વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 426 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

By Kishor Raval - Ganga બીજા ગામનાં માણસો "આ તો ભાનવગરનાં" એમ કહીને અમારી ભાવનગરિયાની ઓળખાણ આપે ત્યારે તમે એમ માનતા હો કે જવાબમાં ગુસ્સો કરીને એક વડચકું મળશે તો એ તમારી ધારણા પાયા વગરની છે.  અમે સમજી શકીએ છીએ કે બે જ અક્ષર ઉલટસુલટ કરીને આ રમુજ કરવાની લાલચ એટલી પ્રબળ અને લોભામણી છે કે મક્કમ મનનાં જ તેનો સામનો કરી શકે. મોટાભાગના તો લપસી જ જાય! જવાબમાં અચુક જ "હા, મોટાભાઈ, અમે સાવ ભાનવગરનાં" એમ કહીને એક મીઠું સ્મિત જ મળે.

એ અમારા ભાવનગરની જે જમાનાની વાત કરું છું ત્યારે ગામની સીમાઓ નાની હતી.  ઘોઘા દરવાજાથી ખાર દરવાજા સુધીની બે માઇલના પટમાં શહેરની મુખ્ય બજાર અને મોટા ભાગની વસ્તી.  એક ફાંટો વોરા બજાર અને નાગર પોળમાં થઈ ખોડિયાર દરવાજે નીકળે અને ત્યાંથી ખોડિયારમાનાં મંદિર સુધી જાય. બીજો ફાંટો હેરિસ રોડથી આંબા ચોક, સંઘેડિયા બજાર અને સ્ટેશન જઈ વિરમે. તેની પેલી બાજુ સ્મશાન અને થોડે આગળ પારસીનો ભસ્તો.

ઘોઘા દરવાજાની એક શાન  હતી. એક બાજુ ગંગાજળિયાનું તળાવ અને તેને કાંઠે કોઈ કાબેલ શિલ્પીએ આરસમાં કંડારેલી ગંગાજળિયાની દેરી.  તળાવમાં બારે માસ પાણી રહે. સાંજે સૂર્યાસ્તના અવનવા રંગોની પશ્ચાદ્‌ભૂમીકામાં એ દેરી જૂઓ તો ખાલી પરીકથાઓમાં વાંચેલી અને કલ્પેલી સુંદર સૃષ્ટી જોવા મળે. મનમાં જરૂર ખાત્રી થાય કે જગત મિથ્યા નથી.

તળાવની બીજી બાજુએ મોતીબાગનો મહેલ જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહનો દરબાર ભરાય.  દેશી ઝાડવાંઓ, અસોપાલવ, આંબા, લાલ પીળી અને સફેદ કરેણ, જાસુસ અને તેમાં અંગ્રેજોનાં બાગકામનાં પ્રેમ અને  દ્રષ્ટીનું નિરુપણ થાય એટલે સોનામાં સુગંધ અને સંગીત. વાહ, વાહ પોકારો.  મોતીબાગની ફરતા, કાંગરાવાળા ગઢમાં મોતીબાગ ક્લબ જેમાં શું થતું તે મોટા ભાગના લોકોને મન એક સમશ્યા હતી.

ત્યાંથી જમણી બાજુ જાવ તો પિલ ગાર્ડન.  પિલ ગાર્ડનમાં  સાડા ચાર જાનવરનું એક ઝૂ. એક વાઘ, એક બોખો સિંહ અને બે રાજાએ પકડેલા દિપડા.- અને બાકીનું અડધું કયું તે ઓળખાય નહિ એવા રૂપમાં. એ ચાર જાનવરોને રોજ ખોરાક જોઈએ ને? વાઘ, સિંહ જોવામાં રસ પડે તેના કરતાં વાઘ સિંહને નીરવામાં આવતાં માંસના ટુકડાને જોઈને પડતો.  એક વખત મારાથી બોલાઈ ગયું કે આ તો તરબૂચ જેવું લાગે છે એટલે મારાં બા છ મહિના તરબૂચ ન ખાઈ શક્યાં.  "મારા રોયાએ તરબૂચ ખાતી બંધ કરી" એમ ઠપકો મળ્યો.




પિલ ગાર્ડનથી આગળ ચાલો તો રાજાનો નીલમબાગ પેલેસ અને તેના પછી બોર તળાવ. તેમાં બારે માસ પાણી.  ફરવા જવા માટે ગામ આખાનું એક પ્રિય સ્થાન. ઝુલતા પુલ ઉપરથી ચાલતાં એક ટાપુ ઉપરના બેન્ડ વગરના બેન્ડ સ્ટેન્ડ જઈને બેસતાં અને સાથે લઈ ગયેલી ચિનાઈ શિંગ ખાતાં.


