વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 22 મહેમાનો ઓનલાઈન

રમુજ

અમૃતસર સ્ટેશને સો સરદારજીઓ એક ટે્રન નીચે કચડાઈ ગયા અને એક જ સરદારજી બચી ગયા. એક પત્રકાર એ બનાવનું રિપોર્ટિંગ કરવા તેની પાસે ગયા:

તેણે પૂછયું : અકસ્માત કઈ રીતે બન્યો?

સરદારજીએ જવાબ આપ્યો : ઓહ જી પૂછો મત! સબ કુછ સહી થા સબલોગ પ્લેટફાર્મ પર ખડે ગડ્ડી કી વેઈટ કર રહે થે. અચાનક એનાઉન્સમેન્ટ હુઆ કી શતાબ્દી એક્ષપ્રેસ પ્લેટફાર્મ નંબર દો પર આ રહી હૈ. જૈસે હી સબને સુનાકી ગડ્ડી પ્લેટફાર્મ પર આ રહી હૈ, સબલોગ અપની જાન બચાનેકે લિયે પટરી પર કૂદ ગયે ઔર તભી ઉસી પટરી પર ગાડી આ ગઈ.

પત્રકાર : ઓહ! તમે બચી ગયા! આપ પટરી પર કુદયા હોત તો.....

સરદારજી : ઓહ નહીં જી મૈં તો સ્યુસાઈડ કરના ચાહતા થા ઈસલિયે કૂદા નહીં થા જી?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા ઓગસ્ટ - 2013 ‘સન્ડે ઈ–મહેફીલ’ - ‘......લઈને અગીયારમી દીશા’
‘સન્ડે ઈ–મહેફીલ’ - ‘......લઈને અગીયારમી દીશા’ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો   
રવિવાર, 11 ઓગસ્ટ 2013 19:57
Share

‘સન્ડે ઈ–મહેફીલ’ના અમારા સુજ્ઞ વાચકો સમક્ષ આજના ગઝલોના આ વીશીષ્ટ અંકને રજુ કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. તેની વીશીષ્ટતા એ છે કે, અત્યાર સુધી આપણે એક જ સર્જકના સર્જનને કવીતા, ગઝલ, ગીત સ્વરુપે અહીં જાણ્યું–માણ્યું–પ્રમાણ્યુ છે. પરંતુ આ વખતે અમે એક સાથે ૧૧ તરોતાજા, નવોદીત ગઝલકારોની પસંદ કરેલી એકએક ગઝલ (જગ્યાની મર્યાદામાં રહીને) આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. મીત્રો, આ અંકના ૧૧ સર્જકો એટલે : (૧) મગન મકવાણા (૨) મેહુલ ભટ્ટ (૩) ભાવેશ શાહ (૪) પારુલ ખખ્ખર (૫) મોહસીન મીર (૬) અનંત રાઠોડ (૭) ચીરાગ ઝા (૮) કાંતી વાછાણી (૯) ટેરેન્સ જાની (૧૦) મેહુલ પટેલ (૧૧) યોગેન્દુ જોશી.


‘......લઈને અગીયારમી દીશા’ ગઝલસંગ્રહની કહાણી એવી છે કે આ અગીયારે ગઝલકારો અલગ અલગ શહેરમાં રહે છે. આ તમામ સર્જકો ‘ફેસબુક’ના માધ્યમથી એકબીજાના સમ્પર્કમાં આવે છે અને સમાન રસ–રુચીને કારણે ગુજરાતી ગઝલસર્જન તરફ વળે છે. ફેસબુક પર ઉપલબ્ધ માહીતી તેમ જ અરસપરસના વૈચારીક આદાન–પ્રદાનથી બધા જ મીત્રો થોડા જ સમયમાં ગઝલની શાસ્ત્રીયતા અને બારીકીઓમાં મહારત હાંસલ કરે છે.
આ તમામ ગઝલકાર મીત્રોએ પોતપોતાની ઉત્તમ ૧૦ ગઝલો પસંદ કરીને પોતાના નેટ–સર્જનને પુસ્તકાકાર આપવા વીચાર્યું અને આજે આ અગીયાર કવીઓના સહીયારા સર્જનનું સુફળ તે આ ગઝલસંગ્રહનું પુસ્તક એટલે : ‘....લઈને અગીયારમી દીશા’.

