આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
(ચિત્ર: કિશોર રાવળ)
મારા બાપાજી રંગીલા આદમી હતા. તેમણે તખલ્લુસ રાખેલુ મોજીલાલ એ એક જ શબ્દ તેમને વર્ણવવા માટે પૂરતો હતો. પણ તક હાથમાં આવી છે તો મને જરા વિસ્તારીને કહેવા દો.
કપડાંનો ખૂબ જ શોખ. ભાવનગરના બધા કાપડિયાઓ તેમને ઓળખે. કંઈ નવું શર્ટિન્ગ આવ્યું હોય, લિવરપૂલનું ઇંગ્લિશ કોટનું કાપડ કે ધોતી- જોટાઓ આવ્યાં હોય તો રસ્તે આડા ઉતરી બાપાજીને પકડી દુકાને લઈ જાય. જેરામ દરજીને અવારનવાર પહેરણ કે કોટ બનાવવાનું કામ મળતું રહે. માથે કાશ્મીરી ભરત કરેલી ટોપી, કાળી ટોપી રાખે પણ ભાગ્યે જ પહેરતાં. રૂપેરી હાથાવાળી એક લાકડી રાખે ખાસ તો સ્ટાઈલ માટે જ પણ કૂતરાં કાઢવા ઘણી કામ આવતી. બાટાના જોડા બજારમાં આવ્યા એટલે બાપાજી પહેલાં ઘરાક અને જોડાએ એવું વશીકરણ કર્યું કે ન પૂછો વાત. તેમના માનીતા મોચી પાસે ગયા." જો આનું નામ જોડા. ખરીદીને પગમાં નાખ્યા એટલે જાણે પવનપાવડી. તારા જોડાને બે મહિના માખણ ચોપડો કે ઘી. પગ પર ડંખ બે-ત્રણ વાર પડે અને રુઝાય ત્યાં સુધી જોડા લેવામાં ભૂલ કરી એવો સંતાપ રહે. તું દુકાનમાં આ રાખવા માંડ અને પરમાણા લેવાનાં બંધ કર. વૈંતરું કરતાં આખી જિંદગી નીકળશે અને બે પૈસા ભેળો નહિ થા! આમાં જ લાભ છે." થોડું મીઠાશથી સમજાવી, થોડું ઘઘલાવી, થોડું આદુ ખાઈને તેને બાટાના જોડા રાખતો કરી દીધો. તે અને તેના વારસદારો વર્ષો સુધી તેમનો ઉપકાર ભુલ્યા નહિં.
સંગીતનો ગજબનો શોખ. અઠવાડિયામાં ત્રણ વખત સંગીત શીખવાડવા અને સાથે તબલા વગાડવા માટે વાસુદેવકાકા આવે. તે આવે એટલે, બન્ને જણા ચા પીને ગળાં સાફ કરે. પછી નીચે ગાદી ઉપર બાપાજી ફ્રાન્સના સૂરોવાળું એક હારિમોનિયમ લઈને બેસે. વાસુદેવકાકા તબલા અને ભોણિયાના ગલેફ ઉતારી, નીચે ઇંઢોણીઓ ગોઠવી, એક ક્રોમ-પ્લેટેડ હથોડીથી વાજાની કાળી બે પર તબલું મેળવતા. પછી રાગ રાગિણીની ગતો ચાલે,"સદા શિવ ભજ મના..."
ભાતખંડેએ જયારે ભારતીય સંગીત ગ્રંથસ્થ કર્યું ત્યારે તેના ત્રણે ભાગ ઘરમાં આવી ગયા. અને તેના પરિણામે પંડિતો વચ્ચે ક્યારેક વિખવાદ થઈ જતો. એક વખત મલ્હાર કોનો સાચો, ભાતખંડેનો કે વાસુદેવકાકાનો તેની ચર્ચા ચાલી. ભાતખંડે કહે કે રિષભ વાદી અને પંચમ સંવાદી અને વાસુદેવકાકાના મત પ્રમાણે મ વાદી અને સા સંવાદી. બે દિવસ પછી બાપાજી ભાતખંડેનો મલ્હાર વગાડતા હતા ત્યારે વરસાદ શરુ થયો અને ચર્ચાનો નિકાલ આવ્યો. વાસુદેવકાકાએ કાન પકડ્યા, "ઈ સાચો લાગે છે!"
