વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 58 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ભારતની મથુરા બંજારા તરીકે ઓળખાતી આદિવાસીની ખુબ જ વિરલ જાતિને શોધવા માટે મારે એક સાહસપૂર્ણ પ્રવાસ ખેડવો પડ્યો હતો. મારો આ પ્રવાસ જ મારી કહાની છે.

મારી શોધની શરૂઆત થઇ 2002થી, જ્યારે મેં ગુજરાતમાં અમદાવાદ ખાતે આદિવાસી કેન્દ્ર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં આદિવાસીની એક વિરલ જાતિનો ફોટો જોયો. મેં મારા જીવનમાં આવી જાતિ ક્યારેય જોઇ ન હતી. આ આદિવાસી જાતિનું સૌથી અભિન્ન અંગ તેમના માથા પર પહાડ જેવી મોટી ચોટીઓ હતી. હું તે ફોટોગ્રાફ જોઇને ખૂબ જ રોમાંચિત થઇ ગયો હતો અને મેં નક્કી કર્યું કે હું મારી જાતે આ વિરલ જાતિના ફોટોગ્રાફ લઇશ. મને વિરલ વસ્તુઓના ફોટા લેવા ખૂબ જ ગમે છે.

મે ગુજરાત વિદ્યાપીઠના સંગ્રહાલયના વસ્તુપાલ શ્રી અરવિંદ ઘોસાળકરને તે જાતિ વિશે પૂછ્યું. મને જાણવા મળ્યું કે તે ફોટો તેમણે પોતે 1960ના દાયકામાં લીધો હતો, અને 2002માં એવું લાગતું હતું કે આ જાતિ ચોક્કસ લુપ્ત થવાના આરે હશે. શ્રી ઘોસાળકરે જણાવ્યું કે આ જાતિ દક્ષિણ ભારતમાં વસે છે. તેઓ આદિવાસીઓની ફોટોગ્રાફી માટે આખા દેશમાં ફરતા હોવાથી તે ફોટો ચોક્કસ કઇ જગ્યાએ લેવાયેલો હતો તે તેમને તે સમયે યાદ ન હતું. મેં તે જાતિને શોધવાનું મનોમન નક્કી કરી લીધું. બાદમાં મેં શ્રી ઘોસાળકર પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. મારા સદનસીબે તેમને થોડી માહિતી મળી કે તે મથુરા બંજારા નામની જાતિ છે અને તે આંધ્રપ્રદેશમાં વસે છે. બસ, મારા માટે આટલું કાફી હતું. તે સમયે હું દ્રશ્ય-શ્રાવ્યનો વિદ્યાર્થી હતો અને અમદાવાદમાં અભ્યાસ કરતો હતો.


(જટા જેવી લાંબી ચોટી માટે આ જાતિ પ્રખ્યાત છે.)

દરમિયાનમાં મને ઇટીવીની હેડઓફિસ હૈદરાબાદમાં નોકરી મળી. કારકિર્દીના પગથિયા ચડતી વખતે પણ મારા પેલા આદિવાસી જાતિને શોધવાના ઉત્સાહમાં સહેજ પણ ઓટ આવી ન હતી. મથુરા બંજારા જાતિને શોધવાની વાસ્તવિક સફર હવે શરૂ થઇ. મેં આ જાતિ વિશે હૈદરાબાદના સ્થાનિક મિત્રો પાસે માહિતી માંગી પરંતુ મેં જેટલાને પૂછ્યું ત્યાં બધેથી મને ‘ના’માં જ જવાબ મળ્યો. એક દિવસ અચાનક મને વિચાર આવ્યો અને મેં મારા મિત્રને હૈદરાબાદની આદિવાસી કલ્યાણ કેન્દ્રની મુલાકાત લેવાનું નક્કી કર્યું. મેં ત્યાંના આદિવાસી વિભાગના વડા સાથે મથુરા બંજારા વિશે માહિતી માંગી પરંતુ મારું નસીબ બે ડગલા પાછળ હતું, મને ત્યાંથી પણ કોઇ સંતોષજનક માહિતી મળી નહી. મને ખુબ જ ખરાબ લાગ્યું કે જ્યારે આદિવાસી વિભાગના વડા પોતે એમ કહે છે કે તેમણે આવી કોઇ જાતિ વિશે સાંભળ્યું નથી. પરંતુ તેમણે અમારો ઉત્સાહ જોઇને અમને તેમની લાઇબ્રેરીનો ઉપયોગ કરવાની છૂટ આપી. અમે એક પછી એક થોથા ઉથલાવ્યા પરંતુ ક્યાંયથી પણ કોઇ કડી મળતી ન હતી. એટલામાં ગ્રંથાલયના વસ્તુપાલ ત્યાંથી પસાર થયા. અમે વિચાર્યું કે તેમની પાસેથી કદાચ કોઇ કડી મળી જાય. પરંતુ તેમને તો મથુરા બંજારા જાતિના વસવાટના સ્થળ અંગેના અમારા સવાલો કોઇ અવકાશી દુનિયાના સવાલો હોય તેવા લાગ્યા... મેં તેમને 2002માં યોજાયેલા પ્રદર્શનમાં મથુરા બંજારા જાતિના ફોટોગ્રાફને યાદ કરતા તે જાતિનું થોડું વર્ણન કર્યું, તેમની કેટલીક લાક્ષણિકતાઓ જણાવી પરંતુ તે સમયે કોઇ ફાયદો ના થયો.. તેમ છતાં હું હિંમત ના હાર્યો, મેં ગ્રંથાલય વાસ્તુપાલને મારું કાર્ડ આપ્યું અને કહ્યું કે તમને મથુરા બંજારા જાતિની કોઇ માહિતી મળે તો મને મિસ કોલ કરજો હું તમને સામેથી ફોન કરીશ. મેં તેમની પાસેથી કોઇ હકારાત્મક પ્રતિભાવની આશા ન્હોતી રાખી...

