Share સ્વતંત્ર ભારતનાં ઇતિહાસ, ભારતિય રાજકારણની ભૂગોળ અને વર્તમાન ભારતનાં સમાજ જીવનમાં જો કોઇ એક નામ કોમન હોય તો તે છે જવાહરલાલ નહેરુ. ભારતની સ્વંતંત્રતા, દેશનાં વહીવટની સત્તા અને રાજકિય મહત્ત્વકાંક્ષા જેવાં દરેક મોરચે અગ્રણી રહીને જવાહરલાલ નહેરુએ ભારતની જન્મ કુંડળીમાં પોતાનું સ્થાન કાયમી કરી લીધું છે. અને એટલે જ નહેરુ માત્ર એક વ્યક્તિત્ત્વનું નહિ પણ એક યુગનું નામ છે. એક એવો યુગ જેમાં ભારતે સ્વતંત્રતાનો શ્ર્વાસ લીધો, ભવિષ્ય તરફ પગલાં માંડ્યા અને આંખ ઉંચી કરીને ગૌરવભેર દુનિયાને પોતાનાં સામર્થ્યની ઓળખ આપી. તે સમયે સાથે હતાં કરોડો ભારતવાસીઓ, રાષ્ટ્રને વફાદાર વિચારશીલો,ગાંધીજીનું નેતૃત્ત્વ,સરદાર વલ્લભભાઇની વચનબધ્ધતા, ભીમશંકર આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ર્ટહિતેચ્છુઓ.ભારતની આવતીકાલ ઉજળી કરવાનાં આ મોરચાનું પ્રતિનીધીત્ત્વ કર્યું, જવાહરલાલ નહેરુએ. 15 ઓગસ્ટ, 1947માં વડાપ્રધાન તરીકે શપથ લઇને અઢળક જવાબદારીઓથી લદાયેલી આ સત્તા સ્વીકારી ત્યારે જવાહરલાલ નહેરુની મુખ્ય શક્તિ હતી તેમનું વ્યક્તિગત સામર્થ્ય, દીર્ઘ દ્રષ્ટિ અને રાજકિય મહત્ત્વકાંક્ષા. જેણે જવાહરલાલ નહેરુને માત્રને માત્ર એકે ઓળખ આપી, પ્રખર રાજકારણીની.
નેશનલ કોંન્ગ્રેસનાં પ્રમુખ અને વ્યવસાયે વકીલ મોતીલાલ નહેરુનાં પુત્ર હોવાને કારણે રાજકારણ જવાહરલાલ નહેરુનાં લોહીમાં હતું. અને એટલે જ રાજકિય કારકીર્દી માટે તે પિતા સાથે રહેવાને બદલે ગાંધીજીનાં નેતૃત્ત્વ હેઠળ આઝાદીની ચળવળ સાથે જોડાયા. ત્રીસ વર્ષની ઉંમરે લીધેલા આ નિર્ણયને જવાહરલાલ નહેરુની રાજકીય દીર્ધ દ્રષ્ટિ કહો કે રાષ્ર્ટ ભક્તિ. તેમનો તરવરાટ, વિચારવાની શક્તિ વર્તનમાં ગંભીરતા, અંગ્રજી ભણતર સાથે અંગ્રેજોને ઓળખવાની આવડત, અને સ્વંતંત્રતા મેળવવાનું સપનું જોઇને ગાંધીજીને પણ તેમનામાં ભારતનું ભવિષ્ય દેખાતું હતું. ઇંગ્લેન્ડમાં વકીલાતની સાથે ત્યાંની રહેણીકરણી શીખીને અંગ્રેજોની બરોબરીની જીવનશૈલી જીવતાં નહેરુએ ગાંધીજી સાથે જોડાયા પછી ખાદી અને ગાંધી ટોપી અપનાવી. ત્યારથી આ પોષાક રાષ્ટ્રવાદીઓની ઓળખ બની ગયો. 1920માં અસહકારની ચળવળમાં પહેલીવાર નહેરુની ધરપકડ થઇ. બે વર્ષ બાદ 1922માં નવી બનેલી લેજીસ્લેટીવ કાઉન્સીલમાં ગાંધીજીએ સામેલ નહિ થવાનું નક્કી કર્યું જે મુદ્દે મોતીલાલ નહેરુએ કોંન્ગ્રેસ છોડીને સ્વરાજ પક્ષની સ્થાપના કરી. 1924માં જવાહરલાલ નહેરુએ અલ્હાબાદ મ્યુનીસીપલ કો્ર્પોરેશનનું પ્રમુખપદ મેળવ્યું જે સત્તા પર તેમની પહેલી કસોટી. 