આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ફિલાડેલફિયા,પેન્સલવેનીયા,યુએસએ
નવાં નવાં અમેરીકામાં રહેવા આવો ને જે એકલું લાગે, કંઈ એકલું લાગે કે ન પુછો વાત ! છેક કાઠીયાવાડથી આવેલા રંગીલા માણસો જેને સતત વાતું, વાતું ને બસ વાતું જ કરવા જોઈએ ! માણહ માણહમાં રહેવાની ટેવ. સવાર પડે ને કામવાળી ગામ આખાની વાતું લાવે...છાપાં વાંચવાની જરુર ન પડે. કામવાળીનું છાપું પતે ત્યાં શાકવાળો આવે. શાકવાળો જાય, ત્યાં પસ્તીવાળો આવે. અરે, વચમાં ભીખારીઓ આવે ! વળી, બાએ કાયમના બાંધેલા બ્રાહ્મણ, ‘દયા પ્રભુની’ કરીને આવે. ઉભરાતા માણસોની વચ્ચે ધમાધમ જાગતા પાડોશમાં બપોર તો ઘડીવારમાં પડી જાય.
હું બાપડી આવા વાતાવરણને છોડી ૧૯૭૦માં અમેરીકા આવી. પહેલે જ દીવસે સવાર પડી; પણ સાવ સુનકાર ! અંધારી કાળી ચૌદસની રાત જેવો દી’ ઉગવા લાગ્યો. ઉપરવાળા ઘરમાં સહેજ પગલાંનો અવાજ આવતાં, હડી કાઢીને હું તો ઉપર ગઈ ને બારણું ખખડાવ્યું. એક ઉંચી કદાવર ગોરી અમેરીકન સ્ત્રીએ બારણું જરીક ખોલ્યું. ભારતમાંના ખાદીભંડારમાંથી, અમેરીકનોને આપવા ખરીદેલો ખાસ મોંઘોદાટ સૅન્ડલવુડ સાબુ સાથે લઈને ગઈ હતી. મેં મારી ઓળખ આપી, પેલો સાબુ ભેટ આપ્યો. બારણાંની વચોવચ ઉભી રહી પેલી બાઈએ પોતાનું નામ ‘સૅન્ડી’ છે કહી ઓળખ આપી. મેં નવા પાડોશી તરીકે ઓળખ આપી. મીત્રભાવે ઔપચારીક–વ્યાવહારીક રીતે સાબુ આપ્યો. પટ્ટ કરતોક સાબુ લઈ, ‘થેન્ક યુ’ કહી સટાક દઈને બારણું કર્યું બંધ ! મને તો આભમાંથી વીજળી પડી હોય એટલો બધો ‘શૉક’ લાગ્યો. બસ હાંવ ! આવા પાડોશીઓ ! ન વાત, ન ચીત; ન આવો, ન બેસો કહે ! આટલી બધી વ્યવહારશુન્ય અને શુષ્ક જીન્દગી કેમ જીવાશે ? થોડા સમયે સમજાણું કે મોટાં શહેરોમાં લોકો મળતાવડા નથી હોતા. બેત્રણ મહીનામાં અમારા જ અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં થોડા ‘દેશીઓ’ રહેવા આવી ગયા એને એમાંથી એમને એમ આખું હીન્દુસ્તાન ઉભું થઈ ગયું. દાળનાં તપેલાં, ભજીયાંના થાળો સુગન્ધ પ્રસરાવવા લાગ્યાં. શીખડ–પુરી, ચીકન–પુરીની સોડમથી શેરીઓ મઘમઘી ઉઠી.
