આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
" ...ગ્લોબલ! કોણ અજાણ છે આ શબ્દથી? પૈસા અથવા પૈસાથી હોવું કે ના હોવું જે બાબત .... વસ્તુ કે માણસને સ્પર્શે છે ...મનમાં પણ ...તે તમામ અસ્તિત્વ આ વિભાવનાને સાકાર રીતે જાણે છે. વસ્તુઓના આખા જૂથનું, આખી પૃથ્વીનું કે પૃથ્વીને વ્યાપનારું, ગોળાકાર, વિશ્વવ્યાપક, વૈશ્વિક, સમગ્ર જગત તેમજ જગતની બધી પ્રજાઓને અસર કરનારું...આ અર્થ છે ગુજરાતી શબ્દકોશના! અંગ્રેજીમાં ઢગલો સમાનાર્થી છે આ ‘ગ્લોબલ’ના...આંતરરાષ્ટ્રીય જેમાં સર્વસામાન્ય અને મૂળ છે. મૂળ પરથી બીજ યાદ આવ્યું તો બીજ શબ્દ છે ‘ગ્લોબ’! લૅટિન શબ્દ ‘ગ્લોબસ’! આ 'સ' સફિક્સ મનોરંજક છે ! સિસકારો નીકળે છે...હોઠ ખુલ્લા રહે છે. અવાજ, બલકે ઉચ્છવાસ ચાલુ રહે છે! વાયર લાઇવ છે. હા, કરંટ ઝીલનાર પણ વળતો કરંટ આપે તો ના નથી પાડવામાં આવતી. જીભ જ્યારે પૂર્ણ વિરામ મૂકે ત્યારે જેટલા કાન સાબદાં થાય તે કરતા વધુ જીભ ઍક્ટિવ હોય ત્યારે ઍલર્ટ હોય છે. ડિફેન્સ કે ઑફેન્સ! ‘ નેમ ઇઝ ગિબન્સ . ઑગસ્ટસ ગિબન્સ! ' સૅમ્યુઅલ જૅક્સન ટ્રિપલ એક્સ મૂવિમાં પોતાની ઓળખાણ આપતા કહે છે. જૅક્સનને ડાઇ હાર્ડમાં આપણે સારા ...સાચા...સખત રોલમાં જોયેલ હોઈ વિશ્વાસ વધી જાય છે! બ્રુસ વિલસ! ઍપૉસ્ટ્રોફી એસ હોય કે સંસ્કૃતનું 'સહ' આ 'એસ' રાખનો કે ગધેડાનો નથી કે ચૂપ રહેવાનું નથી કહેતો. એ સપ્તકના 'સા'નો 'સ' છે! સ્વાગતનો, સહકારનો, સ્વીકારનો, સમન્વયનો, સ્વથી લઈને સર્વનો ‘સ’. જુલિયસ, જુડાસ કે જીસસ...વેસ્ટ'સ ‘ઍસ’ રૂલ્સ! અડધો આઠડો મારો બાકીનો તારો...એટલે બે શૂન્ય! મૂળ શૂન્યમ્! આ 'મ્' પણ ઈક્વલિ રસપ્રદ છે જોકે તે ઇન્ટ્રોવર્ઝન આપે છે. રેડિયમ હોય કે ક્વૉન્ટમ કે પછી કીપ મમ! આ જ સંસ્કૃતના 'ગ્લૌ' પરથી ગ્લોબલ આવ્યું છે! આંતરરાષ્ટ્રીય લેવલ કે ફૅશન કે સ્ટાન્ડર્ડ એટલે વિદેશી એવા અર્થનું નહીં પણ સર્વ દેશનું કૉમન....ગુ.સા.અ. વાળું ગ્લોબલ! કુલ અને સરેરાશની જુગલબંધી. કપૂર, ચંદ્ર, ગોળો ....અને રસોળી, ગાંઠ, ગૂમડું આવું સંસ્કૃત કહે છે... 'ગ્લૌ' માટે. “
ઝિશાન ટાયરવાલા પૅડમાંથી મોઢું બહાર કાઢે છે અને વાસ્તવિક દુનિયામાં પાછો આવે છે. જોકે મનને એમ શૉર્ટ-બ્રેક ના મારી શકાય નહીંતર શૉર્ટ-સર્કિટ થઈ જાય! આખરે વર્ષો 'ને કિલોમિટરો બંને એક સાથે વેધવાના એ ખાલી ટાઈપ કરવાનો ખેલ નથી. વાહ! આ પણ ખરું છે વિચાર-વાયુથી લેખન-વાયુમાં થઈને પાછો છું તો હું વાયુમાં જ!...
