Print
Parent Category: પ્રત્યંચા
Category: હરનિશ જાની
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

૧લી મે ૨૦૧૧ની રાતે બરાબર સાડા અગિયારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા ટીવી પર આવ્યા અને સમાચાર આપ્યા કે બિન લાદેનને અમેરિકન નેવી સીલ યુનિટે કચડી નાખ્યો છે. દસ વરસથી ચાલતી સંતાકુકડીની રમત પૂરી થઈ છે. એમને ખબર નહોતી કે ખરી રમત તો હવે ચાલુ થશે. અને ખરે જ ઇન્ટરનેટ પર ખરાખરીની રમત ચાલુ થઈ ગઈ છે. હજુ પ્રે. ઓબામાને બોલ્યે ચોવીસ કલાક થયા નથી અને દુનિયા આખીના મગજમાં જાતજાતના તરંગો પેદા થવા માંડ્યા. જગતને અમેરિકાની કોઈ વાતમાં વિશ્વાસ જ નથી. વિશ્વાસ હોય તો તે એક જ કે જ્યારે દુનિયામાં ક્યાંય કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે લોકો વિશ્વાસપૂર્વક કહેશે : ‘આ અમેરિકાએ કરાવ્યું. જરૂર આમાં અમેરિકાનો હાથ છે.’ પછી તે મલ્લિકા શેરાવતના વસ્ત્રાહરણનો પ્રસંગ હોય કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારનો હોય. મને વડોદરામાં એક પીએચ.ડી. સાયન્ટીસ્ટભાઈ મળ્યા. તેમણે કહ્યું કે, ‘વડોદરામાં પોલ્યુઝન શા માટે વધારે છે-તે ખબર છે ? અમેરિકન રૉકેટો અંતરીક્ષમાં ફૂટે છે અને વડોદરાની હવા બગાડી પોલ્યુઝન પેદા કરે છે.’ જો તમે બિન લાદેનને ખરેખર માર્યો હોય તો બતાવો સાબિતી. બતાવો મૃતદેહ. તેનો મૃતદેહ હતો તો દરિયામાં કેમ પધરાવી દીધો ? તમે જો એમ માનતા હો કે એ મૃતદેહની દરગાહ, અલ કાયદા બનાવી દે તો ! તો અમેરિકાની ત્યાં જ ભૂલ થાય છે. આ જે મેન્સનમાં બિન લાદેનને ગોળીઓ મારી છે તે બિલ્ડિંગની પૂજા થશે. અને નવો ટૅરરિસ્ટ ધંધાની શરૂઆત કરતાં પહેલાં અહીં પૂજા–અર્ચના કરવા આવશે અને સફળતા માટે માનતાયે માનશે.

આ બાજુ ભારતીય ન્યૂઝ એજન્સીઓ તૂટી પડી કે તમે કયા દરિયામાં પધરાવ્યો ? ઇન્ડિયન ઓશનમાં તો નથી પધરાવ્યોને ! ઇન્ડિયન ટીવી ચેનલોને તો જલસા જ થઈ ગયા ! ‘જો એ પાકિસ્તાનમાં રહેતો હતો તો ત્યાંની સરકારનો એને સપોર્ટ હશે જ. શું તમને એ વાતની પહેલાં ખબર નહોતી ? તો પછી પાકિસ્તાનને પૈસા કેમ આપતા હતા ? પાકિસ્તાનને મદદ તો કરો છો અને એ લોકો અમેરિકાનું કામ તો કરતાં નથી. તમારા ૨૦૦ કરોડ ડૉલર પડી ગયાને !’ અમદાવાદનો રિક્સાવાળો પણ કહે કે આ અમેરિકા મૂરખ છે. લુચ્ચા પાકિસ્તાનીઓને મદદ કરે છે અને ભારતને નહીં. અમેરિકાનો ઈતિહાસ જુઓ તો પાકિસ્તાનની સ્થાપના પછી દરેકે દરેક અમેરિકી પ્રેસિડન્ટે પાકિસ્તાનને પંપાળ્યું છે. આપણને લાગે કે અમેરિકાએ જ બ્રિટન પાસે ભારતના ભાગલા પડાવ્યા હશે. અમેરિકાએ જ દરેકેદરેક પાકિસ્તાન પ્રેસિડન્ટને ગાદીએ બેસાડ્યા છે અને ઉઠાડ્યા છે. ભારતને મદદ કરવામાં માલ નહીં. ભારતમાં કેટલા લોકોને લાંચ આપવી પડે ? અને લાંચ આપ્યા પછી પણ કામ થશે કે નહીં તેની ગેરંટી પણ નહીં- (એનરોન નામની અમેરિકી કંપની પાસેથી મહારાષ્ટ્ર રાજ્યમાં, ઈલેક્ટ્રિક પલાંટ નાખવાના, દસ વરસમાં ત્રણ ત્રણ જુદા જુદા પક્ષોની સરકારોના પ્રધાનોએ કરોડોની લાંચ લીધી છે. છેવટે એનરોનને બેસાડ્યું.) અમેરિકાને ખબર છે કે ભારતમાં દરેકેદરેક પક્ષ ખાઉધરો છે. જ્યારે અહીં તો પાક. પ્રમુખને અને તેના આર્મીના મળતિયાઓને જ ખુશ

