આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
‘અરે એય, ભીખી, આ પવાલાને ખાળે મૂકજે ’.
દાદીમાએ ઈસ્માઈલ મિયાયાએ હજી ઘર બહાર પગ ન હતો મુક્યો, ત્યાં જબૂમ પાડી. ઈસ્માઈલ તેમના ડોક્ટર દિકરા નવનીતનો જુનો પેશન્ટ હતો. ડોકટરસાહેબની દવાથી જ તેને જીવન મળ્યું હતું તેમ તે માનતો હતો. અને વાત તો સાવ સાચી હતી. એક એક્સિડેન્ટમાં તેને પગે ભારે ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક નજીક માં નજીક હોસ્પિટલ નવનીતની હતી,તેમાં દાખલ કરવામાં આવ્યો. પગ કાયમ માટે જાય એવી પરિસ્થિતિ હતી.ડોક્ટરની કુશળતાથી જટિલ ઓપરેશન સફળ થયું.જોકે પગમાં સળીઓ હતો તેથી અસહ્ય વેદના થતી.દિવસો નહિ પણ મહિનાઓની પથારી પછી તે બેઠો થયો. મંદ ખોડંગાતા પગે ચાલતો થયો ત્યારે અલ્લા તાલાની સાથે જ ડોક્ટર નો શુકર માનવા લાગ્યો. તે દિવસથી આ નેક ઇન્સાન ડોક્ટર ને અવારનવાર સલામ ભરવા આવતો. ઘરોબો એવો કેળવાઇ ગયો કે નવનીતને મળીને પછી દાદીમાં સાથે ગપાટા મારતો. તે દાદીમાને પયગંબરની અને તાજીયાની વાતો કરતો અને દાદીમાં પાસેથી કૃષ્ણની બંસીના સૂર સાંભળતો. આખું ઘર જાણતું કે ઈસ્માઈલ સાથે લાખ લાખની ઠોકતાં દાદીને તેનાં જતાં તરત જ તેણે પાણી પીધેલ ગ્લાસ ઘસવા જ જાય તેની અધીરાઈ આવી જતી.જોકે આમ તો ઘરમાં અમુક પ્યાલા,રકાબી અલગ રહેતાં જ અને તે વાત સર્વે સારી પેઠે જાણતા હતા.
‘શું મા તને પણ એટલી બધી ઉતાવળ આવી જાય છે?’ નવનીતે ઘરમાં પગ મુકતા કહ્યું.
‘એ તને ખબર ન પડે. મારે ધરમ નીમ રાખવા પડે. તે વિના દેવસેવા થાય?’
નવનીતે હમેંશ જેમ ચુપકીદી સેવી હસી દીધું.મા ની આગળ તેનું વિજ્ઞાન નકામું હતું. અલબત્ત નવનીત પણ મા ની લાગણી ને દુભાવવા ન હતો માંગતો.ત્યાંજ મા ની બીજી બૂમ સંભળાઈ,
‘અલિ ભીખી કેટલી વાર?’
આ અને આવા સંવાદો અમ તો રોજના હતા.પણ આ સંવાદે આજે અર્ણવ નાં દિલમાં ઝંઝાવાત સર્જયો. આજે તો પપ્પા સાથે સ્પષ્ટતા કરી લેવી જ પડશે.તેણે નક્કી કર્યું.અને મનમાં પપ્પાને કહેવાના શબ્દો ની ગોઠવણી કરવા લાગ્યો.
સ્ક્રીપ્ટ તો પાકી મનમાં ગોઠવાઈ ગઈ.પણ અણીના સમયે જીભ જાણે સિવાઈ જતી. તેણે પોતાની જાત પર ગુસ્સો આવતો હતો.એટલી વાત તે પપ્પાને કહી શકતો નથી?
‘કઈ મૂંઝવણમાં છે, બેટા?’ નવનીત જોતો હતો કે બે ત્રણ દિવસથી અર્ણવ થોડો ખોવાયેલો લાગતો હતો.
‘પપ્પા તમને તો ખબર છે ....’
‘હા ખબર છે તારે બરાબર સેટલ થયા વિના પરણવું નથી. આપણને ઉતાવળ નથી જરીકે ય.’