જમણો હાથ ઊંચો કરી એણે સૉફ્ટ-ટચથી એર-હોસ્ટેસ બોલાવી.
ગોડ ડૅમ ઇટ ....આઈ નીડ સમથિંગ રિઅલ હૉટ ..નાઉ !
વરસાદની ધડબડાટી નથી સંભળાતી કે નથી એક ટીપું કપડા પર પડતું પણ આ વાદળા...અને તેની આરપાર ધસમસતું પ્લેન. અને સાથે અજાણી દિશામાં થતા વીજળીના ચમકારા...આના કરતા તો ધરતી પરના ....દેશી રોડ 'ને એના ખાડા-ખડબડિયા સારા...તથા પેલી ટ્રાફિક લાઇટ્સ ...માણસને નચાવે કે માણસ એને ...?! જે હોય તે ...હાલ મને મારું કામ કરવા દે...
"અંગ્રેજી- આજનું ...આપણું બોલે છે- ઑલ-અરાઉન્ડ, ઑલ-ઇનકલૂઝિવ, ઑલ-આઉટ, બ્લેંકેટ, કૉસ્મિક,
સકર્યુલર, ઑર્બિક્યુલર, કૉમ્પ્રિહેન્સિવ, અર્થલી, ગ્રાન્ડ, જનરલ, એનસાઇક્લોપેડિક, ઍગ્ઝૉસ્ટિવ, પ્લૅનિટરી, થરો, સ્ફિઅરિકલ, સ્વીપિંગ, ટોટલ, અન્બાઉન્ડેડ, યુનિવર્સલ, અનલિમિટેડ, વર્લ્ડ-વાઇડ. આમાંથી ઘણા શબ્દો આખા શરીરમાં ઝણઝણાટી લાવી દે છે! જાણે કે આત્માની વાત છે. અલ્લાની વાત છે. 'તે'ની વાત છે! ચોવીસ કૅરેટના તર્કની વાત છે. અને સીધા-સાદા....બેઝિક માણસ બનીને વિચારીએ તો અમુક શબ્દો આ અંગ્રેજી ડિક્શનરીમાં સીધા 'હોલિ ઘોસ્ટ'થીજ ઊતરી આવે છે! કૉઝ્મપૉલિટન... એટલે ... સર્વદેશી, રાષ્ટ્રિયતાની મર્યાદાઓથી મુક્ત, વિશ્વનાગરિક. ના, આ માર્ક્સ કે ઍડમ સ્મિથ પહેલાની વાત છે! અત્યારની વાત છે કે પછીની વાત છે એ પાછું ચર્ચાનો વિષય !
