Print
Parent Category: ચિંતન
Category: ધમૅવિચાર
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


હિમાલયના હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં ૧૧૭૫૦ ફૂટની ઉંચાઈએ કેદારનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી વિષ્ણુના બે અવતાર નર અને નારાયણ પાર્થિવ શિવલિંગનું અહીં સ્થાપન કરીને તપ કરી રહ્યાં હતાં. પૂજન વખતે શિવજી પોતે આ પાર્થિવ શિવલિંગમાં પધારતા. આ કઠિન તપથી પ્રસન્ન થઈને કૈલાસપતિએ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું ત્યારે આ બંને તપસ્વીઓએ કરેલી પ્રાર્થનાથી આશુતોષ જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થયા.

પાંડવો હેમાળો ગાળવા આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે કેદારનાથ જયોર્તિલિંગના દર્શન કરવા પાંડવો જતા હતા. પરંતુ પ્રાયશ્ચિત કર્યા વિના મોક્ષ મેળવે તે શિવજીને મંજુર ન હોવાથી, શિવજી પાડાનું રૂપ ધારણ કરી પાંડવોની આડે આવ્યા. જયારે ભીમે પાડાનો વધ કરવા કોશિશ કરી ત્યારે પાડામાં વસેલા ભગવાન શંકરે તેમને પ્રાયશ્ચિત કરવાનું જણાવી શિવલિંગ રૂપે સ્થિત કરી. જે ‘કેદારનાથ’ કહેવાય છે.

ઉત્તરપ્રદેશમાં હરદ્વાર અથવા હરિદ્વાર નામનું રેલ્વે સ્ટેશન આવેલ છે. હરદ્વાર તેમજ ત્યાંથી ૨૪ કિ.મી. દૂર આવેલ ૠષિકેશમાં ગંગા-કિનારે ૠષિ-મુનિઓના અનેક આશ્રમો તથા અસંખ્ય મંદિરો આવેલ છે. અને એ બંને ભારતના અગ્રિમ તીર્થસ્થાનો ગણાય છે અને અહીંથી જ હિમાલયનો પહાડી વિસ્તાર શરૂ થાય છે. આ બંને સ્થળેથી ઉત્તરાખંડની યાત્રાએ જવા માટે અનેક બસ-સેવા ઉપલબ્ધ છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી એ ઉત્તરાખંડની યાત્રાના ચાર મુખ્ય ધામો છે. હરદ્વારથી કેદારનાથ ૨૫૬ કિ.મી. અને બદરીનાથ ૩૨૨ કિ.મી. છે. રૂદ્ભપ્રયાગ આગળ રસ્તાના બે ફાટા પડે છે. એક રસ્તો બદરીનાથ જાય છે. જયારે બીજો રસ્તો કેદારનાથ જાય છે. આ આખા રસ્તે એક બાજુએ ઊંડી ખીણમાં સર્પાકારે વહેતી ગંગાનદી જોવા મળે છે. અને બીજી બાજુ પર્વતોની હારમાળામાંથી કોતરવામાં આવેલ વાકાંચૂકા રસ્તા પરથી પ્રાકૃતિક સૌંદર્યનો આસ્વાદ માણતાં માણતાં જવાય છે. રૂદ્ભપ્રયાગથી કેદારનાથ જતાં રસ્તામાં ગૌરીકુંડ આવે છે. અને બસ અહીં સુધી જ જઈ શકે છે. ગૌરીકુંડ ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. અહીં પાર્વતીજીનો જન્મ થયો હતો. એ સ્થળે ગૌરીકુંડ નામનો ગરમ પાણીનો કુંડ છે. જેમાં પાર્વતીજીએ પ્રથમ સ્નાન કર્યુ હતું. બાજુમાં જ વહેતી મંદાકિની નદીનો ગુંજારવ મનને ભરી દે છે.

ગૌરીકુંડથી કેદારનાથનો રસ્તો સાંકડી કેડીનો બનેલો છે. આ રસ્તે યાત્રિકો ઘોડા, ડોળી કે કંડી મારફત અથવા તો પગે ચાલીને જઈ શકે છે. ૧૫ કિ.મી.ના આકરા ચઢાણવાળા રસ્તે અનુક્રમે જંગલચટ્ટી, રામવાઠા, ધનુર્પાણી, ચટ્ટી અને ગરુડપટ્ટી પસાર કરીને છેવટે કેદારનાથ પહોંચાય છે. આ આખો રસ્તો લીલીછમ વનરાજીથી છવાયેલો છે. ગગનચુંબી પહાડો પરથી અનેક નાના મોટા ઝરણાં ધોધ રૂપે વહીને ખીણમાં વહેતી મંદાકિની નદીમાં પડે છે. જે અદ્ભૂત રસલ્હાણ કરાવે છે.

હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને ૮૦ ફૂટ ઊંચુ છે. પ્રાંગણમાં આવેલ નદીની વિશાળ મૂર્તિની સન્મુખ આવેલ સિંહદ્વારમાં પ્રવેશતાં, મંદિરની અંદર શિવ-પાર્વતી, ઉષા અનિરૂદ્ધ, પાંચ પાંડવો અને શ્રી કૃષ્ણની મૂર્તિઓ છે. ગર્ભગૃહમાં બિરાજતું જયોર્તિલિંગ પરંપરાગત આકારને બદલે પર્વત જેવા ત્રિકોણાકાર આછા ભૂરા પથ્થરનું, નીચેથી પાંચ ફૂટ પહોળું અને બે ફૂટ ઊંચુ છે. અહીં જયોર્તિલિંગ પર ઘી ચોપડવાનો મોટો મહિમા છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતુ. હાલનું મંદિર આધ્ય શંકરાચાર્ય મહારાજે પુનરૂદ્ધાર કરીને બંધાવ્યું હતું અને અહીં દેહત્યાગ કર્યો હતો. મંદિરની બરાબર પાછળ શંકરાચાર્ય મહારાજની સમાધિ આવેલ છે. અહીં ગાંધી સરોવર આવેલ છે જે મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન છે.

આ મંદિર યાત્રિકો માટે મે થી ઓકટોબર સુધી જ ખુલ્લું રહે છે. શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી આ સમગ્ર વિસ્તાર પુષ્કળ બરફથી છવાયેલો રહે છે. તેથી આ સમય દરમિયાન મંદિર બંધ રહે છે. અને કેદારનાથ મહાદેવની ચલમૂર્તિ ઉખીમઠ લાવીને તેનું અહીં પૂજન થાય છે.