આમ વીચાર કરીએ તો એક ઓસરીઉતાર બે ઓરડા ! એક બાજુ રસોડું અને સામે કોઠાર. રસોડા પાછળ ખાંચો અને બરાબર તેની સામે બીજો ખાંચો, જ્યાં બાથરુમ. બસ ! વાત પુરી. આ ઘરમાં અમે દસ જણાં રહીએ. ઉપરાંત અનેક મહેમાનોની હાર... પણ ક્યારેય અગવડ પડી હોય એવો અનુભવ થયો નહોતો. રસોડામાં ભીંતમાં જડેલો ૩/૪ ખાનાવાળો કબાટ; એક પીંજરુ - જે આજકાલનાં ‘ફ્રીઝ’ની ઐસી કી તૈસી બોલાવે. નાના રસોડાની ચારેય બાજુ બે થરમાં અભરાઈ. એક ચુલો, જેને રોજ સવારે કે સાંજે લીંપીગુંપીને સાફસુફ કરવાનો. ચુલો કાઢી નાંખ્યા પછી બે નાની સગડીઓ હતી. ૧૦ કે ૧૨ લોકોથી વધુ માણસોની રસોઈ કરવાની હોય તો સગડીઓ બહાર ઓસરીમાં આવી જાય, હોં ! ઓસરીમાં પાણીયારું, એના ઉપર એક અભરાઈ, જ્યાં પ્યાલાંલોટા ચકચકીત માંજીને હારબંધ ગોઠવાયેલાં હોય. પાણીયારા હેઠે એક કાળો પથ્થર, લાદીમાં જડેલો. જેમાં તમામ પ્રકારનુ વાટવાનું કામ થાય. વાટીદાળના ભજીયાંનો તો મોટો પ્રોગ્રામ યોજાય. (બાપુ, ઈ જમાનામાં ‘બ્લેન્ડર’નું નામોનીશાન નહોતું, હોં સાહેબ !)
રાજકોટમાં વળી એવું તે શું કે ‘રાજકોટ’ બોલતાં જ દાંતમાં ખડીસાકરના કટકા ભરાણા હોય એવો સવાદ આવે, દીલમાં ગલગલીયાં થાય અને શરીરમાં એક નાનો શો ગરમાટો અનુભવાય ?
બેત્રણ રાજકોટીયા ભેગા થાય ને તરત જ રાજકોટની શેરીઓ, ગટર, જગ્ગડનાં ભજીયાં, પટેલનો આઈસ્ક્રીમ, ધર્મેન્દ્રસીંહજી કૉલેજ, પટનું મેદાન, ત્રીકોણ બાગ, શ્રોફ બંગલો, રેઈસ કોર્સ, જુબીલી ગાર્ડનની વાતું કુદી કુદીને, તાળીયું દઈ દઈને રસપુર્વક કરે. એમાં ચાંપલાં મુંબઈગરાં કે ભાવનગરીયાંઓ, પોરસીયાં રાજકોટીયાંઓની નસ દાબે, ‘કાં, તમારા રાજકોટમાં ગંદવાડ બહુ, હોં ! ખુલ્લી ગટરોને લીધે બહુ વાસ મારે !’ રાજકોટના ‘બાપુ’ એવે ટાણે ભાઈસા’બ મુછનો દોર વાંકો ન થાય એવા ધીમા કાઠીયાવાડી અવાજે, તમાકુ ચાવતાં ચાવતાં બારીની બહાર જોઈને કહે કે, ‘હા, તમારી વાત સોળ આના સાચી કે ગંદવાડ ખરો...પણ સોખ્ખો ગંદવાડ, હોં !’ અને તરત જ કાઠીયાવાડી અદાથી વાતનો દોર બદલાવી કહે, ‘બાપુ, સાંજે છ વાગ્યા નથી ને એય રાજકોટના ઉનાળાની સાંજ કેવી માદક, કાં ને ?’ રાજકોટના માણસો દલીલ ચર્ચામાં ન પડે; પણ સહેલાઈથી, સીફતથી ફીરકીના દોરની ઢીલ મુકી જુદી જ દીશામાં પતંગ ચગાવે !
-
કિવ કલાપીZazi.com © 2009 . All right reserved |
![]() |