Print
Parent Category: પ્રત્યંચા
Category: શીતલ દેસાઈ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અંગ્રેજી.... અંગ્રેજી.... અંગ્રેજી....તેની જાદુઈ છડી બધે એવી છવાઈ ગઈ છે કે વાત જ ન પૂછો.ના, મારે આજે બિલાડીનાં ટોપની પેઠે ફૂટી નીકળેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલની વાત નથી કરવી.કે પછી વસંતમાં રંગવૈભવ દર્શાવતાં ફૂલનાં ઝૂમખાંની જેમ ઉગી નીકળેલાં સ્પોકન ઈંગ્લીશના ક્લાસની પણ વાત નથી કરવી. એ વાત સર્વવિદિત છે કે સામાન્ય વ્યવહારમાં વાક્યરચના ગુજરાતી હોય, પણ મોટા ભાગનાં શબ્દો અંગ્રેજી હોય.જેમકે ‘મારી સિસ્ટરના મેરેજ ટ્વેન્ટી ફોર્થના છે.’ આવા સંભાષણની વાત કરવી નિરર્થક છે. કારણ આવા વાક્યોથી આપને ‘યુઝ્ડ ટુ’ થઇ ચુક્યા છીએ.અંગ્રેજીના સ્પેલિંગ અને ઉચ્ચાર વિશેની ગોલમાલનો નિર્દેશ નથી કરવો. એક જમાનાનાં લાડીલા હીરો ધર્મેન્દ્રએ મારેલાં ‘બી યુ ટી બટ તો પી યુ ટી પટ કેમ નહી’ એવાં ડાયલોગનો વાસી જોક નથી કહેવો.આજે તો એવાં અંગ્રેજી શબ્દોની વાત કરવી છે જે ગુજરાતી ભાષાનો હિસ્સો તો બન્યાં છે,એટલું જ નહિ તેનું પૂરેપૂરું ગુજરાતીકરણ થઇ ચૂક્યું છે.તેમાંના ઘણાખરા શબ્દોને તો આપણે ગુજરાતી વાઘા પહેરાવી દીધાં છે.

કેટલાંય અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં એટલાં રૂઢ થઇ ગયાં છે કે તેનું ગુજરાતી રૂપાંતર વિચિત્ર લાગે. કલેક્ટરને સમાહર્તા કહેવાય તેની ખુદ કલેક્ટરને પણ ખબર નહિ હોય.મીનીસીપલીટી કે મુન્સીપાલીટી એટલે શું તે નાનામાં નાનો માણસ પણ જાણે છે.સ્ટેશન માટે આગગાડી વિરામસ્થાન એટલું બોલતાં સુધીમાં તો ગાડી ઉપડી જાય. ટેબલ કે બ્લેકબોર્ડ આપણા પોતાનાં શબ્દો લાગે છે અને મેજ કે કાળું પાટિયું પરાયા લાગે છે.અને વળી ફ્લેટ,ડુપ્લેક્ષ્,કમ્પુટર,બેટ જેવાં શબ્દોનો તો કોઈ પર્યાય જ નથી.

જોકે મારો મુખ્ય મુદ્દો તો આપણા ગુજરાતીઓની એક ખાસિયત બાબત માટે છે. અંગ્રેજી શબ્દોને તેનાં મૂળ રૂપમાં રાખવાનું કે બોલવાનું  જરૂરી લાગતું નથી.સીધો સટ શબ્દ હોય તો ઠીક છે. જેમકે ‘રૂમ’ શબ્દનો ઉચ્ચાર ‘રૂમ’ જ કરીએ કે સોરી એટલે ખરેખર સોરી જ બોલીએ.પણ શબ્દ જો થોડીક પણ આડોડાઈ કરે તે ચલાવી લેવાય નહિ.સ્પેલિંગ લખાય એક રીતે અને બોલાય બીજી રીતે એવી અરાજકતા અહીં ન ચાલે. ‘પ્રોફેસર’ ના સ્પેલિંગમાં લખાય પીરઓ-પ્રો અને બોલાય પ્ર તે ચાલે? તેથી પ્રોફેસર સાહેબનું અપમાન ન થાય?