કૅથલિક! વિશ્વવ્યાપક, સર્વસાધારણ, મોટા મનનું, સર્વાશ્લેષી, સર્વસમાવિષ્ટ, સર્વગ્રાહી, ઉદારચિત્ત, વિશાળ દૃષ્ટિવાળું અને તદુપરાંત કે તળગર્ભસ્થ કૅથલિક અર્થાત્ તમામ ખ્રિસ્તી સંપ્રદાયને સમાવી લેનારું તેમજ રોમન કૅથલિક સંપ્રદાયને લગતું! 'ગ્લોબલ' માટે ત્રીજો હોશિયાર શબ્દ છે ઇક્યુમેનિકલ! ઈકયુ! ઇમોશનલ કવોશન્ટ...ના. તો ક્વેશ્ચન ? મીનિંગ છે સમગ્ર ખ્રિસ્તી દુનિયાનું પ્રતિનિધિભૂત, તમામ ખ્રિસ્તી લોકોમાં એકતા સ્થાપવા માગતું ! ગ્લોબલની જય હો ! ઘણી વખત પેલું “ગોળ ગોળ ટામેટું....અસ-મસ ‘ને ઢસ યાદ આવી જાય! પરંતુ....શું કરવાનું?! ઓકે...અને આ ‘ગ્લોબલ’ના વિરુદ્ધાર્થી? લોકલ ઉર્ફે સ્થાનિક, લિમિટેડ ઉર્ફે મર્યાદિત, ઇન્ડિવિજ્યુઅલ ઉર્ફે વ્યક્તિગત. ગ્લોબલનું ઍન્ટનિમ ક્યાંક 'હું' કે 'તું' તો નથી ને?! અસ્તિત્વવાદ બ્લૅક એન્ડ વ્હાઇટમાં હતો આ ગ્લોબલિઝમ ડિજિટલ કલરમાં જાણે કે અમારે ‘ત્યાં’નો..અમૅરિકાનો સુપર-બૉલ ! ..."
અસ્તિત્વવાદ ....
લૉઅર મિડલ ક્લાસમાં જીવન જીવતાં અબ્બાસભાઈ ભરૂચના પ્રતાપગઢથી સુરત આવ્યા ત્યારે એમની પાસે આ અસ્તિત્વવાદ શર્ટના ડાબા ખિસ્સામાં ઠાંસી ઠાંસીને ભરેલો હતો. ગુરુદત્તનું "પ્યાસા" તેર વાર જોયું હતું તે વાત ઉપર હિના વારી ગઈ અને એક વખત આવ્યો કે બંને લગ્નગાંઠે એક થયાં. સ્ટેટ ટ્રાન્સપૉર્ટની નોકરી. અહીંથી ત્યાં અને ત્યાંથી પણે. પરિવાર નાનકડા ઝિશાન અને તેની દીદી ઝરિનાને લઈને અમદાવાદ આવી ગયું. બધાને એક મળે પણ ઝિશાનને ત્રણ મમ્મી મળી હતી.
કોઈપણ બાળક તેની માતાને, તેને જે કાઈ સૂઝે તે બધી વાત કરે. જાણે મા ‘ને તેનાં બાળ બંનેના મગજ સિયામીઝ-ટ્વિન્સની માફક જોડાયેલા હોય. છતાં જેમ દરેક બાળક તેની માતાથી કશું ને કશું છૂપાવે કે ના કહે તેમ ઝિશાન પણ કશુંક નું કશુંક કોઈને કહેવાનું બાકી રાખતો...હા, સરવાળે તો તે ત્રણેય જણને બધું જ કહી દેતો. ઝરિનાનાં વહેલા લગ્ન થયાં અને તે પરણીને ભરૂચ ચાલી ગઈ. પપ્પાને મૅનેન્જાઇટીસ ભરખી ગયો અને મમ્મી એકલી પડી ગઈ. એ જ એકલી એકની એક માએ ઝિશાનને બળજબરી કરી પંચ્યાશીનાં અનામત આંદોલન વખતે દીકરાની સુરક્ષિત આવતી કાલ માટે દિલ પર પાટા બાંધી હડસેલી દીધો. ઝિશાનના અસ્તિત્વ માટે.
