Print
Parent Category: પ્રત્યંચા
Category: હરનિશ જાની
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

આજથી વીસ દિવસ પછી, 20 જાન્યુઆરી 2009ના દિને, અમેરિકાના ચુંટાયેલા પ્રમુખ ઓબામા વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરશે. જગત આખું એ ક્ષણની રાહ જુએ છે. પરંતુ ઓબામા એ ક્ષણની રાહ નથી જોતા. એમનાં સાસુમા પહેલે દવસથી પોતાની દિકરી અને જમાઈ સાથે વ્હાઈટ હાઉસમાં રહેવા જવાનાં છે. જમાઈ અને દિકરીને નવા ઘરનો જેટલો આનંદ છે તેથી વધુ સાસુમાને છે! ઓબામા ફેમિલી સાથે જયારે નવું ઘર જોવા પહેલી વાર આવ્યા હતા, ત્યારે કારમાંથી કૂદકો મારીને સાસુમા પહેલાં ઉતર્યાં હતાં અને વ્હાઈટ હાઉસના પ્રોટોકૉલનો ભાંગરો વાટ્યો હતો. તેમણે જાહેર કરી દીધું છે કે, જમાઈ સવારની પહેલી કૉફી તો પોતાના હાથની જ પીએ છે. જમાઈને પોતાના હાથની ઈન્ડોનેશિયન સ્ટાઈલ બિરિયાની બહુ ભાવે છે અને તે અડધી રાતે પણ તે પ્રેમથી બનાવી શકે. બની શકે કે તેથી તેમણે જમાઈ જોડે વ્હાઈટ હાઉસમાં જ રહેવાનું નકકી કર્યુ હોય.

મને લાગે છે કે બિચારા બારાકને માથે બબ્બે બોસ બેસશે. જગતની ચાવી અમેરિકા લઈને બેઠું છે. અમેરિકાની ચાવી ઓબામા લઈને બેઠા છે. પુરુષની ચાવી હમેશાં સ્ત્રી પાસે જ હોય છે. ઓબામાની ચાવી એમનાં પત્ની મિશેલ ઓબામા પાસે છે અને માતાજી પાસે દિકરી મિશેલની ચાવી છે. કઈ દિકરી માનાં આંસુ જોઈ શકે ? એટલે ધાર્યુ સાસુમાનું થશે. ટૅકનિકલી ભલે મતદારોએ મત ઓબામાને આપ્યા હોય; પરંતુ ચૂંટયાં છે સાસુમાને.

ઓબામા લૉયર હતા. પછી સેનેટર થયા તયારે તેમના સ્ટાફને નવા બોસ મળ્યા હતા. હવે તે વ્હાઈટ હાઉસના સ્ટાફના બોસ થયા. ઓબામાસાહેબ ભલેને જોઈએ તેટલી નોકરીઓ બદલે; પરંતુ તેમના બોસ તો તેના તે જ છે. એમનાં પત્ની અને પત્નીનાં માતાજી ! ઓબામાનું તો બિચારાનું આવી બન્યું છે. સ્ત્રીઓ સાથે આ જીવન સંઘર્ષ કરવાનો છે. ઘરમાં બે દિકરીઓ પણ છે. પુરુષ પત્નીને ખોટું લાગવા દેશે; પરંતુ દિકરીની આંખમાં આંસુ જોઈ ન શકે. બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર કે રશિયાના પ્રમુખ જોડે ભલે ને જોરદાર મિટિંગ પતાવીને વ્હાઈટ હાઉસમાં આવ્યા હોય; તો પણ સાત વરસની આશા જો ડૅડીને ઘોડો બનાવવા માંગતી હોય તો બારાક સાહેબે બેટીને પીઠ પર બેસાડવી જ પડશે. મને બરાબર યાદ છે, મારી બે દિકરીઓ મને ઘોડો બનાવતી. એક મારી ઉપર બેસતી અને બીજી મને ચાબુક મારતી. દિકરીઓ તો હવે મોટી થઈ ગઈ છે, પણ પેલી ચાબુક તો ઘરમાં જ છે અને તે હવે પત્નીના કબજામાં છે.

