આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સુરેશ શાહ ....
પ્યુને બૂમ પાડી અને સુરેશ સાવધ થઇ ગયો.આત્મવિશ્વાસ જૂટાવતો તે ઓફિસ તરફ ચાલ્યો.શર્ટ પેન્ટને હાથ ફેરવી વ્યવસ્થિત કર્યા.ગમે તેમ તોયે આ ઇન્ટરવ્યૂ મહત્વની વાત હતી.
‘મે આઇ કમ ઇન?’તેણે બારણામાં રહી પૂછ્યું.
બધા સર વાતોમાં હતા અને હસી રહ્યાં હતા.સુરેશને તેમનું ધ્યાન પોતા તરફ દોરવાનો કોઈ રસ્તો દેખાયો નહિ.સદભાગ્યે એક સદગૃહસ્થનું ધ્યાન પડ્યું.
‘અંદર આવ’ ત્યાં શું ઝાડની જેમ ઉભો છે?’ તે પોતે આપેલી ઉપમા પર હસ્યાં.
‘જી સર’ તે અંદર આવી ઉભો રહ્યો.
સાહેબનું હસવાનું પતે અને તેને બેસવાનું કહે તેની રાહ જોતો રહ્યો.
‘પાછો ઝાડ જેમ ઉભો રહ્યો.બેસો.’ કદાચ તેમને ઝાડ શબ્દ પ્રિય હતો.
‘થેંક યુ,સર’
નામ?
સુરેશ શાહ
પિતાનું નામ?
કાંતિલાલ
‘પિતાનો વ્યવસાય?મેનેજર છે?બેંકમાં છે?’ પોતાની નોકરી અને પિતાના વ્યવસાય વચ્ચેનો સહ-સબંધ સુરેશને સમજાયો નહિ.
‘તમારો મોબાઈલ નંબર?’
સુરેશ ગુંચવાયો: સર મારી પાસે મોબાઈલ નથી.
તે તો જોઈએને? કંપનીના કમ માટે મોબાઈલ જોઈએ જ.
‘જી તે મેળવી શકું ....પણ બીલ...
કંપની ફિક્સ રકમ આપે.તેથી વધુ નહિ.
સુરેશે કઈ જવાબ ન આપ્યો.ત્યાર પછી કોઈ પ્રશ્ન ન પૂછાયો.સુરેશને ખબર જ ન પડી કે તેનો ઇન્ટરવ્યૂ પૂરો થયો છે.જયારે બેલના અવાજ સાથે ‘નેક્સ્ટ’ સંભળાયુંત્યારે માંડ સુરેશને સમજાયું અને તે પરાણે ઉભો થયો.
બીજો પ્રયત્ન-તેણે તેનાં ‘સ્પોટલેસ’ સફેદ શર્ટ પર નજર નાંખી.તેનું આ એકમાત્ર શર્ટ હતું, જેને તે દર ઇન્ટરવ્યૂ વખતે ઇસ્ત્રી કરાવી પહેરતો.વાળ વ્યવસ્થિત કરી તેણે પ્રવેશ કર્યો.
‘નામ?’
‘સુરેશ શાહ’
એડ્યુકેશન?
એમ કોમ.
એક્ષ્પિરિએન્સ?
નથી સર,કોઈ તક આપે તો.....
બરાબર છે ..કોઈ જરૂર આપશે
સર આપ તક આપો તો....
આશા છે કોઈ તમને તક આપશે...ઓલ ધ બેસ્ટ
થેંક યુ...સુરેશના ગળામાંથી માંડ શબ્દો નીકળ્યા.
ફરી એ જ રફતાર...એડ્સ,એપ્લીકેશન,ઇન્ટરવ્યૂ.......
નામ?
સુરેશ શાહ
પૂરું નામ? આજકાલનાછોકરાને સારી નોકરી જોઈએ છીએ પણપૂરું નામ કહેવાની અક્કલ નથી.
સુરેશ કાંતિલાલ શાહ...તેણે એક એક શબ્દ છૂટો પડતા જવાબ આપ્યો.જોકે આખું નામ બોલતા તેને પોતે કોઈ વિચિત્ર પ્રાણી હોય તેવું લાગ્યું.
તે દરમ્યાન એક ચશ્માવાળો સર તેનો સી.વી.વાંચી રહ્યો હતો.તેણેચશ્મા પાછળથી આંખો કાઢી પ્રશ્ન કર્યો.