"...આજથી ઑલમોસ્ટ એક સદી પહેલા ૨૮ જુલાઈ, ૧૯૧૪ના દિનાંકે એક ઘટના ઘટે છે જે અસંખ્ય ઘટનાને જન્મ આપે છે ! કૅનેડાનું મૅકલિન્સ નામક મૅગઝીન ઑક્ટોબરમાં કહે છે ‘અમુક યુદ્ધ તેમનું નામ જાતે જ પાડે છે, આ મહા-યુદ્ધ છે.’ એણે 'ગ્રેટ' શબ્દ વાપર્યો હતો! જર્મન ફિલૉસૉફર અર્નેસ્ટ હેઇકલ સપ્ટેમ્બરમાં જાહેર કરે છે 'એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તથાકથિત યુરોપિયન-યુદ્ધની ચાલ અને લક્ષણોથી તે પ્રથમ વિશ્વ-યુદ્ધ કહેવાશે ...શબ્દના પૂર્ણ અર્થ મુજબ.'
શું અર્નેસ્ટે ઓગસ્ટ વિલ્હેમની ઍન્ટી-બ્રિટીશ નૉવેલ 'દેર વેલ્ટક્રીગ: ડોઇત્સે થોઇમા'...ધ વર્લ્ડ-વૉર : જર્મન સ્વપ્ના’નો સીધો શબ્દાર્થ કર્યો હતો ? ૧૮૯૮ના ડિસેમ્બરની સોળમી એ 'ન્યુયૉર્ક ટાઇમ્સ' આ 'વર્લ્ડ-વૉર' શબ્દ વાપરે છે. ચલણમાં કોણ ક્યારે ક્યાંથી કેમ ....લાવ્યું ? ફર્સ્ટ વર્લ્ડ-વૉર કે વર્લ્ડ-વૉર-વન 'લોકપ્રિય' રીતે મહા-યુદ્ધ તરીકે જ જાણીતું હતું. વ્યાકરણની ચોકસાઈ કવિતા, મીડિયા અને લોકજીભ ઉપર ખોટી ઊતરે છે. ખરેખર તો વ્યાકરણ પોતે નવા સંદર્ભ પામે છે. ટૉમ ક્રૂઝ્નું "વૉર ઑફ વર્લ્ડઝ' કે વર્લ્ડ'ઝ વૉર વિકૃત કે શોઇ લાગે છે. અને જે સત્ય છે 'ગ્લોબલ વૉર' તે કડવું લાગે છે ! અર્નેસ્ટલિ 'વર્લ્ડ-વૉર' જ સાચું લાગે છે ...પછી તે હેઇકલ હોય કે હૅમિંગ્વે ! જૂન ૧૯૧૮માં અમેરિકન રેડક્રૉસ તરફથી ઈટાલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે સેવા આપનાર હેમિંગ્વે ચોકલેટ અને સિગરેટ લઈ જતા ઑસ્ટ્રીયન તોપમારીમાં ઘવાય છે. તેઓ એક પત્રમાં લખે છે ...' અને પછી એક ચમકારો થયો...જેમ ભઠ્ઠીનું બારણું ખુલે છે અને એક ગર્જના, જે સફેદથી શરુ થઈને લાલમાં અંત પામતી જાય છે...' માછીમારના છોકરા તરીકે જીવતા રહેવા...એટલે કે પેટનો ખાડો પૂરવા થતી હિંસા બાળપણમાં જોઈ અને યુવાનીમાં પેટ મોટું કરવા થતી હિંસા...અન્યને મારવા માટેની જોઈ...ખેર, આ યાત્રા પરથી એક બૉમગોળો હૅમિંગ્વેને રેડક્રૉસની નર્સના પ્રેમમાં વાળી લે છે અને સદીની એક નામીચી નવલકથા 'એ ફેરવેલ ટુ આર્મ્સ' સર્જાય છે!...."
ભારતમાં ભણી અને અમેરિકાની ધરતી પર ગણેલો ઝિશાન આજે મીડિયા-સેલિબ્રિટિ છે. એક પછી એક ત્રણ બેસ્ટ-સૅલર નૉવેલ અને એક સુપર-હિટ મુવી હવે એની ઓળખ ન હતા રહ્યા. ફેસબુક ઉપર ફૉલોઅરનો મિલ્યનમાર્ક વટાવી ચૂકેલો ઝિશાન આજે લોકમાનસનો ફ્રૅન્ડ, ફિલૉસૉફર અને ગાઈડ બની ગયો છે. સાકાર લેખન કે સાકાર વાંચન ! જે કૉલેજમાં એ ઇન્ડિયામાં ભણી ના શક્યો તે જગવિખ્યાત ગુજરાત સ્કૂલ ઑફ આર્ટસમાં કાલે કૉન્વોકેશન ડૅનું પ્રવચન તેણે આપવાનું છે. ઝિશાન ટાયરવાલા વન ઑફ ધ બેસ્ટ સ્ટુડંટસ ઑફ ધ ઇન્ડિયાને "બે શબ્દો" કહેશે !