ચાર્જ છોડતા પહેલાં બુશસાહેબે ઓબામા સાથે બંધ બારણે ગુફતેગો કરી હતી. મને લાગે છે કે ઓબામાએ બુશ સાહેબને તેમના જીવનની ચાર સ્ત્રીઓ વિશે પૂછયું હશે. બુશ સાહેબને મા હતી; સાસુમા ન હતાં. માને તો પિતા સાથે ટેક્સાસ મોકલી દીધાં. એટલે પત્ની લૉરા બુશ એકલાં પડી ગયાં. બુશ સાહેબને માટે વિરોધ પક્ષ નબળો પડી ગયો. ઓબામાને તો એવા ચાન્સ જ નથી ! બુશસાહેબે કહ્યું હશે કે, "બેટમજી,  ઈકોનોમીને તો નાથી શકાશે; પણ સાસુમાને નાથવા પ્રયત્ન કરી જોજો !" બુશસાહેબની યુવાન દિકરીઓએ બાપને નવ નેજાં પાણી ઉતારાવ્યાં હતાં. તેમના વ્હાઈટ હાઉસના નિવાસ દરિમયાન તેમની દિકરીઓએ જેના અને બાર્બરાને, દારૂ પીને નાઈટ ક્લબમાં ધમાલ મચાવવા માટે પોલીસે લૉક-અપ કરી હતી. બુશસાહેબને જીવનમાં પહેલી વાર થયું હશે કે અમેરિકા કરતાં ભારતનો પ્રમુખ હોત તો સારું થાત. મારા કૂતરાને પણ પોલીસ હાથ ન લગાડી શકત. અરે ! ભારતના ગવર્નમેન્ટના કોઈ પણ ખાતામાં હોત તો પણ મારી દિકરીઓ સામે કોઈ પોલીસ આંખ ન ઉઠાવી શકત. આ તો સાલું, આપણે અમેરિકામાં ફસાયા છીએ ! ઓબામાની દિકરીઓ બીજાં આઠ વરસમાં "પીવા" માટેની કાયદેસર ઉંમરે પહોંચવાની નથી. પરંતુ હવે તેમની જીદ કૂતરાં પાળવા માટેની છે. તેમાં નાની દિકરી શાસાને કૂતરાની એલર્જી છે. સામાન્ય રીતે બાળકો જીદ કરીને ઘરમાં કૂતરું કે બિલાડું પાળે છે અને પછી માબાપ પણ એ પ્રાણીની તહેનાતમાં લાગી જાય છે. બુશસાહેબ પોતાના અનુભવ ઉપરથી સલાહ આપી છે કે કૂતરું નાનું લાવજો જેથી વ્હાઈટ હાઉસની કાર્પેટ વધુ ન બગાડે. બુશસાહેબે જેટલું ધ્યાન પોતાના કૂતરામાં આપયું હતું તેટલું ધ્યાન ઈકોનોમી તરફ આપ્યું હોત તો એમની પાર્ટીને હારવાનો વારો ન આવ્યો હોત અને ઓબામા વ્હાઈટ હાઉસમાં ન હોત. જગતને એમ છે કે ઓબામા એ એક મૅજિશિયનનું નામ છે. એ વ્હાઈટ હાઉસમાં પગ મૂકશે કે જગતમાં રામરાજ્ય આવી જશે. રામની સાથે સાસુ હોત તો રામરાજ્યની કથા જુદી જ હોત. કદાચ રામની જગ્યાએ સાસુમાએ જ રાવણનો ભુક્કો બોલાવ્યો હોત.

ઓબામાને બીજી પણ મુસીબત છે. તે મિડલ ઇસ્ટની કે અફઘાનિસ્તાનની નહીં; પરંતુ તેમની કુટેવની ઓબામાસાહેબને સિગારેટ પીવાની કુટેવ છે. એ એમણે છોડવી પડશે. નહિ તો પછી તેઓ વ્હાઈટ હાઉસના રૉઝ ગાર્ડનમાં હાથમાં સિગારેટ સાથે આંટાં મારતા જોવા મળશે; કારણ કે વહાઈટ હાઉસમાં તો સિગારેટ પીવાની મનાઈ છે! વ્હાઈટ હાઉસ ‘નો સ્મોક ઝોન’ છે. બિલ ક્લિંટનને સિગારનો શોખ હતો. ઓવલ ઓફિસના ટેબલમાં રાખતા તે વાત તો મોનિકાબહેને બહાર પાડી ત્યારે લોકોને ખબર પડી ! હા, બારાક ઓબામાસાહેબે એક વાત ચોક્કસ યાદ રાખવી પડશે. આતંકવાદી હુમલા કરતાં પણ મોટો હુમલો, પત્ની-સાસુમા અને બે દિકરીઓ તરફથી થશે.  જો મોનિકા જેવું કોઈ પ્રાણી ઓવલ ઓફિસમાં પ્રવેશશે તો......