Print
Parent Category: પ્રત્યંચા
Category: રચના ઉપાધ્યાય કમરાટા
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અત્યારે બહાર ઘણાં દિવસ પછી હુંફાળો તડકો નીકળ્યો છે. અત્યારે સમય આમાં  તો  વાંચવાનો  છે પણ આટલો સરસ તડકો વસંતની છડી પુકારતો આવ્યો હોય એટલાં વિચાર માત્રે જ મગજમાં લખવાની સગવડ કરી આપી. આમ તો મારું મગજ મને પણ આટલું જલ્દી સહકાર નથી આપતું, પણ કદ્દાચ મેં એને વિન્ડ-ચાઈમર સાંભળતા સાંભળતા ચા પીવડાવીને લાંચ આપી. મારાં મગજમાં તડકાએ શબ્દોનો એવો મેળો ગોઠવી આપ્યો કે લખવું જ પડે તેવું થઇ ગયું.  એટલે પછી તને ઓશીકાની જેમ મારી પાછળ બરાબર ગોઠવ્યો અને તારા ખોળામાં મેં ગોઠવાઈને કોમ્પ્યુટર હાથમાં લખવા લીધું.

આહ! મૌન રહી આમ આંખેથી ગુસ્સે ના થા,  મોડેથી ચા પીવા બદલ, અડધી રાત્રે આમ પણ તું ક્યાં સમય
આપે છે? મારાં શબ્દો જ તો મારાં હર હમેશાના સાથીદારો  છે.  કોઈ  દિવસ એવો વિચાર જ નહતો આવ્યો કે હું લખતી હોવ તેવું જ તું વાંચે પણ કદાચ કોઈ દિવસ એવો પણ આવશે. પ્રિયે, તે દિવસે આપણે મિજબાની કરીશું પહેલાં શબ્દોની અને પછી સારી વાનગીઓની.  

હું લખતી હોવને તું મારા મગજના ચાકડા પરથી ભીની માટીની સુવાસ સાથે ઉતરતા શબ્દો  ને આંખોથી એનાં ઘૂંટડા ભરતો હોય અને તું એમાં મસ્ત થવા લાગ્યો હોય. આ વિચાર જ એટલો  આહ્લાદક ને ઉન્માદક છે કે હું તારા  વિચારની  સરિતામાં  ઉતરી  પડી સાંગોપાંગ ભીંજાવા. મારી આગળ તારા મૌનની મરૂભૂમિની સુકી રેત જ છે જે તારી જેમ મારાં હાથમાંથી પળેપળ સરકી રહી છે. મરુભૂમિ છે એટલે થોડા ક ઝાંઝાવા તો હોવાના જ, અને એની સાથે મારી યુગો  યુગોની  તૃષ્ણા  પણ. અને જ્યાં તૃષ્ણા હોયને ત્યાં સ્વપ્નો અને તેમનો તૂટેલો ફૂટેલો ભંગાર પણ હોવાનાં જ.

તારી જોડે મારી સરખામણી કરું છું તો થાય છે કે હું તારી વિસાતમાં કાંઈ જ નથી. તું એક એક શબ્દને ગામડાનાં ગાંધીની જેમ તોલનારો, તદ્દન માપી-તોળીને બોલનારો. અને છત્તાં બધાંયે તને સમજી શકે અને હું? જો બોલવા ના મળે તો લખવા જોઈએ, એ પણ ના મળે તો ગાવા જોઈએ અને છેક છેલ્લે વાંચવા તો જોઈએ જ. બસ શબ્દોની ગોપીઓની વચ્ચાળે કાનુડા જેવું  રહેવું  ગમે.  ખબર છે આજે એક સરસ વાત વાંચી "અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા, છત્તાં એક જ છે બન્નેથી થતા સંવાદનો મહિમા." મને તો કોઈક ને કોઈકની સાથે સંવાદ જોઈએ જ શબ્દો અને નાદોથી ભરેલો. ક્યારેક ક્યારેક તો એકસાથે ઘણા બધા સંવાદ ચાલતા હોય છે; જાત સાથે, તારી સાથે અને કશાક બીજાં સાથે પણ. મારો આ ઘોંઘાટ હંમેશા તને નવાઈ પમાડતો રહે છે ખરું ને કે આમાં કયો સંવાદ દિલથી કરું છું? જોને અત્યારે આ લખતા લખતા હું ગાવા માંડી કે "તુમ મેરે પાસ હોતે હો કોઈ દુસરા નહીં હોતા."  ઘરમાં ઓશીકાની કમી ક્યાં છે પણ તને જ અહીં કેમ ગોઠવ્યો છે? કદાચ તું શબ્દોથી સંવાદ ના કરે પણ તારાં ટેરવાં કદાચ કંઈ કહી જાય તો? હા હા કહે કહે મને શબ્દોની ભૂખાળવી. તને તો ખબર જ છે ને કે હું અહીં જ રહું છું, વર્ષોથી. સ્થૂળ સરનામાં ઘણાયે બદલાયાં હશે પણ હું તો અહીં જ રહું છું.  હા! જાણું છું કે છેલ્લાં થોડા સમયથી કોઈ સાથે કોઈ પણ સંવાદ લાંબો નથી ચલાવી શકતી. પણ પ્રિયે, આપણને ખબર તો હતી જ ને કે એક દિવસ આવો પણ આવશે જ્યાં મારા સંવાદો તારા મૌન પહેલા જ પૂરાં થઇ જશે, તારું મૌન જીતી જશે. તારે તો એ જીતની ખુશીમાં પણ મિજલસ ગોઠવવી જ પડે.

