આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સવાર સવાર માં જો કોઈ ને મળી ને તેની સાથે એકાદ કલાક પસાર કરવાનું બનતું હોય તો તે છે અખબાર , અને વળી તે પણ દરરોજ . ધીમે ધીમે છાપા ઓ માં , લુંટ ચોરી , ખૂન , બળાત્કાર , અકસ્માત અને ઠગાઈ ના સમાચારો નું પ્રમાણ વધતું જ રહ્યું છે . આઈનસ્ટાઈન અત્યારે જીવિત હોત તો તેણે ફીઝીક્સ , અને બ્રહ્માંડ જેવા વિષયો ને થોડો સમય તડકે સુકાતા મુકીને , ગુનાખોરી અને કળિયુગ ના સમય વચ્ચેની સાપેક્ષતા ના સિદ્ધાંતો જરૂરથી શોધ્યા હોત . અલબત્ત એક સાપેક્ષતા ગુનાખોરી અને સામાજિક આધુનિકરણ વચ્ચે છે પણ ખરી . આધુનિકરણ માત્ર વિચારો નું નથી થયું . આદતો, ઇચ્છાઓ, સપનાઓનું પણ થયું છે . વાસ્તવ માં વૈચારિક આધુનીકરણે તો માત્ર પા પા પગલીઓ જ ભરી છે . એષણાઓ નું આધુનિકરણ અને તેણે પરિપૂર્ણ કરવાની ઘેલછાએ તો હરણફાળ ભરી છે .
પરાપૂર્વ થી ચાલ્યું આવે છે, કે જયારે તકલીફો ના ઉપાય માટે ના બધા રસ્તા બંધ થઇ જાય ,ત્યારે આધ્યાત્મ નો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે . એક જનસામાન્ય માટે આધ્યાત્મ એટલે ...એક ડીવોશનલ પુસ્તક ,ભજન કીર્તન કે ધ્યાન , અથવા તો આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ . પુસ્તક નામનું પ્રાણી તો જાણે લુપ્ત થતી પ્રજાતિ માં આવી ચુક્યું છે , છતાં થોડુ ઘણું જે અસ્તિત્વ વધ્યું છે તે આધ્યાત્મિક પુસ્તકો ના રૂપે છે . પરંતુ સડસડાટ ટેક્નલોજી ના આ દૌર મા ,પુસ્તક થોડું આઉટડેટેડ ગણવા લાગ્યું છે . ભજન કીર્તન કરવા માં વળી મોર્ડન ઈમેજ ને ઠેસ પહોચવાની ભીતિ છે . એકજ ઉપાય વધ્યો છે અને તે છે ‘આધ્યાત્મિક ગુરુ’ . બીજા શબ્દો માં કહીએ તો ‘બાબાઓ ‘ .
પ્રાચીન ઋષિમુનીઓ ના આધુનિક અનુંપાત્રો જેવા બાબાઓ, બધી જ કળા ઓ માં પારંગત છે . આજનો ‘બાબો’ કોઈ એક ધર્મ ગ્રંથ , કે ધર્મ પુરતો સીમિત નથી. અરે એ તો સંન્યાસી હોવા પ્રત્યે પણ સીમિત નથી . કોઈ પણ કળા શીખવા માટે બાબા પાસે જવું અનિવાર્ય બનતું જાય છે . અત્યારસુધી શીખવવામાં આવતું હતું કે શરૂઆત કરો , પ્રયત્નો કરો , મહેનત કરો , લગન રાખો અને સફળ થાઓ . હવે એવું નથી રહ્યું . શરૂઆત કરો , થાય તેટલા પ્રયત્ન કરો , અને સફળતા ના મળે તો સોલ્યુસન માટે પહોચી જાઓ બાબા પાસે . આધુનિક સમય ના દરેક પ્રોબ્લેમ નું અલ્ટીમેટ સોલ્યુસન એટલે ‘બાબા ‘. બાળકો નથી થતા ..? બાબા ઉપાય બતાવશે . કેટલાક કિસ્સાઓ માં તો બાબાઓ દ્વારા તન મન ધન થી મદદ થતી હોય છે . ધન જે તે સ્ત્રી ના ઘરવાળા ખર્ચશે , તન ની સેવા બાબા તરફથી , અને મન નું મોત જે તે સ્ત્રી નું . સાસુ-વહુ ના જગડા , ભાઈ-ભાઈ ની તકરાર , ભાગીદારી ની માથાકૂટ .... સોલ્યુસન ..! બાબા . નોકરી નથી મળતી ..? ધંધો નથી ચાલતો ..? માળો બાબા ને . પછી તમારો ધંધો ચાલે ન ચાલે ,બાબા નો ધંધો હીટ છે . પૈસા લઇ ને પણ , બે ચાર સુવાક્યો , સુફિયાની સલાહો , ભગવાન માં શ્રદ્ધા રાખવાની વાતો કરતા , વ્રત ઉપવાસ રાખવા ના ઉપાયો બતાવતા હતા ત્યાં સુધી ઠીક હતું . પણ ... કેટલાક નિર્મૂળ બાબાઓએ તો ‘છેલ્લે પાણીપુરી ક્યારે ખાધી હતી ?’ જેવા પ્રશ્નો પૂછી , અને ‘રાજધાની એક્સપ્રેસ માં સફર કરો ‘ જેવા ઉપાયો બતાવી ને હદ કરી નાખી છે . આવા બાબા ના દરબારો માં એન્ટર થતો માણસ વધુ કન્ફયુઝ થઇ ને બહાર આવે છે . વળી આવા પ્રશ્નો પૂછવા માટે હજારો રૂપિયા ની ફી વસુલાય છે .
ચિંતા એ વાત ની નથી કે આવા બાબાઓ ના ઠગવેડા પુર જોશ માં ચાલે છે . દુઃખ એ વાત નું છે કે આપણે જ એ ચાલવા દઈએ છીએ –ચલાવીએ છીએ . ‘ત્રણ પગ વાળી ગાય’ કે ‘એકજ જગ્યા એ થી મળેલી ત્રણ ખોપડી ઓ ‘ જેવા વિષય પર આખો એક્સક્લુઝિવ પ્રોગ્રામ બનાવી નાખતી ન્યુઝ ચેનલો પણ ત્યાં સુધી નથી જાગતી ,જ્યાં સુધી આવા કોઈ બાબા મોટો કાંડ ન કરે . અરે આવી જ ૨૪ કલાક ની સમાચાર ચેનલો ના, પ્રાઈમ ટાઈમ સ્લોટ ખરીદી ને તો આ બાબાઓ પોતાના કાર્યક્રમો અને દરબારો પ્રસારિત કરે છે . રાજકારણ અને કાયદા તંત્ર પણ આવા ઢોંગીઓ ને છાવરે છે.
સર્વત્ર લોલમ લોલ છે એવું સાબિત મારે નથી કરવું , પણ ક્યાંક કઈક ખોટું છે એ નક્કી . કોણ ખોટું છે એની પળોજણ માં નથી પડવું . મારે એ જોવું છે કે ક્યાંક ‘હું ‘ કે મારી નજીક ની કોઈ વ્યક્તિ તો ખોટી નથી ને ..! આ ‘હું ‘ એટલે સમાજ નો પ્રત્યેક વ્યક્તિ . જો ‘ હું ‘ આવા ગોરખ ધંધા માં માનતો નથી. જો હું આવા ઠગ બાબા ઓ ની કોઈ પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપતો નથી .. તો એક સમય જરૂર એવો હશે જયારે એક તરફ આ બાબાઓ ઉભા હશે , અને એક તરફ આખો સમાજ . ત્યારે ‘બાબા ‘ પોતાની ભૂલો માટે રડતો હશે , પોતાની દયનીય સ્થિતિ વર્ણવતો હશે અને આપણે એને પૂછીશું ....” છેલ્લે પાણીપુરી ક્યારે ખાધી હતી ..?” .
- મહેન્દ્ર પોશિયા.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
Read more...