" શબ્દ શબ્દની કિંમત છે ...બજારમાં. પરંતુ, ના હું શબ્દની સંખ્યા નહીં જોખું. હું લખીશ નહીં. હું વાત પણ નહીં કરું. હું વિચાર સુધ્ધા નહીં કરું પરંતુ હું ફીલ કરીશ...એન્ડ આઈ વિલ ફિલ ધૅમ !"
ગ્લોબલ...વિશ્વ-યુદ્ધ...નૉવેલ...ઝિશાનના મનમાં હજુ મોજાં ઊછળતા હતા. કાચનો ગ્લાસ, વ્હાઇટ ડ્રિંક અને હું. વ્હૉટ આ ટ્રાયો! કયૂબ ઑફ ટ્રાન્સપૅરન્સી! સૉલિડ, લિક્વિડ એન્ડ એર ! ...લાવ જરા એફ્બી જોવા દે. અઢાર કલાકની જર્ની. ઉફ્ફ ...નો વે ...મારે મારું સ્ટેટસ નથી જોવું. લૅમ્મી ચેક વ્હૉટ અધર્સ સે...હમ્મ્મ્મ! સૉસેજ મશીનની માફક ફટાફટ ન્યૂઝ ઉતારવા માંડ્યા . લાઇક...અન- લાઇક કે ડિસ-લાઈકની મહોર ચડતી ગઈ ...અને ઝિશાનની આંખો થંભી ગઈ......વાઉ ...!
આફ્ટરઑલ લિઓ ગૅટ્સ હિસ ઍવોર્ડ ફોર "ધ ગ્રેટ ગૅટ્સ બાય"! આઈ લાઇક ધિસ મૅટ! ટોટલ ચાર ટ્રૉફી! બઝ યુ આર માય મેન! મિઉચ્યા પ્રાડા કૉન્ગ્રેટ્સ ફોર આઇકોનિક કૉસ્ટ્યૂમ્સ. એન્ડ ...ફિટ્ઝગેરાલ્ડ ...આઈ જસ્ટ કૅન્ટ સે ઍનિથિંગ અબાઉટ યુ ...ચિયર્સ!
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Comments
આભાર :) !
આ કથામાં
મનિ-રાઇટિંગ, મનોરંજન કે મોનોરંજનથી
અલગ ...મગજરંજન કે હૃદયરંજન છે.
વાચકને ગાગરમાં સાગર તો શું મળે પણ
વરસાદી ઋતુમાં હિમાલયની ઘાટીમાં જોઈએ ...
કેટ કેટલા ઝરણાં... વગેરે ...
એમ એક "વાત"માં અનેક "વતેસર" મળે
તે કોશિશ કરી છે , અને તે પણ
માહિતી સાથે ! આફ્ટરઓલ સાહિત્યનો વાચક વાંચે તો
એનો સમય પ્રેક્ટિકલી એળે ના જાવો જોઈએ.
આધુનિકતા તો ખરું જ પણ
ગુજરાતીના વાચકો ગુજરાતી છોડી અંગ્રેજી કે અન્ય
ભાષાના ભાષાંતરો પર સંપૂર્ણ ચઢી ના જાય એ
જવાબદારી આપણે બધાને નિભાવવી જ રહી ...
સાથે સહતે ગુજરાતીને નવા વાચકો મળી રહે તે રીતે.
Our Pleasure...
ફરીથી ...આભાર :) !