આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
વૈજ્ઞાનિક મંત્ર યોગી સ્વામી ‘શ્રી સદાશિવ’
[શ્રી સદાશિવ આશ્રમ, મોટેરા, પોસ્ટ: સાબરમતી, અમદાવાદ ૩૮૦૦૦૫, ગુજરાત (ભારત)] પ્રેરિત, કોઇ પણ ધર્મના કોઇ પણ મંત્રના વેદિક રીતે છંદબદ્ધ નિયમિત ઉચ્ચારણથી જીવનનું સર્વ પ્રકારે સંશોધન અને વિકસન થઇ શકે છે. આ બાબત બતાવતા, એમના જ સાહિત્યમાંથી, સ્વ-ઉમેરણ સિવાય, વાક્ય રચનામાં ઘટતા ફેરફાર કરીને, વિધાનોનું સંકલન કરેલું છે. આ સંકલનનું શીર્ષક છે - ‘દૈનિક જીવનમાં વેદિક રીતે પ્રયોગાત્મક મંત્રોચ્ચારણ પદ્ધતિ.’ દૈનિક જીવનમાં આ વિધાનો પ્રયોગાત્મક અને અનુભવગમ્ય છે. ૧. વાસ્તવિક જીવન એટલે સાદી રહેણી કરણી અને ઉચ્ચ વિચાર. (simple living and high thinking), નહિ કે ઉંચી રહેણી કરણી અને અધમ વિચાર (and not high living and mean thinking). (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૨. જીવનને યજ્ઞ માનવામાં આવે છે. ‘યજ્ઞૌ વૈ વિષ્ણુ:’. વિષ્ણુ એ વ્યાપક તત્ત્વ છે, તેથી જે વ્યાપક ભાવના છે એ જ યજ્ઞ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૩. જો માતા પિતા ‘જીવન યજ્ઞ’ વ્રતી હોય અને આજુબાજુનું વાતાવરણ પણ સાનુકૂળ હોય તો તે બાળકો નાનપણથી જ પરાર્થે સ્વ સુખના બલિદાન રૂપી ત્યાગ અને પરાર્થે દુ:ખ સહન કરવા રૂપી તપના સંસ્કાર વડે જીવન ઘડતર કરવા લાગી જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૮) ૪. વેદ એટલે જ્ઞાન. દેવ (વેદ શબ્દને ઉલ્ટાવિએ તો દેવ થાય) એટલે પ્રકાશ. મંત્ર એટલે શક્તિ સંપન્ન શબ્દોનો સમુચ્ચય. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૫. વૈજ્ઞાનિક પદ્ધતિથી સતત મંત્રોનું ઉચ્ચારણ કરતા રહેવાથી મંત્ર દિવ્ય શક્તિ વડે સંપન્ન થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૬. બાળકો જ્યારે સમજ સાથે ત્યાગ તપ કરવામાં યોગ્યતા મેળવે છે, ત્યારે તેઓને વેદિક સંસ્કાર વડે દ્વિજ બનાવવામાં આવે છે, અર્થાત્ ત્યાગ, તપ અને સંસ્કાર દ્વારા શુદ્ર મટીને દ્વિજ થાય છે, એટલે કે તેઓમાં જે સ્વાર્થ ભાવના હતી, તે મરી જાય છે અને પરાર્થ જીવન રૂપી દ્વિતીય જન્મ થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૭. બાળકોના સ્વ-વિદ્યા, બુદ્ધિ, સંસ્કાર વડે જીવનના ઝડપી વિકાસ માટે, બાળકોના ઉપનયન (પાસે લઇ જવું) સંસ્કાર કરવામાં આવે છે. આ ઉપનયન સંસ્કાર એક જીવનની પરિપાટી હતી. આ એક પ્રાણાગ્નિ વિદ્યા છે. ઉપવીત (જનોઇ) પ્રાણનું પ્રતિક છે. આ પ્રાણમય કોષને અન્નમય કોષ અર્થાત્ સ્થૂળ શરીરમાંથી પૃથક્ કરી ક્રમશ: આધિદૈવિક અને આધ્યાત્મિક રાજયમાં પ્રવેશ કરી તે તે રાજ્યમાંથી શક્તિ અને જ્ઞાન મેળવવા માટે પ્રાચીન કાળની વેદિક વિજ્ઞાનની એક અમોઘ પદ્ધતિ હતી. (જીવન વિજ્ઞાન પાન ૧૯) 8. બાળકોને ઉપનયન સંસ્કાર વખતે સાવિત્રી મંત્ર વડે (જેને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે) સંસ્કાર આપવામાં આવતા. શક્તિ સંપન્ન ગુરુઓ કે આચાર્યો તે તે મંત્રના તે તે વિભિન્ન શક્તિ સંપન્ન દેવતાઓનું આવાહન કરીને બાળકો કે સાધકોમાં શક્તિનું સંક્રમણ કરતા હતા. અને શક્તિપાત વિદ્યા કહેવામાં આવે છે. આ શક્તિપાત વિદ્યા વડે જીવનને રૂપાંતરિત કરી શકાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૯) ૯. જેમ ઘરને સારી પેઠે સુધારવાથી ઘર ધણી સુધરતો નથી, તેવી જ રીતે કેવળ શરીરને સુંદર સુગઠિત કરી સુસજ્જિત અને સુરક્ષિત રાખવાથી તેમાં રહેનાર જીવાત્મા સુધરી શકતો નથી, કારણ કે ભૌતિક વિદ્યા કેવળ આહાર નિદ્રા આદિના ભૌતિક સુખને કેન્દ્ર કરીને રચેલી હોવાથી ભૌતિક વિદ્યાથી ભૌતિક સુખ સિવાય અન્ય કોઇ આધિદૈવિક કે આધ્યાત્મિક વિચાર મળી શકવાના નથી. (જીવન વિજ્ઞાન પાન ૨૦) ૧૦. સાધારણ કીડીથી માંડીને બૃહદ્ આકાર હાથી જેવાના શરીરને પણ ઉપાડીને હરતું-ફરતું રાખનાર એવું કોઇ અદ્રશ્ય તત્ત્વ નીકળી ગયા બાદ બધાં જ શરીરો નિશ્ચેષ્ટ અર્થાત્ જડ થઇને પડી રહે છે. આ સ્થૂળમાં રહેલા અદ્રશ્ય આત્માને સંસ્કૃત અને વિકસિત કરવા માટે અલૌકિક ઉપાય અને અદ્રશ્ય શક્તિની આવશ્ક્યતા છે. આવી જે અલૌકિક સંસ્કાર વિદ્યા છે તેને આધિદૈવિક વિદ્યા કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૨૧) ૧૧. સ્થૂળની જેમ સૂક્ષ્મમાં પણ રાગ દ્વેષનો પ્રભાવ હોવાથી, કાલ્પનિક વસ્તુ સાપેક્ષ હોવાથી, તેમાં પણ નિર્દ્વંદ અને નિરપેક્ષ આનંદનો અભાવ હોય છે. એક માત્ર અદ્વૈત બ્રહ્માત્વ તત્ત્વના જ્ઞાનમાં એ શક્તિ છે કે જે જીવાત્માઓને સર્વ પ્રકારના દુ:ખના બંધનમાંથી સર્વથા મુક્ત કરીને નિરતિશય આત્માનંદમાં, બ્રહ્માનંદમાં સુપ્રતિષ્ઠિત કરી શકે. (જીવન વિજ્ઞાન પાન ૨૧) 12. સર્વ પ્રકારના દુ:ખના બંધનમાંથી સર્વથા મુક્ત કરવા માટે આધ્યાત્મિક વિદ્યા છે. માત્ર આધ્યાત્મિક વિદ્યા કેવળ શ્રેયસ કામી માટે ઉપયોગી છે; કેવળ ભૌતિક વિદ્યા પ્રેયસ્ કામીઓ એવા ભૌતિક સુખ અભિલાષીઓ માટે છે; જ્યારે શ્રેયસ-પ્રેયસ ઉભય કામીઓ માટે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણે વિદ્યાઓનો એકી સાથે, એક જ જીવનમાં અભ્યાસ અને સુયોગ કરવાની આવશ્યક્તા છે. એને જ ‘ધર્મ-અર્થ-કામ-મોક્ષ’ રૂપી ચતુર્વિધ પુરુષાર્થ કહેવામાં આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૨૧) ૧ થી ૧૨ વિધાનો ભૂમિકા સ્વરૂપ ગણવા.
