Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 જયારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે,
ત્યારે કોણ મારી સારી સંભાળ,
કરતું ધરી વહાલ? તે તો તું જ માવડી

કોણ ઊંઘતું હેતે ઊંઘાડીને,
કોણ અંગનું હીર ધવડાવીને,
થતું હુંથી અધિક પ્રસન્ન,
પોતાને મન? તે તો તું જ માવડી

માંથુ મારી, ઉછાળી હું લાત રે,
ધાવું તેમ તેમ થઇ રળિયાત રે,
કોણ મીઠડાં લેતું મુખ,
પામી મહા સુખ! તે તો તું જ માવડી

મને કોણ ઉઠાડી બેસતું?
મને કોણ રિઝાવી રમાડતું?
કોણ ગાતું ઊંઘાડવા ગીત,
પ્રફુલ્લિત ચિત્ત? તે તો તું જ માવડી

જરા માથું દુખે કદી માહરું,
કોણ ચોંકી થતું દેખી બાવરું?
કરી કરીને કડવા કવાથ,
પીતું ખુશી સાથ? તે તો તું જ માવડી

કોણ શીખવતું બોલતાં ચાલતાં,
કોણ કહેતું મનહર વારતા,
દીઠા દહાડી અસંખ્ય દોષ,
તોયે ન કયોૅ રોષ, તે તો તું જ માવડી

તારા પ્રેમના પાર પમાય ના,
તારાં કયૉં તે કોએ કરાય ના,
અરે તેં મળમૂત્ર અથાગ,
વહયાં, લહયાં ભાગ્ય ! ધન ! ધન મારી માવડી

તારો પાડ શું વાળું વળાય ના,
મૂકી માથું ખોળામાં હું માયના,
બોલું નવલ ગગળો થઇ વાણ,
તારું છે કલ્યાણ, જય જય મારી માવડી

...