Print
Parent Category: પ્રત્યંચા
Category: વિજય શાહ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તારો પત્ર લગભગ સાત વાર વાંચ્યો

દરેક વખતે તારા મનની કથા અને વ્યથા વાંચી. મને સમજાતુ નથી કે દુ:ખ તારુ દ્વાર શોધતું આવે છેકે તુ તેને આમંત્રણ આપીને તેડી લાવે છે હેં?

આશ્કાને કુંતલ મળ્યો કેવી સુંદર વાત તે ફક્ત ચાર લીટીમાં લખી અને અંશ નિષ્ફળ નિવડ્યો તેના સંવેદનોમાં તે લગભગ પત્ર પુરો કર્યો. મને સમજાતુ નથી કેમ તુ વારંવાર ભગવાનનાં ન્યાય કે વિધાતાનાં વિધાનોને બદલવા મથ્યા કરે છે? તારાથી બન્યુ તે તેં કર્યુ હવે તારુ ધાર્યુ ન થાય તો તેનો સંતાપ છોડ અને સહજ બનીને જીવતા શીખ. પચાસ પછી અહીં વેદોમાં એવુ સુચવે છે કે જ્યારે પુત્ર પુખ્ત થાય ત્યારે તે મિત્ર વધુ થાય અને પિતા વાનપ્રસ્થાન તરફ પ્રયાણ કરે. આજની ભાષામાં કદાચ તે નિરિક્ષક માત્ર બનતા હોય છે.



મને એક વધુ વાત સમજાય છે અને તે કદાચ ભરોંસો તારો આશ્કા ઉપર વધુ છે તેટલો ભરોંસો અંશ ઉપર રાખ. આખરે બંને સંતાન છે. સમજણા છે. મને શાંત મને વિચારતા એવુ લાગે છે કે તેણે તારી નાણાકીય ક્ષમતા અને તેના પર પડતા ભારણ થી મુક્ત કરવા જ લોન નો રસ્તો લીધો છે. અને જરા વિચાર તો કર જેણે વીસ વર્ષની કુમળી વયે કાન ઉપર બંદુક સ્વરુપે મોત જોયુ હોય તેના મનની બીકને દુર કરવામાં એક વર્ષ બગડે તો તે કોઇ મોટી વાત નથી. શીખાનું નિદાન સાચુ છે. તેને ગાડી આપીને બસ પ્રવાસથી વેગળો કર્યો તેની સુરક્ષા વધી અને ભણવામાં વધુ સમય ગાળશે તેવો આશાવાદ અસ્થાને નથી જ.

વાત ચીતનો દોર તોડી તેણે ભુલ જરુર કરી છે. શક્ય હોયતો ભણતર ઉપર ભાર વધારાવીને માઠો સમય કાઢવામાં તેને સહાય કરજો. અહીં જુના જમાનામાં આવતી નાટય મંડળીઓની કેટલીક સચોટ અને ટુંકી વાતો કહું તો જે થયુ તે ન થયુ થવાનુ નહોંતુ. તેથી જે થયુ તે સારુ અને હવે પછી જે થશે તે પણ સારુ એમ વિચાર. અને પેલુ ફીલ્મી ગીત છે ને "મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફીક્રકો હવામેં ઉડાતા ચલા ગયા" ની જેમ વણ જોઇતો ભાર વેંઢારવાને બદલે જિંદગી જે આપે તે હસતા હસતા લે. કદાચ તે સંવેદનાઓનું જોર ઘટાડશે.

મેં આગળનાં કાગળોમાં લખેલું તેમ સુખને શોધવાની એક કળા છે. અને તે છે પોતાની લીટીને જરુરિયાત પ્રમાણી નાની મોટી કરવાની. જ્યારે દુ:ખ વધતુ દેખાય ત્યારે નીચે જોવાનુ. હા અંશ ની નિષ્ફળતાઓ તને દુ:ખી કરે છે પણ ઘણા માબાપો એવા પણ છે જે તેમના સંતાનોને અંશ જ્યાં ભણે છે ત્યાં ભણાવવા માંગે છે પણ તેઓ ને પ્રવેશ નથી મળતો ત્યારે તેને પ્રવેશ મળ્યો અને કદાચ એક વર્ષ મોડો તો મોડો પણ તે  સ્નાતક થશે અને તેં ધારેલ સારી આવકો અને સારી જિંદગી તેની થશે ને? તો પણ તારું પિતા તરીકેનું કામ પૂર્ણ થશેની શ્રધ્ધા રાખ.

સફળતાઓ ભોગ માંગે છે અને તે આ સ્વરૂપે તુ આપે છે.તને ખબર છે ને મંદિરમાં જેટલું મુલ્ય મુર્તિનું છે તેટલું જ પાયાનાં પથ્થરનું પણ હોય છે.

આશા રાખું કે તને મારી વાતો થી થોડીક રાહતો થશે.

ગમે તે દિશાથી જોઇશ તો હોકાયંત્ર ઉત્તર દિશા જ બતાવે તેવુ પ્રભુનાં ન્યાય અને આસ્થાનું છે. તેમના આશિર્વાદો ગગનની ગોખથી આપણા ઉપર ઉતરે અને આપણી પ્રાર્થનાઓ તેમના પ્રતિ આસ્થા સ્વરુપે ગગને ચઢે.

ફરિયાદો કરીકે મેં આવુ નહોંતુ ધાર્યુ..અરે ભાઇ તને ધારવાનુ કહ્યું જ ક્યાં હતુ?  તુ તો ચીઠ્ઠીનો ચાકર છે ધાર્યુ તો હંમેશા ધણીનુ થાય.

હમણા ક્યાંક વાંચ્યુ અને ગમ્યુ તે લખુ છુ

જિંદગીનાં 50 વર્ષ પછી જો તમે કોઇને ના નડો કે ના વઢો કે ના પડો

તો ચોક્કસ તમે વૃધ્ધાશ્રમે નહીં રડો.

હું પડી ગયા પછી અત્યારે જે પરાધીનતા અનુભવું છું તે પીડાને કારણે મને આ વાક્ય ગમ્યું પણ પછી તારી જ કહેલી  વેદનીય કર્મનાં ઉદયોની વાત યાદ આવી. ખાલી જાણ માટે લખુ છું.

અત્રે સર્વે મઝામાં છે. પણ દુ:ખની વાત એ છે કે આપણા કુટુંબની એક દિકરી સાસરેથી ત્રાસીને ઘરે આવી અને છુટા છેડા માટે સક્રિય થયા છે. હવેનો જમાનો અંગત સ્વતંત્રતાને મહત્વ વધુ આપે છે અને તેથી જ સંયુક્ત કુટુંબો તુટે છે. અને વિભક્ત કુટુંબો વધે છે.. કદાચ સંસ્કારો તેથી મોળા પડે છે. મા દિકરીને કહે તુ ખોટુ કરે છે તે સાંભળવાની દિકરીની તૈયારી નથી અને તેથી કોર્ટે ચઢી નાના બાળકોને માનસિક ત્રાસ વધુ પડે છે.

મને લાગે છે આ વાતોમાં આશ્કાને અમારા અભિનંદનો આપવાનુ ભુલી ગયો. બંને તેમની જિંદગી હાસ્ય ઉલ્લાસ અને ઉમંગથી જીવે તેવા અમારા શુભાશિષ
મોટાભાઇનું ઘણુ બધુ વહાલ અને આશિષ.