‘તમે એમ.કોમ.છો?’
જી સર.
‘જાહેરાત બરાબર વાંચી? આ પોસ્ટ માટે ક્વોલિફિકેશન શું માંગ્યું છે?’
‘જી.એચ.એસ.સી.’
તો તમે શા માટે અરજી અરજી કરી?
‘સર હું બેકાર છું,સર’
કેટલાયે એચ.એસ.સી.પાસ બીજા બેકારો છે જ ને?
બ્લુ સુટમાં સજ્જ બીજા એક અધિકારીએ નાકમાંથી અવાજ કાઢતાં ભાષણ ચાલુ કર્યું:ઇન્ડિયામાં આ જ પ્રોબ્લેમ........
તેમની વાક્ધારાને અટકાવવાની હિંમત કરતાં કહ્યું:
મિસ્ટર શાહ તમારી શૈક્ષણિક કારકિર્દી ઘણી ઇમ્પ્રેસિવ છે.પણ અમે તમને નોકરી પર રાખી શકીએ નહિ કારણ તમે ઓવર ક્વોલીફીડ છો.
એક ઓર ઇન્ટરવ્યૂ.
નામ?
..........
ક્યાંથી એમ. કોમ કર્યું?
.................
ચેરમેન પેપરવેટ રમાડતાં રમાડતાં સુરેશની સામે જોયા વિના પૂછતા હતા.
‘સાહેબ હું અઆપને સંતોષ થાય એવું કામ કરીશ.કામ કરવાની મારી પૂરી તૈયારી છે.’
સાહેબો વચ્ચે કૈક સંતલસ ચાલી.થોડી વારે ચેરમેને પેપર વેઈટ રમાડતાં તેની સામે જોઈ પૂછ્યું:
‘મિસ્ટર શાહ આપણી ફર્મ હમણાં બહુ મોટો પ્રોજેક્ટ શરુ કરી રહી છે.બહુ મોટો નફો મળવાની આશા છે...તો તમે તેમાં મદદ કરી શકો?
‘ઓહ! સ્યોર સર હું દિવસ રાત જોયા વિના મહેનત કરીશ.’સુરેશે ઉત્સાહથી કહ્યું.તેનાં ઉત્સાહનો ધાર્યો પ્રતિભાવ મળ્યો નહિ.
હા પણ તે સિવાય.....સાહેબે જાણી જોઈને વાક્ય અધૂરું છોડ્યું.
સુરેશ બાઘાની જેમ તેની સામે જોઈ રહ્યો.
‘ઓ.કે.સારું....’ચેરમેને ધીમા અવાજે કહ્યું.બઘવાયેલા સુરેશને ક્યાં ખબર હતી કે આ બધા કામનાં નહિ દામના પુજારી છે.
ફરી એક કોલેજમાં લેકચરરની નોકરી માટે કોલ આવ્યો.બહુ વિશ્વાસથી સુરેશે તૈયારી કરી.આ સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ હતી.તેથી કેટલો પગાર મળે તે નક્કી નહિ.પણ આજકાલ આવી કોલેજો તો ધમધોકાર ચાલે જ છે તેથી વાંધો નહિ તેવું સુરેશને લાગ્યું. નસીબજોગે ઇન્ટરવ્યૂ સારો ગયો.બે ઉમેદવારોને બેસવાનું કહી બાકીનો જઈ શકે છે તેવી જાહેરાત કરવામાં આવી.આ બેમાં એક સુરેશ હતો.
‘..હવે નોકરી હાથવેંતમાં.. ઓછો પગાર હોય તો પણ હા જ પાડી દેવી છે.’સુરેશે વિચાર્યું.ત્યાં જ બંનેને અંદર બોલાવાયા.
‘તમો બંને સિલેક્ટ થયા છો.પરંતુ અહીં એક જ પોસ્ટ છે.સંસ્થા હજી ઉભરતી છે.આપણા માનનીય ટ્રસ્ટીઓ તેને આદર્શ સંસ્થા બનાવવા માંગે છે.અત્યારે જગ્યા નાની પડે છે. તો તમારામાંથી ક્લાસરૂમ બનાવવામાં જે સહાય કરી શકે તે વ્યક્તિનું સિલેક્સન ફાઈનલ ગણીએ...’