બીજું ફરવાનું સ્થાન તખ્તેશ્વર મહાદેવનું મંદિર. મોતીબાગ પેલેસથી ડાબી બાજુ જાવ તો રસાલો આવે, ત્યાંથી જમણા વાઘાવાડી રોડ ઉપર હાલ્યા જાવ ત્યાં જમણી બાજુ  ટેકરી ઉપર ફરફરતા ધજાગરાવાળું મંદિર ગમે ત્યારે જઈને બેસવા જેવું સ્થાન છે. આજે જયારે બોર તળાવ તળાવ રહ્યું નથી ત્યારે આ એક જ જોવા જેવી જગ્યા રહી છે અને તેનું આકર્ષણ આજે પણ એવું ને એવું જળવાયું છે. તળેટીથી રસ્તો ગોળાઇમાં આરસનાં પગથિયા સુધી પહોંચાડે. બે-ત્રણ ઇંચનાં, છીછરાં ત્રીસ ચાલિશ  પગથિયાંઓ ચડો અને ઉપર  ડોકીયું કરો તો  આરસનું એક લંબગોળ આંગણ, ફરતી એકાદ ફૂટ ઉંચી, દિવાલ કહો તો દિવાલ અને બેસવાની જગા કહો તો તે.  એ આંગણની  વચ્ચે નાના માંદિરનું શિખર એ જમાનામાં ગગન ચૂંબી લાગતું હતું. ભાવુક હો કે ન હો, પણ માનવીએ ઉભી કરેલી, પોતનાં મનની ઉત્કર્ષ ભાવનાને સાક્ષાત સ્વરૂપ આપવાની તેની શક્તિ ઉપર તો ફિદા થઈ જવાય. ભાવનગર જાઓ તો ત્યાં ગ્યા વગર પાછા નો આવતા.

વાઘાવાડી રોડ પર હાલ્યા જાવ તો ગધાડિયું ખેતર અને તેની પાછળ ગોળીબારની ટેકરી. રાજાના સિપાઈઓ રોજ ગોલંદાજીની તાલિમ લે.

સીધાં જાવ તો ભવ્ય શામળદાસ કોલેજ અને વાઘજીભાઈની વાડી.

આ ભાવનગરમાં જઈને મારા દાદા વસેલા. ચાર ચોપડી ભણેલા અને નોકરીની ચટપટી લાગેલી. કોઈનું પાઘડું માગી, લોટામાં કોલસા નાખીને ડગલાને અસ્ત્રી મારી, હતી તેના કરતાં વધુ ઉમ્મર દર્શાવી એક નોકરીના  ઇન્ટર્વ્યૂમાં પાસ થયા અને પોસ્ટ ઓફિસમાં કામ મેળવ્યું. ખંત અને નિષ્ઠાથી પ્રગતિ કરી.

એક વખત કોઈ બળવાખોરની ટપાલ હાથ વગી કરવા એક ગોરા સાહેબે તેમના ઉપર ગેરકાયદે દબાણ કર્યું. તેનો અડગ રહીને સામનો કર્યો તે બદલ તે બીજા ગોરા સાહેબે પ્રશંસા કરી અને મોટું બિરુદ અપાવ્યું અને દાદાનું નામ ભાવનગરમાં ઝળહળતું થયું.

ભાવનગરના રાજાને એક બેંક ખોલવા વિચાર આવ્યો અને મારા દાદા તેમની નજરમાં આવ્યા.  તેમને મેનેજેર બનાવ્યા. દાદાએ પોતાના ગોઠિયાના દીકરા જગજીવનને એસિસ્ટન્ટ મેનેજેર બનાવ્યો. જગુ એક તો બ્રાહ્મણ અને તરવરાટ ઘણો. દાદાની પૂરી આમન્યા રાખે એટલે સરસ મેળ જામ્યો.

તેમાં ભાવનગરમાં વાત ઉડી. "ઇન્ગ્લાન્ડમાંથી ઓલી રાણીએ સીધો દિલ્લી ઓલા વાઇસરોય લિનલિથગોને તાર કરી ઘઘલાવ્યો કે એલા આટલા વખતથી ન્યાં પડ્‌યો છ અને રુડું ભાવનગર જોવા નથ ગ્યો."  એટલે વાઇસરોય એની પલટન લઈ ને ભાવનગર આવે છે. ધુમ તૈયારીઓ થવા લાગી.

મોટી બજારનો રસ્તો તો સમજયા પણ પીર છલ્લાની ગલી અને ભા દેવાની શેરીના ખાડા ખબડા એક રાતમાં પૂરાઇ ગયા. સાવરણિયે  સાવરણિયે ગામ આખું વળાયું. મોતિબાગ પેલેસને નવો ડિસ્ટેંપરનો રંગ લાગી ગ્યો.  ગંગા જળિયાની દેરીની બગલમાંથી વર્ષોના જામેલા લીલના પોપડા નાળીયેરનાં કાચલાંથી ઘસીને સાફ કર્યાં.  તાર ઓફિસ અને પોસ્ટ ઓફિસને પીળી માટીથી અને બેંકને ગળીયલ ચૂનાથી ધોળ્યાં.