બીજો શોખ મુસાફરીનો. ટુંકી મુસાફરી હોય તો ફર્સ્ટ ક્લાસમાં લઈ જાય અને તેની રસમ શીખવાડે. એક વખત બાપાજીના મિત્ર ભગવાનદાસ જાનીને ઘરે શિહોર જવા નીકળ્યા, મને લીધો સાથે. "ચાલ કિશોરિયા, તને પણ રસુબેન સાથે મઝા આવશે.સવારે જઈ ને સાંજે પાછા આવશું."
રસુબેન ભગવાનકાકાની બાર વર્ષની દિકરી. જન્મ આપીને તેની મા ગુજરી ગયેલાં અને ભગવાનકાકાએ બિચારાએ એકલે હાથે રસુબેનને ઉછેરેલી. પોતે વૈદ, ઉકાળા, ફાકીઓ બનાવે અને લોકોને દવા આપે. તેમાં સમય ફાઝલ કરી દીકરી ઉછેરી, મોટી થઈ ત્યારે વાંચતાં લખતાં શીખવાડ્યું. આઠેક વરસની થઈ ત્યારે પ્રેમથી બધી રસોઈ અને ઘરકામ શીખવાડ્યાં અને આજે રસુબેને ઘરનું નાનું મોટું કામ બધું સંભાળી લીધું હતું.
રસુબેન મારાથી ચાર-પાંચ વર્ષે મોટી પણ ધિંગામસ્તી કરવાની તેની સાથે મઝા આવે. ઘાઘરીનો કછોટો મારી લગ્ગે રમતાં તેણે મને શીખડાવેલું. પતંગ ઉડાડે, ખો-ખો, લંગડી રમે, મોરપગલાં ભાતભાતનાં કરે, ગીતો ગાય. રસુબેન એટલે મારું ગોળનું ગાડું! બંદા તો જવા માટે તરત તૈયાર.
સવારે જઈને સાંજે પાછા આવવાનું એટલે બિસ્તર- પોટલાની કોઈ ઝંઝટ નહોતી. પણ જે લેવું જોઈએ તે તો લેવું જ રહ્યું. પહેલા ’સુરતી મીઠાઇ ઘર’ પર પહોંચ્યા. "અરે, તનસુખલાલ, બે રતલ દૂધીનો હલવો બાંધી આપો." પછી ઉમેર્યું,"જો તાજો આપજો. શિહોર સુધી પહોંચે તેવો હોં"
તનસુખલાલ કહે,"ના, ના રતિભાઇ, . શિહોર પહોંચે તેવી ગેરન્ટી કેમ આપું? ગઢેચી સુધી પહોંચે તેની પણ શંકા. તમને હું પૂરા ઓળખું છુંને!" બન્ને જૂના દોસ્તો ખડખડાટ હસી પડ્યા. "અને અમે તાજા સિવાય કંઇ રાખતા જ નથી. વધેલો માલ પાંજરાપોળમાં જાય."
પડીકું બંધાયું અને અમે ઉભી બજારે, ખાર ગેઇટ તરફ બાપાજીના તંબોળીની દુકાને પહોંચ્યા. "અર્ધો ડજન બનારસી કપૂરી પાન બાંધી આપ. અને આ કિશોરિયા માટે એક મીઠું પાન." પછી મારી તરફ ફરીને કહે,"કિશોર, આ નાનુકાકાને ઘરે એક મોટો તંબોળીયો નાગ છે. ક્યારેક જોવા જશું હોં?" મને ખબર કે જેમ અનેક નિરાશાઓની પાછળ એકાદ સોનેરી આશા છુપાયેલી હોય છે તેમ અનેક પાનોમાં એકાદાની ડાંડલીમાં તંબોળીયો નાગ બેઠો હોય. ડાંડલી ખવાઈ જાય તો સાપ પેટમાં જાય અને ત્યાં મોટો થાય. તમે જે કંઈ ખાઓ તે સાપ હજમ કરી જાય અને તમે ભુખ્યાના ભુખ્યા જ રહો. ડાંડલી કાઢીને જ હું હમેશાં પાન ખાઉં. નાનુકાકા કહે, "રતિભાઈ, છોકરાને થોડો મોટો થવા દ્યો. મને અટાણે ઈ નાગ દેખાડવાની જરીક બીક લાગે છે. છોકરો હીબકે ચડે તો વળી ભૂવો ગોતવા જાવું પડે." "ઈ સાચું." બન્ને જણા એક બીજાની રમૂજ પર હસ્યા. પાન બંધાવીને સ્ટેશને ઉપડ્યા. મને પહેલો પાઠ શીખડાવ્યો."આપણે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરીએ તો બારીએ ઉભા રહીને ટિકિટ કઢાવવાની જરૂર નહિ. ગાર્ડને કહી દેવાનું એટલે ઈ ડબે આવીને ટિકિટ આપી જાય." ગાર્ડ માસ્તર લાલ લીલી ઝંડી લઈને, મોઢામાં સીટી ભરાવી દુનિયાનું સૂત્ર પોતાને હાથ છે તેવી ચિંતામાં હતા. બાપાજીએ કીધું, "અરે શિવલાલભાઈ, અમે જઈને બેસીએ છીએ ફર્સ્ટ ક્લાસમાં."
