આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
૨૧. કોઇ પણ મંત્રોચ્ચારમાં 1. ઉદાત્ત, ૨. અનુદાત્ત ૩. સ્વરિત સ્વર, હ્રસ્વ, દીર્ઘ, પ્લુત માત્રા અને ૪. બળ એટલે ઉચ્ચારણ વખતે અક્ષર ઉપર આપવામાં આવતો ભાર આ ચાર બાબતો વિષે ધ્યાન રાખીને સારી રીતે મંત્રોચ્ચાર કરવામાં આવે તો તેના આંદોલનો પાંચે પ્રાણ મારફતે શરીર, વાણી, મન અને બુદ્ધિની શુદ્ધિ કરે છે. પરંતુ ભાવના શુદ્ધિ અને વિચાર શુદ્ધિ માટે મંત્રોના અર્થ ચિંતનની આવશ્યક્તા હોય છે. અથવા તો વારંવાર વિનિયોગનું આવર્તન કરવાની જરૂર હોય છે. અર્થાત્ આ મંત્ર જપ પાછળ શો હેતુ છે, કઇ ઇચ્છાને કેન્દ્ર કરીને આ જપ તપ આદિ સાધન કરી રહ્યો છું તેનો વારંવાર સંકલ્પ કરતા રહેવાથી ઇચ્છા શક્તિની અભિવૃદ્ધિ થાય છે અને સાથે સાથે ભાવના અને વિચારોને પણ પોષણ મળે છે અને તે પ્રમાણે સાધનમાં સફળતા મળે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭)૨૨. મંત્રોચ્ચાર કે શબ્દોચ્ચારમાં પ્રાણની જેમ વાણીની પણ બહુ જ ઉપયોગિતા છે. કેમકે વાણી વડે શબ્દોચ્ચાર થાય છે. વાણી મુખ્ય સાધન છે. વાણીના દેવતા એટલે કારણ તેજ હોવાથી આપણે જે કાંઇ ખાઇએ છીએ તેમાંથી વાણી સૌથી શ્રેષ્ઠ તત્ત્વને લઇ લે છે કે જે તત્ત્વ શરીર માટે બહુ ઉપયોગી હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭) ૨૩. આપણે જે અન્ન ખાઇએ છીએ તેના ત્રણ વિધાન થાય છે; જે સ્થૂળ ધાતુ છે, તે મળ બને છે, જે મધ્યમ છે તે માંસ બને છે અને જે સૂક્ષ્મ છે તે મન બને છે. આપણે જે જળ પીએ છીએ તેના ત્રણ વિધાન છે; સ્થૂળ મૂત્ર થાય છે, મધ્યમ લોહી થાય છે અને સૂક્ષ્મ વડે પ્રાણ થાય છે. ઘી, તેલ જેવા તેજસ તત્ત્વ ખાવાથી, તેના પણ ત્રણ વિધાન થાય છે; સ્થૂળ ધાતુમાંથી હાડકાં બને છે. મધ્યમ માંથી મજ્જા એટલે અસ્થિના પોલાણમાં રહેલું સત્ત્વ બને છે. અને અણિષ્ઠ એટલે સૂક્ષ્મ તત્ત્વ માંથી વાક્ (વાણી) બને છે. આમ અન્નમય મન છે, આપોમય પ્રાણ છે અને તેજોમય વાક્ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮) ૨૪. જેમ દહીંને મથવાથી અણિમા છે, સૂક્ષ્મ છે તે ઉપર આવે છે. અને તે ઘી બને છે, તેમજ જે અન્ન ખાવાથી, જે સૂક્ષ્મ તત્ત્વ ઉપર ચઢે છે તે મન બને છે. જળ પીવાથી જે સૂક્ષ્મ છે તે ઉપર આવે છે અને તે પ્રાણ થાય છે. તેજ તત્ત્વ ખાવાથી જે સૂક્ષ્મ છે તે ઉપર આવે છે અને તે વાક્ બને છે. આમ અન્નમય મન છે, આપોમય પ્રાણ છે અને તેજોમય વાક્ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮) ૨૫. આપણે જે કાંઇ ખાઇએ કે પીએ છીએ તેમાંથી સૂક્ષ્મ તત્ત્વ, મન પ્રાણ અને વાણી લઇ લે છે. અને આ ત્રણેમાં પણ જે સૌથી સૂક્ષ્મ તત્ત્વ છે તે તો વાણી લે છે. તેથી જેઓ વૃથા બકવાદ કરે છે તે ઘણી શક્તિનો વૃથા વ્યય કરે છે. મૌન રહેવાથી શક્તિનો સંચય થાય છે. પરંતુ મૌન રહીને વૃથા સંકલ્પ-વિકલ્પ કરવાનો નિષેધ છે, યા તો મહત્વના વિષય બાબત વિચાર કરો અથવા તો ધ્યાન-જપ કરો. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮) ૨૬. જેઓ વેદ પાઠ કરતા હોય, જેઓ ઉચ્ચ સ્વરે જપ કરતા હોય અથવા જેઓ ભાષણ-પ્રવચન કરતા હોય તેઓને સત્વ પ્રધાન ખોરાક જોઇએ. જો કોઇ વેદ વિજ્ઞાન સમ્મત વિહિત ઉપાય વડે જપ-પાઠાદિ કરે તો તે શરીર, મન, વાણી તથા બુદ્ધિને શક્તિશાળી બનાવી શકે છે. જીવનને રૂપાંતરિત કરી શકે છે. જો અવિહિત ઉપાયો કરતા હોય તો પ્રાણ-વેગને જીરવી નહિ શકતા હોવાથી વિકૃત મસ્તક અથવા તો કેટલાક અસાધ્ય રોગો થવાની પણ સંભાવના રહે છે. પરંતુ આ વેદ પાઠ આદિ ક્રિયાઓ જો સામૂહિક રીતે શુદ્ધ વાતાવરણવાળા સ્થળમાં સમ સ્વરે સમાન ધ્યેયને કેન્દ્ર બનાવીને કરવામાં આવે તો અસાધ્ય સાધન પણ સાધી શકાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૮) ૨૭. વેદ વિજ્ઞાન ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન છે, જે વેદ વિજ્ઞાનને કારણે ભારત ઉપર સેંકડો વર્ષોથી અનેક પ્રકારના ઉપદ્રવ હોવા છતાં, ભૌતિક દૃષ્ટિથી અવનતિ હોવા છતાં, આધ્યાત્મિક અને આધિદૈવીક દૃષ્ટિથી આજે પણ ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં શીર્ષ સ્થાને છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૯) ૨૮. વેદ જ્ઞાનનો સમુદ્ર છે. વેદમાં વિવિધ પ્રકારના જ્ઞાન રૂપી અનેક રત્નો છુપાયેલાં છે. વેદનો પ્રત્યેક મંત્ર દેવ (વેદને ઉલટાવિએ તો દેવ થાય છે) સ્વરૂપ છે, એટલે કે તે દિવ્ય શક્તિથી ભરપૂર છે. વેદનો અર્થ ‘જ્ઞાન અને શક્તિ’ નો ભંડાર’ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૯) ૨૯. ભારતીય બ્રાહ્મણો તેઓના ગોત્ર પ્રવર્તક ઋષિઓની જેમ મહિમાન્વિત થાય, સ્વ ગૌરવમાં પુનઃ પ્રતિષ્ઠિત થાય તો આજે ભારત સમગ્ર વિશ્વનું સર્વ રીતે સંચાલન કરવાની શક્તિ મેળવી શકે છે. આજે ભારત આંતર વિજ્ઞાન (science of insistence- આગ્રહ) માં તથા બહિર્વિજ્ઞાન (science of existence-અસ્તિત્વ) માં પૂર્ણત: નિષ્ણાત થઇને ચોસઠ કળામાં પારંગત થઇને, સર્વ વિદ્યામાં વિશારદ થઇને જીવનને ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’માં પરિણત કરી શકે છે, અને વિશ્વને વાસ્તવિક શાંતિ તરફ દોરવણી આપી શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૯) ૩૦. તમે ભારતવાસીઓ ! જાગો; તમે શીર્ષ સ્થાનીય ભારતવાસીઓ વેદ વિમુખ નહિ, પણ પ્રેમ સાથે, માન સાથે, આદર સાથે વેદ અભિમુખ થાઓ; ગંભીર રહસ્યપુર્ણ વેદ વિજ્ઞાન સાથે પરિચિત થાઓ; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થના અધિકારી થઇને ઇહ લોક તથા પર લોકમાં સર્વવિધ સુખનો ઉપભોગ કરતાં રહીને છેવટે મોક્ષ ગતિને પણ પામો. (જીવન વિજ્ઞાન પાન ૧૧૦) ૩૧. મુખ્યત: ચાર વેદ છે: ઋક્, યજુ, સામ અને અથર્વ. તેમાં ઋક્, યજુ અને સામ એ ત્રણ વેદના મંત્રો સાધન વિજ્ઞાનથી ભરપૂર છે, જ્યારે અથર્વ વેદ પ્રયોગ કળા કે પ્રયોગ વિજ્ઞાન માટે અદ્વિતીય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૦)૩૨. સાધારણ શબ્દાર્થ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. કાર્ય કારણ સહિત જે જ્ઞાન હોય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. તથા દેશ પરત્વે, વ્યક્તિ પરત્વે જ્ઞાન વિજ્ઞાનનો જે યથા વિહિત કે યથોચિત પ્રયોગ છે તેને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૦) ૩૩. વિશ્વમાં જ્ઞાની વિજ્ઞાની ઘણા છે. પરંતુ પ્રજ્ઞાની નહિ હોવાથી એટલે કે જ્ઞાન વિજ્ઞાનની પ્રયોગ કળા સાથે અપરિચિત હોવાથી તેઓના જ્ઞાન વિજ્ઞાન તેઓને સંહાર તરફ, સ્વ પર વિનાશ તરફ દોરી રહ્યા છે. અમારા ઋક્, યજુ, સામ વેદ જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર હોવા છતાં અજ્ઞાનને કારણે તેનાથી વંચિત છીએ. અને જ્ઞાન વિજ્ઞાન મેળવવા માટે પરમુખ અપેક્ષિ છીએ. (જીવન વિજ્ઞાન પાન ૧૧૦) ૩૪. વેદના શબ્દ અને અર્થનું જ્ઞાન એ જ જ્ઞાન છે. આ સાધારણ જ્ઞાન રૂપી વેદ જ્ઞાન સાથે ઘણા વિદ્વાનો અત્યારે પણ પરિચિત છે, પરંતુ આ જ્ઞાનના કારણ સ્વરૂપ જે ઋષિ, દેવ અને છંદ છે, તેઓના તો કેવળ નામ સાથે જ પરિચિત છે. વાસ્તવિક ઋષિત્વ, દેવત્વ અને છંદત્વ સાથે સુપરિચિત નહિ હોવાથી, તેઓ વેદના વાસ્તવિક વિજ્ઞાની થઇ શકતા નથી, અને વિજ્ઞાન જાણ્યા વગર પ્રજ્ઞાનનો કોઇ અર્થ જ નથી; તે તો શક્તિહીન નપુંસક જ્ઞાન જેમ થઇ જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૧) ૩૫. પ્રજ્ઞાનના ભંડાર સ્વરૂપ અથર્વ વેદનો એ જ અધિકારી થઇ શકે છે કે જે ત્રણે વેદના જ્ઞાન વિજ્ઞાન સાથે પરિચિત થયા પછી સર્વાત્મ ભાવનામાં પ્રતિષ્ઠિત થઇ ચૂક્યા હોય, અને સર્વત્ર સમદર્શી હોય ત્યારે જ તે પ્રયોગ શાળારૂપી પ્રજ્ઞાન ભંડાર સાથે પરિચિત થઇને સમગ્ર વિશ્વનું કલ્યાણ સાધવા માટે પ્રયાસ કરી શકે છે. વેદ માત્રનો પ્રત્યેક મંત્ર ચેતન સ્વરૂપ છે, સ્વત: સિદ્ધ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૧) ૩૬. પ્રત્યેક મંત્રના અમુક ઋષિ હોય છે, અમુક દેવ અને અમુક છંદ હોય છે. વિહિત ઉપાય વડે મંત્રનો જપ કરવાથી જ્યારે ઋષિ પ્રસન્ન થાય છે, ત્યારે તે આપણી બુદ્ધિમાં સ્થિર થઇને કલ્યાણ માર્ગે સંચાલન કરે છે. જ્યારે દેવ પ્રસન્ન થાય છે, ત્યારે તે દેવ હ્રદયમાં બિરાજમાન થઇને અલૌકિક શક્તિ વડે આપણને સહાયતા કરે છે, અને જ્યારે છંદ વિજ્ઞાન સાથે પરિચિત થઇને વિહિત ઉપાય વડે મંત્રોચાર કરવામાં આવે છે, ત્યારે આપણાં શરીરમાં રહેલો અલ્પ પ્રાણ વિકસિત થવા લાગે છે અને સંકલ્પાત્મક મંત્ર શક્તિથી તે વિકસિત પ્રાણ વ્યવસ્થિત થઇને જીવનને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ રૂપે પરિણત કરવામાં મુખ્ય પાઠ ભજવે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૧) ૩૭. મંત્રના કારણ સ્વરૂપ ઋષિ, દેવ, અને છંદ, આ ત્રણમાંથી છંદ જ્ઞાન વગર કોઇપણ મંત્રનો પાઠ કે જપ થઇ શકે જ નહિ. અને કોઇ આગ્રહવશ કરવા જાય તો મંત્ર વિજ્ઞાન કે વેદ વિજ્ઞાનથી વંચિત રહે છે, અને ઋષિ અને દેવની કૃપા કે સહયોગ મેળવવામાં અસફળ થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૧) ૩૮. છંદોમાં ગાયત્રી છંદ શ્રેષ્ઠ છે. ગીતામાં શ્રી ભગવાન પણ કહે છે, ‘છંદોમાં ગાયત્રી છંદ હું છું.’ દ્વિજાતિઓમાં ગાયત્રી મંત્ર વડે સંસ્કાર કરવામાં આવે છે. ગાયત્રી છંદની સિદ્ધિ પછી વેદ પાઠમાં અધિકાર મેળવે છે. ગાયત્રી મંત્રને જાણ્યા પછી એટલે કે ગાયત્રી છંદની સિદ્ધિ પછી છંદ માત્રની સિદ્ધિ થઇ જાય છે. ‘છાદનાત્ છંદ:’ જે આપણને છાઇ દે છે એટલે કે ઢાંકે છે, તેને છંદ કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)૩૯. વારંવાર મંત્ર જપ કરતા રહેવાથી, મંત્ર વાણીમાં રમી જાય છે. વાણી મનમાં અને મન પ્રાણમાં રમી જાય છે. તેનાથી પ્રાણ ચૈતન્ય શક્તિ સંપન્ન થાય છે, અને તેની જડતા નાશ પામે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨) ૪૦. વારંવાર મંત્ર જપ કરતા રહેવાથી જડતા હિન અને શક્તિ સંપન્ન થયેલો પ્રાણ પંચાગ્નિમાં પરિણમે છે, એટલે કે મંત્ર જપના કારણે આકાશમાંથી પાંચે તત્વોના દિવ્ય કણો આવીને પ્રાણમાં રમી જાય છે. તે કણોને આકાશીય તેજ, વાયવીય તેજ, તૈજસ તેજ, જલીય તેજ, પાર્થિવ તેજ કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨) *** આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૨૧થી૪૦-૨જુલાઇ૧૯
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
Read more...