પરંતુ બીજા સપ્તાહે મને વાસ્તુપાલનો ફોન આવ્યો કે લાઇબ્રેરીમાં હાલમાં જ એક ગ્રંથ આવ્યો છે જેમાં રાજકીય વસ્તી ગણતરીના આંકડા છે અને તેમાં મથુરા બંજારા જાતિનો ઉલ્લેખ છે. હું સહેજ પણ સમય ગુમાવ્યા વગર ગ્રંથાલય પહોંચી ગયો, વાસ્તુપાલે જણાવેલો ગ્રંથ ઉથલાવ્યો, એક એક પાના ફેરવીને જોયા, તેમાં મથુરા બંજારા જાતિનો ઉલ્લેખ હતો પરંતુ તેઓ ક્યાં રહે છે તેની કોઇ વિગત ન હતી...

મને લાગ્યું કે હવે મને માત્ર ઇશ્વર જ મદદ કરી શકે છે...

 (કુંવારી કન્યા પગમાં ઝાંઝર પહેરીને ફરે છે)
(કુંવારી કન્યા પગમાં ઝાંઝર પહેરીને ફરે છે)

મને મથુરા બંજારા જાતિનું ઠેકાણું શોધવામાં જેમ જેમ નિષ્ફળતાઓ મળતી જતી હતી તેમ તેમ હું વધુ આક્રમક બનતો જતો હતો. મેં ગુજરાતમાં શ્રી ઘોસાળકરને ફરીથી ફોન કર્યો અને મથુરા બંજારા જાતિ વિશે વધુ માહિતી માંગી. તે સમયે તેમણે મને કહ્યું કે તે કદાચ આંધ્રપ્રદેશના નિઝામાબાદ જિલ્લામાં વસતા હોઇ શકે છે. નિઝામાબાદ જિલ્લો ખૂબ જ વિશાળ છે. મને મારા મિત્રએ નિઝામાબાદ જિલ્લામાં જવાની સલાહ આપી, કદાચ ત્યાં પહોંચીને કદાચ વધુ માહિતી મળે....

તેથી મેં અને મારા મિત્રએ નિઝામાબાદ ઉપડવા માટે તૈયારીઓ શરૂ કરી. તે ખૂબ જ મોટું શહેર છે. મથુરા બંજારા જાતિના આદિવાસીનો મારી પાસે કોઇ ફોટોગ્રાફ પણ ન હતો મારે માત્ર તેમનું નામ અને વર્ણન પરથી તેમનુ ઠેકાણું શોધવાનુ હતું. મેં નિઝામાબાદમાં રીતસર લોકોને પકડી પકડીને આ જાતિ વિશે કોઇ માહિતી મેળવવા  પ્રયાસ કર્યો, પરંતુ હંમેશા જવાબ મળ્યો “મને ખબર નથી”, “સોરી”.


એક સમયે તો હું ભાંગી પડ્યો અને હૈદરાબાદ પાછા ફરવાનું નક્કી કર્યું. અમે બસ સ્ટેશને પહોંચ્યાં અને હૈદરાબાદ કઇ બસ જાય છે તેની પૂછપરછ કરી. એક પોલીસ કોન્સ્ટેબલ ઘણા સમયથી અમારી હરકતો પર નજર રાખી રહ્યો હતો. દક્ષિણ ભારતના નિઝામાબાદના શહેરમાં અમે ગુજરાતીઓ અલગ તરી આવતા હતા. મારી નજર તે કોન્સ્ટેબલ પર પડી મેં તેને બસ અંગે પૂછવાના સ્થાને મથુરા બંજારા જાતિ વિશે પૂછી લીધું. મને કોન્સ્ટેબલ પાસેથી કોઇ જાદુઇ જવાબ મળવાની આશા ન હતી પરંતુ મને થયું કે લાવને હવે પાછા ફરી રહ્યાં છીએ તો વધુ એક માણસને પૂછી લઇએ...