"કાંઇ વાંધો નહિ. પણ ગઢેચી પહેલા હું દેખાઈશ નહિ તો મુંઝાતા નહી કે હું ક્યાં ગ્યો."
અમે જઈને ડબ્બામાં બેઠા. અમારા સિવાય બીજુ કોઈ નહોતું. મેં આખે ડબ્બે ફરી બધ્ધી બત્તી અને પંખા ચાલુ કરી જોયા પણ હજુ પાવર નોતો ચાલુ થયો. એક બાજુની લાંબી સીટ ઉપર પગ લંબાવીને બાપાજી બેઠા. ત્યાં ચાવાળો છોકરો નીકળ્યો. "એલા એક ચા આપજે."
"ઈ આ ચા તમને નહિ ખપે. મુસલમાની ચા છે. હું હમણા ઓલા મણિયાને મોકલી આપું છું" કહી તે પલાયન થઈ ગયો. ઈ ગ્યો નથી અને મણિયો દેખાણો નથી. ક્યાંથી સાક્ષાત્કાર કર્યો તે ખબર ન પડી. એક હાથમાં કીટલી અને બીજા હાથની ચાર આંગળીયે ચાના ચાર પ્યાલાના કાન પકડેલા. આંગળા હલાવી પ્યાલા ખડિંગ ખડિંગ ખખડાવી ઘરાક્નું ધ્યાન ખેંચતો. "બોલો કાકા, બામણિયા ચાય! કેટલી ચા જોવે?" બાપાજીએ ચકાસ્યો,"પ્યાલા બરોબર ધોયા છેને?"
"સવારે ઉઠી પહેલું કામ પ્યાલા માંજીને સાફ કરવાનું. એમાં કોઈ વાંધો જ નો હોય. હું પોતે એમાંથી ચા પીઉં છું." પોતાના શબ્દોમાં વધુ શ્રદ્ધા પેદા કરવા કીટલી નીચે પ્લેટફોર્મ પર મૂકી, એક હાથ પહેરણના ગળામાથી નાખ્યો અને ખભેથી પરસેવે પીળી પડી ગયેલી જનોઈ કાઢી દેખાડી."બામણ છું." બાપાજીને ધરપત થઈ. એક ચા આપવા કહ્યું. "પ્યાલો બરોબર ભરજે"
"એમાં કેવું નો પડે." પ્યાલો હાથ લંબાવીને આપ્યો તો દોરા વા ચા કાંઠાથી નીચે હતી. "પ્યાલો તો અધુરો ભર્યો?"
"કાકા, હું તો માથેથી ઉભરાય એમ રેડું પણ ગાડી આંચકો ખાયને,કાકા, તમારું અસ્ત્રી વાળું ખમીશ બગાડે તો તમે જ મને ઠપકો આપશો કે ’આ ગળબૂડ શીદને ભર્યું. મને લોભિયો ધાર્યો?’ એટલે થોડું ઉણું રાખ્યું. એમ હોય તો તમે એક ઘુંટડો ભરી લ્યો એટલે ફરી ભરી દઉં." અને એ વખતે જ ગાડીને અંજીન જોડાણું અને ધમ કરતો એક આંચકો લાગ્યો. ચા ખમિસ પર ઢોળાતા ઢોળાતા રહી ગઈ. બાપાજી મણિયાની દૂરંદેશી પર ખુશ થયા.
"તમતમારે નિરાંતે ચા પીઓ, હું બીજા ટેશને લઈ જઈશ" કહીને મણિયો બીજા ઘરાકની તલાશમાં ગાયબ થઇ ગયો. બાપાજીએ સિસકારો બોલાવી ચાનો એક ઘુંટડો ભર્યો. "હાશ, ચા તો મજાની ગરમાગરમ છે." ગાર્ડની સીટી વાગી, વાવટાઓ ફરક્યા, "ભોં" કરીને પાવો વાગ્યો. ગાડી ઉપડી."ખાસડા મોટા ને ખબ ખબ, ખાસડા મોટા ને ખબ ખબ" કરતાં પાટાઓ બદલતી ચાલી. બીજો ઘુંટડો ભરી, જરા પગ પહોળા કરી, બાપાજી બોલ્યા,"મુસાફરી આમ થાય. પોશ. પી-ઓ-એસ-એચ. પોશ"
"પણ પોશ એટલે શું?" મેં બાપા કાગડા જેવું શરુ કર્યું.
