Print
Parent Category: ચિંતન
Category: ધમૅવિચાર
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


ભગવાન શંકર નાગનું સ્વરૂપ ધારણ કરી ભકતની રક્ષા કરતાં અહીંયા સ્થિત થયા તેની કથા પ્રમાણે-ગોદાવરી નદીની ઉત્તરમાં આવેલ દારુકાવન નામના જંગલમાં એક રાક્ષસ યુગલ દારૂક અને દારૂકા રહેતું હતું. એક વખત ગોદાવરી નદીમાં ઉત્તમ પ્રકારની અનેક નૌકાઓ આવી પહોંચી. રાક્ષસોને આની જાણ થતાં ત્યાં ઘસી ગયા અને માલ સામાન લૂંટીને બધા મુસાફરોને પકડીને કેદ કરી દીધા. આમાં સુપ્રિય નામનો એક વૈશ્ય હતો. તે પરમ શિવભકત હતો અને કેદીની સ્થિતિમાં પણ નિયમિત શિવનું પૂજન કરતો હતો.

એક દિવસ દારૂકનો દાસ તેને શિવલિંગની પૂજા કરતો જોઈ ગયો અને તેણે આ વાત દારૂકને જણાવી. એટલે દારૂક તરત જ પોતાના સૈન્યને લઈને ત્યાં આવ્યો અને પૂછયું કે તું આ બધું શું કરી રહ્યો છે? સાચી વાત કહી દે નહિંતર તને મારી નાંખીશ ત્યારે સુપ્રિયે જવાબ આપ્યો કે તે શિવની પૂજા કરી રહ્યો હતો. પરંતુ દારૂકે આ વાત માની નહિ. અને સુપ્રિય દારુકના સંહાર માટે કાવતરુ રચી હોવાની શંકાથી ગુસ્સેે થઈને દારૂક તલવાર લઈને સુપ્રિયનો વધ કરવા ધસી આવ્યો. આ વખતે ભગવાન શંકરે ભયંકર ઝેરી નાગનું રૂપ ધારણ કર્યું અને કાતિલ ડંસ મારીને દારૂક તથા અન્ય રાક્ષસોનો સંહાર કર્યો અને ભકત સુપ્રિયને ઉગારી લીધો. ત્યારબાદ સુપ્રિય તથા અન્ય મુસાફરોની પ્રાર્થના સાંભળીને મહાદેવજી જયોર્તિલિંગના સ્વરૂપે અહીં સ્થિત થયા. પછી સુપ્રિય અને અન્યોએ શ્રી નાગનાથના નામથી આ જયોર્તિલિંગનું પૂજન કર્યું આથી આ જયોર્તિલિંગ નાગનાથના નામથી જાણીતું છે.

પવિત્ર નાગનાથ જયોર્તિલિંગ મહારાષ્ટ્રમાં ઔંધ ગામમાં આવેલું છે. ઔરંગાબાદથી નિઝામ હૈદ્ભાબાદ જતી મનમાડ કાચીગુડા રેલ્વે લાઈન પર ૧૭૭ કિ.મી. પૂર્વમાં પરભણી રેલ્વે જંકશન છે. ત્યાંથી મોટરમાર્ગે ૪૦ કિ.મી. દૂર ઈશાનમાં ઔંધ આવેલ છે. ઔંધ બસ સ્ટેશનની નજીકમાં શ્રીનાગનાથનું મંદિર આવેલ છે. આ પ્રદેશ ખૂબ જ રળિયામણો છે ઔંધની આસપાસ અનેક સરોવરો છે. અને તેમાં પુષ્કળ પ્રમાણમાં કમળનાં મોટાં અને સુંદર ફૂલ થાય છે.

આ મંદિરના પટાંગણની ફરતે મજબૂત કિલ્લો છે. પટાંગણની મધ્યમાં પંચોત્તેર ફૂટ પહોળો, દોઢસો ફૂટ લાંબો અને આઠ ફુટ ઊંચો પથ્થરનો ઓટલો છે. અને તેની ઉપર નાગનાથ જયોર્તિલિંગનું ભવ્ય મંદિર આવેલ છે.

ગર્ભદ્વારમાં દાખલ થતાં સામેની દિવાલને અડીને જ મોટું શિવલિંગ આવેલું છે. પરંતુ આ જયોર્તિલિંગ નથી. શિવલિંગની જમણી બાજુએ ગર્ભગૃહના ખૂણામાં માત્ર એક જ વ્યકિત ઊતરી શકે એટલી સાંકડી સીડી ઊતરતાં ભોંયરા જેવા ગર્ભગૃહમાં પહોંચાય છે. આની બરાબર વચ્ચે કાળમીંઢ પથ્થરનું દોઢેક ફૂટ ઊંચુ શ્રી નાગનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. આ ગર્ભગૃહ તદ્ન અંધારિયું છે અને ચોવીસે કલાક અહીં ઘીનો દીવો પ્રગટેલો રાખવામાં આવે છે.

એમ કહેવાય છે કે આ મંદિર અસલમાં પાંડવોએ બંધાવ્યું હતું આ આખુંય મંદિર કાળમીંઢ પથ્થરનું બંધાયેલ છે બહારની દિવાલો પર અનેક મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. અને શિખરની ટોચે સુવર્ણકળશ મુકવામાં આવેલ છે.

વૈધ્યનાથ જયોર્તિલિંગની માફક આ નાગનાથ જયોર્તિલિંગ વિશે એવો વિવાદ છે કે ઉત્તર પ્રદેશમાં અલ્મોડાથી ૨૫ કિ.મી. દૂર ઈશાનમાં આવેલુ જોગેશ્વર શિવલિંગ અસલી નાગનાથ છે. પરંતુ એના પુરાવા મળતા નથી.