આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
' હવે બહુ લાંબુ નહિ ખેંચે ....!' મિહિર મનોમન બબડ્યો . છેલ્લા એક કલાકમાં તે છ- સાત વાર પૂછપરછની બારીએ જઈ આવ્યો હતો. દરેક વખતે એક જ જવાબ મળતો : ' બસ આગળથી આવશે તો જશે .'ત્યાં જ એક બસ આવી પણ તે અન્ય રૂટની હતી. તેણે બસની ઉપર લગાવેલા પટ્ટાનું લખાણ વાંચ્યું : ' હાથ ઉંચો કરો , બસમાં બેસો. 'તેણે સંદર્ભ જોડ્યો : ' નીચે ઉતરો , ધક્કો મારો , બસમાં બેસો. '
મિહિરે પ્લેટફોર્મ પર નજર ફેરવી .ચારે તરફ કાગળના ડૂચાં,પોલીથીનની કોથળીઓ અને ખાદ્ય પદાર્થો વેરાયેલાં પડ્યાં હતાં. બેસવાલાયક જગ્યા તેને ક્યાંય દેખાઈ નહિ .તે બસ સ્ટેન્ડની બહાર આવ્યો . રોડની સામેની બાજુએ વડનું ઘેઘૂર વૃક્ષ હતું . તે ત્યાં જઈને ઉભો રહ્યો. બસ સ્ટેન્ડ કરતાં અહી તેને સારું લાગ્યું.
એવામાં , એક કાળા રંગની કાર તેનાથી થોડે દૂર પાનના ગલ્લા પાસે આવીને થોભી . કારનો દરવાજો ખુલ્યો ને વીસેક વર્ષની એક યુવતી કારમાંથી નીચે ઉતરી. ડ્રાઈવર સીટ પર બેઠેલા આધેડ પુરૂષે હાથ હલાવ્યો. યુવતીએ મોહક સ્મિત સાથે પ્રત્યુત્તર વાળ્યો, કાર ચાલી ગઈ.
મિહિરે યુવતીના ચહેરા પર અછડતી નજર ફેંકી. આછા ગુલાબી રંગનું ટોપ , બ્લેક જીન્સ , બ્લેક ગોગલ્સ અને હાથમાં આધુનિકતાના પ્રતિક સમો મોંઘોદાટ મોબાઈલ હેન્ડસેટ . યુવતીએ ચહેરા પરથી ગોગલ્સ હટાવી , ટોપમાં ભરાવ્યા . મિહિરને યુવતીનો ચહેરો પરિચિત લાગ્યો. તેણે યુવતીના ચહેરા પરની રેખાઓ ઉકેલવા પ્રયત્ન કર્યો. યુવતી એ હેન્ડબેગમાંથી નાનકડો અરીસો કાઢ્યો ને વાળ ઠીકઠાક કરવા લાગી.
મિહિરની નજર યુવતીના ગાલ પરના તલ પર પડી . તેના દિમાગમાં ઝબકારો થયો : ' અરે ..... આ તો ગુડ્ડી ....!'
તેના મને તેને ઠાર્યો : ' ક્યાં ગામડાની ભલી - ભોળી ગુડ્ડી ને ક્યાં ટોપ - જીન્સમાં સજ્જ આ યુવતી ...!'
' પણ ....તેનો ગોળમટોળ ચહેરો..... ગાલ પરનો તલ ..... તીખું નાક - પોકારી પોકારીને કહે છે કે તે ગુડ્ડી જ છે .'
' પણ.. અંતરિયાળ ગામડાની ગુડ્ડી આ મેગાસિટીમાં .... અને એય આવા પરિવેશમાં ....? ' તું પણ ગામડાનું જ ફરજંદ છે , છતાં અહી નથી ...? '
પણ, હું તો નોકરી કરું છું .'