 


પુસ્તક તૈયાર થઈ ગયું ત્યાં સુધી આ સર્જકો એકબીજાને રુબરુ તો કદી મળ્યા પણ નહોતા. હવે જ્યારે પુસ્તકમાં તેઓ એકબીજાની સાથે વસ્યા હોય ત્યારે, રુબરુ મળવાનો અવસર પણ તેમણે નજીકના ભુતકાળમાં જ સુરતમાં ઉભો કર્યો.
પુસ્તકનું વીમોચન સુરતના ગઝલકારશ્રી ગૌરાંગ ઠાકરના હસ્તે થયું. જાણીતા કવી અને આચાર્યશ્રી સુનીલ શાહની વીશીષ્ટ ઉપસ્થીતીમાં ૧૧ મીત્રો સાથે મુશાયરાનું આયોજન પણ કરાયું. અમને ‘સ.મ.’ના સંપાદકોને આ ઘટના ગૌરવ સમાન અને વીશીષ્ટ એટલા માટે લાગે છે કે, અમે કાગળ પર છપાયેલા સાહીત્યને, કાગળ પરથી કમ્પ્યુટર પર ઉતારવાનો પરીશ્રમ છેલ્લાં નવ વર્ષથી આરંભ્યો છે અને આ ગઝલસંગ્રહ, નેટજગત પરથી કાગળ પર અવતરે છે ! હવે આનાં સુફળ ‘...લઈને...’ જેવાં પુસ્તકો દ્વારા સાહીત્યપ્રેમીઓને મળી રહ્યાં છે તેનો અમને આનંદ છે. સાથે સાથે અનેક નવસર્જકોને પોતાના સર્જનના પ્રકાશનની નવી ‘દીશા’ મળી રહી છે. ‘સ.મ.’ના વાચકોનું પ્રોત્સાહન અમને સતત મળતું રહ્યું છે, ભવીષ્યે પણ મળતું રહેશે એવી અપેક્ષા છે..1.
‘હા’ ને ‘ના’ની અવઢવ છોડી દે !
વાદળ થઈ, મન મુકી વરસી લે !

એ માણસનું કરવું શું મીત્રો ?
બદલી ચહેરો, બીજો ઓઢી લે !

રોજ સુદામો નહીં આવે ભગવન,
તું પણ સામે પગલે દોડી દે !

દરીયો ઘુઘવતો છો મસ્તીમાં,
ઝાલ હલેસાં ને એક હોડી લે !

જોઈએ જે પણ તારા કાજે,
મારા નામે આજ ઉધારી દે !

હાર ભલે હો ડગલે ને પગલે,
બાજી છેલ્લી એક સુધારી લે !

ધોળે દહાડે જોઈને તારા,
‘મંગલપંથી’ ગાંઠ જ વાળી દે !
મગન મકવાણા ‘મંગલપંથી’
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.2.

રાહ વચ્ચે છેહ હું આપું નહીં,
પણ ગમે નૈ તો કદી આવું નહીં.

આગ રસ્તે પાથરી તું સાદ દે,
હું છતાં પાછા ચરણ વાળું નહીં.

શક્યતાથી પર સદાયે હોય છે,
તો’ય તારી વાત હું ટાળું નહીં .

સાંભળ્યું છે સ્વપ્ન પણ સાચાં પડે,
જોઉં નૈ હું ત્યાં લગી માનું નહીં .

પાનખરની બીકથી જે થરથરે,
ઝાડ એવું આંગણે વાવું નહીં.
મેહુલ ભટ્ટ
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.3.

માનવી પરખાય એવી આંચ લાવ્યો છું,
ઝાંય ન બદલાય એવું સાચ લાવ્યો છું.

એ ખુદા મેં ખુદના જેવો જ તને ગણ્યો,
આદમી હરખાય એવી લાંચ લાવ્યો છું.

એક ને ક્યાં માનભેરે જાળવી શક્યો !
તોય ઈન્દ્રીયો નકામી પાંચ લાવ્યો છું.

કોઈ રીતે તૃપ્ત મારે તોય કરવી છે,
છીછરી તૃષા ને લાંબી ચાંચ લાવ્યો છું.

મોત લઈ ગ્યું ત્યાંય મુખમાં રોકડા લઈ ચાલ્યાં,
હું તો સંગાથે આ પોકળ ઢાંચ લાવ્યો છું.
ભાવેશ શાહ
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.4.

એક સદીનો મનસુબો લઈ ક્ષણને તોડું,
ધીરે ધીરે પથ્થર જેવા જણને તોડું.