ભિખારીઓને આદેશ થયો કે મુખ્ય રસ્તાઓ છોડીને બાજુની ગલીમાં જઈને ભીખ માંગવી. એટલે ગલીઓમાં ગડદી વધી. સવાર, સાંજ, બપોર, દિવસમાં ત્રણ વાર ફુવારાવાળા બંબા ધોરી મારગ ઉપર નીકળે.  ધોતિયાવાળા તો સાથળ સુધી ધોતિયું ચડાવી માટીના છાંટણાંમાંથી બચે. બૈરાઓ માટે દુકાનવાળાઓ બુમો મારી સમયસર ચેતવે અને તે બધાં બાજુની ગલીમાં જઈને કે કોઈ દુકાનના પગથિયે ચડીને પોતાને તેમની સાસુનાઓની ભઠમાંથી બચાવે.  તે દિ સાસુના રૂદ્ર સ્વરુપની બીક, શીયળ લૂંટાવાની બીક્થી પણ વધતી.

આજના માર્કેટીયરો મોંમાં આગળા ઘાલી દે તેવું એક કૌતક થયું. પારિસ હેર કટિન્ગ સલૂનમાં, ન્યૂ ફાઈન કોલ્ડ-ડ્રિન્ક ડીપોમાં, બેંકુંમાં, સ્ટેશન પર, નવરાબાગની બાજુમાં સીનેમાનાં પાટિયા પર લોર્ડ લિન્લિથગો અને મહારાજા કૃષ્ણકુમાર સિંહના ફોટાઓ ચોંટી ગયા.  સાંભળ્યું છે કે સ્મશાનની દિવાલો પર પાપીઓ પણ ચિતા ઉપરથી ઉઠી પશ્ચાતાપ કરવા લાગે તેવાં યમરાજાનાં અને નરકની વાસ્તવિકતાના ભયંકર ચિત્રો વચ્ચે પણ કોઈએ વાઇસરોયની છબી લગાડેલી. ભાવનગરનાં માણસોને હું પૂરાં જાણું એટલે છાતી ઠોકી કહી શકું કે તેમાં લેશ માત્ર કટાક્ષ હોય જ નહિં. ખાલી ભોળપણ અને રાણીના જમણા હાથ જેવો માણસ આંગણે આવે તેને સૌએ માન આપવાનો વિચાર વધુ ઉંડું મંથન કર્યાં વગર અમલમાં મૂકેલો.

ઘરે ઘરે કાચની ભુંગળીમાં ઝીણી વરિયાળીની પીપરમેટ ભરી બે છેડે બૂચ મારી અને એક છેડે ગુંદરથી ચોંટાડેલા યુનિઅન જેક વહેંચવામાં આવ્યા. વાઇસરોયનો વરઘોડો ક્યાંથી અને ક્યારે ઉપડ્‌શે અને કયે માર્ગે જશે તેની ચારે બાજુ જાહેરાત કરવામાં આવી.  ન્હાતી વખતે અને નાહ્યા પછી આંખમાં કોકા કરાવતાં હું ધમપછાડા કરતો ત્યારે મારાં બા કહેતાં કે "ઓલો વાઇસરોય જો ભાળી જશે તો કેશે કે આ કોનો નઠારો છોકરો છે, લઈ જાવ ધોબીઘાટે સાફ કરવા." અને હું ડાહ્યો- ડમરો થઈ જતો.

ભાવનગરના બધા બેન્ડવાળાઓને નવાં કપડાં આપવામાં આવ્યાં. પિત્તળિયા પાવા, બ્યુગલો અને ભુંગળોને બ્રાસો લગાડી ચકમક્તા કરવામાં આવ્યા. કિટસન લાઇટોમાંનાં ઝળી ગયેલા રેશમી મેન્ટલો બદલાવવામા અવ્યા. કોઈએ પુછ્‌યું નોતું કે ધોળે દિવસે કિટસન ક્યાં સળગાવશો.  જોડા માટેના બુટપાલિશ આપ્યા તે બે પટ્ટીના ચંપલો ઉપર ચોપડાઈ ગયા.  ભાવનગરના કયા વાજાવાળા પાસે તે દિ બૂટ હતા? ધોળા દાઢી મૂછ પર મેંદી લગાડવાનો આદેશ આપવામાં આવેલો.  જેને મેંદીની ગંધથી બકારી ચડતી તેણે બુટપાલિશ વાપરી જુવાની હાંસલ કરી.

મહારાજાની બે બગીઓ પર ઉકા મિસ્ત્રીનાં, અમરત દરજીનાં અને ફિરોઝ મિકેનિકનાં નજર અને હાથ ફરી વળ્યાં. નવી ગાદીયું શીવડાઈ અને એને ભળતાં, કપડે મઢેલાં બટનો ટંકાઈ ગયાં. નકુચાને પાલિશ થઈ ગયો. રસાલામાંથી છ અરબી કાળા ઘોડાઓ ધમારીને સજ્જ કરવામાં આવ્યા. ગફુર મિંયા અને તખુભાને વાઇસરોય દીપી ઊઠે એવા નવાં કપડાં અને વિલાયતથી મગાવેલી, ક્યાં લાકડી પુરી થાય અને ક્યાં દોરી શરુ થાય તે ખબર ન પડે તેવી સફેદ ચાબુકો મળી. ગાડીની પાછળ ઉભા રહેવાવાળા પસાયતા પોતાનો નવો ગણવેશ પહેરીને કુટુંબી જનો અને મિત્રો આગળ પ્રદર્શન કરતા. કમ્મરની બરછી કાઢી કહે કે, "કોઈની દેન નથી કે વાઇસરોયને હાથ લગાડે. એક ઝટકે અંજામ લાવી દઉં. એનાં સગાં રોતાં રે ને કટકા કરી પિલ ગાર્ડનના દીપડાને જમાડી દઉં."

