આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચોથા ધોરણના મારા વર્ગશિક્ષિકા મને બહુ જ ગમતા.કેમકે એ ક્લાસરૂમ ના બારણા પાસે ઉભારહી બીજા બેન સાથે વાતો ન હતા કરતાં.અને પાછા સરસ વાર્તા કરી એવા હસાવે ...એવા હસાવે કે અમે રડ્યા વિના સ્કૂલે જવા તૈયાર થઇ જતાં.તેમણે ક્લાસમાં એક દિવસ પ્રશ્ન કર્યો: ‘તમે મોટા થઇ શું બનશો?’અને વારાફરતી બધાને ઉભા કરી જવાબ માંગવા માંડ્યા.કોઈ કહે ડોક્ટર તો કોઈ કહે એન્જિનીએર,કોઈ વળી કાળા કોટ થી અંજાયેલું-તેણે વકીલ થવું હતું.કોઈને મામાની જેમ ઓફિસર બનવું હતું,તો કોઈ વળી આકાશને આંગળી ચીંધી કહે, ‘વિમાન ઉડાડીશ.’મને તો એમ હતું કે હું પોલીસ બેન્ડ નો બેન્ડ માસ્ટર બનીશ.ચકચકાટ યુનિફોર્મ, અર્ધી ચડ્ડી,ઇન કરેલું શર્ટ,લાંબુ દઈને એક હાથમાં વાજું,બીજા હાથમાં સોટી જેવો સળીયો –એક ઈશારે આખું બેન્ડ નાચે,સોરી વાગે.વટ છે ને! અને તેમાં મેળ ન પડે તો પછી લાંબા પટ્ટાની ચામડાની બેગવાળો કંડકટર.તેનાં ચમકતા બીલ્લાનું તેજ મોઢાં પર પડતું હોય.સૌથી સારી વાત એ કે બસમાં ગમે તેટલી ભીડ હોય કંડકટરની જગ્યા હોય જ.(જોકે ભીડમાં એ જગ્યા પર તેને કેટલું બેસવા મળે છે એવો વિચાર ત્યારે ન હતો આવ્યો.ઉબડખાબડ રસ્તા પર ઠુમકા લેતી બસમાં બે પગ પહોળાં રાખી,બેલેન્સ રાખી ટીકીટનું બોક્સસાચવતો જાય,પાછો બધાને જુદાજુદા ભાવની ટીકીટ આપતો જાય,પૈસાની ને ખાસ તો પરચુરણની લેવડ-દેવડ કરે-બધું જ કરે,જરાયે ગબડી પડ્યા વિના.અદભૂત! અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી,તેમ તેને માત્ર પેસેન્જરની ટીકીટ જ દેખાય.ગરમી-ગીરદી-ગોકીરો બધું જ થતું હોય પણ આ મસ્ત્યવેધીની નજર મુસાફર પર જ હોય.ભલે ને ગમે તે સ્ટેશન થી ચડો કે ગમે તે સીટ પર બેસો.તો નક્કી-હું આ બેમાંથી એક બનું.પણ આ ડોક્ટર-એન્જિનીએર,વકીલ ની હારમાં મારું શું થશે?અખો ક્લાસ હસશે તો?એમ વિચારમાં જ હતો કે મારો નંબર આવી ગયો.ગભરાટથી ગાત્રો ઢીલાં પડવા લાગ્યા.બીક છુપાવવા મેં અવાજ મોટો કરી કહ્યું: ‘કૈક કરી બતાવીશ.’
અવાજ કંઈ મોટો થઇ ગયો હશે કે જુસ્સો વધી ગયો હશે,બેન તો તાળી પાડી ઉઠ્યા. અને હું કંઈસમજુ તે પહેલા અખા ક્લાસે તાળી પાડી.આ તાળી શાની પડી તેનો તાળો આજ સુધી મને મળ્યો નથી. જોકે મોટા થયા પછી એવું અનુમાન લગાવું છું કે કદાચ બેનને આ જુસ્સામાં ઝાંસીની રાણી કે વીર સાવરકર જેવાની વાર્તા યાદ આવી હશે અને શાબાશ કહી બેઠા હશે.