દુર ઘણી મંઝીલ ને રસ્તા વાંકાચુકા,
જોર લગાવીને સઘળી અડચણને તોડું.

કામ નથી એક્કે એવું જે ના થઈ શકતું,
સૌથી પહેલાં મસમોટા આ  ‘પણ’ને તોડું.

કોણ કહે છે કોમળતા એ નીર્બળતા છે ?
ચાલ કમળની દાંડી લઈને ઘણને તોડું.

જડશે જોજે સાવ અચાનક ઝળહળ જેવું,
લાવ હથોડી શ્રદ્ધાની લઈ કણને તોડું.
પારુલ ખખ્ખર
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.5.

થોડી ઘણી સબર કરું, એવી દુઆ કરો,
પ્રત્યેક ગમને સર કરું, એવી દુઆ કરો.

બે ચાર લાગણી અને થોડી વ્યથા તળે,
ગઝલોનુ એક ઘર કરું, એવી દુઆ કરો.

કપરે સમય ખુદા તને ભુલી જવાય છે,
ઝોહર અસર ફજર કરું, એવી દુઆ કરો.

આંખોની શુષ્કતા હવે પ્રસરે છે દેહમાં,
આ તમને તરબતર કરું, એવી દુઆ કરો.

અંતીમ મુકામ પર છે જેની આ જીન્દગી,
એને હવે ખબર કરું, એવી દુઆ કરો.

શ્વાસોનું ટોપલું હવે ખાલી જણાય છે,
થોડીક કરકસર કરું, એવી દુઆ કરો.

ઉંઘી શકું નીરાંતથી ઓઢી સ્મરણ બધાં,
એવી જગા કબર કરું, એવી દુઆ કરો.
મોહસીન મીર
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.6.

ઉઘાડે છોગ ફરતી યાદને અટકાવવી પડશે,
ખુણામાં લઈ જઈને વાત આ સમજાવવી પડશે,

બહુ મોટી થતી એ જાય છે દીવસે ને દીવસે તો,
વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે.

ઘણી વંઠેલ છે જીદ પવનને દેખવાની છે,
દીવાની વાટ નાછુટકે ખખડાવવી પડશે,

બતાવો બીક બાવાની છતાં સ્હેજે નથી ડરતી,
હવે ઉંઘે નહીં તો આંખને ફટકારવી પડશે,

વીચારો આપના ઘરમાં પડ્યા છે ઢોલીયો ઢાળી,
બધાને વાટ ઘરની આજ તો પકડાવવી પડશે.
અનંત રાઠોડ
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.7.

ખરા દીલથી કબુલાત કરીએ,
નવી કોઈ શરુઆત કરીએ.

તને મળવું છે, મોકો છે, ખુદા છે,
નવેસરથી રજુઆત કરીએ.

નથી મળતું બધું માત્ર હસીને,
સમયસરનો વલોપાત કરીએ.

રસમ પુરી કરો આજ વીરહની,
અલગતાની શબેરાત કરીએ.

બધી બાજુ ચકાસી લો હવાની,
પછી સરખો પક્ષોત્પાત કરીએ.

લખી લીટીમાં દેખાય ગઝલ પણ,
જે કોરી ત્યાં, ખરેખાત કરીએ.
ચીરાગ ઝા ‘ઝાઝી’
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.8.

બારના ભાવે ઉઠાવી’તી તને,
જાત આખર મેં ફગાવી’તી તને.

પાનખર આવી અને ગઈ આંખમાં,
ફુલથી કેવી સજાવી’તી તને.

ઝુલફોમાં રોજ ઝળકે એમ મેં,
જીન્દગી અમથી ગુમાવી’તી તને.

કાગળો થોડા પડે લખવા હવે,
કેટલા વખતે છુપાવી’તી તને.

ભીતરે આવી જશે એ લાગણી,
ક્યાંક વાતોમાં ફસાવી’તી તને.
કાંતી વાછાણી
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

.9.

દીલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગું ફક્ત હું બ્હારથી.

કે, દીલાસાની જરુર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું જ્યારથી.

ઓ ખુદા, દુખ દે તો પારાવાર દે,
કંઈ ફરક પડતો નથી બે-ચારથી.

હું દુ:ખોને પણ ગણું છું અવસરો,
તે રડ્યાં’તાં મારી સાથે જ્યારથી.

લાલ જોડામાં સજેલી જોઈને
હું વળ્યો પાછો સનમના દ્વારથી.