આજકાલ બહુ ‘મસકીટોસ’ એમ બોલીએ તો વિચિત્ર નથી?મસ્ક્યુટો જ બોલવાનું હોય. યુ બોલવાનો ન હોય તો લખવાનો કેમ?અને એટલે જ નવો ઉત્સાહી શિક્ષક વટભેર જયારે નોકરીનાં પહેલાં દિવસે ‘હેલો,માય ડીયર સ્ટ્યુડન્ટ’ એવું ફાંફડુ સંબોધન કરે તેથી આપણે અંજાઈ જતાં નથી,ગભરાઈ જઈએ છીએ.સ્ટુડન્ટમાં વચ્ચે યુ બોલવાની ક્યાં જરૂર છે?એ જ પ્રમાણે અમારા શહેરમાં ‘જ્યુલરી’નહિ પણ ‘જ્વેલરી’ સારી મળે છે તેમ કહેવાય.અને આ ‘પોરફૂલ’ શું વળી? ‘પાવરફુલ’ બોલોને ભાઈ!’વ’ લખીએ અને બોલીએ નહિ તો વ રીસાઈ જાય. અમે ગુજરાતી બચ્ચા  નાના શબ્દની પણ કાળજી રાખીએ.

‘ઊતરડ’નો ઊ ખાલી દેશી હિસાબમાં જોયો જ છે. ક્યારેય કોઈએ સાંભળ્યો નથી.ઊતરડના ચિત્રમાં એક પર એક ઘડા મુકીને લાંબુ ચિત્ર આપ્યું છે તેથી તે દીર્ઘ કહેવતો હશે! આપણને તો ઉ તથા ઊ બંને સરખાં જ છે. ‘સુતા’ અને ‘સૂતાં’ એ બંને બોલવામાં સરખા જ વળી.પણ અંગ્રેજો તો બે જુદા સ્પેલિંગ વાળા શબ્દનો ઉચ્ચાર એક જેવો કરે.એક ‘ફૂલ’ કરતાં બીજા ‘ફૂલ’ ને ગળું તાણીને બોલે.આપણી બારાખડીમાં બે ‘ઈ’ ખરા પણ તે તો ગુજરાતીનાં પ્રશ્નપત્રમાં તેનો તફાવત પૂછવા કામ લાગે તેથી.બાકી ‘દિન’અને ‘દીન’ તથા ‘પાણી’ અને ‘પાણિ’ આપણા માટે સરખાં નહિ? વ્યવહારમાં ગમે તેમ કે ગમ્મે તેમ બોલો કોઈ ફરક ન પડે. પણ આ અંગ્રેજો બહુ ચોખલિયા. ‘CHEAT’ અને ‘CHIT’ માં લાંબાટૂંકા ઈ બોલે.બહુ ચોખલિયા, ભૈસાબ!

અંગ્રેજીમાં એક નહિ,બે નહિ ત્રણ ‘ઓ’ છે.આવી બધી પંચાતની શિ જરૂર? ઓ અક્ષર ‘વોલ્ટ’ નો હોય કે ‘ઓફીસ’નો ઉચ્ચાર અલગ શા માટે? અને ‘આઉટ ઓફ ડેટ’ નો ઓ સહુથી લાંબો કરવાની જરૂર શી? આવા બધાં ગરબડ-ગોટાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ન આવડે તેમાં નવાઈ નથી.

‘અબ્રોડ’નો અ ‘હટ’નાં આ થી જુદો બોલાય. આ પ્રકારનાં ભેદભાવ પાછળનું કારણ જડતું નથી.અમારું ચાલે તો આ બધાને એક સમાન ધારો લાગુ પાડી દઈએ અને અ ની જૂથબંધી કે વાડાબંધીને નાબુદ કરી દઈએ.