અરે! પણ આજે તો તારે મને કહેવું જ પડશે કે તું તારા મૌન સાથે શું કરીશ? તને નથી ખબરને? પણ મને ખબર છે. આપણાં ઓરડામાં, મારી બાજુના ભાગમાં પુસ્તકો ઉપાડવા જઈશ તો શબ્દો તને ભૂતની માફક વળગશે. કોઈ રીસીટની પાછળની બાજુ લખાયેલી કવિતા તને વીંટળાય વળશે. નીચેનાં ઓરડામાં  મારું ગ્રામોફોન, સીડીઓ, કેસેટો એટલો ઘોંઘાટ કરી મુકશે કે તારે એકાદ પલ માટે કાનમાં આંગળીઓ ખોસી દેવી પડશે પણ સુરો મારાં અવાજમાં તને ભરી જ જશે નાચવાં વિવશ કરી જશે. આશા રાખું છું કે જ્યારે પણ મારાં ટુકડાંઓ સમેટવાના આવે ત્યાં સુધીમાં તું આ બધું વાંચવા- સાંભળવા  અને સહુથી વધુ તો સમજવા માટે સજ્જ થઇ ગયો હોય. પછી કદાચ મને કોઈપણ પૂર્વગ્રહ વગર સમજી શકીશ: તારાં પ્રત્યેની આસક્તિ-અનાસક્તિ, વફદારીઓ-બીનવફાદારીઓ, ગમાં-અણગમા, કદાચ બધું જ અને કદાચ કંઈ નહીં! આશા રાખું છું કે ત્યારે તારી સાથે કોઈ એવું પણ હોય કે જે મને, વહેતી હવાને, નાચી નાચીને ફીણ ફીણ થતાં મોજાઓને, પવનની સાથે ગાતાં પાંદડાઓને સમજી શક્યું હોય. છત્તાં જો ના સમજી શકે તો એ વાંક મારો કે મારાં શબ્દોનો નહીં હોય, પણ તારાં મૌને તને બક્ષેલાં બધિરપણાનો અને મુકપણાનો હશે. અહીં કોની હાર કોની જીત? અહીં તો આપણે બંને જ હારશું.  એટલે જ આશા રાખું છું કે તું આ શબ્દોને ઓળખી શકે, બહુ મોડું થઇ જાય તે પહેલાં   

તને પછી મારી ગેરહાજરીનો ઠંડો  ભેજયુક્ત  શિયાળો  નહીં  સતાવી શકે. મારાં શબ્દો એક પછી એક સમીધની જેમ ઉમેરાશે અને તને ગરમી  આપશે. એક રીતે  એમ  પણ કહી શકું કે તારા  મૌનની સંયુક્તાને  હરી જવાની. હું જ્યારે મારી આ શબ્દોની દુનિયામાંથી મૌનમાં પ્રયાણ કરીશ ત્યારે મારાં બધાં શબ્દોની એક હૂંફાળી ચાદર તને ઓઢાડતી જઈશ અને તારાં મૌનને મારું કફન બનાવવા માંગી લઈશ.

કદાચ પછી તું પણ મારી જેમ ખુલ્લાં મને ગમે ત્યાં નાચી શકીશ ત્યારે કદાચ તને મારી આ દરવેશી સમજાશે. જ્યારે એ સમજાય જાય ત્યારે તારી આજુબાજુ જે કોઈ હોય એને આ ચેપ એક એક બખ્તર સાથે આપી દેજે. અત્યારે આ ડાહી દુનિયાને તદ્દન ગાંડા લોકોની ખુબ જરૂર છે. શરૂઆતનાં પથ્થરો ખમવા બખ્તરની જરૂર પડશે ને?  પછી તને મારી  આગળ  દોડી  આવવાની છૂટ છે, મારાં બંને હાથો તને આલંગવા તૈયાર જ હશે. પણ હા! આવે ત્યારે આ શબ્દોના ઘેરામાં જ આવજે. મારાં સુધી પહોંચવા તેમની જરૂર પડશે જ. પહેલાં તારે મને પણ મૌનનું કફન ખોલીને ચુંબન આપી જીવિત કરવી પડશે ને?