અને એ કંઇક શું બની શકાય તેનાં વિચારમાં અને તે બનવાના આયોજનમાં, તેની તૈયારીમાં વર્ષો વહેતાં ચાલ્યા.પણ હવે એ જૂની વાત માળિયા પર ક્યાંક ખૂણે પડેલ પેલી ડોલની જેમ જયારે યાદ આવી ત્યારે મને મારી જાત માટે ભયંકર તિરસ્કાર અને ગ્લાનિ થાય છે.એટલે નહિ કે હું કંઈ ન બન્યો,પણ એટલે કે મારાં માનીતા બેનની મારાં પરની મહાન આશાઓ પર મેં પાણી ફેરવ્યું.અને એટલે જ ટાઈમાં ગાંઠ નહિ પણ ગાળિયો બાંધી ‘પણ’ લીધું: હવે કંઇક બનવું જ.
ફરી એ જ પ્રશ્ન:શું બનવું?નાનપણમાં તો ડોક્ટર એન્જીનીએરના સપના નહોતા આવતાં પણ મોટા થયે પણ ન આવ્યા.આસપાસ બધે નજર ઘુમાવી તો લગભગ બધે જ ખાણીપીણીના ખૂમચા કે હોટેલ હોય જ.અહહા! દુનિયા શા માટે મોટી કેરિયર બનાવવાની દોટ મુકે છે? આખરે તો ભૂખ્યા જનોનો જઠરાગ્ની તૃપ્ત કરવાથી વિશેષ ઉત્તમ બીજું કયું કામ છે?હું તો મોટો શેફ બનીશ(મહારાજ કે રસોયો નહિ,નોટ ધ પોઈન્ટ.)હજી પેલા કડક યુનિફોર્મ અને ચકચકતા બીલ્લાનુંઆકર્ષણ એવું ને એવું જ અકબંધ છે.અસ્ત્રીટાઈટ અને ચોક્ખા એક પણ નાના તીન્કા જેત્લાયે ડાઘ વિનાના કપડા.અને પાછી આછા અને ઓછા વસ્ત્રોમાં સજ્જ નમણીઓ આપણી વાહ વાહ કરે.તેથી મેં ધીમે ધીમે પાકશાસ્ત્ર ની કલા પર ધ્યાન વિકસાવવા માંડ્યું.એક –બે વાર દાઝવાના કે બે-પાંચ વખત ચપ્પુ વાગવાના પ્રસંગોથી હું નાહિંમત થાઉં તેમ નહોતો.પૂર્ણ એકાગ્રતાથી દરરોજ ત્રણ-ચાર કલાક કે ક્યારેક અડધો દિવસ રસોડામાં ગાળીને,પરસેવો પાડીને વિવિધ વ્યંજનો બનાવવા માંડ્યા. મારા માટે આ વાનગીને શું નામ આપવું તે પરીક્ષાનો સૌથી અઘરો સવાલ હતો. તેને કયું નામ આપવું તે વિષે કુટુંબીઓમાં મોટો મતભેદ હતો.જોકે મારી સર્જનાત્મકતાને વખાણવાને બદલે વખોડવા માટે આખું કુટુંબ એકમત હતું. લગભગ આખો દિવસ રસોઈઘરમાં ગાળી,વિવિધ અને વિશિષ્ટ વ્યંજન બનાવતી અને તે પણ હોશથી,રસથી અને ઉલટભેર પરીસતી મારી માનું તપ હવે મને સમજાયું.મા શું સમગ્ર સ્ત્રીજાતિની આ અંગેની ધીરજ અને ચીવટને સલામ ભરવી પડે.વળી ક્યારેક એમ પણ થતું કે આ વઘારમાં રાઈ,જીરું ,મેથી બધું શા માટે નાંખવાનું?કોઈ એક નાંખીએ તો ચાલવું જોઈએ. ગ્રેવીમાં પણ આદુ-મરચા-કાંદા-લસણ બધું શા માટે પધરાવવાનું? પછી આપણને થાય કે બહુ ટેસ્ટી છે.’તે હોય જ ને!’દુનિયાભરના તેજાના નાંખ્યા હોય તો?તે વિના ટેસ્ટી બનાવો તો ખરા કહું.સાંબેલું વગાડો તો જાણું કે શાણા છોની જેમ.ખાલી લાલ કે લીલું એક મરચું હોય તો પણ તીખાશ તો આવે જ ને?એટલો બધો બગાડ શા માટે?