એક જ પળ વિચાર કરી હું સમજું એવી ભાષામાં સમજાવ્યું,"પેન્ડા ઓલીપાથી, સંગાથે હલવો, પી- ઓ-એસ-એચ. આપણે એશ કહીએ અને આ અંગ્રેજો પોશ કહે એટલો જ ફેર." શિહોરથી પાછા ફરતા પેંડાનો નાસ્તો પાકો!
ગઢેચી આવ્યું અને મણિયાની નાની આવૃત્તિ જેવો એક છોકરો પ્યાલા લેવા આવ્યો. "એલા મણિયો ક્યાં છે? તું કોણ?"
"કાકા, મણિયાને ઘરાકી આવી પડી તે મને છેલી ઘડિયે ગાડીયે બેસાડી દીધો. મને કે’ કે ઓલા ફસ કલાસમાં અંજીનના પાવડાજેવી મૂછોવાળા, જરાક જાડા એવા કાકા એક કીકલા હારે બેઠા છે ત્યાંથી પિયાલો ને પૈસા લેતો આવજે." એને વિદાય કર્યો ત્યાં બારણું ખુલ્યું અને શિવલાલ અંદર આવ્યા. ખુલ્લે બારણે ઉભા ઉભા જ ઝંડી ફરકાવી સીટી વગાડી ગાડી વહેતી કરી. પછી બારણું બંધ કરી એક હાશકારો કરી સામેની સીટ ઉપર બેઠા. ગજવામાં હાથ નાખી એક ખલતો કાઢ્યો. અંદરથી એક ચૂનાની ડબી કાઢી.
"હમણા રે’વા દ્યો, શિવલાલભાઈ. પહેલાં થોડો નાસ્તો કરીએ."
"ના રતિભાઈ, આજે મારે એકાદશી છે એટલે નાસ્તો નહિં કરાય."
"પણ આ તો દુધીનો હલવો છે. એ તો ફરાળમાં ગણાય." કહીને તેમને શાતા આપી. "ચાલ કિશોરિયા, પડીકું કાઢ." પડીકું ખોલ્યું. એક બાજુ બાપાજી અને બીજી બાજુ હું. સામે કાંઠે શિવલાલભાઈ. એઈને સૌ શક્તિ પ્રમાણે નાના મોટા કોળિયા ભરીને હલવો ખાવા લાગ્યા. હલવો સફાચટ! પડીકું ફેંક્યું ઘા કરીને બારી બહાર. "આમ આંગળા ચાટ મા. અંદર જઈને ધોઈ આવ" એમ થોડો ઠપકો મળ્યો. હાથ ધોયા. ખમિસની ચાળે હાથ લૂછી નાખ્યા. અત્યારે મને થાય છે કે અંગ્રેજોએ અનેક વટહુકમો કરી સૌને હેરાન કર્યાં તો હારોહાર રુમાલ રાખવાનું અને કચરા પેટીમાં કચરો નાખવાનું સૌને ફરજીયાત કર્યું હોત તો દેશની રોનક આજે નોખી જ હોત.
તરસ લાગી હતી. બાપાજી કહે કે શિહોર સુધી ખેંચી કાઢ. શિવલાલભાઈથી સહન ન થયું."અરે રતિભાઈ, છોકરાને એટલો તરસ્યો રખાય? હું ઘરના કૂવાના પાણીનો કુંજો લઈને જ રોજ નીકળું છું. હમણા બંદોબસ્ત કરીએ." ઉભા થયા અને સાંકળ ખેંચી. ચીરુડ કરતો અવાજ કરીને ગાડી ઉભી રહી. શિવલાલભાઇ બારણું ખોલીને ઉભા. માણસો ડબેથી ઉતરીને "શું થ્યું" "શું થ્યું" એમ પુછવા લાગ્યા. શિવલાલભાઈએ કીધું કે,"મેં ગાડીમાંથી કોઇ ક પડી ગયું એવું આંખના એક ખુણામાંથી જોયું. જરા હડી કાઢીને તપાસ કરો." જુવાનિયાનું એક ધાડિયું કામળાઓ વીંટી, ડંગોરા લઈને એ કમનસીબની શોધમાં ઉપડ્યું. "એલા ચમનિયા," શિવલાલભાઈએ એક છોકરાને પકડ્યો. "જો મારા ડબામાં છેલ્લે એક કુંજો છે તે લઈ આવ્ય. ઝટ કરજે."