મંદિરોની ધજાઓ ધોવાણી- અને જે વર્ષોના સૂર્યસ્નાન કરીને ઝળી ગઈ હતી તેને રાતોરાત જે મળે તે રંગના કપડામાંથી નવી શિવડાવીને બદલાવી દીધી. પોલિસની બંધુકુંને પાલીસ થઈ ગયા અને પોલિસલાઈનમાં દિવાળીની યાદ આપે એવા ધડાકા ભડાકા  ચાલુ થયા.

ભાવનગર સ્ટેઇટ રેલ્વે(બી.એસ.આર)ને લોકો બ્રાહ્મણોની ગેરહાજરીમાં બામણ સંકટનિવારણ રેલ્વે કહેતાં. જેને ડાબે ખંભે જનોઈ હોય તેને ત્યાંની નોકરીમાંથી કોઈ દી જાકારો નથી મળ્યો. મહારાજાને ગૌ-બ્રાહ્મણ-પ્રતિપાળ અમથા નહી કીધા હોય!

રેલ્વેના એંજિનોનો ચકચકાટ વધી ગયો, મોટા ઉપરીએ પોતે આવીને રંગની પોપડી ઉખડી ગયેલા, જુવાની વટાવી ગયેલા ડબ્બાઓને નોખા કરી થોડા દિ ગઢેચીના યાર્ડમાં દેશનિકાલ કર્યા. એંજિનને વાઇસરોયના આવવાના આગલા દિવસે ફુલતોરણથી નવાજી અને બધી ટ્રેનું નવોઢા જેવી કરી મૂકી. ગાર્ડમાસ્તરે તેના ટોપા ઉપર ચાક પાણી લગાડી અંધારામાં અછતી નો રહે તેવી  કરી દીધી.

રાજના બધા અમીર, ઉમરાવ, ઓફિસરો, ગામના નગરશેઠ, તેલના ઘાણાના માલિક  આબિદભાઈ, લોખંડ બજારના બેતાજ બાદશાહ સી. ચંપકલાલ(સી ચિરણજીવીનો કે ચોરનો એની ચર્ચા અવારનવાર ચૌટે ચૌટે થઈ પણ કોઈ એક મત નહોતું), "આઢુનિક આઇસ ફેક્ટરી"ના માલિક પેસ્તનજી પસ્તાકીયા વગેરે વગેરેને મોતીબાગ પેલેસમાં વાઇસરોયના રિસેપ્શન માટે આમંત્રણ આપ્યું કે નવને ડંકે મોતીબાગ મહેલમાં આવી જવું. "એક મિનિટ મોડું થાય તો સામુકું માંડી જ વાળજો- પછી જોયું જશે. વાઇસરોય તમારી વાટ નો જોવે" એમ મોઢેથી સમયની અગત્યતા ગળે ઉતારવામાં આવી.

દાદા અને જગુભાઈને પણ એ કંકોત્રી મળી હતી. સામાન્ય રીતે દાદા કામે જાય ત્યારે એક  ધોતિયું, ઉપર એક પૂરી બાંયનુ, લિવરપૂલના શર્ટિંંગમાંથી જેરામ દરજી પાસે શિવડાવેલું પહેરણ, ઉપર એક છપ્પન ઇંચનો બંધ ગળાનો ડગલો, માથે મલમલનો ફેંટો. પગમાં પરમાણું આપીને મેપા મોચી પાસે બનાવેલા, ખબ દઇને પહેરાય અને ખબ દઈને કઢાય તેવા  જોડા. પહેરણના ખિસ્સામાં એક ભગવા રંગની પારકર પેન, ડગલાના અંદરનાં ખિસ્સામાં સાંકળીથી બાંધેલું ૨૭ હીરા વાળું સ્વિસ ઘડિયાળ. તે દિ સ્વિસ સિવાય ઘડિયાળ જ કોણ બનાવતું કે સ્વિસ છે તેમ કહેવાની જરૂર પડે? ગળે રુદ્રાક્ષની માળા. બધા કપડાં સફેદ. રોજ ધોવાઈને દોરી ઉપર સુકવાય. ત્યાંથી સીધાં પહેરી લેવાના. જગુભાઇએ માંડ ગળે ઉતાર્યું કે આ પ્રસંગે ઇસ્ત્રીવાળા કપડાં જરુરી છે.  હા પડી એટલે જગુભાઈએ ચક્રો ચાલુ કર્યાં.  કપડાંને ગળી નાખી ધોવરાવ્યા. ધોતિયું અને સાફાને ભાતના ઓસામણમાં ઝબોળી આર ચડાવરાવી. ધોબી અને તેની સાથે ઇસ્ત્રીનો પ્રબંધ થઈ ગયો. આગલી ઓશરીમાં જાડી જાજમ પાથરી, ઈસ્ત્રીમાં સળગતા કોલસા ભર્યા, એક તપેલીમાં પાણી ભરી ઈસ્ત્રી ચાલુ કરી. ભીખાને માથે બેસાડ્‌યો કે "જોજે માળો કાંઈ બાળી નો નાખે. ધોબાંનું ભલું પૂંછવું." નિરવિઘ્ને એ તો પત્યું. મોજા પહેરવામાં દાદાએ મચક ન આપી."એક તો મોજાં ચામડાનાં જોડાને અડે એટલે ઘરમાં નો ઘલાય, બીજું ગામની ધૂળ અને ગંદવાડ એના ઉપર ઉડે એને બીજી વાર હાથ કેમ અડાડાય? આ કાઢીને જોડાં બાજુએ મૂક્યાં અને પગ  કળશો પાણી રેડી ધોઈ નાખ્યાં એટલે ભયો ભયો. પગ ધોવા સેલાં, મોજાંમાં કૂથો."

