આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અનિલ જોશી સરનું એક નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર માટે નું સ્ટેટસ વાંચી ને આ લખવાનું મન થઈ આવ્યું, કહેવું હતું તો ઘણાં સમયથી પણ આજે કવિશ્રી ના સહકાર થી આ તક મળી છે. જો સાચે જ સિનીયર કવિઓ, લેખકો નો આમ જ સાથ હોય તો અમારી પેઢીમાં ઘણાં એવા નામો છે જે સાચે જ ખૂબ સારું કામ કરી શકે છે અને ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ કહી શકાય એવું કામ કહી શકાય તેમ છે. જેને ખરેખર ૨૧મી સદીનું સાહિત્ય કહી શકાય એમ છે. પણ આપણાં કવિઓ ની અને લેખકોની એક ચોક્કસ સમજણ છે કવિતા વિશે ની અને એનાં સિવાયનું કશુંય કવિતા કહેવાવાને લાયક નથી એમ તેઓ માને છે. સારી ક્રીયેટીવીટી આમ બસ ફેસબૂક સ્ટેટસ અને રેડીયો વગેરેમાં વેડફાઈને રહી જાય છે.
આપણે જો મૂર્તિ બનાવવી હોય તો મૂર્તિનાં કદ અને એમાં બારીકીનાં પ્રમાણે આપણે ઓજારો વાપરીએ, બધી જ મૂર્તિ માટે એકસરખા ઓજાર ન વાપરી શકાય. તો અહીં અમને જેવું સંવેદન સાંપડે એ પ્રમાણે જ ભાષા ઉપયોગમાં લેવાય એ તદ્દન સ્વાભાવિક છે, અમારી પેઢી ગામઠી વાતાવરણ વચ્ચે કે ચારેબાજું ગવાતા ભજનોનાં ઢાળ વચ્ચે નથી ઉછરી. તો અમારી કવિતાઓમાં એ ના હોય એ સ્વાભાવિક છે.
હું મારી અને મારા સ્કૂલ ટાઈમનાં મારા મિત્રોની દ્રષ્ટિ થી વાત કરું તો, અમે ગુજરાતી ને ભાષા તરીકે પછી અને પહેલા એક વિષય તરીકે જોઈ છે, એક એવી પરીક્ષા જેમાં ખાલી પાસ થવાનું છે. અમે ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા શીખ્યા જ નથી. આપણે માત્ર પરીક્ષાલક્ષી ભણીયે છીએ. તો અમારા માટે ગુજરાતી એક વિષય માત્ર હતો, એમાં શિક્ષક ને ભણાવતા ના આવડે એ અલગ અને એ પૂરું ના હોય તેમ ગુજરાતીના પેપર માં પૂરા માર્ક્સ કોઈ દિવસ ના મળે, કારણ કે આ ભાષા છે અને એમાં તમે કાયમ વધું સારું લખી શકો. કાવ્યપૂર્તિમાં તમે કાવ્ય બરોબર યાદ રાખીને લખ્યું હોય, જોડણી કે પછી અનુસ્વાર સુધ્ધાની ભૂલ ના હોય તો પણ સાહેબ અડધો માર્ક કાપી લે અને તમે પૂછવા જાઓ તો કહે "અરે ગાંડા! આટલા માર્ક્સ પણ ખુશ થઈ ને આપ્યા છે!"
આ વાતાવરણમાં ભાષા પ્રત્યે ચોક્કસ માનસિકતા કેળવી ન શકાય, અને આજે કવિઓ ભાષા જાળવો જાળવો ની ધજા લઈને નીકળી પડ્યા છે એ મોટા કવિઓ પોતે જ ભાષા સાચવી નથી શક્યા એટલે જ આજે આટલું અંગ્રેજીકરણ થઈ ગયું છે, અને જો કોઈ પણ ભાષાનું બદલાવું એ સ્વીકારી શકાય એમ ન હોય તો આજે આપણે હજીય સંસ્કૃત કેમ નથી બોલતા?