અર્ણવને માથું ફૂટવા નું મન થયું. ‘પણ પપ્પા વાત એમ છે કે હવે ...’
નવનીતને અર્ણવની અકળામણ જોવાની મઝા પડતી હતી.
‘બોલ, હોસ્પિટલ માટે જગ્યા લેવી છે?’
‘ હે ભગવાન ! આ પપ્પાને આજે શું થયું છે? કાયમ તો વગર કહ્યે મારી વાત સમજી જાય છે ..અને આજે કેમ આડી વાતો એ ચડ્યા છે ?’ જોકે મોટેથી તેણે કહ્યું:
‘પપ્પા ,માલુષી..’
‘હા હા બોલ તેણે વાંધો પડ્યો કે શું?’ નવનીતે અર્ણવની વાત વચ્ચેથી કાપી.
અર્ણવે કહ્યું ‘ ના મારા બાપ પણ મને મુંઝવણ થઇ જાય છે કે માલુષી આપણા ઘરમાં ગોઠવાઈ શકશે કે નહિ. તેના ઘરની આબોહવા અને દાદી ના નિયમો વચ્ચે ક્યાંય મેળ બેસે એવો નથી’
અર્ણવની સામે માલુષી સાથેની મુલાકાત તરવરી ઉઠી.
‘તું પણ ડોકટરીનું ભણે છે.તારે પણ જિંદગી વિષેના ખ્યાલો હોય જ ...મને હા પાડતા પહેલા શાંત દિમાગથી વિચારી જોજે.’
‘દિમાગને અને દિલને દુનિયામાં ક્યારેય બન્યું નથી, મિસ્ટર અર્ણવ’
‘પણ તને તારા પપ્પાએ દીકરાની જેમ ઉછેરી છે.અને દાદીમાના નિયમો જુદા.તને બંધન થાય.હું તને દુઃખી કરવા નથી માંગતો. તેમજ મને માની ગેરહાજરી જરા પણ ના લાગે તેમ માથી વિશેષ રાખનાર મારા ભોળા દાદીને તેની અંતિમ અવસ્થામાં કોઈ આઘાત આપવા નથી માંગતો.’
‘અરે મારા માસ્તરસાહેબ, બહુ વિચારશો નહિ.ચિંતાતો છોડી જ દો. સ્ત્રી જયારે પ્રેમ કરે છે ત્યારે કોઈ બંધન બંધન નથી રહેતું.બધા જ બંધન ઓગળી જાય છે,બધી જ ગાંઠ છૂટી જાય છે અને તે પણ એકદમ અનાયાસ. રહે છે માત્ર સ્નેહ,મમતા-જ્યાં ‘હું’હું નહિ પણ ‘તું’ ના અસ્તિત્વનો જ એક અંશ બની જાય છે.’
‘તારે કોઈ ડોક્ટરને નહિ કવિને પરણવાની જરૂર છે.’
‘ના, મારા ડોક્ટર માસ્તર, અ-કવિ જ સારો.બંને કવિતા કરે તો તે સાંભળે કોણ?’
‘બેટા, માલુષી સાચું જ કહે છે. તું ચિંતા ના કર.સ્ત્રીનું હૃદયઅને મગજ ઘણું કોમ્પ્લેક્ષ હોયછે.તે સમજવાનું અઘરું હોય છે. બહુ મન સાથે તર્ક કર્યા વિના તેની વાત માન.માલુ ને વિશ્વાસ છે તો તું પણ તેનામાં વિશ્વાસ રાખ.’નવનીતે અર્ણવને સધિયારો આપ્યો.
અર્ણવના દિલ પરથી બોજ હલકો થયો.માના અવસાન સમયે તે તો સાવ નાનો હતો.દાદીનાં લાડકોડ અને પિતાની કલાજીએ તેણે સાચવી લીધો હતો.પપ્પા તેનો આદર્શ હતા-માત્ર ડોક્ટર તરીકેનો જ નહિ પણ એક વ્યક્તિ તરીકેનો પણ.તેના સાચા મિત્ર પપ્પા જ હતા.તેમની સલાહ ક્યારેય ખોટી હોય જ નહિ પછી તે અભ્યાસ અંગે હોય ,વ્યવસાય અંગે હોય કે વ્યવહાર અંગેની હોય.
