Print
Parent Category: પ્રત્યંચા
Category: શીતલ દેસાઈ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મેં જેવી બી.કોમ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી કે હું સહુને માટે ચર્ચાનું કારણ બની ગઈ. લાગતાં વળગતાં સહુ માટે ચિંતાનો વિષય બની ગઈ.મારાં કુટુંબીજનો મારાં માટે યોગ્ય મૂરતિયો શોધવા માટે સજ્જ બન્યાં. એમ તો અમે કાકા, મામા,ફોઈ કે વેવાઈ બધાં એક છાપરા નીચે રહેતાં નથી પણ ભારતીય સંયુક્ત કુટુંબની સંસ્કૃતિનું લોહી અમારા સહુની નસોમાં વહે છે.તેથી અમારા ખાનદાનની પ્રત્યેક વ્યક્તિ-ચાહે તે યુ. એસ.માં રહેતી હોય કે પાદરામાં-સહુ મોસાળમાં તથા પિતરાઈ સાગમટે  એક જ કામમાં લાગી ગયાં-મારાં માટે ‘સુ-વર’નો શિકાર કરવાનું .એક દિવસ ડેડીના કઝીનનો ફોન લંડનથી આવે તો બીજા દિવસે દીદીની નણંદની જેઠાણીનો ફોન આવે.શાનાં માટે જાણો છો? અલબત્ત તેમનાં મિત્ર કે મિત્રના મામા કે સાળાનો દીકરો ઉંમરલાયક હોય અને તેમની દ્રષ્ટિએ મારા માટે સારો મૂરતિયો હોય.તેથી જ સ્તો!

સવાર સવારમાં ચા સાથે છાપું વાગોળતાં ડેડી હવે સૌથી પહેલાં મેટ્રીમોનીયલનું પાનું જુએ છે. એ દિવસો ગયાં કે તેમને સ્ટોક માર્કેટની ઉથલ-પુથલ વાંચવામાં રસ હોય. હવે તેઓ નેતાઓનાં કૌભાંડો વિશે વાંચી ઉકળતાં નથી.આજકાલ તેમનો ક્રિકેટનો ક્રેઝ પણ ઘટી ગયો છે અને સટોડિયાઓને ભાંડવાનું તો ભૂલી જ ગયાં છે.અર્જુનના લક્ષ્ય-વેધની જેમ તેમનું ધ્યાન માત્ર માછલીની આંખ જેવી લગ્નની જાહેર ખબર પર જ છે.અને આ પ્રકારની ‘વોન્ટેડ’ વાંચીને મને હસવું આવે છે.દરેક વ્યક્તિ-પોતાનાં રંગ,રૂપ,ગુણ,કેરિયર કે કલ્ચર ગમે તે હોય-એવી કન્યાની શોધમાં છે જે ‘સુશીલ,સ્માર્ટ.સુંદર,ઘરરખ્ખું.....’ હોય. હું અલબત્ત રૂપાળી ન કહેવાઉં પરંતુ નમણો ચહેરો,કોન્વેન્ટ એજ્યુકેશન,બોલવા ચાલવાની સ્માર્ટનેસ, પ્રસંગોપાતના મેક-અપથી આ જંગ જીતી જાઉં એવો ડેડી-મોમને વિશ્વાસ છે.

અને આ રણમેદાનમાં પહેલો સૈનિક પ્રવેશ્યો તે એક બેન્કનો ક્લાર્ક હતો જેના ઓફિસર થવાની ઘડીઓ ગણાતી હતી. એક આશાસ્પદ અને ઉજ્જવળ કારકિર્દી તેની રાહ જોતી ઉભી હતી.સફાઈબંધ કપડાં અને ચીપીને બોલવાની રીત-મને થયું તેનામાં ટીપીકલ ઓફિસરના બધાં જ લક્ષણો મોજુદ છે.

‘હું દહેજમાં માનતો નથી.’તેણે કહ્યું.

‘વાહ!’ કહું તે પહેલાં તો તેણે કહ્યું: ‘જોકે મારી પત્ની કમાતી હોય તે સારું.’

મને ખબર ન પાડી કે આ માણસ સ્ત્રી-સમાનતામાં માને છે કે લાઈફ લોંગ દહેજમાં?

એટલે તેનાં નામ પર મેં ચોકડી મારી જે બાબત ઘરનાં લોકો નારાજ થઇ ગયાં.

ત્યાં બીજા એક સોફ્ટવેર એન્જીનીઅરની ડીગ્રી અને ધમધમતો બિઝનેસ ધરાવતા છોકરાથી સહુ અંજાઈ ગયાં.