અત્યાર સુધીના અનુભવે સુરેશ જાણી ચુક્યો હતો કે આ ‘સહાય’ એટલે શું?અહીં કોઈ ભાઈકાકા જેવા કુશળ એન્જીનીએરે જાતે તગારા ઊંચકી વિદ્યાપીઠ બાંધી તેવી સહાયની વાત ન હતી.પિતાની પાસે થોડા પૈસા હતા,પણ સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું સુરેશ ક્યાં શીખ્યો હતો?તેણે ચુપચાપ ત્યાંથી ચાલતી પકડી.
ઘેર પહોંચતાં મા ની આશાભરી આંખ સાથે નજર ન મેળવી શક્યો.ગુમસુમ પોતાના રૂમમાં જઈને બેઠો.મા ગરમાગરમ ચાનો કપ લઈને આવી.અને ધીરે ધીરે તેનાં વાંસા પર હાથ ફેરવવા માંડી.તે નાનો હતો ત્યારે પંપાળતી હતી તેમ જ.તેનું માથુ ભમતું હતું અને તેને ખરેખર ચાની જરૂર હતી.મા આ વાત કેમ સમજી ગઈ હશે? તેણે કહ્યું
‘માંગ્યા વિના મા પણ ન પીરસે.તું કેટલી સારી છો?’
‘ના બેટા, માંગ્યા વિના પીરસે તે જ મા.’ તે ઉભી થઇ અને જતાં જતાં બોલી,
‘અને હા બેટાકોઈ એક ઇન્ટરવ્યૂની નિષ્ફળતા આપણી હોશિયારીનું પ્રમાણપત્ર ન હોઈ શકે.’
હમેશ ઘર ગૃહસ્થીમાં રચી-પચી રહેતી માની સમજ કેટલી ઊંડી હતી!
આજે પિતાજીનાં મિત્રની પેઢી પર જવાનું હતું.તેમને અકાઉન્ટ સંભાળી શકે તેવા માણસની જરૂર હતી.તે સવારનાં ‘શાહ એન્ડ શાહ’ની પેઢી પર પહોંચ્યો.પેઢીનાં માલિક મિસ્ટર શાહે તેને આવકાર્યો,બેસાડ્યો,પપ્પાની ખબર પૂછી અને ઘણી બધી વાતો કરી.અલબત્ત તેમણે સુરેશનાં કામ કે પગાર વિષે કઈ ન કહ્યું.
‘એમ કરો,બહાર મેહતાજી બેઠાં છે.તે તમને બધું સમજાવશે.’
સુરેશ મેહ્તાજી પાસે ગયો.કામમાં વ્યસ્ત મેહ્તાજીએ તેને ઈશારાથી બેસવા કહ્યું. પાંચેક મીનીટે તેમને સુરેશ સામે જોવાની ફૂરસદ મળી.
‘હું સુરેશ શાહ...અકાઉન્ટિંગ માટે...’
‘બરાબર, સામે તમારું ટેબલ રાખ્યું છે...એમ તો સાહેબને માણસની બહુ જરૂર નથી પણ તમે મિત્રના દીકરા....’
સુરેશ પહેલી વાર મનમાં ગાળ બોલ્યો: ‘ક્વાલોલીફાઈડ માણસને કામ આપો છો,હજામને નહિ’ પણ તેણે માત્ર એટલું જ કહ્યું, ‘જી’
‘સાધારણ નામું આવડે છે ને? કામ શરૂ કરો. અને હા,પગારનું એકાદ મહિનામાં નક્કી કરીએ.’
હવે સુરેશનાં મોઢે વધુ સારી ‘સરસ્વતી’ આવી,પણ તે ‘હું આજકાલમાં જણાવું છું..સાહેબજી..’ કહી બહાર નીકળી ગયો.
બહાર નીકળતાં જ પાછળથી કોઈએ ધબ્બો માર્યો: ‘અરે સુરિયા,તું તો કોલેજ પત્યા પછી દેખાયો જ નહિ..’તેનો કોલેજનો મિત્ર નિખીલ હતો.
‘તારો માર ખાવા કોણ દેખાય? શું કરે છે આજકાલ?’
‘તું તો જાણે જ છે ને આપણે તારા જેટલાં હોશિયાર નહિ માંડ બી.કોમ. સુધી ગાડી ખેંચી પછી બાપુ સાથે દુકાન પર બેસવા માંડ્યો...હવે તો ઘણું શીખી ગયો છું.આમેય યાર સારી નોકરી ક્યાં મળવાની હતી? બાપુ પણ ખુશ ,બંદા પણ ખુશ.’