‘ભલે, પપ્પા દાદીમાને તમે.....’
‘પ્રેમ કરવો તારે અને વકીલાત મારે કરવી તે ક્યાંનો ન્યાય?’
‘દીકરાની વકીલાત પિતા ના કરે તો કોણ કરે? અને વાળી તમેં તો મારા મિત્ર પણ ખરાને?’
બીજા દિવસે નાસ્તાનાં ટેબલ પર હજી તો અર્ણવ આવ્યો ના આવ્યો ત્યાં તો દાદીની વાણી ધાણીની જેમ ફૂટી. ‘અલ્યા,તારા મોમાં મગ ભર્યા છે?’
બઘવાયેલા અર્ણવ સામે નવનીતે હાથથી ઈશારો કર્યો.
‘તને પરણ-વા ઉપડ્યો હોય તો મને સીધું કહેતાં શું થાય છે? બાપને ક્યારથી વચ્ચે લાવતા શીખ્યો?’
‘એવું નથી, દાદીમા’
‘એવું જ. હા ભાઈ હવે છોકરા મોટા થઇ ગયા. હવે દાદી કોણ?’
એવું નથી દાદી. દાદીમા મને એમ કે તમને એમ થશે કે છોકરામાં લાજ નથી ,મર્યાદા નથી.’તે દાદીના ગળામાં હાથ પરોવી બોલ્યો.લાજ અને મર્યાદા દાદીનો તકિયા કલામ હતા.
‘તે તો નથી ત્યારે જ મેળે શોધી લાવ્યો ને? લે હવે છોડ મને.હજી દસ વરસનો જ રહ્યો.મોટો ક્યારે થઈશ?’ દાદીએ હસતા હસતા તેના હાથની માળા છોડી.
‘વહુનું મોં તો બતાવ.અને હા કહી દેજે તારી માલુને કે મારા ધરમમાં માથું ન મારે.’
‘મા આપણે અત્યાર સુધી રહ્યા છીએ તેમ જ રહીશું હોં, હું માલુષીને જાણું છું’
‘લે હજી તો વહુ ઘરમાં આવી નથી ત્યાં સસરો આરતી ઉતારવા માંડ્યો.શું નવો જમાનો છે!’
માલુષીએ એક લીસ્ટ બનાવવા માંડ્યું હતું શું કરવું અને શું ના કરવું તેનું.દાદીને શું ગમે ફાવે કેવી ટેવ છે એ બધું અર્ણવને પૂછવા લાગી.એક દિવસ અર્ણવ ચિડાયો.
‘તે મારી સાથે સગાઇ કરી છે કે દાદી સાથે?’
અને દાદીએ પોતે હરખભેર ‘લાડો લાડી જમે રે કંસાર’ ગાઈ શકે તેવી વ્યવસ્થા જલ્દી કરી જ નાખી.અર્ણવનું દિલ એક ધબકાર ચૂકી ગયું. એક રાતી પાઘલડીના ચમકારને પાનેતરના મોરે ઉલટભેર ઝીલી લીધા.
એલાર્મ વાગતાં જ માલુષી સફાળી બેઠી થઇ ગઈ.નિયમ નંબર એક યાદ આવ્યો. ફટાફટ તે પરવારી બહાર આવી.ભીખીએ ચાનાં કપ મૂક્યા.
‘ઓહો વહેલા ઉઠી ગયા? સારું ચા-બા પીને પરવારો’
‘દાદીમા, મેં નાહી લીધું છે.’
‘હેં...’
‘હા,મને ખબર છે તમને નાહ્યા ધોયા વિના કોઈ ચા પીવે તે નથી ગમતું.’
‘અરે બેટા તું તો હમણાં આવી. શરૂમાં તને ટેવ ન હોય.થોડા દિવસ પછી તને હું કહેવાની જ હતી.પણ તું તો ભારે હોંશીયાર નીકળી.’
‘મા અર્ણવે મને વાત કરી હતી’
‘લે હવે લાજ છે કે નહી? વારનું નામ મોટા પાસે લેવાતું હશે?’ માલુ ગભરાઈ.પહેલા દિવસે પહેલી મુલાકાત માં વાંધો પડ્યો.ત્યાં તો દાદીનો ટોન બદલાયો.