ગઈ સાલ દાદાનો હજામ જશલો ગુજરી ગયો અને તેની વહુ લખુ રાત દાદા પાસે પોસ પોસ આંસુએ રડી કે જો દાદા બીજો હજામ ગોતે તો પોતે અને બે બાળકો રખડી પડશે એટલે મે’રબાની કરીને એવું નો કરતાં. "પણ તો તારા છોકરાં મારું વતું કરશે?"

"ના બાપુજી, એ તો બચાડાં નાનાં છે. એને અસ્ત્રો આપો તો કોઇનાં ગળાં કપાય.  હું જ હજામત કરી આપીશ. રોજ જશલાને હું દાઢી કરતી એટલે મને આવડે છે...." રકઝક કરી દાદાએ દયાદ્રૃષ્ટી કરી અને લખુને એ નિત્યકર્મ સોંપ્યું. આજ સુધી કંઈ ફરિયાદ કરવા જેવું નહોતું લાગ્યું.By Kishor Raval - Shave

સવારમાં આદેશ  પ્રમાણે લખુ વહેલી આવી ગઈ. લાજ કાઢી, સામે સાડલો સંકોરી ઉભડક બેઠી અને દાદાની આંખો ન દેખાય એટલો છેડો ઉંચો કરી, જેમ એક્લવ્યે ખાલી પક્ષીની આંખ ઉપર મીટ માંડી હતી તેમ દાઢી ઉપર કેંદ્રિત થઈ. પાણી લગાડ્‌યું અને સાબુનો કુચડો લગાડી ફિણ ફિણ કરી અસ્ત્રો ઉપાડ્‌યો. અસ્ત્રાની હારોહાર એની જીભ પણ ઉપડી,"તે બાપુજી, આ વાઇસરોય તેની બાયડીને પણ હારે લાવે છે? એને છોકરાં છૈયા તો હશે ને? એને રેઢાં મૂકીને ઈ શું આંઈ આવતી હશે... એને કેજો કે કરશણશિંગ અમને સારી રીતે રાખે છે અને સૌ પરજા બધી વાતે સુખી છે. કાંઈ ચંત્યા કરવી નૈ..." સબાકામાં હજામત પુરી થઈ અને દાઢી ઉપર ફટકડીનો ગાંગડો ઘસી ઉભી થઈ, "લ્યો મોઢું જુઓ." સામે બટકી ગયેલી ધારવાળી આરસી ધરી અને લખુ રાતે દુકાન વધાવી. દાદાએ ચમચમતી દાઢી ઉપર હાથ ફેરવી ચકાસી અને ગજવામાં તૈયાર રાખેલી બે આની લખુને આપી.

રોજ તો કાયમની ઠેરવેલી ઘોડાગાડી દાદાને લેવા આવે. પણ આજે મહારાજાએ વિક્ટોરિયા મોકલી આપી. વાઇસરોય જોઈ જાય કે મોટા ઓફિસરો ઘોડાગાડીમાં આવે છે તો રાજાને નીચાજોણું થાય ને?

ટાપટીપ કરીને દાદા તૈયાર થયા. વિક્ટોરિયા હાજર હતી. બેઠા અને રસ્તામાંથી જગુભાઈને ઉપાડ્‌યા. એમેણે તો કેટલાં દિ’થી લઈ રાખેલાં મોજાં હિમ્મત કરી આજે પહેર્યાં હતાં. ડગલા પાછળથી પહેરણની બાંય દેખાતી હતી અને એને કાંડે સોનાની કફ-લિંક દેખાણી. દાદા તેમને નખ-શિખ નીહાળી રહ્યા.  જગુભાઈ બેઠા એટલે પહેલો પ્રશ્ન કર્યો. "જગુભાઈ, તેં આજે પાઠ પૂજા કર્યા હતાં કે રહી ગયું?"

"અરે બાપુજી, આજે જરા વધુ સમય તેને માટે ગળાય તેથી હું ચાર વાગે ઉઠી ગયેલો.  એટલે આજે મંત્રોચ્ચાર પૂરો કરી શક્યો."

