Print
Parent Category: પ્રત્યંચા
Category: હરનિશ જાની
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

જુની ફિલ્મ ‘દેવદાસ’ માં એક સીન હતો. જેમાં દેવદાસના પિતાનું મૃત્યુ થાય છે. દેવદાસ દુખભરેલા ચહેરે બહાર ઓટલા પર બેઠો હોય છે. દુરથી ખોટું ખોટું રડતા લોકો દેવદાસને સાંત્વના આપવા આવે છે. દીલીપકુમારની ઍકટીંગ છે. હાથનો અંગુઠો દેખાડીને રડતા લોકોને ઈશારો કરે છે કે અંદર જઈ મારા કુટુંબીઓ આગળ રડો. વાહ! શી ઍકટીંગ હતી! મારા દીલમાં દીલીપકુમારની અદા છવાઈ ગઈ. ત્યારે જ નક્કી કરી નાખ્યું કે મારા બાપુજીનું મૃત્યુ થશે ત્યારે દેવદાસની જેમ ગુમસમ બનીને દીલીપકુમારની ઍકટીંગ કરીશ. ત્યારે હું બાર વરસનો હતો. મારા બાપુજીનું મૃત્યુ થયું ત્યારે હું સત્તાવીસનો હતો. તેમના મૃત્યુ પ્રસંગે નહોતો યાદ આવ્યો દેવદાસ કે નહોતી યાદ આવી દીલીપકુમારની ઍકટીંગ. બાને બાઝીને કંઈ રડ્યો છું! નાનાં ભાઈ-બહેનોને બાઝી બાઝીને રડયો છું! જે શરીરને બાઝીને મોટો થયો હતો એ શરીરને અગ્ની ચાંપવો સહેલો નહોતો. બાપનું મૃત્યુ એવું કારમું હતું કે જીવનમાં તે પછીનાં કોઈ પણ મૃત્યુ અસર થઈ નથી.

આપમે ત્યાં છોકરીઓ ઘર ઘર રમતી હોય ત્યારે ઢીંગલીઓમાંથી એક ઢીંગલીને મમ્મી અને એક ઢીંગલાને પપ્પા બનાવશે. ઢીંગલીને નવડાવશે. કપડાં પહેરાવશે.ખોટું ખોટું મેક-અપ કરશે. જયારે ઢીંગલીને ઑફિસ મોકલી દેશે ત્યારે તેને ખુરશી નીચે કોઈ ખુણામાં ખોસી દેશે. મમ્મીની સાથે રમશે. મમ્મીને લઈને પાડોશની ઢીંગલીને ત્યાં મળવા જશે. મારી બહેન તીલોતમા તો ગાતી : ‘માર સપાટો, તારો ઢીંગલો મુઓ!’  આપણાં કુટુંબમાં પિતાનો રોલ પડદા પાછળ રહે છે. માતા આંખ સમક્ષ હોય છે. બાળકો નાના હોય છે. ત્યારે પપ્પા તેમને માટે મીસ્ટ્રી મૅન- સુપર મૅન કે રહસ્ય પુરુષ હોય છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ પપ્પા સમજાય છે. કવીઓને ભલે માતામાં ભગવાનની સુરત દેખાતી હોય. પરંતુ કોઈ પિતાના ‘કાળજા કેરા ટુકડા સમ દીકરી’ ને માટે પિતા પ્રભુથી વિશેષ હોય છે.


મારા બાપુજીને અમે ‘કાકા’ કહેતા હતા. અમારું સંયુક્ત કુટુંબ હતું. દાદીમાને રસોડે વીસ-ત્રીસ માણસોની રસોઈ થતી. દાદાને આઠ દીકરા અને બે દીકરીઓ હતી. મોટા કાકાનાં બાળકો વિશ્ર્વનાથ જાની, રાજપીપલાના મોટા જમીનદાર હતા અને રાજપીપલા નરેશના કારભારી પણ ખરા. મારા બાપુજી ઉછર્યા રાજકુમારની જેમ અને જીવ્યા ખેડુતની જેમ. સેંકડો એકર જમીન હતી. જાની પાયગામાં ઘોડા હતા. ગામમાં રસ્તાઓ બંધાય તે પહેલાં આજુબાજુના ગામોને માટે ‘જાની બસ સર્વીસ’ ચાલુ કરી હતી. ગામમાં અનાજ દળવાની પહેલી ઈલેકટ્રીક ઘંટી નખાવી. ગામમાં પ્રથમ મુંગું ‘ઠેઠર’ (થીયેટર) લાવ્યા. એમ કહેવાય કે દાદા શૉ-બીઝનેસમાં હતા. કોઈ દીકરો ઍકટર ન બન્યો; પણ બધા ફીલ્મો જોતા થઈ ગયા! પરીણામે દાદાનો કોઈ દીકરો ભણ્યો નહીં. બધા જમીનદાર થયા! આઝાદી પછી એ વાતો પરીકથાઓ બની ગઈ.

દાદાનું કુટુંબ ગાંધીજીની ચળવળથી અલીપ્ત હતું. દાદાનો કોઈ દીકરો ગામમાં સવારે નીકળતી પ્રભાતફેરીમાં ગયો નથી કે કોઈએ ખાદી પહેરી નથી.‘અહીંસા એટલે બાયલાઓનું કામ’ એમ તેઓ માનતા. ઘરમાં મારા બાપુજી સૌથી નાના હતા, એટલે મેટ્રીક થયા. એમને ગાંધીજી અને સરદારમાં વિશ્ર્વાસ હતો. આઝાદી આવશે અને જમીનદારી જતી રહેશે એનો ખ્યાલ હતો. તેથી પોતાના ભાગની ખેતી જાતે, ચાકરોની મદદથી કરતા. હું નાનો હતો અને મારે સ્કુલમાં કોઈ ફોર્મ ભરવાનું હોય અને ‘પિતાનો ધંધો’ લખવાનો હોય ત્યારે મારી બા ‘જમીનદાર’ લખવાનો આગ્રહ રાખતી. અને મારા કાકા કહે કે, "લખ, ‘ખેડુત’ ... હું નહીં ; મારો બાપ જમીનદાર હતો."

આપણા સમાજમાં ખેડુત જીવવા માટે પુષ્કળ કામ કરે છે. મારા કાકા ઘણી વખત અમારા ખેતીવાળા ગામ ભીલવસીથી થાકીને આવતા અને ઓરડામાં દાદરને અઢેલીને બેસી જતા ત્યારે મારા તરફ જોઈ બોલતા,"તારે તો ખેતીમાં  પડવાનું જ નથી. આ અભણનો ધંધો છે." મારા ભાઈ હેમંતે બી. એસ. સી., ભણીને વરસો ખેતી કરાવી. આજે અમે ત્રણે ભાઈઓ અમેરિકામાં છીએ. દાદાના મૃત્યુ બાદ દેવું ભરવાની જવાબદારી એમણે લીધી અને એકલે હાથે દેવું ભર્યું. ન ભર્યું હોત તો ચાલત. ફકત દાદાવાં વચનનો જ સવાલ હતો. આ બાપે બોધપાઠનાં પ્રવચનો આપ્યા વિના ઘણું શીખવાડયું છે. અને આથી જ એમના મૃત્યુ બાદ કોઈ પણ પુરાવા વિના, અમે લોકોનાં લેણાં નાણાં ચુકવ્યાં છે.