કુંજો આવ્યો, મારી તરસ છીપી, શિવલાભાઈને ૠણ ચુકતે કર્યાનો એક આનંદ હતો અને પોતાની આ યુક્તિ ઉપર આફ્રિન થયા. પંદર વીસ મિનિટે બધા ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા. શિવલાલભાઈ કહે,"મારી કાંક સરતચૂક થઈ હશે, પણ આપણે તપાસ કરવી સારી. કોઈ બિચાડો પડ્યો હોય કળકળતો તો તપાસ તો કરવી જ જોઈએ ને?" બધાએ માથાં હલાવ્યા અને પોતાની સંમતિ દેખાડી. "પણ મારી સરતચૂક તો આટલા વર્ષે નો થાય. મને લાગે છે કે કોક મફતલાલ, પેલો ટીટી આવતાં, ધુબકો મારીને ઉતરી ગયો હશે અને મારી નજરમાં પડ્યો. એને એમ કે ગાર્ડનો ડબ્બો છેલ્લે છે અને એને નહીં દેખાય. પણ આજે આ શિવો આંઈ ફર્સ્ટ ક્લાસમાં બેઠો છે તેનો ખ્યાલ બેટાને નો જ હોય ને?" પાછાં બધાએ માથા હલાવ્યાં ને "ઈ વાત સોળ આની સાચી" કહી એકમત દેખાડ્યો. "ચાલો બેસી જાવ બધા, ગાડી હંકારો. હું એક રિપોટ લખી નાખું." ગાડી ઉપડી.
શિહોર આવતા પહેલાં, શિહોરીમાની દેરીવાળી ડુંગરી પાસે ગાડી ડાબી બાજુએ એક લોંચી ખાય છે. અને ગાડીમાં છીંકું ઉપડે. શિહોર બે વસ્તુ માટે પ્રખ્યાત છે. એક તંબાકુ અને બીજાં પેંડા. બન્ને વચ્ચેનો શું સંબંધ હશે તે આજ લગણ મને સમજાણું નથી. પણ મુદ્દા ઉપર આવીએ. આખા શિહોરમાં બધ્ધે તંબાકુ ખંડાતી હોય અને બજર-છિંકણી બનતાં હોય. માલ દેશ વિદેશ જાય. ધોમ ધંધો ચાલે. આખા ગામ ઉપર એક છીંકણિયું વાદળું અષાઢી મેઘની જેમ ઝળુંબી રહ્યું હોય. ડુંગરની આડશ એટલે હવામાં વિસર્જન થવાની શક્યતા ઓછી. ફેફસાં ખાલી થાય ત્યારે છીંક શમે.
સ્ટેશનેથી ઘોડાગાડી કરી ભગવાનકાકાને ઘરે પહોંચ્યા. ગાડી આંગણે ઉભી રહ્યાનો અવાજ સાંભળી રસુબેન લોટવાળા હાથે બહાર આવી. મને જોઈને મોઢું પુલકી ઉઠ્યું,"આવો કાકા. સારું કર્યું કે કિશોરને લેતા આવ્યા. આવો આવો. બાપા નાવા બેઠા છે. હમણા આવશે." કહીને આવકાર આપ્યો."આવ મારા પોપટજી" કહીને મને તેની સાથે રસોડામાં લઈ ગઈ.
રસુબેન એક વખત અમારી સાથે ભાવનગર રહેવા આવી હતી. ઘરમાં હું અને મારો નાનો ભાઈ રમેશ, તેની સાથે તોફાન કરતા. એક વખત ઓશરીએ બેઠાં હતાં અને સામેના પીપળે એક પોપટ આવ્યો. રસુબેને એક ગીત જોડી દીધું અને મીઠી હલકે ગાયું. અને પછી તો અવારનવાર એ ગીત અમે તેમની પાસે ગવડાવ્યું. તેના શબ્દો હજુ પણ કાનમાં ગુંજે છે.
"મારે ઝરૂખે એક પોપટજી આવ્યા
તેની ચાંચ મોટી લાલ ધમરખ જી
"ઘડિકમાં ઉંચી, ઘડિકમાં નીચી
ડોકી વાળીને મને નીરખે જી
"હું બોલી કે આવો પોપટજી
કિયા તે દેશના વાસી જી?