"એટલે રોજ પૂરો નથી કરતાં એમ?" દાદાએ પકડ્‌યા.

"એમ તો નહિં...." જગુભાઈએ લોચા વાળ્યા. દાદાને થયું  કે જવા દો બાપડાને. સંઘ દુવારકે પહોંચ્યો.  નિશ્ચિત જગાઓ પર બધા ગોઠવાવા લાગ્યા હતા. બામણિયા ચાયની વ્યવસ્થા  શિવશંકર મહારાજની ઉપર હતી. તેમને ખબર કે દાદા કાફી જ પીએ છે એટલે પેશીયલ કાફી બનાવીને લાવ્યા, જગુભાઈ માટે ચા. આમ તો બહારનું કોઈ દિ ’ કંઈ દાદા પીએ નહિં પણ આ તો બ્રાહ્મણના હાથની કાફી એટલે સતેજ રહેવા ખાતર પી ગયા.

વાજા, બેંડનાં અવાજો દૂરથી સંભળાયા અને વરઘોડો પાસે આવતો લાગ્યો. મને સુરવાળ, કફની ને ઉપર આભલે ભરેલી બંડી  પહેરાવી, પફ પાવડર અને કોકા કરી, ગાલે મશનું એક ટીલું(કોઈની નજર નો લાગે ને?), બે હાથમાં પહોંચી અને પગમાં લાલ મોજડીયો. હાથમાં પીપરમીટવાળો ધજાગરો પકડાવી મારાં બા અને બાપાજી બીજા દોસ્તો સાથે તળાવે લઈ ગયાં.  પેલા ભુંગળીવાળા વાવટામાંથી કોઇ પીપરમેટ ખાવા નોતું દેતું તેનો મનમાં રોષ હતો. થોડો કજીઓ હતો.  વરઘોડામાં આગળ ઘોડા, પછી ઝુલતો હાથી, પોલિસની કતારું, પછી વાજાવાળાઓ "મારા ભાભી કેવા સોહામણા" વગાડતા વગાડતા આવ્યા. નવા પડેલા નાટક "બિંબીસાર"નું લોકપ્રિય ગીત હતું અને ભાવનગરની પ્રજાને ગાંડી કરી મૂકી હતી. અજાણ્યો આંગણે આવે ને તેની વહુને ભાભી કહીએ તો તેને કેવું મીઠું લાગે? આનાથી સારું કયું ગીત આજ માટે મળે?

એટલું જોયું અને મારી  આંખો ઘેરાણી. વાઇસરોયને જોયાનું યાદ નથી. મારાં બાએ મને પાછળથી કહ્યું, "વાઇસરોયની ગાડી આવી એટલે એની નજર તારા ઉપર પડી.  ગાડી ઉભી રખાવીને એ પાસે આવ્યો. કહે કે આ ભુરિયું છોકરું કોનું છે?  મેં કહ્યું કે મારું. તો એ કહે કે મને બહુ ગમે છે આપી દે. તો મેં તો કુંજામાંથી પાણી કાઢી ફરતી એક હનમાનની આણ કરી કીધું કે જો આમાં પગ મૂક્યો તો હનમાન તને પોંચે. એ તો એવો બી ગ્યો કે દોડીને ગાડીમાં એની મઢમ પાછળ બેસી ગ્યો."  હું બચી ગયાનાં આનંદના નશામાં તેમના ખોળામાં લપાઈને સૂઈ ગયો.

હવે આપણે મોતીબાગમાં શું થયું તે જોઈએ. પોલિસનું બેંડ અંદર આવી એક ખુણામાં ગોઠવાઈ ગયું. બાકીના વાજાંવાળા માટે પાછળ ચા પાણી અને જલેબી ગાંઠીયાનો બંદોબસ્ત હતો એટલે હડેડાટ ત્યાં ઉપડી ગયા. વાઇસરોય, અને તેનો એક હાથ પકડી તેની મઢમ, ધીમે ધીમે પગથિયા ચડી હોલમાં દાખલ થયાં. તેની પાછળ રાજકોટથી એજન્સીનો એક ગોરો એની બાયડી હારે આવ્યો. રાજા તેના મોભામાં સિંહાસને બેઠા રહ્યા. દિવાનસાહેબે સામા જઈને વાઇસરોયને આવકાર આપ્યો અને રાજા પાસે લઈ ગયા. રાજાએ ઉભા થઇને શેકેન કરી. પછી પટ્ટણી સાહેબ હોલ ફરતા વાઇસરોય અને તેની મઢમને લઈ ગયા અને એક પછી એક બધા માણસોની સાથે પરિચય કરાવ્યો. પેલા પેસ્તનજીનો વારો આવ્યો એટલે એમણે વાઇસરોય સાથે શેકેન કરી અને પછી પેલી મઢમ સામે હાથ ધર્યો. પેલી બેશરમ મઢમે પણ જરા ય અચકાટ વગર પેસ્તનજીનો હાથ પકડી શેકેન  કરી.  જગુભાઇએ સાંભળ્યું હતું પણ આ તો પ્રત્યક્ષ  જોયું કે અજાણ્યા સ્ત્રી પુરુષો એક બીજાનો હાથ પકડી શેકેન કરે.