મારા કાકા ક્રિકેટ સરસ રમતા. ડાબોલી બોલર હતા. રાજપીપળા સ્ટેટની ટીમમાં ક્રિકેટ રમતા. હૉકીની ટીમમાં પણ ખરા. એક જમાનામાં મહારાજાની ટીમને સુધનભાઈ વિના ચાલે જ નહીં. તેથી ‘રોયલ ફેમીલી’ના નબીરાઓની અવરજવર અમારે ત્યાં રહેતી. તે સ્પોર્ટસ્ મૅન હતા. તે ‘રૉયલ ઈંગ્લીશ’ મહેમાનો જોડે ‘પોલો’ પણ રમતા. સાંજે સ્કુલેથી આવી અને ઘરમાં, હું કોઈ નૉવેલ કે મૅગેઝીન વાંચવા બેસું અને એ જો જુએ, તો હાથમાંથી ચોપડી ખેંચી લે અને કહે,"બહાર રમવા જા. અને ન રમવું હોય તો નદીકિનારે ખુલ્લી હવામાં ફરવા જા." એમને ફિલ્મો જોવાનો શોખ હતો. અમે બન્ને મિત્રો જેવા હતા. સાયગલ ચડે કે રફી? મીનાકુમારી કે દેવકારાણી? વગેરે વિષયો પર એમની સાથે ચર્ચા થતી રહેતી. તે જમાનામાં રેડીયો સીલોન પર સવારે ૭-૫૫ વાગ્યે સાયગલનું ગીત વાગે. તે સાંભળ્યા વિના એમનો દિવસ ન ઉગે. આજે પણ સાયગલનું ગીત સાંભળું છું તો આંખો ભીની થાય ચે. અમે ધર્મથી માંડીને ગામના કોઈ પ્રેમ-પ્રકરણની પણ ચર્ચા કરતા. "કાકા, હનીમુન એટલે શું?" ,"પરણેલાંને જ કેમ છોકરાં થાય છે?" જેવા મારા બધા સવાલોના જવાબ મને, અકળાયા વિના સમજાવતા. એમનો એક મઝાનો જવાબ એ હતો કે :"તારાં લગ્ન થવા દે, પછી સમજાવીશ."

મારી બા ખુબ ધાર્મીક હતી. મારા કાકાએ મંદીરોના ધક્કા નથી ખાધા. પરંતુ વાસ્તવમાં તો એ સાધુ હતા. ખાનગીમાં ગરીબોને ઘણાં દાન કરતાં. મારા દ્વારા ગરીબોને કપડાં પણ પહોંચાડયાં છે. જ્યારે મારી બા, જાડા પુજારીઓને જમાડવામાંથી ઉંચી નહોતી આવતી ! મારા કાકા, બાના દરેક આમંત્રીત બ્રાહ્મણને ખુબ માન આપતા. અને જમાડતા. એક વખતે, દર ૧૮ વરસે આવતી, નર્મદા કિનારે આવેલા ભાડભુતની જાત્રા મારી બા કરી આવી અને પછી અમને બન્ પણ ઉશ્કેર્યા કે, ‘હવે ૧૮ વરસે આ જાત્રા આવશે. માટે જાવો, પુણ્ય મેળવી લો.’ ત્યારે હું ૧૫ વરસનો હતો. અમે ગયા ભરૂચ. ત્યાં બસની લાઈનમાં હજારો ભક્તો હતા. અમે રહ્યા ‘ના-ભક્ત’ ! કલાકો ઊભા રહેવાનો વિચાર સુધ્ધાં અમને ન આવે. એટલે બસની લાઈન છોડી, અમે જઈને ‘સુવર્ણ સુંદરી’ ફિલ્મની લાઈનમાં ઉભા રહ્યા. બીજે દિવસે ઘરે જઈ બાને ‘રિપોર્ટ’ આપ્યો કે ‘સુવર્ણ સુંદરી’ ના દર્શન કર્યા. તો બાને થયું કે, ‘હશે કોઈ દેવી. બીજી વખતે હું પણ દર્શન કરીશ.’ હવે, આ બાપ યાદ આવે જ ને! આવી તો કેટલીય વાતો છે. મારી બા અને કાકા બન્ને જુદા જ વિચાર-સ્વભાવના ; તે બન્ને મે કદી ઉંચા અવાજે બોલતા નથી સાંભળ્યા. કાકાએ કદી રસોડામાં માથું નથી માર્યું અને બાએ કોઈ ખેતરમાં પગ નથી મૂક્યો. કાકા ઉત્તર હતા; તો બા દક્ષિણ હતી. પરંતુ બધા ઉત્તર દક્ષિણ પાસે હતા. અમે ખોટા કંપાસની જેમ દક્ષિણ તરફ ટાંકીને ઉભા રહેતા. જેમ જેમ મોટા થયા તેમ તેમ ઉત્તર માટે ઉત્તર તરફ વળવા લાગ્યા. અમે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતા. મારા કાકા ૫૪ વરસની ઉંમરે ગુજરી ગયા. એટલે નાના ત્રણ ભાઈ-બહેન રણજીત, વર્ષા, જૈમીનીને એમની બહુ વાતો યાદ નહિ. તેમના પિતા મારી માતા બની. મારાથી નાની તીલોત્તમાને હું જ્યારે પણ હેરાન કરતો ત્યારે તે કાકા પાસે દોડી જતી. એ જ વખતે તે મારા પર ખરેખર ગુસ્સો થતા. એમને દીકરીઓ ખૂબ વહાલી. મારી પત્ની હંસા પરણીને આવી ત્યારે શરુઆતમાં માથે ઓઢતી હતી. ત્યારે તેમણે તેને સમજાવી હતી કે, દીકરી બાપની આગળ માથે ન ઓઢે.