આપણે મૂર્તિ બનાવી રહ્યા છીએ પણ આપણ ને મૂર્તિ થી વધું હથોડીની ચિંતા છે. આપણ ને છંદ , લય શીખવાડવામાં આવે છે ગઝલિયત કે શેરિયત નહીં. અને ગઝલિયત કે શેરિયત બિલકુલ શીખવાડી શકાય એમ છે. જો કોઈ પણ વ્યક્તિ ને નાનપણ થી કે યોગ્ય ઉમ્મર થી સારું અને સાચું સાહિત્યનું વાતાવરણ આપવામાં આવે તો એ એમની સંવેદનશીલતા પ્રમાણે આખી ઉંમર દરમિયાન બહુ નહીં તો થોડીક સારી માણવા લાયક રચનાઓ તો આપી જ શકે એમ છે.
કવિતા કોઈજ મોટી વસ્તુ નથી. અને કવિ તો તદ્દન નહીં. ભાષા આખરે માણસના મગજની પેદાશ છે એટલે એમાં કમી રહેવાની જ અને જો એ પૂરી કરવા તમે બીજી ભાષા કે ડીક્શન નો ઉપયોગ કરો એમાં તકલીફ ના હોવી જોઈએ જ્યાં સુધી કવિતા બનતી હોય. આપણી પ્રથમ જરૂરિયાત કવિતા છે, કવિ કે ભાષા નહીં. કારણકે એકવાર કોઈ કવિ ફેમસ થઈ જાય પછી તો એનાં થૂકેલાં ગળફાં ને ય આપણે કવિતા માની લઈએ છીએ તો પછી આપણે ત્યાં પોલીટેક્સ તો રમાશે જ એવોર્ડો માટે કારણ કે વાંચનાર તો બુદ્ધિહીન છે. અભણ છે અને એ અભણ જ રહે એની કેટલાક લોકો એ ખાતરી રાખી છે.
અને બીજી વાત, અમુક કવિઓની સતત કંપ્લેઈન રહ્યા કરે છે કે એમને સાચો ભાવક નથી મળતો. આ વાત જરા આમ છે, આજ નો ભાવક ખૂબ દૂર ઉભો છે અને એની આજુ બાજુ ખૂબ બધો ઘોંઘાટ છે, અને આ કવિ દૂર ઉભો ઉભો બૂમો પાડી પાડી ને એને બોલાવે તો એ ના જ સાંભળે ને, કોમન સેન્સ ની વાત છે આ તો. અને પાછી કંપ્લેઈન કરે એ ના ચાલે. કવિએ ઉપર થી એ ભાવક પાસે જઈને એને હાથ પકડી ખેંચી લાવવો જોઈએ પોતાની પાસે. જો તમે ભણાવી નથી શકતા તો આટલું તો કરી શકો છો. અને ભાવક ને નિસ્બત છે જ કવિતા થી એટલે જ તો એ તમને વાંચવામાં ટાઈમ બગાડે છે. અને ગુજરાતી એની પણ ભાષા તો છે જ. અને આ શક્ય છે, અને હું પૂરાવા આપી શકું એમ છું. મારા સહિત એવા ઘણાં લોકો અહીં એફ.બી. પર છે જેને થોડા મહિનાઓ પહેલાં કોઈ પણ એરા ગેરા નથ્થુ ખેરાની કવિતામાં વાહ વાહ કરી નાખે, અને આજે એ બધા જ લોકો ગમે તેવો મોટો શાયર હોય પણ શેર સારો ના હોય તો વાહ ના જ નીકળે મોઢામાંથી. અને આ કામ એવા માણસે કર્યું છે જેણે વર્ષો થી પોતાની એક આખી કવિતા નથી લખી. તો આપણી પાસે તો આવા સમર્થ કવિઓ છે તો કેમ પોચા પડે છે?
અમને શીખવાડો, અમે શીખવાથી પાછા નથી પડતા. તમે આ ભાષા ને જેવો પ્રેમ કરો છે એવો અમે પણ કરી શકીએ છીએ. પણ અમે તમારી પ્રેમમૂર્તિને નથી ઓળખતા, અમારી ભાષા તદ્દન અલગ દેખાય છે, તમારી ભાષા સાથે અમારી ઓળખાણ તો કરાવો. અમે ગમે તેટલું ખરાબ લખીએ તમે કહો છો કે સારું નથી અને અમે માની લઈએ છીએ કે હા સારું નથી, પણ હવે એને સારું કેમ બનાવવું એ તો શીખવાડો, ભૂલ કેમ સુધારવી એ તો કહો.
હજી વધુ લખી શકાય એમ છે પણ મને લાગે છે કે હું મારો મુદ્દો સ્પષ્ટ કરી શક્યો છું.
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Read more...