‘નાની ઉમર,જમાવેલો બિઝનેસ અને વળી ઉચ્ચ શિક્ષણ-જો ના પાડે તો મીની તું મૂરખ જ ગણાય...’ એવો અણસાર પણ મને આપી દીધો. પણ મુલાકાત દરમ્યાન એ સ્માર્ટીએ મને કાંઈ બોલવાની તક જ ન આપી.તેથી મને તેનાં શોખ કે રસ-રુચિ વિશે પૂછવાનો સવાલ જ ન રહ્યો.

‘મને તો સ્માર્ટ,ઇંગ્લીશ સ્પીકિંગ છોકરી જોઈએ જે મારાં સર્કલમાં મિક્ષ્ થઇ જાય.અને સાથે ઘર પણ સંભાળી શકતી હોવી જોઈએ.સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે તે મને બિલકુલ પસંદ નથી-યુ સી..એમ પણ આપણને તેની જરૂર પણ નથી.’એક ક્ષણ મારી સામે જોઈ તેણે સ્વગતોક્તિ આગળ ચલાવી.

‘એ કેવું લાગે કે પત્ની મો..ટી પર્સ લઈને નોકરી કરવાં નીકળી પડે અને બિચારો પતિ ઘરમાં ઓફીસ જવા માટે પોતાનાં રૂમાલ અને મોજાં શોધતો હોય...’

‘હહં ..તો પત્ની તરીકેનું સૌથી અગત્યનું કામ પતિદેવના મોજાં શોધવાનું છે’ મને બ્રહ્મજ્ઞાન થયું.આ વ્યક્તિને મોના અને મણિબેન બંને એક સાથે જોઈએ છીએ.તેથી આ ભણેલા અભણને મેં ના પાડી ત્યારે સહુ ગિન્નાયા.દાદીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.

‘મૂળે છોડી,તને ખબર નથી તારે શું જોઈએ છીએ.નોકરી કરવા દે તો ના, ન કરવા દે તોયે ના.આજકાલનાં છોકરાંઓના નખરાં બીજું શું?’

દાદીને કેમ સમજાવું કે સવાલ નોકરી કરવાનો  કે ઘરમાં રહેવાનો નથી.મારી જિંદગીનો નકશો પોતાની મરજી પ્રમાણે દોરવા માંગતા મુરતિયાઓ મારી ઈચ્છા જાણવાની પણ દરકાર ન કરે તેનો છે.

બીજા એક મુરતિયાની કલાજગતમાં નામના થતી જતી હતી. સહુની સમજાવટથી આ કલાકાર વિશે મેં ‘પોઝીટીવલી’ વિચારવાનું નક્કી કર્યું.તેઓશ્રી તેમની કલાદ્રષ્ટિ ને પારખી ને પ્રશંસા કરી શકે તેવાં ‘ગુણી’ વ્યક્તિની શોધમાં હતાં. કેનવાસ પાર દોરેલાં ‘મોર્ડન આર્ટ’નાં ચિત્રોને તેમણે કેટકેટલાં અર્થઘટનો આપ્યા. તે સમજવાની મેં ખરા દિલથી કોશિશ કરવાં છંતા મારા માટે તે આડેધડ લીસોટા જ રહ્યાં.તેનાં લાંબા વિખરાયેલાં વાળ જોઈ મને તે બાંધીને ચોટલી વળવાનું સુઝ્યું. પણ  કોઈ ‘ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે; વિખરાયેલાં વાળ તમારાં કેવાં અસ્તવ્યસ્ત છે’ જેવું કાવ્ય ન સ્ફૂર્યું.તેમાં વળી લાંબુ, ઢીલું કુરતું અને અભોટાઈ ગયેલું, જેનો મૂળ રંગ કયો છે તે ખબર ન પડે તેવું જિન્સ, હવામાં તાકીને વાત કરવાની શૈલી (જે ગમે તે વિષય પર શરૂ થઈને ગમે તે વિષય પરપૂરી થાય)-આ બધાની હું પરાણે પ્રયત્ન કરીને પણ કદર ન કરી શકી.મને લાગ્યું કે ‘આર્ટ ઇઝ નોટ માય કપ ઓફ ટી’.કલા મારા બસની વાત નથી. જોકે સારી વાત એ હતી કે આ મહાશયના દીદાર જોઈને ઘરમાંથી કોઈએ મારા નિર્ણય માટે ટીકા કરવાનું માંડી વાળ્યું હતું.