1928માં તેમને કોંન્ગ્રેસ પક્ષનાં જનરલ સેક્રેટરી નીયુક્ત કરાયા અને પક્ષ પર દિવસે દિવસે તેમની પક્કડ મજબૂત થવા માંડી. આખું ભારત જ્યાં આઝાદ થવાની રાહ જોઇ રહ્યું હતું ત્યાં આઝાદી પછી શું? એ સવાલનાં જવાબની તૈયારી નહેરુ કરી રહ્યા હતાં.. એટલે જ વહીવટી તંત્રમાં હક્ક આપવા માટે ગાંધીજી અને મોતીલાલ નહેરુએ આપેલી 2 વર્ષની મુદત ઘટાડીને જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે તે 1 વર્ષની કરી નાંખી. વળી, ગાંધીજીએ કોન્ગ્રેસનાં પ્રમુખ નહેરુને બનાવ્યા પછી નેતા તરીકેનો તેમનો અનુભવ અને ઓળખ બંને પાક્કા થયા. તે સ્મયે લોકમાનસ પર નહેરુનો ખાસ્સો પ્રભાવ હતો. કોન્ગ્રેસ અને બીજા વરીષ્ટ રાજકારણીઓનાં મતે નહેરુની લાયકાત ઉંમરને આધારે આ પદ માટે ઓછી હતી. પરંતુ ગાંઘીજીને આઝાદ ભારતનાં યુવાન નેતા તરીકે નહેરુ જ યોગ્ય લાગતાં હતા. 1 વર્ષની મુદત પુરી થતાં જ નહેરુએ 26 જાન્યુઆરી 1930માં લાહોરમાં ભારતનો ધ્વજ ફરકાવીને ભારતની સ્વતંત્રતા ચળવળની ઘોષણા કરી. તેમની ધરપકડ થઇ. પરંતુ 1931ની દાંડી માર્ચ દરમ્યાન થયેલી ધરપકડ બાદ તેમણે ખાસ્સા વર્ષો જેલમાં વિતાવ્યા. તે દરમ્યાન તેમણે 13 વર્ષની તેમની દિકરી ઇન્દિરા ગાંધીને લખેલાં 196 પત્રો પાછળથી ગ્લીમ્પસીસ ઓફ વ્લર્ડ હિસ્ટરી.નામના પુસ્તકરુપે પ્રગટ થયા. બીજીબાજુ દાંડીયાત્રાને મળેલ લોક સહકાર પછી બ્રીટીશ સરકારે ગાંધીજી અને કોંન્ગ્રેસને પ્રજાના પ્રતિનિધી તરીકે સ્વીકારવા જ પડ્યા. 1935માં કોંન્ગ્રેસ ચુંટણી લડી જેમાં જવાહરલાલ નહેરુએ લડવામાં નહિ પણ પક્ષને જીતાડવામાં પુરેપુરુ જોર લગાવી દીધું. જોકે તે સમયે ટીબી સામે લડી રહેલા તેમના પત્નિ કમલા નહેરુને સારવાર માટે સ્વીટઝરલેન્ડ લઇ ગયા પછી પણ તેમને બચાવવામાં નહેરુનું જોર ઓછું પડ્યું. જોકે નહેરુનું સારા પતિ હોવુ ક્યાંય ઉલ્લેખાયું નથી. ઉલટું કમલા નહેરુએ તેમની મિત્રને લખેલા પત્રોમાં નહેરુના તેમની સાથે કરાતા ઉતરતી કક્ષાનાં વ્યવહાર પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતું. જોકે નહેરુનું જીવનલક્ષ્ય સ્પષ્ટ હતું. 1936-37માં નહેરુ ફરીથી કોંન્ગ્રેસનાં પ્રમુખ બન્યા અને તેમણે આઝાદ ભારત માટે પક્ષની વ્યૂહરચના જાહેર કરી જેમાં સમાજવાદ પર ભાર મૂક્યો હોવાને કારણે ગાંધીજી સહિત સરદાર વલ્લભભાઇ પટેલ અને અન્ય રાજકારણીઓએ અવગણના કરી જેથી નહેરુએ વાત વાળી લીધી. 1942 ઓગસ્ટમાં ભારત છોડો ચળવળ શરુ થઇ જેમાં નહેરુ તેમજ અન્ય રાજકિય આગેવાનોની ધરપકડ થઇ અને તેઓ 32 મહિના જેલમાં રહ્યા. જે દરમ્યાન તેમણે ભારત એક ખોજ પુસ્તક લખ્યું. ભારત છોડો ચળવળ દરમ્યાન ભારતભરમાં અંગ્રેજરાજનો અને વેપારનો સદંતર બહિષ્કાર થતા અંગ્રેજોએ સત્તાનો દોર ઢીલો કરવા માંડ્યો હતો અને હિન્દુસ્તાનને રાજકિય હક્કો આપીને પાછા જવાની તૈયારી પણ કરવા માંડી.