"પોપટજી બોલિયા ’સાકર જમરૂખ દે
તોજ કહું નહિં તો નહિ નહિ જી’
"સાકરનો ગાંગડો ને રતુમડું જામફળ
દીધું મેં પોપટજીને જમવા જી
"પછી પોપટજી બોલિયા કે અમે
ઓતરા તે દેશના વાસી જી"
એ વખતે હું અચૂક જ યાદ અપાવું,"તેનું નામ પૂછો ને!" એટલે ગીત આગળ ચાલે.
"અડધા તે પાનનું અડધિયું ફાડી
કાથો ચૂનો મેં ચોપડ્યા જી
"બીડું વાળીને વચ્ચે લવંગિયું ભોંક્યું
દીધું મેં નાનકડું પાન તેને જી
"પછી મેં પુછ્યું પેલા પોપટજીને
તમારું ફૈયે શું નામ પાડ્યું જી?
"પિચકારી મારીને બોલ્યા પોપટજી
મારું નામ કિચોલ, કિચોલિયો જી
રમેશનો ગરાસ જાય. એ કહે "માલું નામ, માલું નામ" અને હસીને રસુબેન શબ્દો ગોઠવે.
"નાના નાના નન નાના નના
નન્ન ના નન્નના ના ના ની
શબ્દો ગોઠવાયા
"મારા તે દેશમાં ભઈલું ટબુકડું
લમેશિયું વાટ મારી જોવે જી
"અમે ચાલ્યા અમારે દેશ
અને મળશું આપણે ક્યારેક જી."
"અને પછી પોપટજી ફરરરર ઉડી ગયા." એમ ગીત પુરું થાય.
રસુબેન મને રસોડે લઈ ગઈ. અંધારું ઘોર રસોડું. પહેલાં તો કળશો પાણી લઈને બાપાજીને આપી આવી. "હમણા ચા લાવું છું. ચપટીમાં થઈ જશે." બાપાજીએ થોડી આનાકાની કરી તો કહે,"તમે છો તો મારા બાપાને પણ તમારી સાથે ચા પીવાની મજા રહેશે"
ચુલામાં ધુમાડો કરતાં લાકડાં, વાંસની એક ભુંગળીથી ફૂંક મારી સજીવન કર્યાં. ફટાફટ બે કપ ચા બનાવી નાખી અને આગલા ઓરડે મૂકી આવી.
"આ હું ભાખરીનો લોટ બાંધતી હતી. પણ હવે તું આવ્યો એટલે ખારાં ઢેબરાં બનાવી નાખીશ." તેને ખબર કે ખારાં ઢેબરાં એટલે મારે બ્રહ્મભોજન. "જો કાલે હું બે પતંગ લાવી છું. રાંધીને આપણે નદી કાંઠે ઉડાડવા જશું. હોં?" હું બાજુમાં ઉભડક બેઠો. "ઓલો પાટલો લઈ ને નિરાંતે બેસને." પછી તો રસુબેનની વાતો ચાલી. નવાં મોરપગલાંની, બે દિવસ પહેલાં થયેલી ચોપાટની રમઝટની, બાજુમાં રહેતા દુંદાળા શંભુશંકર માસ્તરના પગને થાંભલો માનીને પેલો કાળીયો કૂતરો પલાળી ગયો તેની વાતો કરી ખૂબ હસાવ્યો. "એ શંભુશંકરને ફાંદ એવી મોટી કે જોડા ક્યાં છે અને પગથી કેટલા દૂર છે તે તેને ખબર ન પડે. કોઈએ જોડા હાથમાં લઈને પગને અડે તેમ મૂકવા પડે ત્યારે જોડા પહેરી શકે." મેં નક્કી કર્યું કે હું કોઈ દિ’ જાડો નહિ થઉં. મને શું ખબર કે ઇશ્વરની ગતિ ન્યારી હોય છે?
એક થાળી આપી. ગરમ ગરમ ઢેબરાં અને વાટકી ભરીને દહીં આપ્યાં. "બે ઢેબરાં ખાઈ લે હમણાં એટલે થોડું વહેલું મોડું થાય તો વાંધો નહિં." ભગવાનકાકા ન્હાઈને બહાર આવ્યા. મે રસોડામાંથી જ જોયું કે બથ ભરીને મિત્રો ભેટ્યા. ભગવાનકાકા એક ચક્કર અંદર મારી ગયા. "કેમ કિશોર કેમ છો?" એક નાના કબાટમાંથી એક બરણી કાઢી. તેમાંથી ચમચો ભરીને ગુલકંદ કાઢ્યો અને મારી થાળીમાં પીરસ્યો. "હમણા તાજો જ બનાવ્યો છે. ખા."