1960માં મારી પહેલી વાર્તા ચાંદની માં છપાઈ. હું ત્યારે અઢાર વરસનો હતો. હું ખુશ. વાર્તા વાંચી કે ન વાંચી, ગામ આખું ખુશ! વઘાઈ આપવા આવનારાઓને મારી બા ચા પીવડાવતી. રાતે બધું પતી ગયા પછી મારા કાકાએ મને પુછ્યું કે, લેખકનું નામ હરનીશ જાની જ કેમ? હરનીશ સુધનલાલ જાની એમ કેમ ન લખાવ્યું? મેં કહ્યું કે, લેખકનાં નામ બે શબ્દોનાં જ હોય-પન્નાલાલ પટેલ, ચન્દ્રકાંત બક્ષી વગેરે વગેરે.. તો એ બોલ્યા કે, તો પછી રમણલાલ વસંતલાલ દેસાઈ, નરસીહરાવ ભોળનાથ દીવેટીયા તો લખાય છે! તો મેં ચતુરાઈથી કહી દીધું કે, સાક્ષરનાં નામ ત્રણ શબ્દના હોય અને લેખકનાં બે શબ્દના. વાત ત્યાંથી તો અટકી; પરંતુ મારા દીલમાં ચોંટી ગઈ હતી. વરસો પછી જ્યારે મારો પ્રથમ વાર્તા સંગ્રહ બહાર પડ્યો (સને : 2003, પ્રકાશક રંગદ્રાર પ્રકાશન, 15-યુનીવર્સીટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ-380009) ત્યારે મેં, તેનું નામ સુધન –મારા બાપુજીના નામ પરથી રાખ્યું. પેલી ચોટ દીલમાંથી નીકળી, પુસ્તકના કવર પર ચોંટી ગઈ.

મારા કાકાની કીડની બગડી ગઈ હતી. ત્યારે ડાયાલીસીસ જેવો શબ્દેય નહોતો સાંભળ્યો. તેઓ હોસ્પીટલમાં હતા. ધીમું ધીમું ઝેર ચડતું હતું. મુત્યુ નક્કી હતું. તેમને ઝાડા-પેશાબની તકલીફ હતી. અઠવાડીયાથી શરીરમાંથી મળ નહોતો નીકળ્યો. અને પેટના દર્દથી પીડાતા હતા. હું અને બા હોસ્પીટલમાં હતાં. એક સવારે બા કહે. ચાલો, હું તમારી સાથે જાજરુમાં આવું છું. અને બાએ તેમના શરીરમાંથી મળ કાઢ્યો. બન્ને બહાર આવ્યા. કાકાનું પેટ હળવું થયું. તેમના સુઈ ગયા પછી મારી બા મને બાઝીને રડી અને બોલી કે, અંદર તારા કાકા કહે છે કે આવો પ્રેમ અને ચાકરી કોણ કરે? મને આવતા જનમમાં પણ તું જ પછી મળજે.

આજે આટલા વરસ પછી પણ બધું યાદ કરું છું તો લાગે છે કે આ માબાપ બીજા સાત જનમ મળે તો મોક્ષનો મોહ પણ ન રાખુ.

માતા ધરતી, પિતા આકાશ, બન્ને વચ્ચે સુરીલો પ્રાસ;
માતા હવા, પિતા શ્વાસ, બ્રહ્માંડનો આ સર્જન-રાસ.