Print
Parent Category: પ્રત્યંચા
Category: મહેન્દ્ર પોશિયા
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

" ૐ નમઃ શિવાય ....ૐ નમઃ શિવાય .." ને મેં ત્રાંબા ની લોટી ના સમગ્ર દૂધ થી ભોલેનાથ નો દગ્ધીભીષેક કર્યો .

" અલ્યા હવે તો આફરો ચડ્યો છે હો..." ભોલેનાથ થી ના રહેવાયું ને એ બોલી પડ્યા .

" પણ બાબા , શ્રાવણ મહિનો છે એટલે લોકો ભક્તિભાવ થી અભિષેક તો કરવાના જ , એમાં છૂટકો જ નથી " મેં ભક્તોચિત દલીલ કરી.

" વાત તો સાચી છે પણ , બાકી ના મહિના , બધા ક્યાં જાવ છો ...!"

" અહીયાજ હોઈએ છીએ . ક્યાં જવાના? સોશીઅલ કામોમાં , નોકરી ધંધા ના કામ માં , એમ ક્યાંક ને ક્યાંક બીઝી હોઈએ . શું કરીએ ?, સંસારી જીવ છીએ તે આ બધી માયા માં પડ્યા સિવાય છૂટકો નહિ . પણ આ શ્રાવણ મહિનો છે તો સારું છે . એ બહાને મન થોડું ભક્તિભાવ માં પરોવાય છે ને ,હૃદય નિર્મળ થઇ જાય છે , . "

" પણ તમે એ તો વિચારો , પેલું ' અતિ સર્વત્ર વર્જય્તે ' વાળું બધા ને લાગુ પડે, મને પણ . આ એક મહિનો તમે રોજ મને દૂધ ચડાવવા આવો છો , પછી અગિયાર મહિના સુધી વસુલી કરો છો ..... આવી કોન્સન્ટ્રેટેડ ભક્તિ કરતા , બધો વખત ખરા દિલ થી નિર્મળ અને સાત્વિક ભાવ ધારણ કરવા નો પ્રયત્ન કરતા હો તો , "

" એય ચાલુ કર્યું છે હમણાં , રોજ સવારે યોગ કરીને મન ને 'ૐ' શબ્દ માં કેન્દ્રિત કરું છું . એક જગ્યા એ વાંચ્યું હતું કે , એમ કરવા થી રોગ માંથી મુક્તિ મળે , બી.પી. અને સુગર ની બીમારી ના થાય , "

" હં , એમાય કારણ છે એટલે , નહિ તો યોગ ને પણ કોણ યાદ કરવાનું "

" સાવ એવું નથી હોં , જુઓ આ મોબાઈલ માં તમારા ફોટો ને કેટલા સમય થી વોલપેપર તરીકે રાખ્યો છે , તમને યાદ તો રાખીએ જ છીએ પણ શું છે કે..."

“ એમ !... જેવો મંદિરમાં નાખ્યો છે એવો વોલપેપર માં રાખ્યોછે ...., “ ભોલે એ વચ્ચે જ વાત કાપી .

“ અરે પ્રભુ , કેમ આજે આમ તીખા મૂડ માં છો , એસીડીટી થઇ છે કે શું ?’

“ હા , આમ તો એક પ્રકારની અતિરેક ની એસીડીટી જ છે , લોકો દૂધ પી ને ઠારે, મારે દૂધ પી પી ને થઇ છે .”

“ પણ પ્રભુ , તમે ઘડેલા અમે માનવો , તમારી આપેલી મતિ પ્રમાણે જ કરીએ ને. અમે તો સારા નરસા પ્રસંગે તને યાદ કરીએ જ છીએ. રોજરોજ ની લાખો પળોજણ છે પ્રભુ . તમારે તો આ મૂંગા નંદી ની સામે જોઈ ને બેસી રહેવાનું . અમારે તો રોજ આવા કેટલાય નંદી સાથે રોજ શીંગડા ભેરવવા પડે છે . ક્યારેક શારીરિક , તો બહુધા માનસિક ઘાવ સાથે સાંજ પડે છે . તમે ભગવાન લોકો છો એટલે સારું છે , કાં તો અંતિમવાદી થઇ ને તમને ભાંડીએ , કાં તો આશાવાદી થઇ ને તમારા શરણે આવીએ .સમય અને સંજોગો માં મેળ બેસાડવાના પ્રયત્નો કરીએ. આ શ્રાવણ જેવા પવિત્ર મહિના આવે એટલે પુણ્ય ના પોટલા વાળી નસીબ ના ખાતે જમા કરી લઈએ , ભીડ પડે ત્યારે એનકેશ કરવા થાય .“

“ પણ એવા લોકો નું શું જેમના માટે સમય અને સંજોગોનો મેળ બેસાડવો , એ એમના હાથ ની વાત નથી . મને દૂધ ચડાવવા કરતા કોઈ ભૂખ્યા બાળક ને આપો , મારું મંદિર બાંધવા કરતા કોઈ બેઘર ને ખોરડું કરી આપો , આ સવારે મારા પર લાદી ને સાંજે કચરામાં નાંખો છો, એ ફૂલ પર ખર્ચ કરવાને બદલે , કોઈ નું અંગ ઢાકવા ને કપડું આપો . મેં તો વહેતા પાણી જેવી બુદ્ધિ આપી હતી , તમે એને બરફ ની જેમ જમાવી ને પોતાના સ્વાર્થ માં વાપરો તો કેમ ચાલે ...? “ ભોલે ની વાજબી દલીલો સામે હવે ટકવું મુશ્કેલ હતું , પણ માણસ છું , ખુદ ભગવાન સામેય હાર ન માનું નો અહમ . હવે દલીલ વ્યાપક બને એ પહેલા મુદ્દો પર્સનાલાઈઝ થાય તો ભોલેનાથ ને એટેક ના બદલે ડીફેન્સ ના રોલ માં આવવું પડે .

“ પ્રભુ તમારે બસ વાતો કરવી છે , તમે રહ્યા અલગારી , પાર્વતીજી જેવા સમજુ પત્ની અને ગણેશ જેવા હોશિયાર બાળકો હોય એટલે બધી ઠાવકાઈ કરી શકાય . અમારે તો ખુદ ના ખોરડા , અને બૈરા-છોકરા ના કપડા મામલે પણ કેટલા એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય છે ખબર છે ..!, એમને ભણાવવાના , ટ્યુશન ના , ગાડી ના હપ્તા ના , દુકાન ના ભાડાના , મકાન ની લોન ના , .......”

" અરે બસ કર ભાઈ , ખમૈયા કર , જવાદે એ બધી વાત ને, હજી બીજી ઘણી અરજો સંભાળવાની છે ,શ્રાવણ મહિનામાં તો નવા નવા બનેલા કેબીનેટ મંત્રી જેવી હાલત છે ." કહેતાંક પ્રભુ એ એક આત્મીય સ્મિત સાથે મારી વાત ને અટકાવી ...
પાછા ફરતા ફરતા વિચારી જોયું તો લાગ્યું કે , હળવાશ ના ભાવ સાથે પણ આજે ભોલે એ જે માણસજાત ની ખેંચી એ સાવ ખોટી વાત તો નૈજ.
સ્વાર્થ નો સગો કરવામાં આપણે ઈશ્વર ને પણ બાકાત નથી રાખ્યો . એક પંક્તિ અંતે સુજી ગઈ ,

" હે ઈશ તું દુઃખ નું , એવું મને ભારણ દે ,
તેને યાદ કરું હું ,એવું કોઈક કારણ દે "

- મહેન્દ્ર પોશિયા, અમદાવાદ