મને ગુલકંદ પણ બહુ જ ભાવે. પણ ઢેબરા આગળ તેની એંશી તેંશી. ઝાપટી ગ્યો. રસુબેન રસોડું સમેટી, પહેરેલા ચણિયા ચોળીમાં બહાર જવા તૈયાર થઈ. ભગવાનકાકા બોલ્યા,"બેન, તું હવે મોટી થઇ, એક ઓઢણી માથે નાખી દે બહાર જતાં પહેલાં." પછી બાપાજી તરફ જોઈને કહે,"છોકરી ગજુ કરી ગઈ છે. આવતી સાલ વીવા લેવો પડશે. સારો એક મુરતિયો મહુવામાં છે. વાતો ચાલે છે..." હું અને રસુબેન ભાગોળે પતંગ લઈ ઉપડી ગયા. "બાપાને મારા વિવાની ચિંતા બૌ રે છે. એની જ વાતો કરે છે. મેં એને ઘણું કહ્યું કે ચિંતા કરો નહિં મેં પોષી પુનમો કરી છે, ગૌરીપુજન કર્યું છે તો બધું સારું જ થશે."
અમે પાદરે જઈને પતંગ ઉડાડ્યા. નદીના પટમાં જઈને વીરડો ગાળી તેમાંથી પાણી પીધાં. એક પત્થર પર બેસી પાણીમાં પગ બોળી બેઠાં. "રસુબેન, વિવા એટલે શું?" મેં પુછ્યું.
"મને એક વર મળશે અને હું તેની વહુ થાઈશ. હું અહિ બાપાના ઘરેથી મારા વરની હારે રે’વા જાઇશ. મને બાપાની ચિંતા થાય છે પણ હું તેને મારા લગનની ચિંતા કરતાં જોઉં ત્યારે થાય કે મુવાં લગન પતી જાય તો તેમને મોટી નિરાંત. "
"પણ તો પછી તમે અમારે ઘરે આવીને રો ને?"
"તું તો સાવ ગાંડિયો છો. એવું ન થાય ભાઈલા. તું મોટો થઈશને ત્યારે ખબર પડશે. ચાલ ઘરે, આપણી વાટ જોતાં હશે. વાળુ ટાણું થઇ ગ્યું. પાછી તમારે રાતની ટ્રેન પકડવાની છે ને?"
ઘરે પહોંચ્યાં, ત્યારે બાપાજી અને ભગવાનકાકા બજારમાંથી પેંડા લઈ ને આવ્યા હતા. બાપાજીએ એક પેકેટ રસુબેનને આપ્યું, એક હારે લઈ જવા માટે રાખ્યું.
જમ્યાં, જમીને ઘોડાગાડીમાં બેઠાં અને સ્ટેશને પહોંચ્યા. ભગવાનકાકા અને રસુબેન પણ અમારી સાથે મૂકવા આવ્યા. હું અને રસુબેન અમારી વાતોમાં ઉંડાં ઉતરી ગયા હતાં. ભગવાનકાકાના થોડાં શબ્દો કાન પર આવ્યા, "રતિભાઈ, આ છોકરીની મા મારે માથે આટલી બધી જવાબદારી નાખીને જતી રહી.." બાપાજીએ સામું સાંત્વન આપ્યું,"તે એને ઈ ગમ્યું હશે એમ માનો છો? એ બિચારી પણ કેટલી કોચવાણી હશે."
"હા એને દોષ કેમ અપાય? ..."
ગાડી આવી, ગાડીમાં બેઠા. પેટ ભરપુર હતું એટલે પેંડા પડ્યા રહ્યા. અને આંખ મળી ગઈ. વહેલું આવે ભાવનગર.
બીજે વર્ષે રસુબેનના વિવા થયા. આજે પિપુડીનો સાદ, નગારાંની તડી, હોમમાંથી આવતી બળતા ઘીની વાસ, મુગ્ટા પહેરીને જમતી ન્યાત, લાલ ઘૂમ આંખોવાળા ભગવાનકાકા અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી રસુબેન એટલું જ મને યાદ છે. રસુબેન તેના વર સાથે સાસરે મહુવે ગઈ. મને રસુબેને ખુણે બોલાવી કહ્યું "હું મવેથી શિહોર બાપાને ત્યાં જઈશ ત્યારે ભાવનગર જરુર રોકાઈશ, હોં. ડાયો થઈને રે’જે." પછી છાતી સરસો ચાંપ્યો.