જેથી 1946ની કોંન્ગ્રેસમાં થનારી પ્રમુખપદ માટેની ચૂંટણી અત્યંત મહત્ત્વની બની ગઇ કારણ સ્વરાજ હાથ વેંત જ દુર હતું અને પક્ષ પ્રમુખને જ દેશના વડા પ્રધાન બનાવવાના હતા. સર્વસંમતિ સાથે એ પદના ખરા હક્કદાર હતા,સરદાર વલ્લભ ભાઇ પટેલ.પરંતુ સત્તા ન મળતા નહેરુ કંઇ પણ કરે અને તેમાં પક્ષ તુટી જવાની સંભાવનાથી બચવા ગાંધીજીએ પટેલને ઉમેદવારી પાછી ખેંચી લેવાનું કહ્યું અને સદરદારે તેમ કર્યું પણ ખરું. ગાંધીજીનું આ પગલું તે સમયે પણ ખુબ વગોવાય અને આજનું ભારત પણ તેને ભૂલ જ ગણે છે. ભારત જ્યાં સ્વંતંત્ર થવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનની માંગણી કરી. શરુમાં ગાંધીજી સહમત નહતા પરંતું દેશમાં થતા કોમી રમખાણો અને અદંરઅંદરના યુધ્ધની સંભાવનાને કારણે નહેરુ અને પટેલે તેમને સમજાવીને તૈયાર કર્યા. 15ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું અને 58 વર્ષની ઉંમરે જવાહરલાલ નહેરુ આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકે તેમણે કરેલું પહેલું ભાષણ ટ્રીસ્ટ વીથ ડેસ્ટીનીએ તેમને એક અદભૂત વકતા હોવાની નવી જ ઓળખ આપી. જોકે નહેરુને સત્તા મળી પણ તેમનાં જ કેબીનેટમંત્રીઓ અને પક્ષનાં અગ્રણીઓ દ્વારા સરદાર પટેલને જે સ્વીકૃતિ અને આદર મળ્યા તેને નહેરુ ક્યારેય મેળવી નહોતા શક્યા. અનેક મતભેદો અને વિરોધાભાસ પછી પણ 1947થી 1952 સુધી બંન્નેએ સાથે રહીને કામ કર્યુ. દેશની પહેલી સરકારનાં ગૃહ મંત્રી હોવાને કારણે સરદાર પટેલે દેશની સરહદો સાચવવાની સાથે દેશની અંદરની વ્યવસ્થા અને સલામતિ સ્થાપવાના કામમાં લાગી પડયા. રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવાનું,પંજાબ અને બેંગાલમાં શાંતિ સ્થાપવાનું અને બાગ્લાદેશમાં જઇને હિંદુઓની સલામતિ સ્થાપવાનું હો.ય. પરંતુ નહેરુએ લીધેલા સ્વંતત્ર નિર્ણયને કારણે ઘણી વાર તેમની સખત આલોચના પણ થઇ. જેમ કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રને સોંપ્યો તે મામલે નહેરુની ખુબ ટીકા થઇ અને આજનું ભારત પણ તેને ભૂલ જ ગણે છે. આમ પક્ષમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે તેમણે પોતાની પસંદગીના પ્રમુખ નીમવા માટે પક્ષ પર દબાણ કર્યું જેને અવગણીને પક્ષે પુરસોત્તમ ટંડને પ્રમુખ નીમ્યા અને દેશનાં પ્રથમ રાજ્યપાલ નીમાયા ડો. રાજેન્દ્ર પ્રસાદ. 1950માં દેશનું બંધારણ ઘડાયુ અને ભારતીય બંધારણનાં આધારે થનારી પહેલી લાકશાહી ચૂટણી 1952માં થઇ. 1948માં ગાંધી હત્યા થઇ અને 