‘બીજું શું શું કહ્યું છે તારા અર્ણવે મારા વિષે?’બન્ને હસી પડ્યા.
ત્યાર પછી માલુએ દેવનો પ્રસાદ,ફૂલની છાબ તૈયાર કરવાનું કામ માલુએ માથે લઇ લીધું.તે તાંબાના લોટામાંપાણી ભરી રાખતી.દાદી પોરસાતા: મારી રીતેરીતશીખવા માંડી છે. ‘હાય’થી શરુ કરી ‘બાય’
થી વાત પૂરી કરતી માલુ ઘરમાંથી આવતી જતી વખતે માને ‘જેશ્રીક્રષ્ન’ કહેતી થઇ ગઈ હતી.
‘તું તો મોટી ભક્તાણી થઇ ગઈને?’ અર્ણવ ચીડવતો.
‘જો અર્ણવ હું ટીલાટપકામાં ન માનું પણ કોઈની,ના કોઈ નહી, આપણાઓની લાગણીની કદર કરવાનું માનું છું.દાદી ખુશ રહે છે ને? અને આમ પણ દાદી આપણને આપણા કામમાં ક્યાં આડા આવે છે?’
આજે દાદી વહેલી સવારથી સંઘમાં દર્શને નીકળી ગયા હતા.શ્રાવણી સોમવાર હતો.ગામના બધા મહાદેવ ના દર્શન કરી સાંજે છેક પાછા આવવાના હતા.માલુ થોડી વહેલી ઘેર આવી ગઈ હતી. તેણે તેના ફેવરીટ અનિયન પિત્ઝા બનાવ્યા.કેનીજી ની સી.ડી.મૂકી મસ્તીથી પિત્ઝા આરોગતી હતી.માલુ નો આ ફેવરીટ ટાઈમ પાસ હતો.એકલી હોય ત્યારે મોટા વોલ્યુમ પર સંગીત સંભાળતી અને એટલા જ મોટા અવાજે સાથે ગાતી.અચાનક બારણે બેલ વાગી. માલુ ખોલવા પહોંચે તે પહેલા તો ચાર વાર બેલ વાગી ચૂકી હતી.એટલી અધીરાઈ ઘરમાં એક જ વ્યક્તિ ને હતી.દાદી તો વહેલા આવી ગયા હતા અને આવતા જ વરસ્યા.
‘આ શું? આખું ગામ સાંભળે છે તમારા દેકારા.’પછી બબડતા બબડતા અંદર ગયા : ‘લાજ શરમ જ નહી આજકાલનાને.’
માલુ તો કાપો તો લોહી ના નીકળે.તે ચુપચાપ તેના રૂમ માં જતી રહી.
માલુ ને જમતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડતું.કયો હાથ અજીઠો કહેવાય અને કયો નહી તે એને ક્યારેય સમજાતું નહી.એકાદ વખત દાદીની નજર ફર્યા પછી તેણે જાતે લેવાનું છોડી દીધું.નવનીત અને અર્ણવ પણ યાદ રાખીને માલુને કોઈ પીરસવાનું ના કહેતાં.
માલુનો આખો દિવસ તો હોસ્પિટલમાં નીકળી જતો.દાદી બાઈની મદદથી બધા કામકાજ પહેલાની જેમ નીપટાવી લેતા.માલુ સવારે તેમની સેવાની તૈયારી કરે અને સાંજે
થોડીવાર પાસે બેસે.ફક્ત અમુક રહનસહનનો જ ખ્યાલ રાખવાનો હતો.દાદીને ભારતીય પોશાક જ ગમે.માલુને તેણે કહી દીધું હતું કે આ પાટલૂન ના પેરશો ભૈસાબ.
સુથણાનો વાંધો નહી.તમારું કામ એવું કે સાડી નડે.ખાલી મારા દેવમંદિરમાં પગ મુકો ત્યારે સાચવવું.માલુ સુંદર હતી અને શોખીન પણ.તે તો વારતહેવારે સાડી અને ઘરેણાં ઠઠાડે અને પહોંચી જાય દાદી પાસે.
‘કેવી લાગું છું?’
‘લે હવે મર્યાદા રાખ.મોટાને એવું ના પુછાય.’
‘પણ તમે તો મારા દાદી છો ને?’