' એ પણ નોકરી કરતી હોય ...શક્ય છે કે એનો પતિ ઓફિસર હોય , સારો બીઝનેસમેન હોય ! '
' એવુંય બને . પણ ગળામાં મંગળસૂત્ર નથી , સેંથામાં સિંદૂર નથી '
' અરે , આજની ફેશનેબલ યુવતીને આવા લેબલ લઈને ફરવું ક્યાં ગમે છે ? '
' પણ... ગુડ્ડી વળી ક્યાં સિમેન્ટ - કોન્ક્રીટના જંગલમાં મોટી થઇ છે ? એ તો ધરતીનું ધાવણ ધાવીને ધૂળમાં ઉછરેલું ફૂલ છે .' મિહિરના મગજમાં ગડમથલ ચાલતી રહી .
તેણે યુવતીના ચહેરાને બારીકાઈથી નિહાળ્યો : ' હા .... એ ગુડ્ડી જ છે ...ચહેરા પરની નિર્દોષતા ગાયબ થઇ ગઈ છે. આંખો મારકણી લાગે છે . જાણે ગુડ્ડી સમૂળગી જ બદલાઈ ગઈ છે...'
- એ વખતે મિહિરની નોકરી તાલુકાના અંતરિયાળ ગામમાં હતી. પુત્ર મલ્હાર ભાંખોડીયે ચાલતાં શીખ્યો હતો . પાડોશીની દીકરી ગુડ્ડીને મલ્હાર ખૂબ ગમતો. એકવાર મલ્હારને મેલેરિયા થઇ ગયો હતો .ધગધગતાં શરીરે મલ્હાર વારેઘડીએ ચીસો પાડી ઉઠતો .એ વખતે આખી રાત મિહિર અને તેની પત્ની પન્ના જાગતાં રહ્યાં. ગુડ્ડી પણ મલ્હારની પથારી પાસે જ ઉચાટભર્યા હૈયે જાગતી બેસી રહી. બીજા દિવસે મલ્હારને તાવ ઉતર્યો, ત્યારે જ ગુડ્ડીના જીવમાં જીવ આવ્યો .ત્રીજા દિવસે તો મિહિરને ગુડ્ડીની સાથે , મલ્હારને લઈને અંબાજી જવું પડ્યું .મલ્હાર માટે ગુડ્ડીએ બાધા રાખી હતી .
તમામ દ્રશ્યો હજી ગઈકાલના જ હોય તેમ , મિહિરના મન:ચક્ષુ સમક્ષ તાજાં થઇ આવ્યાં.મિહિરે યુવતીની પાસે જવા કદમ ઉપાડ્યા ત્યાં જ એક કાર બંનેની વચ્ચે આવીને ઉભી રહી ગઈ. કારનો આગળનો દરવાજો ખુલ્યો .યુવતીએ ઝટપટ પર્સ બંધ કર્યું . તે ઝડપથી કારમાં બેસી ગઈ. મિહિર એકદમ બૂમ પાડી ઉઠ્યો : ' ગુડ્ડી .....!'
યુવતીએ ચમકીને પાછળ નજર કરી , ત્યાં સુધીમાં ગાડી સ્ટાર્ટ થઇ અને આસ્ફાલ્ટની કાળી સડક પર દોડવા લાગી .
મિહિરનો લંબાવેલો હાથ હવામાં જ અધ્ધર રહી ગયો. પાનના ગલ્લા પાસે ઉભેલાં ચાર - પાંચ અટ્ટહાસ્ય કરી ઉઠ્યાં. ગલ્લાવાળાએ તો કહ્યું પણ ખરું .' સાહેબ , એ કોઈની થઇ નથી ને થશે પણ નહિ .એના તો કેટલાય નામ છે - સજની , રંગીલી , કલી , ગુડિયા ... ચાહે ગમે તે નામે બોલાવો ...!
રાત્રે જમ્યા પછી તેણે પન્ના સાથે વાત છેડી : ' આજે ગુડ્ડી મળી હતી .'
' ગુડ્ડી ???... ક્યારે ....? ક્યાં ....? '
' સવારે ... બસસ્ટેન્ડ સામે .'
' અને તમે વાત હજી અત્યારે કરો છો ?... કેવીક દેખાય છે ? ...હજીય અંગૂઠો ચૂસવાની ટેવ છે ..?....ક્યાં રહે છે ...? અને તમે એને સાથે કેમ ના લેતા આવ્યા ....? ' પન્નાએ એકસામટા પ્રશ્નોની ઝડી વરસાવી .
' પન્ના , ગુડ્ડી હવે બદલાઈ ગઈ છે '
' કેમ , તેણે તમને ઓળખવાની ના પાડી દીધી ..?'
' ના ... '
' તો ....પછી ......? '
' તું સત્ય નહિ જીરવી શકે . '
' તમે ... આમ વાતને ગોળગોળ ફેરવશો નહિ . જે હોય તે કહી દો ને .....! '
' પન્ના , જિંદગીની વાસ્તવિકતા ઘણીવાર કલ્પના કરતાં પણ વધારે ભયાનક હોય છે . '
' તમે મને આમ બીવડાવશો નહિ .જે હોય તે ભસી નાખો ને ભૈ'સાબ ....!'
' પન્ના , આપણી ગુડ્ડી હવે આ શહેરના રંગીન માણસોની ' ગુડિયા ' બની ગઈ છે . '
પન્નાને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો .તે ઠરી જ ગઈ . રડી પણ ના શકી . ગળે ડૂમો ભરાઈ આવ્યો . ગુડ્ડીની બદલાયેલી જિંદગી વિષે જાણીને પન્નાને જબરદસ્ત આઘાત લાગ્યો . બે - ત્રણ દિવસ સુધી તો તેને ખાવું ભાવ્યું નહિ . મિહિરે પણ બે દિવસ માટે ઓફિસેથી રજા લઇ લીધી .નિર્દોષ પારેવા જેવી - ગુડ્ડીની આજની હાલતે બંનેને હલબલાવી મૂક્યા હતાં .
એક રવિવારે મિહિર , પન્ના અને મલ્હાર ફરવા નીકળ્યાં. ભીડને કારણે સહેજ આગળ ચાલતો મલ્હાર એક યુવતી સાથે અથડાઈ ગયો . યુવતીના હાથમાંથી પર્સ પંડી ગયું .પર્સમાંની ચીજવસ્તુઓ - મેક અપનો સામાન ,પરફ્યુમની શીશી , હેન્કી , ડાયમંડનો સેટ - બધું જમીન પર વેરણછેરણ થઇ ગયું .જોકે , હાથમાંનો મોબાઈલ હેન્ડસેટ તેણે પડવા ના દીધો . મલ્હાર બીકનો માર્યો દોડીને મિહિરને વળગી પડ્યો .
મિહિરે યુવતી સામે જોયું ને તેની આંખ ફાટી ગઈ : ' એ ગુડ્ડી હતી ...!
પન્ના ઝડપથી , નીચે પડેલી ચીજવસ્તુઓ એકઠી કરવા લાગી હતી .બધું ભેગું કરી, તે ગુડ્ડી તરફ ફરી . ગુડ્ડી સાથે નજર મળતા જ તે થાંભલો થઇ ગઈ ....!
ગુડ્ડીએ પન્ના તરફ બે ડગ ભર્યા . મિહિરે પન્નાનો હાથ પકડ્યો : ' ચાલ , પન્ના .. એ આપણી ગુડ્ડી ક્યાં છે ....?'
ગુડ્ડીએ પહેલા મિહિર સામે અને પછી મલ્હાર સામે જોયું . મલ્હાર સાથે આંખ મળતા જ ગુડ્ડીના હાથમાંથી મોબાઈલ સરીપડ્યો અને તેના હાથનો અંગૂઠો અનાયાસે મોં તરફ વળ્યો .
- મંગલપંથી
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...