કંટકોમાં જે રહે તે જીવન ખરું,
માત્ર લાશ જ શોભે છે શણગારથી.

હોઠ આ ‘સાહેબ’ના મલકી ઉઠ્યા,
ભુલ થઈ લાગે છે તારણહારથી.

ટેરેન્સ જાની ‘સાહેબ’
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો


.10.

ન માનો ખતમ કે હજી હું શરુ છું,
અડકશો નહીં, હું ઉકળતો ચરુ છું.

ન ફુલો વણું છું, ન કાંટા ગણું છું,
ચમન છે પ્રભુનું ફ-ક્ત હું ફરું છું.

ન ફાવી શકી છે ગમે તે હો મોસમ,
જમાતોમાં વૃક્ષોની ખંધો તરુ છું.

નીભાવી લઉં છું પ્રભુનાં વચનને
ગલત જો બનું તો ભયાનક વરુ છું.

રતનથીય મોંઘા સમય કાગળો પર,
ગણીતની જગાએ કવીતા કરું છું !
મેહુલ પટેલ ‘ઈશ’
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો


.11.
શબ્દ વડે માપીશ તો, હું અનંત છું,
બાકી શરુ જ્યાંથી થયો, ત્યાં જ અંત છું.

મારી સરળતાનો તમે ફાયદો ના લો,
ધારું તો માયા–જાળનો એક તંત છું.

પાણી બની ઠારી શકું છું બધી તરસ,
તો ક્યાંક લાવાથી વધુ જ્વલંત છું.

કીસ્મતની સામે જોઈને બેસવું નથી,
આથી સતત હું કર્મથી કાર્યવંત છું.

જીવનની એકોએક ક્ષણ માણવી રહી,
છોને પછી હું પાનખર છું, વસંત છું !

માળો બનાવો તો સદા એ જ સાચવો,
નાહક ફરજ છોડી, કહો નૈ કે સંત છું.

સુરજ, સીતારા, ચંદ્ર, પૃથ્વી નથી છતાં,
બ્રહ્માંડરુપી સત્યનો આદી–અનંત છું.
યોગેન્દુ જોશી
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

‘...લઈને અગીયારમી દીશા’ –ગઝલસંગ્રહ  (સંપાદક: યોગેન્દુ જોશી, એ–૧, ૪૦૩, કામધેનુ એપાર્ટમેન્ટ, નીર્ણયનગર રોડ, ચાંદલોડીયા, અમદાવાદ– 382 481 મોબાઈલ: 81407 87767 
eMail : આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો   પ્રથમ આવૃત્તી: ફેબ્રુઆરી–2013, મુલ્ય: 111 રુપીયા)માંથી સાભાર..

‘......લઈને અગીયારમી દીશા’ની એન્ડ્રૉઈડ એપ્લીકેશન તમારા મોબાઈલ ફોનમાં નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો : Enjoy…
http://www.appsgeyser.com/getwidget/Laine%20Agiyarmi%20Disha/


તમામ અગીયારેય મીત્રોને ફેસબુક પર મળી શકો છો:
મગન મકવાણા (મઘીયા,ધોળકા): https://www.facebook.com/magan.makwana
મેહુલ ભટ્ટ (આદીપુર, કચ્છ):       https://www.facebook.com/mehul.bhatt.5
ભાવેશ શાહ (મુંબઈ):              https://www.facebook.com/bhavesh.shah.777
પારુલ ખખ્ખર (અમરેલી):         https://www.facebook.com/parul.khakhar
મોહસીન મીર (ગોધરા):           https://www.facebook.com/mohsin.meer.35
અનંત રાઠોડ (હીમ્મતનગર):       https://www.facebook.com/gazal.world
ચીરાગ ઝા (અમદાવાદ):         https://www.facebook.com/chirag.jha.zazi
કાંતી વાછાણી (વાપી):            https://www.facebook.com/kvachhani
ટેરેન્સ જાની (નડીયાદ):           https://www.facebook.com/terrencekjani
મેહુલ પટેલ (સુરત):              https://www.facebook.com/mehul.patel.1441
યોગેન્દુ જોષી (અમદાવાદ):       https://www.facebook.com/yogendu.joshi


‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : નવમું – અંક : 277 – August, 25
‘ઉંઝાજોડણી’માં સાભાર અક્ષરાંકન : શ્રી સુનીલ શાહ આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો

 

Share
 
Zazi.com © 2009 . All right reserved