હજી તો હું પાકકલાની કે.જી.મા હતો ત્યાં જ આવા ભયંકર વિચારો આવવા લાગ્યા. હજી તો થાઈ ને કોન્ટીનેન્ટલ......વ.વ....બાકી હતું.miles to go….
આખરે મન વાળ્યું. આ તો નારીઓનું કામ.લાખ વાના કરો તેમના જેવી કુશળતાના જ આવે.જોકે ખરી વાત એ હતી કે મને એ સત્ય લાધી ગયું હતું કે આમાં આપણો ટપ્પો નહિ પડે.તો હવે? મને એક મનોચિકિત્સકનો જોક યાદ આવ્યો.એક નાના બાળકને તેનાં માતાપિતા મનોચિકિત્સક પાસે લઇ ગયા.જેથી તેની રુચિનો ખ્યાલ આવે અને તે પ્રમાણે અભ્યાસ કરી,વ્યવસાયમાં સફળ થાય.મનોચિકિત્સકે બાળકને પૂછ્યું: ‘બેટા,ચિત્રો દોરવા ગમે?’
ના..
‘ગીત સંભાળવાનું?’
ના..
બ્લોક ગોઠવવા,કે કળવાળા રમકડાં ગમે? બેટા?
તેનો રસ ના તો ચિત્રકાર ના ગાયક કે સંગીતકાર કે ના ઇજનેર બનવાનો હતો.કેટલાયે પ્રશ્નો પૂછયા અને બેટો ના ના જ કરતો રહ્યો.આખરે મનોચિકિત્સકે જાહેર કર્યું:આ છોકરો રાજકારણી થઈ શકશે.મનમાં તો બોલ્યા કે જે ક્યાંય ન ચાલે તે રાજકારણમાં ચાલે.અંગુઠાછાપ વ્યક્તિ શિક્ષણપ્રધાન બની શકે.
મને લાગ્યું કે આ મારી સામે ઉજ્જવળ કારકિર્દી પડી છે.મેં ગાંઠ મારી: ‘યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.’અને ધીમે ધીમે થોડા ધક્કાફેરા,થોડા મસ્કાપાલીશ કરી કડેધડે કાર્યકર્તા બની ગયો. એ પ્રયત્નોનું વિગતવાર વર્ણન ફરી ક્યારેક રૂબરૂમાં કરીશ.મ્યુનીસીપાલીટીની ટીકીટ પણ મેળવી લીધી. તમને તો ખબર જ છે હું કેટલો મોટો સેવાભાવી છું (બીજો કોઈ કામધંધો છે જ ક્યાં?)લોકો મને (નવરો હોવાથી)નાનામોટાં કામ કરવા આપે છે.અને હું તે પ્રેમથી કરી આપું છું.આપણો સ્વભાવ જ પરગજુ.પ્રચાર પણ ઘણો સારો અને બધાનો પ્રતિસાદ તો અતિ સારો.તેથી હું જંગી બહુમતીથી ચૂંટાઈ જઈશ તેની આશા જ નહિ ખાતરી બંધાઈ.પરિણામ પછી વિજય સરઘસ સમયનાં કપડાં અને હારતોરા તૈયાર જ રાખેલાં.પણ વિધિએ કૈક જુદું જ નીર્મ્યું હતું. મારી તો ડીપોઝીટ ડૂલ થઇ હતી. મારી સેવાભાવનાની કોઈ ક્યાં કદર કરે છે?