મારા આશ્ચર્યની વચ્ચે તે કોન્સ્ટેબલે મને કહ્યું “હા, મેં તેમને જોયેલા છે”. મને તો જાણે કે સ્વર્ગ મળી ગયું. તેણે મને કહ્યું કે તેણે 1980ના દાયકામાં કમામરેડ્ડી જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આ જાતિના લોકોને જોયા હતા. તેં તેમની પાસે વધુ માહિતી માંગી... તેણે મને સલાહ આપી કે તે વિસ્તારમાં નક્સલવાદની પ્રવૃત્તિઓ ખૂબ જ સક્રિય છે અને ત્યાં જવું જોખમી છે. તેમને અમને રાત ત્યાં જ રોકાઇ જવાની અને સવારે નિકળવા કહ્યું કારણકે અંધારું થવા માંડ્યું હતું. મેં તેનો ખરા દિલથી આભાર માન્યો અને તે તેના રસ્તે ચાલ્યો ગયો.

આટલી માહિતી મળ્યા બાદ અમારામાં સવાર સુધી રાહ જોવાની ધીરજ રહી ન હતી. અમે નક્કી કર્યું કે હવે કામારેડ્ડી જતી કોઇ પણ બસ આવે તેમાં ચડી જવું. અમે રાત્રે કામારેડ્ડી પહોંચ્યા. તે સમયે રાતના પોણા અગિયાર વાગ્યા હતા. અમે એક નાની હોટલમાં રોકાવાનું નક્કી કર્યું. હોટલમાં પહોંચીને થોડા ફ્રેશ થયા ત્યાં સુધીમાં રાતના સાડા અગિયાર થયા હતા. મેં રૂમની બહાર નિકળીને ત્યાંના સ્થાનિક લોકો પાસેથી વધુ માહિતી મેળવવાનું નક્કી કર્યું, કદાચ આગળ કઇ દિશામાં વધવું તેની કોઇ કડી મળી જાય.... હોટલની બાજુમાં ચાની એક કિટલી હતી. હું કિટલી પર પહોંચ્યો અને ચાનો ઓર્ડર આપ્યો, એટલામાં એક વૃદ્ધ મારી પાસે આવ્યો અને માચીસ માંગી, મેં તેમને કહ્યું કે હું ધૂમ્રપાન નથી કરતો, તેણે કિટલીના ચુલામાંથી બીડી સળગાવી અને ધૂમાડાના ગોટા ઉડાડવાનું શરૂ કર્યું. મારે કોઇ પણ ભોગે મથુરા બંજારા જાતિને શોધવી હતી... મેં વિચાર્યું ઇશ્વરે કોન્સ્ટેબલના રૂપમાં એક દૂત તો મોકલ્યો હતો ચાલો આ વૃદ્ધને પણ અજમાવી લઇએ કદાચ તે આપણને આગળની કોઇ દિશા બતાવી દે, મેં તેમને આ જાતિના ઠેકાણ વિશે પૂછ્યું. તેમણે મને કહ્યું કે ગંધારી મંડલની બસ પકડો અને છેલ્લા બસ સ્ટેશને ઉતરી જજો, ત્યાં તમને કદાચ આવી જાતિના લોકો જોવા મળી શકે... મારી આશા-હતાશા, સફળતા-નિષ્ફળતાના એક એક તબક્કાને પસાર કરતો હું મંજીલની વધુ નિકટ આવી રહ્યો હતો. મથુરામાં સવારે ઉઠીને ભગવાન કૃષ્ણ મને મળવાનો હોય તેવી તાલાવેલી મને લાગી હતી... કાલે શું થશે તેની મનમાં સહેજ શંકા, તો થોડી આશા સાથેની ગડમથલો ચાલી રહી હતી...