તાળીઓ પાડીને કોલેજની જિંદગીને બંને જાણે ફરી જીવી રહ્યાં.
‘સુરિયા મને તારી બહુ ઇર્ષ્યા થતી..તું કેટલો હોશિયાર હતો!’
‘અને હવે મને તારી થાય છે,નીખલા....’
ભણવામાં હોશિયાર સુરેશ પાસે બીજી કોઈ હોશિયારી ક્યાં હતી?અને એટલે જ તેનાં બધા પ્રયત્નો નિષ્ફળ જતાં હતા.આધુનિક સમયમાં પ્રમાણિક એટલે પંતુજી,સરળ એટલે બાઘો એવા સમીકરણો જાણ્યે-અજાણ્યે બનતા જતાં હતા.તેનું અરણ્ય રુદન કોણ સાંભળે? તે પોકારી ઉઠ્યો:’હે કૃષ્ણ ગીતામાં ધર્મનો લોપ થાય ત્યારે અવતાર લેવાનું વચન આપ્યું હતું,તો હવે ક્યારે અવતાર લો છો?’
ખરેખર તેને સમજ પડતી ન હતી કે શું કરવું?પસાર થતો જતો સમય તેનાં વર્ષોમાં જ નહિ,હતાશામાં વધારો કરી રહ્યો હતો.બહાર નીકળી તેણે સિગરેટ પીધી.ધુમાડાનાં ગોટેગોટા ઉડી રહ્યાં હતા.તેનાં પર એક કાળું વાદળ-પોતાનાં નસીબ જેવું જ-ઝળુંબી રહ્યું હતું.ધુમાડાનાં વમળની ઘુમરી મોટી કે સુરેશનાં મનમાં ઉઠેલી વિચારોની ઘુમરી તે નક્કી કરવું મુશ્કેલ હતું.આજનો દિવસ ક્યાં નોકરીની શોધ ચલાવવી તે ખબર ન હતી.ઘેર જાય તો પણ ઘરમાં બેસી શું કરવું તે મોટો પ્રશ્ન હતો.પિતાને આર્થિક સહાય કરવી જોઈએ તેનાં બદલે તેમની પાસેથી ખિસ્સા-ખર્ચી માંગવી પડતી.તેને સારી તકની લોટરી લાગી જાય તો કેવું સારું?
વિચારમાં મગ્ન સુરેશ રસ્તા પર ચાલી રહ્યો હતો. એક કાર તેની એકદમ પાસે આવી ગઈ ને બ્રેક મારી.કારવાળો બબડ્યો અને સુરેશ તરફ તુચ્છકાર ભરી નજર નાંખી.સુરેશ ચાલતો રહ્યો.ચુપચાપ,ગુમસુમ...
નોકરી હવે ધીમે ધીમે લગભગ આકાશકુસુમવત લાગતી હતી.ઓછા પગારની નોકરી મળવી પણ મુશ્કેલ હતી.કોઈ યોગ્ય બીઝનેસ મળી આવે તો થોડુંઘણું કમાઈ શકાય.મનમાં કઈ ઉગતું ન હતું કે કયો ધંધો થાય.અચાનક તેની નજર સામે ખૂણે આવેલા પાનકોર્નર પર પડી.તેને થયું ‘આઈડીયા! પાનવાળો કેમ નહિ?તે ક્યારેય નવરો પડતો જ નથી.એવું લાગે તો ગુટકા નહિ વેચવાના પણ પાન તો નિર્દોષ કહેવાય.બાપ-દાદાનાં જમાનાથી પાન તો સહુ ખાય જ છે ને?બસ આ ધંધો નક્કી.
ઘેર પહોચતા જ કહ્યું:
‘પપ્પા મારે બીઝનેસ શરૂ કરવો છે.’
‘હે!’
‘હા નોકરી તો એમ પણ મળતી નથી’
‘બરાબર પણ જોઈતું મૂડીરોકાણ ક્યાં?
‘રોકાણ મીનીમમ અને પ્રોફિટ ઘણો.’
‘એમ એવું તે શું છે?’
‘આપણી ગલીમાં કોઈ પાનવાળો નથી.પેલી બાજુ બે સ્ટ્રીટ છોડીને છે.’
મૂળ વાત કર..તારા બિઝનેસની.’
‘તે જ તો કહું છું. હું પણ કોર્નર શરૂ કરીએ.
અરે ગાંડા,તેનાં પર બેસે કોણ?’
