આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :
" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "
તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને "I is always capital ".
અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ.
મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો કે જેમણે મને ભાન કરાવ્યું કે - "I know that I know nothing "
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું ."
આમ તો શિક્ષકરૂપી આ વિશાળતા તેમજ ગહનતા ને શબ્દોના સીમાડામાં બાંધવાનો પ્રયાસ એ જ સાગર ને ગાગર માં સમાવવા જેવી વાત થઇ.મારા શિક્ષકો માટે હૃદય -સાગર ના ઊંડાણ માં જે લાગણી અનુભવું છું , તે લાગણી પૂરેપૂરી આંસુ કે સ્પર્શ દ્વારા પણ વ્યક્ત થઇ ન શકે.આ સમયે જે કઈ મન:સ્થિતિ અક્ષરો સ્વરૂપે આકાર લે તે બહુ બહુ તો લાગણી નો અનુવાદ હોઈ શકે.કોઈ વ્યક્તિને સમજવા શબ્દો ચાલે,પરંતુ શિક્ષક જેવી વિભૂતિ ને અનુભૂતિ દ્વારા જ સમજી શકાય.
આપણા જીવનમાં ઈશ્વરથી પણ વધુ વંદનીય જો કોઈ હોય તો તે આપના શિક્ષકો જ છે.આ સંદર્ભ માં કબીરજી એ સુંદર વાત કરી છે :
" गुरु गोविन्द दोनों खड़े,किसको लागू पाय ?
बलिहारी गुरु आपकी , गोविन्द दियो बताय !"
એક ચાઇનીઝ કહેવત છે.
"જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો અનાજ વાવો,
જો તમારે દસ વર્હનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો ,
જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકને કેળવણી આપો "
તો આ કેળવણી-શિક્ષણ આપવાનું કામ કોણ કરે છે ? આપણા શિક્ષકો જ.
આપણા માતાપિતા આપણને જન્મ જરૂર આપે છે,પરતું જે રીતે શિલ્પકાર પથ્થર ને ટીપી ટીપીને સુંદર શિલ્પ બનાવે છે,હીરાઘસુ હીરાને ઘસી ઘસી ને પાસાદાર અને ચમકતા બનાવે છે તે જ રીતે આપણા શિક્ષકો આપણા જીવન ઘડતરનું ભગીરથ કાર્ય કરે છે.કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે કે ઉચ્ચતમ શિખરો સર કરે ત્યારે તેની પાછળ તેના શિક્ષક નો સિંહફાળો હોય છે.
કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને રક્ષણ માટે શિક્ષક અને સૈનિક અંગો છે. જે રાષ્ટ્રના શિક્ષક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય વિકાસ સાધી ન શકે. તેવી જ રીતે જે રાષ્ટ્રના સૈનિક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય શાંતિથી ઉંઘી ન શકે અને એ નાતે શિક્ષક એ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નું પાયાનું પરિબળ છે.
મારા સ્વાનુભવો ને આધારે કહું તો પાપા પગલી માંડતી મારી જીવનયાત્રા માં મારા શિક્ષકો ની પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ મળ્યા છે.
મશહૂર તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ ને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછેલ કે તમો તો લગભગ વિદેશમાં જ તબલા નું પ્રશિક્ષણ આપો છો.તમને ભારત અને વિદેશ માં શો તફાવત જણાય છે ?
ત્યારે તેમને જવાબ આપેલ કે મારા ભલે વિદેશ ના શિષ્યો વધારે હોય,પરંતુ ભારત માં જે ગુરુ-શિષ્ય પરંપરા છે તે વિદેશોમાં ક્યાય નથી અને તેથી જ હું વિદેશોમાં એક સાચો - સારો શિક્ષક નથી બની શકતો.
અફસોસની વાત એ છે કે આપણે પશ્ચિમની સંસ્કૃતિ ના આંધળા અનુકરણમાં ગુરુ-શિષ્ય પરંપરા ની અવગણના કરીએ છીએ અને કદાચ તેથી જ સમાજ માં શિક્ષકો નું મૂલ્ય ઓછું અંકાય છે.
ઝડપી પરિવર્તનનાં આ યુગમાં જયારે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણવ્યવસ્થા અને શિક્ષકો ચોક્કસ બદલાયા છે.આશ્રમ માં ઝાડ નીચે બેસી જ્ઞાન ના પાઠ ભણાવતા શિક્ષક બ્લેક બોર્ડ અને ચોક સ્ટીક વાપરતા થયા અને તેથી પણ વધુ આગળ વધી "મલ્ટીમીડિયા " અને લેટેસ્ટ ટેકનોલોજી નો તેમણે સહારો લીધો. ગુરુ દ્રોણ થી લઇ ને આજના મોડર્ન યુગ ના મેડમો અને સરો ને હૃદયપૂર્વક વંદન અને શિક્ષકદિન નિમિતે આપને સર્વે સંકલ્પ કરીએ કે આપણે સાચા અર્થમાં શિક્ષકો ને ઓળખીએ અને "ગુરુ દેવો ભવ:" નો મંત્ર ચરિતાર્થ કરીએ .
- જગત અવાશિયા
તા. ૦૫-૦૯-૧૯૯૯
(શાળાકાળ દરમિયાન આપેલ વ્યક્તવ્ય)
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Comments