By Kishor Raval - hand shake પેસ્તનજી પછી આબિદભાઈએ અને બીજા એક બે જણાએ મઢમ સાથે હસ્તધૂનન કર્યું. ત્યાં દાદાનો વારો આવ્યો. દાદાએ વાઇસરોયની સાથે હાથ મિલાવ્યા અને તેની વહુ સામે બે હાથ જોડી નમન કર્યું. એણે, મારી વાલીએ, પણ સામે નમસ્તે કર્યા. ક્યાંથી શીખી હશે તે રામ જાણે.

જગુભાઇનો વારો આવ્યો. બહુ ઉત્સાહથી તેણે વાઇસરોય સાથે હાથ મેળવ્યા અને પછી હાથ લાંબો કરી તેની મઢમને ધર્યો. એક સ્મિત આપી એણે પણ હાથ લંબાવી શેકેન કરી અને ધીમેથી બોલી "પ્લીઝ્‌ડ."

દાદા કતરાતી આંખે તાલ જોઈ રહ્યા અને અંદરથી ધૂંઆફૂંઆ થઈ ગયા. મનનો ઉભરાયેલો ગુસ્સો માંડ દાબી રાખ્યો.  પ્રસંગ પૂરો થયો અને માણસો વિખરાયા એટલે "મારે ગામમાં જવું છે.  તું તારે ગાડીમાં ઘરે પહોંચી જા. હું મેળે આવી જઈશ. અને જગુભાઈ, સાંજે તું જરા આવીને સાંજે મળી જજે." તેમ કહી દાદા જગુભાઈથી છુટ્ટા પડ્‌યા.

સાંજે સાડા ચારે દાદાનો રોજનો કાર્યક્રમ કે ઘરમાં કોફી પી, ટાઇમ્સ ઓવ ઇંડિયા લઈ બહાર બાવરની બાજુમાં, પીપળા નીચેના બાંકડે જઈને બેસે. અગ્રેજી ભાષાની આંટીઘુંટીઓ સમજવા પ્રયત્ન કરે.  તેમાંથી અંગ્રેજી સરકારની કાબેલીયત પર અચંબો પામતાં.  આ માળા સાળા જાતે ઢેઢિયા પણ કેટલાં આગલ વધ્યા છે?  એમના અનુભવમાં જે જે ખ્રિસ્તીઓ આવેલા તે બધાં હિંદુ ધરમ તજીને વટલાયેલા મળ્યા હતાં, અને બધાં અંગ્રેજો ખ્રિસ્તી. તેમાંથી તેમને ચોખ્ખું ફલિત થયું કે બધા અંગ્રેજો મૂળમાં ઢેઢીયા જ.

જગુભાઈ આવી ગયા અને બાજુમાં બેઠા. બેઠા એટલી વાર. દાદાએ આખી બપોર શું કહેવું અને કેવી રીતે તેના શબ્દો ગોઠવવામાં ગાળી હતી.

"જગુ, ચોરાશી લાખ જન્મે માંડ માનવીની યોનીમાં જનમ મળે છે.  તો તેમાંથી બ્રાહ્મણ કુટુંબમાં જનમ  બહુ જ ભાગ્યશાળીને મળે. આવેલી આ એક તક કોઈ એળવી નાખે તેને શું કહેવું? તને જરાય શરમ નો આવી કે તારો બાપ જાણશે તો કેટલો કચવાટ થશે? કુટુંબનાં પુણ્યો બધાં એક નબિરાએ પળમાં વેચી સાટી ખાધાં?  આપણી આખી જ્ઞાતિને મોઢે મશ ઢળી ગઈ!" ભંવા ઉપર ચડી ગયા, રોષ પૂરો પ્રજ્વલીત દેખાતો હતો. જગુને ખબર ન પડી કે તેનાથી આવો તે શું કાળો કામો થઈ ગયો હતો.

"પણ, બાપુજી, મને ખબર નથી પડતી કે મારાથી શું ભૂલ થઈ ગઈ."

"કિકલો છો તે ખબર ન પડે?  બે છોકરાનો બાપ થ્યો અને ખબર નો પડે કે શું કર્યું એ છોકરાંને શું ઉછેર આપવાનો? ખબર નથી પડતી મોટો બોલ્યો.

"બીજાની બાયડીને હાથ લગાડે તે બ્રાહ્મણના સંસ્કાર કહેવાય?"

હવે જગુભાઈને સમજાણું. "પણ બાપુજી, આ તો એ લોકોની રસમ છે. એમના સમાજમાં હાથ મેળવવાનું અજુગતું નથી?"

"એ તો ઢેઢીયાં છે.  ખ્રિસ્તી થઈ જા પછી વાંધો નહિં. ડંકો વગાડીશ કે ઇતિહાસમાં આ પહેલો બામણ ખ્રિસ્તી થઈ ગ્યો. બહુ રુપાળો લાગીશ. જગુ મટીને જેકસન થાઈશ ? વરવો લાગીશ કોટ પાટલૂનમાં, વરવો! હં.."

"પણ બાપુજી, પેલા પેસ્તનજી..."