‘સાવ ઘેલી. સારું હવે સાક્ષાત રાણી રુક્મિણી જેવી.’
રાણી રુકમણી ને ત્યાં કુંવર ની પધરામણીની તૈયારી થઇ રહી હતી.હવે ઘેલા થવા નો વારો દાદીનો હતો.
માલુના ચહેરા પર ચમક અને આંખોમાં થાક વર્તાતો.આજકાલ પહેલાની જેમ ચપળતાથી દોડતું ના હતું.
‘એમ કર, વહુ દિકરા હમણાં બપોરે હોસ્પિટલ જવાનું છોડી દે. શાંતિથી ઘેર જમી,ખાઈ-પી ને આરામ કર.’
‘તમને કેમ ખબર પાડી કે હું થાકી જાઉં છું,દાદીમા?’
‘પડે હવે. એ તને ખબર ના પડે.’
પછીના દિવસો દાદી માલુ ની ભારે કાળજી કરવા લાગ્યા. તેના માટે પકવાન બનવા લાગ્યા.દાદી ની માલુ-માળા આખો દિવસ ચાલતી-અલબત્ત પોતાની સેવાપૂજા પછી જ.
‘ઓહો દાદીમા તમે તો હવે દિકરા ને ભૂલી જ ગયા કે શું?અને શું ભાવે છે અને શું ગમે છે તે તો પૂછતા જ નથી.બસ આખો દિવસ માલુ.....’અર્ણવ ફરિયાદ કરતો.
‘તું તો દીકરો. પણ આ તો વહુ દિકરા.અત્યારે તો કાળજી લેવી પડે.તને ખબર ના પડે.’
‘મા તારા દેવને કહેજે કે આવતા જન્મે તારો દીકરો નહી વહુ બનાવે.’
‘પહેલા મારા ધરમ નીમ પ્રમાણે આજથી સેવા શરૂ કરો.પછી દેવને કહેવાય ને?’
ઘર આખું જાણે નવાગંતુકના આગમનની પ્રતિક્ષા કરતુ હતું.
ઘણી વાર માલુ જાણે વેદનાથી ઢગલો થઇ જતી.
‘વહુ દિકરા બસ હવે તો થોડાક જ દિવસ છે, હોં.તમે તો દાક્તરી ભણ્યા છો ને?’
આખરે ‘નંદ ઘેર આનંદ ભયો,જે કનૈયા લાલ કી’ ની શુભ ઘડી આવી પહોંચી.
‘અહા! લાલજી પધાર્યા. અસલ બાપ ની જેમ જ માને આખી રાત હેરાન કરી સવારે જ પધરામણી કરી.’બાલગોપાલ ને ચાંદલો કરતા દાદી બોલ્યા.
અને કનૈયાલાલ હાથી-ઘોડા-પાલખીમાં તો નહી પણ કાર માં ઘેર પધાર્યા.દાદીએ ઓચ્છવ મનાવી દીકરાના અછોવાનાં કર્યા.તેને ચોળવા-ચાંપવા નું કામ દાદીની કડક દેખરેખ નીચે થતું.માલુ ગોદમાં સુતેલા બળ સામે જોઈ અમસ્તી અમસ્તી મલકતી.અધરાતે ઉઠીને ચેક કરતી કે બાબો જાગ્યો તો નથી ને? ‘મા’ એટલે શું તે હવે સમજાતું હતું.મમતાના આ પરિમાણ સામે જાણે દુનિયાની સર્વ તાકાત નકામી હતી
હવે બાબો ત્રણેક મહિનાનો થઇ ગયો હતો.આંખ માંડતા શીખી ગયો હતો.માલુ એક દિવસ ઘૂઘરો વગાડતી તેને રમાડતી હતી.જોકે તે પોતાના તાનમાં જ ગુલતાન હતી.
‘હવે ગમતું તો નથી પણ ક્લીનીક જવાનું શરૂ કરવું પડશે.કઈ નહી એક જ શીફ્ટ માં જવાનું.બાકી નો બધો સમય આની પાછળ જ.’તેને બાબા સામે જોઈ ફરી ઘૂઘરો વગાડ્યો.અને ફરી અને ફરી ...