‘હું જ વળી’ સુરેશનાં અવાજમાં ખુશી છલકતી હતી.
‘હે! એન્જિનીએરનો દીકરો પાનનાં ગલ્લે બેસે?’પિતાનો પિત્તો ગયો.
‘અરે પપ્પા ઈ તો સરસ સુઘડ આધુનિક પાન કોર્નર હશે.એવો પાનવાળો તો બધાને ગમે જે વ્યવસ્થિત હોય,ભણેલો હોય,પોલીટીક્સ કે ફિલ્મ વિષે ચર્ચા કરે,ખાસ કસ્ટમર સાથે અંગ્રેજીમાં પણ વાત કરી શકે.’
એની નજર સામે ઉજ્જવળ ભવિષ્ય હતું.પણ પિતા ક્યારનાય રૂમ છોડી ગયા હતા.તેને ખબર હતી કે પિતાની ‘ના’ની હા થવી અશક્ય હતી.એક આશાસ્પદ કારકિર્દીની ભૃણહત્યા થઇ ગઈ હતી.
એમ કરતાં પાંચ વર્ષ પસાર થઇ ગયા.તેનું સ્પોટલેસ સફેદ શર્ટ હવે ઝળવા લાગ્યું હતું.ચંપલની ચાર-પાંચ જોડી તૂટી ચૂકી હતી.તેહવે કોઈ એવા પ્રદેશમાં જવા માંગતો હતો જ્યાં ઇન્ટરવ્યૂ નામની જફા જ ન હોય.૨૭-૨૮ વર્ષ પછી તો કોઈ ઇન્ટરવ્યૂ માટે બોલાવે કે કેમ તે પણ પ્રશ્ન હતો.ક્યાં સુધી કુટુંબનો બોજ બનતા રહેવું?ના ના હવે કોઈ દોડ-ધામ નહિ,હડીયાપાટી નહિ,ભારણ નહિ.બસ આ સઘળી યાતનાઓનો,દિશાહીન જીદગીનો એક ઝાટકે અંત લાવવો છે.તદ્દન હળવા,નિર્ભાર અને આ સંસારથી દુરદુર.
હવે આત્મહત્યા એ જ કલ્યાણ.રેલ્વેટ્રેક પર જઈ પડતું મુકું? ના,ના, બધા શોધીશોધીને થાકી જાય.મા તો દીકરાનું મોઢું પણ બરાબર જોવા ન પામે.ગળે ફાંસો? ના,ના,છેલ્લીવાર તો મા મારું મુખ જુએ એમ તો કરવું જ છે.
આખરે તે પોઈઝનની બોટલ લાવ્યો.બસ ઘરમાં જ રહી મુક્તિ મેળવશે.અહા! હવે છાપામાં ‘વોન્ટેડ’ જોવાની નહિ,અરજી ને રેઝ્યુમીની ઝંઝટ નહિ,પ્રમાણપત્ર અને માર્કશીટ સાચવવાની કડાકૂટ નહિ,કાલથી અક્કલ વગરના પ્રશ્નોના જવાબ આપવાના નહિ.ના કોલ લેટર,ન વેઈટીંગ પીરીયડ,ન રીફ્યુસલ.તેણે ગોળી ખાધી,મા સાથે બેસી વાતો કરી અને સુવા ગયો.હવે ક્યારેય ચિંતામાં ઊંઘ નહી ઉડે.એક લાંબી ઊંઘ ગાઢ શાંતિ.આવતી કાલની સવાર સ્વર્ણિમ સવાર હશે.હવે આ દુનિયાના ક્રૂર સૂર્યના દર્શન નહિ કરવાના રહે. ‘બેકાર’ની કાળી ટીલી તો નહિ રહે.
‘અરે ઉઠ,સુરેશ સાત થઇ ગયા....તારે આઠ વાગે તો ઇન્ટરવ્યૂ છે.
‘હે! મા હું ક્યાં છું?’તેણે ગાળ પર મુક્કી મારી.જાગ્યો કેવી રીતે? જીવતો છે?ઝેરમાં પણ ભેળસેળ?
અને આમ તેનું સુંદર સ્વપ્ન પૂરું થયું.ફિર વો હી રફતાર,વો હી ચક્કર,અરજી, ઇન્ટરવ્યૂ.સફેદ શર્ટની ઈસ્ત્રી.
ભાગ્યાદેવીએ એને સ્વપ્નમાં પણ સુખનો અનુભવ ન કરાવ્યો.
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Comments