઈ હાજરીની જરૂર ભાગ્યે જ કોઈને લાગે છે.કોઈ બગાસા ખાય,કોઈ ઘડિયાળ સામે ત્રાટક કરી જુએ,કોઈ કાનાફૂસી કરે. કાચાપોચા માસ્તરના ક્લાસમાં વળી ચિઠ્ઠીની આપ-લે થાય.ક્યાંક મોબાઈલમાં ગેમ રમાય.અને આ સિવાય ઘણું બધું થાય જેની શિક્ષકને ખબર પણ હોતી નથી.ટૂંકમાં ઘણી બધી ભણવા સિવાયની પ્રવૃત્તિ ખુબ ફૂલે ફાળલે અને વિસ્તરતી જાય.અંગ્રેજીનો શિક્ષક ધીમે ધીમે વિદ્યાર્થીઓની સાયકોલોજી સમજતો અને શીખતો જાય.
અને બીજું શીખે ગુજરાતી.ભણાવે ભલે અંગ્રેજી પણ શીખે ગુજરાતી. શિક્ષકને ગુજરાતીમાં ભાષાંતર આવડવું ફરજીયાત છે.જો તે તેને બરાબર ન આવડે તો કાયમ માટે તેનાં નામ પર ચોકડી વાગી જાય.લેક્ચર દરમ્યાન ટ્રાન્સલેશનનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીઓ એવા જોરદાર ‘ટ્રાન્સ’માં આવી જાય કે શિક્ષકને કાયમ માટે ‘લેશન’ મળી જાય!
અને બિચારાની ‘ટ્રેજેડી’ તો જુઓ. કોઈ મહાકવિનું આ તરફ ધ્યાન જ નથી ગયું લાગતું. નહીતર તેની વિષે અતિ ચોટદાર કરુણાંતિકા લખાઈ હોત.ક્લાસમાં આ શિક્ષક ગુજરાતી બોલે છે તો લોકો કહેશે, ‘આ સાહેબને બહુ અંગ્રેજી આવડતું નથી. અને જો ગુજરાતી ન જ બોલે તો કહેવાશે, ‘અહાહા...ઈન્ગ્લીશની પૂંછડી મોટી જોઈ ન હોય તો! હોંશિયારી મારે છે’ બિચારાની આખી જિદગી આ બે ભાષાનાં છેડાને સાચવવામાં નીકળી જાય અને તેની હાલત ‘ન ઘરનો ન ઘાટનો’ જેવી થાય છે.કે પછી ક્યારેક તેની હાલત ‘જેક ઓફ ઓલ ટ્રેડસ્ બટ માસ્ટર ઓફ નન’ જેવી બની રહે છે.
અંગ્રેજીનો શિક્ષક એટલે ‘ઓલ ઇન વન’નું પેકેજ.દરેક શાળા કે કોલેજમાં કાર્યકામનું સંચાલન તેનાં માથે હોય છે. તેથી આયોજનનો ભાર પણ અન્યો તેનાં તરફ ઢોળે છે. આ કારણે તે સાથીઓની ઈર્ષ્યાને પાત્ર બને છે. તેઓને થાય છે કે હમેશા એક માણસ જ અનાઉન્સર કેમ બને?તેઓ તેની ભૂલો શોધવા હરહંમેશ તત્પર રહે છે.તેઓને ક્યાં ખબર હોય છે કે દર વખતે મુરખ જેવાં પ્રમુખો,મુખ્ય મહેમાન અને વક્તાની ખોટી ખુશામત કરવા નવા શબ્દો શોધવાનું કેટલું ભારે કામ છે. નવા શબ્દો એટલે શોધવા પડે કે મુખ્ય અતિથિ સિવાયનો શ્રોતાગણ એકનો એક જ છે જે ટીકા કરવા ટાંપીને બેઠો છે! અને આવા ખોખલાં વિશેષણો વાપરી વાપરીને પોતે ખોટું કરી રહ્યાની આત્મગ્લાનિની પીડા કોણ જાણે છે?
અંગ્રેજીનો શિક્ષક એટલે કોઈ પણ પ્રકારના તરજૂમા કરાવવાનું હાથવગું સાધન જાણે.શાળા-કોલેજના સરક્યુલર હોય તો તેની પાસે જાય.અંગ્રેજીમાં ઉપરીને પત્ર લખવાનો હોય તો તેણે લખવાનો.કોમ્પ્યુટરનું કામ તેણે જ કરવાનું હોય. તમે કહો કે કમ્પ્યુટર ન આવડે તો પણ તે તમારું જ કમ કહેવાય. કેમ? તેમાં અંગ્રેજી હોય ને એટલાં માટે..
‘આ જરા ટ્રસ્ટ-ડીડનું ગુજરાતી કરી આપજોને.’ ક્યારેક ઉપરી તરફથી કહેણ આવે.
અને આ શેક્સપિયર અને મિલ્ટનનો વારસદાર સ્ટેમ્પપેપરની ભારેખમ, કાયદાકીય ભાષામાં અટવાયા કરે. હમણાં જ એક મિત્રએ ‘લો’ ભણવાનું શરૂ કર્યું છે. મેં પૂછ્યું ‘અરે પણ કેમ?’ જવાબ મળ્યો કે હવે તેની સંસ્થામાં તેની ઘણી જરૂર પડે છે.કયા પ્રકારની તે હું જાહેરમાં જણાવી ન શકું. મિત્રો!હસી ન કાઢશો.મારો લેખ ભલે હાસ્યાત્મક કે હાસ્યાસ્પદ હોય પણ આ વાત સો ટકા સાચી છે. હાયરે કિસ્મત! પેલા ફ્રોસ્ટે કહ્યું છે :
‘વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ;
બટ આઈ હેવ પ્રોમીસીસ ટુ કીપ,
એન્ડ માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ.’