(પરણીત સ્ત્રીઓ પગમાં ઝાંઝર નહીં પણ કડા પહેરે છે)

એક મોટી આશા સાથે વહેલી સવારે 5.30 કલાકે હું ઉઠી ગયોને અડધો કલાકમાં તો બસ પકડવા સ્ટેશન પર પહોંચી ગયો. બસ સાડા છ વાગ્યે આવી, હું અને મિત્ર બસમાં ચડી ગયા. બસમાં ડ્રાઇવર અન કન્ડક્ટર સિવાય માત્ર અમે બે જણા જ હતા. મેં કન્ડક્ટરને મથુરા બંજારા જાતિનું વર્ણન કરતા પૂછ્યું કે આવા લોકો આગળ જતાં ક્યાંક રહે છે? તેણે કહ્યું હા, ગંધારી મંડલ, છેલ્લા બસ સ્ટેન્ડે. કેટલાક કલાકોની મુસાફરી બાદ અમે મંઝીલ પર પહોંચ્યા. તે એક નાનું ગામ હતું....

બસ સ્ટેન્ડ પર આવેલી કિટલી પર એક પરિવારને બેઠેલું અમે જોયું, અમે ખૂબ જ રોમાંચિત હતા, જાણે કે ચક્રવ્યૂહના સાત કોઠા વિંધિને અમે લક્ષ્ય પર પહોંચ્યા હોઇએ, જાણે કે સાક્ષાત ઇશ્વર અમારી સામે પ્રગટ થયો હોય... મારું સપનું મને સાકાર થતું લાગી રહ્યું હતું.

મેં 2002માં ફોટોગ્રાફમાં મથુરા બંજારા જાતિની એક વ્યક્તિનો ફોટો જોયો હતો તેવા જ પરિવારની એક મહિલા કિટલી પર બેઠી હતી, તેના પણ માથે ચોટલીઓ હતી, તે ખૂબ જ સુંદર લાગતી હતી, તેની સાથે તેના બે બાળકો કિલ્લોલ કરી રહ્યાં હતા...

મારે તે લોકો જ્યાં રહે છે ત્યાં પહોંચવું હતું. માટે અમે તે પરિવારની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. તે જ્યાં પણ જાય અમે પડછાયાની જેમ તેમને અનુસરતા. થોડો સમય બાદ તેમણે ચાલવાનું શરૂ કર્યું, તેને અનુસરતા, દોઢ કલાક ચાલ્યા બાદ અમે એક જંગલમાં પહોંચ્યા. અમે એક કસબામાં આવી પહોંચ્યા હતા. મારી ઇચ્છા ત્યાંના લોકોના ફોટોગ્રાફ લેવાની હતી પરંતુ મેં વિચાર્યું કે મારે પહેલા તેમના મુખીને મળવુ જોઇએ જેથી અમારા વિશે કોઇ ગેરસમજ ઊભી ના થાય. અમે કસબાના મુખીને મળ્યા તે ખરેખર સજ્જન હતા. અમેં તેમને મળ્યા થોડી વાતચીત કરી પરંતુ તેઓ અભણ હતા માટે તેમણે તેમના પૂત્રને અમને માહિતી આપવા કહ્યું. તેમનો પૂત્ર અમને ગામ બતાવવા લઇ ગયો પરંતુ તેણે અમને અમારા પગરખાં કાઢવા કહ્યું કારણકે તેઓ માને છે કે, તેમનું ગામ ભગવાન શ્રીકૃષ્ણએ બાંધ્યું હતું અને મંદિર જેવું પવિત્ર છે. અમે ઊઘાડા પગે આખા ગામમાં ફર્યા. આમતો ધૂળીયા રસ્તાઓ પર ફરવું મને ગમતું નથી પરંતુ મેં ત્યાં ઉઘાડા પગે માંડેલા એક-એક ડગલાનો આનંદ અને રોમાંચ લીધો. હું મારા સપનાની દુનિયામાં હતો. તે દિવસે હું થાકીને લોથપોથ ના થઇ ગયો ત્યાં સુધી મેં ફોટોગ્રાફી કરી. તે સમયે હું ખરેખર સાતમા આસમાનમાં હતો. હું મારી આ ક્ષણ અને મારી ઉત્કંઠા સંતોષવાની આ સફરને ક્યારેય નહીં ભૂલું....

લેખક અને તસ્વીરકાર : અલ્પેશ પરમાર

કંઈક નવું જાણવાની ભૂખ અનાયાસે માણસ પાસે કેવા સરસ અને સાહસિક કામ કરાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ
અલ્પેશભાઈએ આપ્યુ છે.

http://www.alpeshparmar.blogspot.in



ભાષાંતર: ઉમેશ દેશપાંડે

 

Comments  

Divyesh Nagar
+1 # Divyesh Nagar 2012-09-10 12:17
ખૂબ જ સરસ લેખ છે. આમાં એક વ્યક્તિ પોતાની ઇચ્છા પૂરી કરવા માટે કેટલી મહેનત કરે છે તેની પ્રત્યક્ષ અનુભૂતી થાય છે. આવા લેખ લખતા રહેજો...
Zazi.com © 2009 . All right reserved