વળી કેટલાંક વર્ણો તા...ણીને બોલવાની અંગ્રેજોની ખાસિયત છે. ‘બેંક’ કે ‘બેકરી’નો એ તાણવાનો પણ બંનેનો ઉચ્ચાર તો પણ અલગ જ થાય.આપણે બંદા તો બધાં એ ને સરખા જ બોલીશું.
‘ડબલ્યુ’બોલતાં હોઠને મોઢામાં પીપરમીન્ટની ગોળી મૂકતા હોય તેમ બે હોઠ પહોળાં કરવાના તો ‘વી’મા વળી નીચલો હોઠ દબાવ્વાનો.મઝાની વાત એ પાછી કે બેમાંથી એકેય વહાણનાં ‘વ’ જેવાં નહિ.અમે ગુજરાતી તો બે વ ની માયાજાળમાં પડવાને બદલે આપણું વહાણ હંકારી જઈએ છીએ.

‘થ’  સાવ જુદો બોલે. જાણે બોલતાં ન આવડતું હોય તેમ મોઢાંમાંથી હવા કાઢે. ‘ટેબલ ‘કહ્યું કે ‘ઠેબલ’ તે સમજાય નહિ.અને થેન્ક્યુ કહે તો ‘ઠેન્ક્યુ’ કહી ઠેકડી ઉડાવી તેમ જ લાગે.
અ હોય આ હોય ઈ ઓ કે ઊ કે ઔ –લગભગ દરેક અક્ષર પર જુલમના કોરડાં વીંઝાઈ ચુક્યા છે. આવા તો અગણિત ઉદાહરણ આપી શકાય તેમ છે.  

અંગ્રેજોએ સૌથી વધારે અન્યાય  ‘આર’ને કર્યો છે.વહેલો ઉઠીને તે સહુની પહેલો આવી જાય તો જ બોલવાનો.(રીંગ,રોઝ વ.)રસ્તામાં કોઈ મળ્યું અને જ...રાક મોડું થયું આ શિસ્તપાલનની અતિ આગ્રહી અંગ્રેજ પ્રજા તેનાં પાર ચોકડી મારી દે.ઘડીક મોડું થાય તેમાંતો અકરી સજા થાય. ત્રણ નંબરનો અક્ષર જો ‘ર’ હોય તો રનો અ જેવું ક્યાંક થાય.અ પણ ચોખ્ખો ન બોલાય. ‘પરફેક્ટ’ને  ‘પફેક્ટ’ કહેવાનું. ‘પોર્ટર’નો રેફ ઉડાવી દેવાનો.અને ગાર્ડનરમાં તો કલગી અને પૂંછડી બંને ઉડાડી દેવાના.વ્યવસ્થિત અને કડક હેડમાસ્તરની જેમ દરેક વખતે શિક્ષા કરવાની. ક્યારેય રહેમરાહે તેની સામે જોવાનું જ નહી ને.જોકે આપણા બંધુઓ અને ભગિનીઓ પહેલાં-છેલ્લાનો ભેદ રાખ્યા વિના બધાં આર બોલીએ જ છીએ.મને સો ટકા ખાતરી છે કે અંગ્રેજીનો ર સજીવન થાય તો પોતાને સ્થાન અને માન આપનાર ગુજરાતનિ કદરદાન પ્રજા પર સમરકંદ અને બુખારા સોરી બીગ બેન.ટેમ્સ અને શેક્સપીઅરનાં સ્મારક સહિતનું લંડન ઓવારી જાય.

બોલવામાં બહુ ચાંપલાશ શું કરવાની વળી?સામેની વ્યક્તિ સમજી જાય એટલે ભયો ભયો.મહેમાનને પાણી ગીલાસમાં આપો કે ગ્લાસમાં પાણી ઠંડું જ રહેશે અને પાણી જ રહેશે.ચા ‘કપ’માં ભરો કે ‘કોપ’મા ચા ગરમ જ રહેવાની છે ને?