કયા પ્રોમીસ? નિમણૂકપત્રમાં નહી લખાયેલાં પણ કાયમી ધોરણે માંગી લેવાયેલા, વણઉચ્ચારાયેલાં, વણઉલેખ્ખાયેલા રામવચન જેને પાળ્યા વિના છૂટકો જ નહી. એટલે આજે કોઈ ટેકનીકલ દસ્તાવેજ, કાલે કોઈનું ભાષણ કે સ્પીચ,પરમ દિવસે પ્રેસ-રીપોર્ટ,અને હા ઓફીસના પત્રવ્યવહારો તો ખરા જ વળી.આમ ઘણા બધા અનુભવોથી સમૃદ્ધ બનતો રહે છે આ શિક્ષક.
આ અંગ્રેજીનો શિક્ષક પહેલાં દિવસે પહેલી વાર વિદ્યાર્થીઓ સામે ક્લાસમાં જાય છે ત્યારે વિદ્યાર્થીઓ નવા શિક્ષકને અજાયબ પ્રાણીની જેમ જુએ છે.અને તેનું પાણી માપવા પ્રયત્ન કરે છે.તેઓને એ યાદ નથી રહેતું કે આ શિક્ષક તેમનાં માટે નવા હોય,પણ શિક્ષક તો વર્ષોજૂના હોઈ શકે.કેટલાક જિજ્ઞાસુ સ્વાદરસિયા પૂછે:
‘સર, લાડુનું અંગ્રેજી શું?’
તો કોઈ ડગલે પગલે અંગ્રેજી જ બોલવા તત્પર ઉત્સાહી પૂછશે:
‘સર, ‘પોતા’ને ઈંગ્લીશમાં શું કહેવાય?’
અને આ ‘લાડુ-પોતા’માં થી ગમે તેમ વિષયાંતર કરી,મુખ્ય વિષયની વાત કરનારા અંગ્રેજીનાં આ ‘વીર’ શિક્ષકને કોઈ પ્રકારના મહાન એવોર્ડથી નવાજવો જોઈએ તેવું તમને નથી લાગતું?
તો કોઈ વળી ‘બીયુટી’ બટ તો ‘પીયુટી’ પટ કેમ નહી તેવા વાસી જોકનો પ્રશ્ન બનાવે.અને હા, વાતચીતમાં ભૂલેચૂકેય ‘આઈ એમ અફ્રેડ’ એવું ન કહેવાય.નહીતર આખી સંસ્થામાં ‘છૂપા’ મેસેજ ફરતા થઇ જાય કે સાહેબ તો બીએ છે.આ અને આવા કૈક અકસ્માતો સાવ અકસ્માત જ સર્જાતા રહે છે.આ માહોલમાં અંગ્રેજી ભાષાની સર્વ શબ્દોને આત્મસાત કરી લેવાની લાક્ષણિકતા,તેની અક્ષર અને ઉચ્ચાર વચ્ચેનીઆ-સામ્યતા અને તેનાં કારણે સર્જાતું સરસ રમતિયાળપણું અને લવચીકતા-આ બધું કેમ કરીને સમજાવવું?
મારા એક સહકાર્યકરે એક દિવસ મને કહ્યું: તમારે તો સારું,નહી?ક્લાસમાં વાર્તા કરવાની હોય.અમારે તો ગપ્પા ન ચાલે.જાણે કેમ અંગ્રેજી કે સાહિત્ય એટલે વાર્તા અને ગપ્પામાં સમય પસાર કરવાનું એવું સાધન હોય જેમાં કોઈ ઊંડાણ કે અભ્યાસની જરૂર નહી.
‘હા, વાર્તા ખરી પણ હિન્દી ફિલ્મો કે ‘કે’ (‘કે’ ફોર શું તે તમે ‘સુજ્ઞ’ છો, ‘કચરાછાપ’ નથી એટલે જાણો જ છો) સીરીઝ જેવી ટીવી સીરીયલ જોતા આ યુવાધનને સાહિત્યનાં ભાવજગત, તેની સચોટ રજૂઆત, સરસ માવજત, માનવહૃદયની ઊર્મિના ઉતાર-ચઢાવ,-આ બધું કેમ સમજાવવું? ફિલ્મી સિતારાની નાની નાની વાતો અને વિગતો જાણનારી પેઢીને કિટ્સ કડિયો નહી ને કવિ હતો, તે પણ કહેવું પડે.જ્યારે યુવાનીને સોક્રેટીસ, સોફોક્લીસ,એલીયટ કે રસ્કિન કોણ છે તેની ખબર નથી અને તે ખબર લેવાની જરૂર પણ ન લાગતી હોય ત્યારે શિક્ષકને થતી વેદના-સંવેદનાથી પૂરી દુનિયા બેખબર છે.
અને એટલે જ આ પૃથ્વી તળે,આ ખલુ સંસારે,આ સકળ બ્રહ્માંડમાં અંગ્રેજીનાં શિક્ષકથી વિશેષ દયનીય વ્યક્તિ બીજી કોઈ ક્યાંથી હોઈ શકે?
જે સત્ય મને વર્ષો પહેલાં સમજાઈ જવું જોઈતું હતું,તે આ વિદ્યાર્થીને માત્ર પરોક્ષ અનુભવથી સમજાઈ ગયું હતું.સલામ! મારા નાનકડા દોસ્ત,આ મહાન જ્ઞાનનો મને સાક્ષાત્કાર તે કરાવ્યો.તું જ મારો સાચો ગુરુ!
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
Read more...