‘અરે આ સામે કેમ નથી જોતો?’ તેણે બીજા મોટા અવાજ વાળા રમકડા વગાડ્યા.જાત જાતના ને ભાત ભાત ના જુદ અને મોટા અવાજો કરવા માંડ્યા.જાણે પાછળ ભૂત ના પડ્યું હોય!
‘અર્ણવ જરાજો તો. આ બાબો સાંભળતો નથી કે મારા મન નો વહેમ છે?’ તેનાથી તીણી ચીસ પડાઈ ગઈ.
*******
‘બાળક જન્મથી તદ્દન બહેરું છે કે આંશિક તેની તપાસ કરવી પડે.આંશિક બહેરાશનો ઉપાય છે, પણ સારવાર લાંબો સમય કરવી પડે.સતત એક માણસે તેની કાળજી રાખવી પડે. જન્મથી બહેરું બાળક મૂંગું રહે તેવી શક્યતાઓ પણ ખરી’
‘થેન્ક્સ,ડોક્ટર’ કહી અર્ણવ અને માલુષી ત્યાંથી ભારે હૃદયે વિદાય થયા.ડોક્ટરના શબ્દો સાંભળી બંને અવાચક બની ગયા હતા.કાયમ રોગ થી પીડાતા માણસો ને જોયા હતા,મોટા મોટા રોગ થી પીડાતા પેશન્ટ ની સારવાર પણ કરી હતી.પણ રોગ એટલે શું અને પીડા એટલે શું એ અત્યારે સમજાતું હતું.
‘ના ના આંખના રતનનું જાતન તો કરવું જ પડશે.હું ક્લીનીક બંધ કરી દઈશ કે કોઈને ચલાવવા આપી દઈશ.’માલુએ પલભરમાં નિર્ણય લઇ લીધો.અને દ્રઢતાથી હોઠ બીડ્યા.
‘વહુ દિકરા તમારે જ્યારથી દવાખાને જવું હોય ત્યાર થી જજો.લાલાની ફિકર ના કરતા.’ દાદીમા એ થોડા દિવસ પછી કહ્યું.
‘ના મા થોડા દિવસ હજી ઘરમાં રહીશ.’
ત્યાર પૂરતી વાત ટળી.પણ વહેલા મોડું દાદીને કહેવું તો પડશે.અર્ણવ અને માલુ મુંઝાતા હતા.હમેશ માફક અર્ણવે નવનીતની સામે જોયું.અને એક સવારે કહી જ દીધું:
‘હિંમત રાખજે મા, પણ બાબાને પૂરું સંભળાતું નથી.તેનો ઉપાય છે.પણ એક માણસે સતત તેની કાળજી કરવી પડે .એટલે માલુએ ઘરમાં રહેવાનું નક્કી કર્યું છે.’
‘કેમ, કોને પૂછીને નક્કી કર્યું?તમારા ઘરમાં બીજું કોઈ નથી?દાદી મરી ગઈ છે?’દાદીનો અવાજ જાણે ધ્રૂજતો જતો હતો.
પણ મા તારી ઉંમર થઇ. અને તારી સેવા પૂજામાંથી વખત કાઢવાનો અઘરો પડે.આ કામમાં બંધાઈ રહેવું પડે.’
‘હા ભાઈ હવે છોકરામોટા થઇ ગયા.દાદી કોણ?’
‘એમ નથી દાદી એ તો આખા દિવસ નું કામ.પછી તારા લાલાની પૂજા-ભોગ –આરતી બધું કોણ કરશે? તારા ધરમ અને નીમ.....’
‘એ તને ખબર ના પડે મેં વહુને ધરમનીમ શીખવ્યા તો વહુ મને થોડીક દાક્તરી તો શીખવેને?હું સાચવીશ.હું છુ ને વળી મારે ભીખી ખરીને. એ મદદ કરશે.લાલો જરૂર સારો થશે.’દાદીમાએ હસીને કહ્યું. તે હસે ત્યારે તેમનું બોખું મોઢું બાળકનાં જેવું દેખાતું.
‘પણ દાદીમા તમારા દેવ...’માલુ કહેવા ગઈ
‘એ ભલે બેસી રહેતાં ત્યાં સુધી એના સ્થાનકમાં’
-
શરદચંદ્રZazi.com © 2009 . All right reserved |
Comments