આખરે નક્કી કર્યું કે થવું તો હવે લેખક જ થવું.તેમાંબહુ ઇન્વેસ્ટમેન્ટ ની જરૂર નહિ,ઘેર બેઠાં કામ થાય અને આપણા બોસ આપણે જ.એમ પણ સ્કુલમાં આપણને ગુજરાતીમાં સારા માર્ક આવતાં. હાથમાં પેન પકડી નર્મદ ની જેમ ઘોષણા કરી: ‘તારે ખોળે છઉ.’ તો શું લખવું? ગદ્ય,પદ્ય,કવિતા,વાર્તા,નિબંધ,નિર્બંધિકા,લઘુકથા,હાસ્યલેખ,અહા! કેટકેટલા રૂપ!કેટલી વિશાળ તકો! બસ બધા પર હાથ અજમાવવો.જે લાગ્યું તે તીર.સૌથી પહેલા હાસ્યલેખ લખવો એમ નક્કી થયું.કારણ આજકાલ કોમેડીની બોલબાલા છે.ટીવી સીરીએલ હોય ફિલ્મ હોય કે વર્તમાનપત્રની કોલમ લોકોની પહેલી પસંદ કોમેડી જ હોય છે.મોંઘવારી,બેકારી,માનસિક તનાવ,બોસની દાદાગીરી જેવી કેટલીય ટ્રેજેડી ઘટી ચૂકી છે અને તે ક્યારેય અટકવાનું નામ લેતી નથી. એટલે હવે બધુ બે ઘડી બધું ભૂલી હસવામાં જ માણસને રસ છે.તો મેં તો સરસ મજાનો હાસ્યલેખ ઢસરડી સોરી લખી નાંખ્યો. ‘ચેરીટી બિગીન્સ એટ હોમ’ એ રીતે પહેલાં ઘરનાઓને ભેગા કર્યા.જોકે પત્નીને રસોડું અને છોકરાઓને વીડીઓ ગેમ્સ બોલાવતી હતી.છંતા બધા બેઠાં.મેં ખુબ સ-રસ રીતે વાંચ્યુ.અને બધા સામે જોયું તો કોઈ હસવાના મુડમાં લાગ્યું નહિ.મેં વાંચન સમાપ્ત ની ઘોષણા કરતાં તેઓ બોલી ઉઠ્યા: ‘એમ!પૂરું થયું!સારું હતું,નહિ?’ મેં થોડા સુધારા વધારા કરી એક પ્રતિષ્ઠિત સામયિક નાં તંત્રીને મોકલ્યું અને ચાતકની જેમ જવાબની રાહ જોવા લાગ્યો.એકાદ મહિના પછી તેમનો ટૂંકાક્ષરી ઉત્તર મળ્યો. ‘તમારી શૈલી સારી છે.અને હાસ્યલેખ તરીકે વિકસાવો તો કેવું?’(તો આ શું ટુચકા હતા?)હવે સાહિત્યના બીજા સ્વરૂપો પર હાથ અજમાવવાની બહુ હિંમત નથી રહી.કેટલાંક સામયિકોમાં પ્રતિભાવ રૂપે પત્રો લખવાનું શરૂ કર્યું અને એ રીતે લેખક બની ગયો.પણ લોકોને જયારે કહું છું કે હું ચિત્રલેખામાં લખું છું તો કહે છે: ‘એમ?ના હોય!’કોઈ મારી વાત સાચી માનવા તૈયાર જ નથી.
હે પ્રભુ! હવે હું શું કરું? ઓહો રોંગ નંબર.પ્રભુ ક્યાં જવાબ આપે છે ક્યારેય?હા તો સુજ્ઞ જનો તમે જ સુઝાડો :હું શું બની શકીશ?
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Comments