કલા ફરી બીજી વાર–જરા જુદા રૂપે મને નડી.આ મહાશય સ્વયં કલાકાર ન હતાં પણ તેઓ કલાકાર સહચારિણી ની શોધમાં હતાં.કદાચ પોતાનાં કલાગત કૌશલ્યનાં અભાવની પૂર્તિ કરવાં માંગતા હોય.

‘તમે ગાઈ શકો?’પ્રશ્ન નં.૧.

‘હા, બધાની જેમ બાથરૂમ-સિંગર ખરી.’તેને આઘાત લાગ્યો, પણ પ્રશ્ન ચાલુ રાખ્યા.

‘ડાન્સિંગ જાણો છો?’

‘હાસ્તો.. આજકાલ બધી જ છોકરીઓને ડાન્સ આવડે.નવી ફિલ્મ આવી નથી કે તેનો ડાન્સ સહુ કરવા માંડે...પાંચ વર્ષની છોકરી પણ બુગીવુગી ના સપના જોતી હોય છે.’હું ખડખડાટ હસી પડી.

‘તે નહિ.શાસ્ત્રીય નૃત્યની વાત કરું છું.’તેનાં અવાજમાં હતાશાનો રણકાર વર્તાતો હતો.

‘હા, જોવું ગમે.ખાસ તો તે નૃત્યાંગનાની નાચતી આંખો બહુ ગમે. પણ તે કથકલી છે કે કથક તે ખબર ન પડે. જોકે તે તો શીખી જઈશ. તમને તો ઊંડો અભ્યાસ હશે ને?’

‘હેં! ના ના..’તેઓ થોથવાયા.

‘અચ્છા..કઈ નહિ .તબલાં વગાડતાં તો આવડતા હશે જ ને?

‘ના  પણ કેમ?’ તેઓ પ્રશ્નકર્તા ના આ અચાનક ‘રોલ-રિવર્સલ’થી ગભરાઈ ગયાં.

‘હું ગાઉં કે નૃત્ય કરું તો કોઈ તબલચી તો જોઈએ ને?’ આ અણધાર્યો ‘એટેક’ જીવલેણ નીકળ્યો.તેઓએ ‘આવજો’ કહ્યા વિના જ ચાલતી પકડી. આમ કલાએ બીજો ભોગ લીધો.

ત્યાર પછીનો કિસ્સો ‘મઝાનો’ હતો. ‘બેઉ જણા સુખી થયા’ નો અણસાર આવતો હતો. બંને પક્ષે બરાબર પલડું લાગતું હતું અને ચોકઠું ગોઠવાઈ જવામાં જ હતું.ત્યાં છેલ્લી ઘડીએ જ્યોતિષી મહારાજે જાહેર કર્યું કન્યાને મંગળ છે, તેથી મુરતિયાને પાઘડીએ કે ઘાટડીએ મંગળ જોઈએ જ.બાકી મહા અનર્થ સર્જાઈ જાય.જોકે હું તથા ડેડી મંગળને ચેલેન્જ આપવા તૈયાર હતાં.પણ સામેની પાર્ટીએ પારોઠના પગલાં ભર્યા.આપણું નસીબ ઇન્ડિયન ક્રિકેટ ટીમ જેવું,જીતના આરે આવેલી બાજી હારી જવાય.

અને આ બધી પ્રવૃતિઓમાં પાંચેક વર્ષ વીતી ચુક્યા છે.મને એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારા પગારની નોકરી મળી ચૂકી છે.તેથી મારું પલડું થોડુંભારે થયું છે.મારો કોઈ વાંક ન હોવા છંતા મારી નામના સહુને રીજેક્ટ કરનાર છોકરી તરીકે ફેલાઈ ગઈ છે.કેટલાંક કહે છે-‘કોણ જાણે કેવો રાજકુમાર જોઈએ છીએ?’ કેટલાંક તો જાતજાતનાં ને ભાત ભાતના વ્રત અને વિધિ વિધાન સૂચવે છે. મારા સગાવ્હાલાં,ઇષ્ટમિત્રો,આડોશીપાડોશી,ઓળખીતા-પાળખીતા સહુની શોધખોળ ચાલુ છે....હવે મીની ક્યાંક ગોઠવાઈ જાય (ઠેકાણે પડી જાય) તો સારું. માં-બાપના માથા અને મગજ પરનો બોજ હળવો બને તેવાં શુભ આશયથી તેઓ ગામમાં,પરગામમાં અને દૂર દેશાવરમાં ‘છોકરા’ની તલાશ પોલીસની જેમ કરી રહ્યાં છે.

બોલો છે તમારાં ધ્યાનમાં કોઈ સ્યુટેબલ બોય?