હું વાટ જોતો ભાવનગર બેઠો. રોજ મારાં બાને પુછૂં "રસુબેન ક્યારે શિહોર જશે?" "આપણે ભગવાનકાકાને પૂછાવશું હોં" કહીને સમજાવે.
સાતેક મહિના પછી ખબર આવ્યા કે રસુબેન મંગળવારે આવે છે. તેને લેવા ભગવાનકાકા ભાવનગર આવશે. અઠવાડિયાના બધા વાર તો બરોબર આવડે પણ રોજ ઉઠીને બાને પુછું આજ કયો વાર છે.
મંગળવાર આવ્યો. મેં તેની સાથે રમવાના બધા પ્લાન કરી રાખ્યા હતાં. લંગડી રમશું ને આંધળો પોટો રમશું, પાછલી ઓશરીમાં ગલોટિયા ખાશું. મારાં બા કહે કે "રસુબેન હવે કંઈ રમી નહિ શકે તારી સાથે."
રસુબેન આવી. "તમે પેલા શંભુશંકર માસ્તર જેવા થઇ ગયાં છો." મેં જોતાં વેંત જ કીધું. "હા, ભાઈલા, તારે મને ચંપલ લાવી દેવા પડશે તો જ પહેરાશે." બે દિવસ રસુબેન અમારી સાથે રહી અને હું તેની આજુબાજુ કુંડાળા મારતો જ રહ્યો. પોપટનું ગીત ગવડાવ્યું. તેણે મને એક વાર કહ્યું કે તેને એક બાબલુ આવવાનું છે. બે-ત્રણ મહિના પછી તેને લઈને સાસરે પાછી જશે ત્યારે બાબલાને લઈને ભાવનગર આવશે. આંખોમાં ઘણો આનંદ હતો.
(ચિત્ર: કિશોર રાવળ)
"મારે પણ એક કિચોલિયું આવશે" તેમ કહેતી.
ભગવાનકાકા આવ્યા અને રસુબેનને લઈ ગયા. હું તેની અને તેના બાબલાની વાટ જોતો ઘુમરી ખાતો બેઠો..
એક દિવસ બાપાજી બપોરના પોસ્ટ ઓફિસેથી અચાનક જ એક પત્તુ લઈને ઘરે આવ્યા. મારા બા રસોડામાં જમવા બેઠા હતા. બાપાજી અકળાયેલા હતા. આવીને કહે કે "રસુ ગઈ!"
હડપ દઈને મારાં બા બાજૂમાં ચોકડી તરફ ફર્યા અને એક્દમ ઉલ્ટી થઈ ગઈ, બધું ખાધેલું બહાર. મીઠો કોળિયો કેવો ક્ષણમાં ખાટો થઈ જાય છે તેનો તાદ્રૃશ દાખલો જોયો.. "અરેરે , મારી દીકરી, મારી રસુ" કહીને રડવા બેઠા. ભીંત આગળ માથું પછાડ્યું.
બાપાજીની આંખોમાં આંસુ હતાં. "બેટા, રસુ ભગવાનને ઘરે જતી રહી."
"એ તો મને ખબર છે. ભગવાનકાકા જ લઈ ગયા ને."
"એ નહીં, ઇશ્વર પાસે સ્વર્ગમાં ગઈ. હવે આપણે ત્યાં નહિં આવી શકે!"
પછી પરંપરા પ્રમાણે મેં એમનો જીવ ખાધો.
"પણ મને વચન આપ્યું હતુંને!
"આપણે ઇશ્વરને ત્યાં જઈએ તો?
"મારે તેના બાબલાને પણ જોવો છે...
"બાબલો પણ ગયો."
"મને ત્યાં લઈ જાઓ...."
"એવું નો બોલાય," કહીને બા વઢ્યાં
કંઈ સમજ નહોતી પડતી. અને પેટમાં થતો ચૂંથારો પણ સમજાતો નહોતો.
પોપટ ઝરૂખે બેઠો રહ્યો અને સાકર, જમરુખ આપનાર ઉડી ગયું.
ઇશ્વરનો ચોપડો ઓડિટ થાય ત્યારે ૨૨મી માર્ચ ૧૯૩૭ની તારીખે મારી પહેલી ફરિયાદની નોંધ પડી હશે.
-
પંચતંત્રZazi.com © 2009 . All right reserved |
Read more...