૧૩. વાસ્તવિક જીવન ગઠન અને જીવન શુદ્ધિ સાથે શબ્દોચ્ચારણને ઘનિષ્ઠ સંબંધ છે. જીવન એ ફાવે તેમ હાલવું, ચાલવું, બોલવું, બેસવું કે ઊઠવું તે નથી. પરંતુ જ્યારે જીવનની પ્રત્યેક ચેષ્ટા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, ત્યારે તે જીવન વાસ્તવિક સુખદાયી નીવડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૬) ૧૪. આંતર જીવનને સુવ્યવસ્થિત કર્યા સિવાય જીવન વ્યવસ્થા અપૂર્ણ રહી જાય છે. આંતર જીવનમાં મન, બુદ્ધિ, વાણી તથા પ્રાણ મુખ્ય સ્થાન ધરાવે છે, તેથી તેઓની શુદ્ધિ અને વિકાસની જરૂર હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૬) ૧૫. આકાશ એ કારણ તત્ત્વ હોવાથી આપણને આકાશમાંથી બધાં તત્ત્વો મળી રહે છે. તેથી શુદ્ધ વાતાવરણવાળી ખુલ્લી જગ્યામાં હરવા-ફરવાથી આપનું ચિત્ત સ્વભાવત: પ્રસન્ન થાય છે, કેમકે તે મુક્ત આકાશમાંથી બધાં તત્વોના સૂક્ષ્મ કણો આપણને મળી રહે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૬) ૧૬. આકાશના ગુણ શબ્દ તત્ત્વનું સંશોધન-વિકસન કરવાથી શરીરમાં રહેલાં બીજાં તત્ત્વોનું પણ સંશોધન થઇ જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૬) ૧૭. શબ્દ તન્માત્રાની ગતિની સાથે સાથે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ચાર તન્માત્રાઓની ગતિ થાય છે. જો શબ્દની ગતિ રૂંધાઇ જાય તો બીજા ચારની ગતિ પણ રૂંધાઇ જાય છે. આ પ્રમાણે સૂક્ષ્મ નાડીઓમાં સૂક્ષ્મ તન્માત્રાની ગતિ અટકી પડવાથી સૂક્ષ્મ સાથે સંબંધ ધરાવનાર સ્થૂળ નાડીઓમાં રસ રક્તના પ્રવાહની પણ ગતિ અટકે છે. ગતિરોધ (stagnation) એ જ સર્વ રોગ, સર્વ સડા અને સર્વ દુ:ખનું કારણ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૬) ૧૮. શબ્દના ઉચ્ચારણમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રાણવાયુની વિશેષ ઉપયોગિતા છે. શબ્દનું ઉચ્ચારણ કરવાથી શરીરસ્થ વાયુમાં જે કંપન ઉપજે છે તે કંપન પ્રાણ મારફતે પૃથિવી તત્ત્વની શુદ્ધિ કરે છે. અપાન મારફતે જલ તત્ત્વની, સમાન મારફતે તેજ તત્ત્ની, ઉદાન મારફતે વાયુ તત્ત્વની અને વ્યાન મારફતે આકાશ તત્ત્વની શુદ્ધિ કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭) ૧૯. કોઇ પણ શબ્દનું એકાદ વાર ઉચ્ચારણ કરવાથી તત્ત્વોમાં થતી ક્રિયા પ્રતિક્રિયાઓ ન જ સમજી શકાય. પરંતુ વારંવાર વિહિત ઉપાય વડે સ્વાધ્યાય (વેદ પાઠ) કે મંત્ર જપ કરતા રહેવાથી કાળાંતરમાં તેની ક્રિયા પ્રતિક્રિયાઓ જોઇ કે સમજી શકાય છે. ધીરે ધીરે આ શબ્દ કે મંત્રની પ્રતિક્રિયાઓ મનના સંકલ્પ વિકલ્પ, ભાવનાઓ તથા બુદ્ધિના વિચાર ઉપર પણ અસર પહોંચાડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭) ૨૦. કોઇ પણ મંત્રોચ્ચારમાં વર્ણનું શુદ્ધ ઉચ્ચારણ, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વર, હ્રસ્વ, દીર્ઘ, પ્લુત માત્રા અને બળ એટલે ઉચ્ચારણ વખતે અક્ષર ઉપર આપવામાં આવતો ભાર (પ્રાણ મહાપ્રાણ આદિ બળ) આ ચાર વિષયનું યોગ્ય જ્ઞાન હોવું એ મુખ્ય વિષય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૦૭)
-
મહાવીર સ્વામીZazi.com © 2009 . All right reserved |
Read more...