"ઈ પસ્તાકીયો ઔદિચ્ય બ્રાહ્મણ છે? એ કુવે પડે તો તું  પડીશ?" પછી એક નવો વિચાર આવ્યો. "આ નાતમાંથી કાઢી મુકશે તો તારા છોકરાંને કોઈ કન્યા નહિં આપે ઈ ખબર છે?"

જગુભાઇ સમજી ગયા કે મામલો બગડ્‌યો અને વધુ બિચકે તે પહેલાં જરા મોડવી લેવો રહ્યો.  ઉભા થયા અને બાપુજીના પગ પકડી લીધા ,"બાપુજી, ભૂલ થઈ ગઈ. હું આ સાહેબોથી અંજાઈને મારગ ભુલ્યો. મારા મનમાં કંઈ કાળું હતું જ નહિં. હવે તમે કહો તે કરું. મને માફ કરો. તમે મને રસ્તો ન દેખાડો તો હું જંઉ ક્યાં? બાપુજી, બાપુજી." ધ્રુસ્કે ધ્રુસ્કે પોક મૂકી.

"આમ બાયડીની જેમ રડવા કેમ માંડ્‌યો. છાનો રે." ધોતિયાને છેડે જગુએ આંખો લૂછી. દાદાએ બૂમ મારી ભીખાને બોલાવ્યો અને પાણીનો પ્યાલો મગાવ્યો. જગુભાઈ સ્વસ્થ થયા, દાદાનો ગુસ્સો જરા ઓસર્યો.

"જગુ, મને ખબર છે કે દિલનો તું ચોખ્ખો છો. પ્રયશ્ચિત્ત કરી નાખ. અને ન્યાતને જમાડી દે એટલે સૌ સારા વાનાં થઈ જશે.  અને જો, બહુ ડાયો થઈને શેનું પ્રાયશ્ચિત્ત છે તેનો ઢંઢેરો નો કરતો. આજનાં સૂતેલાં ભૂતો ક્યારે માથાં કાઢે તે કેવાય નહિં. શંભુરામ ગોરને કહેવું કે જરા મનશુધ્ધિની જરુર છે એટલે કરું છું.  ન્યાતમાં કહેવું તેં પગાર વધારા માટે બાધા રાખી તે ફળી એટલે યજ્ઞ કરાવ્યો અને સૌને જમાડ્‌યા એટલે બધું બરોબર થઇ જશે."

જગુ આ તક છોડે?  "બાપુજી, બીજાં તો ઠીક પણ આ મંછી તો કહેતી ફરે કે નાત જમાડી પણ મેં કાઈ કોઈ પગાર વધારો જોયો નથી તો તકલિફ થાય...."

દાદા ખડખડ હસી પડ્‌યા, "મારો બાપ નીકળ્યો હોં. જો પાણી મૂક કે કોઈ દિ કોઈ મઢમડીનો હાથ નહિં પકડ."

પાણી હાજર હતું. જગુએ પાણી હાથમાં લઈ શપથ લીધા.

"કાલે બેંકમાં પગાર વધારાના કાગળની યાદ દેજે. ભુલતો નહિં"

જગુ એ ભૂલે? "વાઇસરોયના રિસેપ્શનમાં ભાવનગર ગામની સારી છાપ પાડવા માટે જગજીવન ત્રિવેદીને મહિને પાંચ રુપિયાનો પગાર વધારો કરવામાં આવે છે." એવો તુમાર લખાણો.

ગોર મારાજનું તરભાણું ભરાણું, બ્રાહ્મણો લાડુ જમ્યા, મંછા ગામમાં પહોળી પહોળી થતી ફરતી  કહે "એમણે એવો તો છાક વાઇસરોય અને એની મઢમ ઉપર બેસાડ્‌યો કે બાપુજી મોઢામાં આંગળા નાખી ગ્યા કે કોક દિ આ મારી ગાદી લેશે."

દાદા પોતાના લાડકા આસિસ્ટન્ટ ઉપર પૂર્વવત ગર્વિષ્ટ થયા.

"અને ઓલા વાઇસરોયે," ભાવનગરમાં વાત ઉપડી કે," રાણીને રિપોટ મોક્લાવ્યો કે આંઈ ફાંફળ છે. દોમદોમ સાયબીથી રે છે અને વાંદરાએ કીધું કે જકાત વધારિયે તો વાંધો નહિં. તો મારે બેટે, બંદર ઉપર નાકાબંધી કરી અને દિવાન સાહેબ બેઠા બેઠા રોવે છે કે ક્યાં આ બલાને આટલાં માનપાન આપ્યાં."

- કિશોર રાવળ

New Address:

0923 B Ayrdale Crescent
Philadelphia PA 19128 , USA
phone number : 215 482 0924

Web : www.kesuda.com


Comments  

Rekha M Shukla
# Rekha M Shukla 2011-11-11 15:35
Shri Kishorbhai-Bhab hi I can not thank you enough for your kind support. It was so much fun when you came over I hope you are doing o.k I was just reading this same story yesterday from your signed book I just love your all stories especially this one. Please keep in touch.
Zazi.com © 2009 . All right reserved