1950માં સરદાર પટેલનું હદયરોગનાં હુમલાથી મૃત્યુ થયું. આ સંજોગોમાં લોકશાહી પાસે વડાપ્રધાન પદ માટે નહેરુથી યોગ્ય ઉમેદવાર બીજું કોઇ નહોતું. તેમનાં સત્તા કાળ દરમ્યાન તેમણે અમલમાં મુકેલી આર્થિક નતી, વિદેશી નીતી અને ભારતનાં કાયદાઓમાં કરેલાં કેટલાક સુધારા વધારા ખાસ્સા મહત્તવના હતા. રશિયાથી ખાસ્સા પ્રભાવિત હોવાને કારણે રશિયા સાથેનાં ભારતનાં સંબંધો સ્થાપવામાં નહેરુનો ફાળો ખાસ્સો મોટો છે. પંચવર્ષિય યોજનાઓ પણ નહેરુની આર્થિક નીતીની વ્યુહરચના હતી. સતીપ્રથા, દહેજ, અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરોધી કાયદો ઘડીને નહેરુએ સમાજજીવન સુધારવાનાં પણ પુરતા પ્રયત્ન કર્યા.સાથે ભણતર પર ખુબ ભાર મુક્યો. દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મળે તે વિચાર નહેરુએ અમલમાં મુક્યો.સાથે ઉચ્ચ શિક્ષણ માટે આઇઆઇટી જેવી સંસ્થાઓ સ્થાપી. ચાઇના સાથેનું ઢીલું વલણ નહેરુની વિદેશી નિતીમાં મોટું ગાબડું છે. તેમ છતાં સોવિયત સંઘ અને સંયુક્ત રાષ્ટ્ર સાથેનાં સંબંધો વિકસાવવામાં નહેરુનો ફાળો ઘણો મોટો છે. ભારતને ન્યુક્લીયર હથિયાર સાથે સુસજ્જ કરવાનો પાયો નહેરુએ નાંખ્યો હતો.દિવસનાં 18 કલાક કામ કરતાં નહેરુ શરુઆતનાં વર્ષોમાં દીલ્હીના યોર્ક રોડ ખાતેનાં વડાપ્રધાન નિવાસ્થાને એકલા રહ્યા. પરંતુ થોડા સમય બાદ તેમનું એક માત્ર સંતાન ઇન્દીરા ગાંધી પિતાને મદદરુપ થવા માટે તેમની સાથે આવીને જ રહેવા માંડ્યા. જવાહરલાલ નહેરુનું દરેક કામકાજ સંભાળવાની જવાબદારી લીધા પછી તેમની સ્થાનિક મુલાકાતો, કાર્યક્રમોની વ્યવસ્થા અને રોજબરોજનાં કામનો વહિવટ ઇન્દીરાએ જ સંભાળી લીધો. ઉપરાંત વિદેશ પ્રવાસ દરમ્યાન તેમની સાથે રહીને ઇન્દીરાએ પણ આંતરાષ્ટ્રીય રાજકારણની સમજ કેળવી. આ રીતે ભારતિય રાજકારણ માટે નવી પેઢી પણ તૈયાર થઇ અને વડાપ્રધાનપદ માટે એક સક્ષમ ઉમેદવાર પણ. 1964માં નહેરુનાં અવસાન બાદ ભારતીય રાજકાણમાં એક બીજો જ યુગ શરુ થયો ઇન્દીરા ગાંધી યુગ જેણે કોંન્ગ્રેસ પર પ્રભૂત્વ જમાવીને ભારતીય રાજકારણમાં ગાંધી પરિવારની ઇજારાશાહી સ્થાપી દીધી છે.

ઇન્દીરા પછી, રાજીવ અને હવે રાહુલ ગાંધી પરંતુ તેની શરુઆત નહેરુથી થઇ અને એટલે જ નહેરુ માત્ર ભૂતકાળ નહિ પણ ભારતીય રાજકારણનો વર્તમાન છે. ઘણીબધી સિધ્ધીઓ સાથે થોડીગણી ભૂલો પણ થઇ તેમ છતાં ભારતીય લોકસભામાં સૌથી લાંબા સમય સુધી એને સફળતાથી સત્તા સંભાળનાર એકમાત્ર વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે.
Share
|