આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શીર્ષક થોડું વિચિત્ર લાગશે પણ, હકીકતમાં શીર્ષક અમે I.T. Jobs that nobody wants to do એવું વિચાર્યુ હતું. પણ, અત્યારનો ટ્રેન્ડ જોતા આઈ.ટી. જોબ્સમાં હું પણ બન્યો આઈ.ટી. કે સોફ્ટવૅર એંજિનયર - એવું વધુ યોગ્ય લાગે છે. તાજેતરમાં ૧૦-૧૨ અને IIT JEEનું પરિણામ આવ્યું ત્યારે ઊભરાઈ ગયેલ છાપાં અને એ જ બીબાઢાળ વિચારો જોતાં આ લેખ કંઈક અસર પાડે તો સાર્થક થઈ જઈશ :)
સોફ્ટવૅર એંજિનયર છું એવું હું કોઈને કહું ત્યારે લોકો તરત કહે છે, યાર આપણે પણ વેબસાઈટ બનાવવી છે. જો હું એમ કહું કે કોમ્પ્યુટર એન્જિનિયર છું તો કહે યાર, મારું વિન્ડોઝ બરોબર ચાલતું નથી કે પછી પેન-ડ્રાઈવમાં વાયરસ છે. શું કરવું હવે? તો આપણે જોઈએ જરાક હટકે ક્ષેત્રો જેમાં આવનારા ૨-૫-૧૦ કે ૧૫ વર્ષોમાં કારકિર્દી બનાવવી એ જરા હટકે જ હશે.
મોબાઇલ વેબ
ઍપલ જેવી હાર્ડકોર કોમ્પ્યુટર કંપની જ્યારે કહે કે તે વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપની છે - ત્યારે સમજી જવાનું કે આ ક્ષેત્રમાં કંઈક તો છે. વેબસાઈટ બનાવેલ છે? મોબાઇલ ડિવાઈસ પર કેવી દેખાય છે? તે જોયું છે? મોબાઇલ હેન્ડસેટ્સ જે ઝડપે વેચાય છે, તે જોતાં હવે સોફ્ટવેર ક્ષેત્રની દિશા બદલાઈ ગયેલ છે.
એનડ્રોઈડ ડેવલોપર
એનડ્રોઈડ મોબાઇલે થોડા સમય પહેલાં આઈફોનનાં બજારને આંબી લીધું. એનડ્રોઈડ એ લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે, જે વિવિધ કંપનીઓનાં મોબાઇલમાં આવે છે. હવે, આ ક્ષેત્ર માટે એનડ્રોઈડ જાણતાં પ્રોગ્રામર્સની તાતી જરુર છે. એનડ્રોઈડનાં કાર્યક્રમો મોટાભાગે જાવા પ્રોગ્રામિંગ પર આધારિત છે જ્યારે તેની ઓપરેટિંગ સિસ્ટમ માટે લિનક્સનું જ્ઞાન હોવું જરુરી છે. બન્ને ક્ષેત્રમાં પરંપરાગત સોફ્ટવેર ડેવલોપર્સ માટે સરળ એન્ટ્રી પોઈન્ટ છે.
લિનક્સ કર્નલ હેકર
હેકર શબ્દ વાંચી ચોંકતા નહી. હેકર એટલે એવો માણસ જે કોઈ ચોક્કસ સિસ્ટમ કે વસ્તુને જડ-મૂળથી જાણતો હોય અને તેની ખામીઓ બહાર લાવે. લિનક્સ કર્નલ એટલે કે લિનક્સનો પાયો. લિનક્સ કર્નલ માટે કહે છે કે તે મોબાઈલથી માંડીને મેઈનફ્રેમ સિસ્ટમ પર બહુ ઝાઝા ફેરફાર કર્યા વગર ચાલે છે. તમારું રાઉટર જો લિન્કસિસ કે સિસ્કોનું હોય તો એ લિનક્સ પર જ ચાલે છે. કદાચ તમને ખ્યાલ નહી હોય પણ શાર્પ અને સોનીનાં ટેલિવિઝનમાં નાનકડી લિનક્સ સિસ્ટમ ફીટ કરેલી હોય છે. આ કંપનીઓ કહેતી નથી અને કેમ કહેતી નથી એ વાત અલગ લેખનો વિષય છે.
ઓપનસોર્સ વેબ ડેવલોપર
આ અત્યારે ચાલે જ છે. કેટલીય પ્રોડક્ટ - દા.ત. વર્ડપ્રેસ (wordpress.org), ઝુમલા, દ્રુપલ (drupal.org) - મોટાભાગની વેબસાઈટ્સ આ ત્રણ પ્રોડક્ટ અને તેમાં ફેરફાર કરીને ચાલે છે. તમને જો વેબ પ્રોગ્રામિગ આવડતું હોય તો આ ક્ષેત્રમાં ઘી-કેળાં છે. જો કે આજ-કાલ તેમાં ફુગાવો આવી ગયો છે.
વેબસર્વર ડેવલોપર
મારા મતે આ ક્ષેત્ર અજાણ્યું છે. અપાચે વેબ સર્વર જેનાં વડે વિશ્વની ૫૪ ટકા જેટલી વેબસાઈટ ચાલે છે (જુઓ, http://news.netcraft.com/archives/2010/01/) એ ઓપનસોર્સ પ્રોડક્ટ છે. ટોચનાં ૫ સર્વરમાં ૪ ઓપનસોર્સ છે. આવાં અપાચેનાં માસ્ટર બનવું એટલે? મજાની વાત. નહી કે? મોટાભાગની કંપનીઓ માટે તેમની કોમર્શિઅલ વેબસાઈટ માટે પર્ફૉર્મન્સ મહત્વની વસ્તુ છે. અને જો તમે નેટબેંકિગ કે ઓનલાઈન શોપિંગ કરી હશે કે ગુગલમાં સર્ચ કર્યું હશે ત્યારે આ શબ્દની મહત્તા સમજાઈ ગઈ હશે.
ક્લાઉડ કોમ્પ્યુટિંગ
કહેવાય છે કે આ શબ્દ અત્યારે બહુ હોટ છે. તો શું છે આ વસ્તુ? ડેટા ઉર્ફે માહિતી સૌથી મહત્વની વસ્તુ છે. મહત્વની એટલા માટે કે એ જો જતી રહે તો, ના ચાલે. એટલા માટે લોકો બેકઅપ લે છે. પણ, આ બેકઅપ લેવાની, તેને સાચવવાની જવાબદારી બહુ અઘરી, કડાકૂટભરી અને મોંઘી છે. એટલે, લોકોએ એક નવી સર્વિસ ઑફર કરી કે, ભાઈ તમારો ડેટા અમે સાચવીશું. તમને કોઈ જોખમ નહી. ક્લાઉડ કોમ્પ્યુટિગ અને સંબંધિત કાર્યક્રમ (દા.ત. ડ્રોપબોક્સ, ઉબુન્ટુ વન..) અત્યારે બહુ લોકપ્રિય છે.
હવે પછીનાં લેખમાં આપણે ઓપનસોર્સ વિશે વધુ માહિતી મેળવીશુ.
કોર ડમ્પ:
દ્રુપલનું ગુજરાતી ભાષાંતર કયા નામે ઓળખાવું જોઈએ?
જવાબ: રુપલ!
કાર્તિક મિસ્ત્રી
૨૯-૦૫-૨૦૧૦, શનિવાર.
-
શ્રી.અરવિન્દZazi.com © 2009 . All right reserved |
Read more...