રાખવાના કે કામ પતી ગયું ! અમદાવાદની રિક્સાવાળાઓએ તો એટલું જ યાદ રાખવાનું કે અમેરિકાના પ્રમુખ અમેરિકાની જનતાનું હિત જોશે. એ કાંઈ ભારતના રાષ્ટ્રપ્રમુખ નથી કે ભારતની ચિંતા કરે ! અરે ખુદ ભારતની સરકારે જ એ ચિંતા ભગવાન સોમનાથ મહાદેવને સોંપી દીધી છે.

હવે પાકિસ્તાનમાં બિન લાદેને પ્રસરાવેલા તરંગો જોઇએ.
અમેરિકાની રેઈડમાં પાકિસ્તાની કમાંડો પણ હતા. અમારી ધરતી પર બિન લાદેન હોય અને અમને ખબર ન હોય ? આ બધી માહિતી, અમેરિકાને અમે જ અમારી ખૂપિયા એજન્સી મારફત પૂરી પાડી હતી. પાકિસ્તાનમાંથી ઇન્ટરનેટ પર સમાચાર વહેતા થયા છે કે અમેરિકાએ બિન લાદેનભાઈને દસ વરસ પહેલાં ૨૧મી ડિસેમ્બર ૨૦૦૧ને દિવસે મારી નાખ્યા હતા. પરંતુ અમેરિકાને અફઘાનિસ્તાન અને ઈરાન સાથે યુદ્ધનું બહાનું જોઈતું હતું. પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટરે જાહેર કર્યું કે જો અમારી ઇન્ટેલિજન્સ નાકામયાબ રહી તો અમેરિકાની અને જગત આખાની ઇન્ટેલિજન્સ શું મરી પરવારી હતી ? ત્યાં બિન લાદેન રહેતો હશે એની અમને જાણ નહોતી-આ વાતમાં કેટલું સત્ય છે તે ભગવાન જાણે; પરંતુ મારો પાડોશી પોતાના ઘરની આજુબાજુ અઢાર ફૂટ ઊંચી દિવાલ બાંધે તો એવું તો પૂછું કે, ‘ભાઈ, એવડો તે કેવડો મોટો તમારો કૂતરો છે કે તે આ વંડી ઠેકી ન જાય એવી કાળજી રાખો છો ?’ મારા બાલુકાકા કહે કે, ‘બિન લાદેન જેવી કોઈ ચીજ હતી જ નહીં. એ તો પાકિસ્તાને પૈસા પડાવવા હતા એટલે અમેરિકાને આ નામે ભડકાવ્યું હતું.’ મારા બાલુકાકાને ખબર

હતી કે અમેરિકાને, કોઈ શિયા મુસલમાને , સુન્ની મુસલમાન સદામ હુસેન વિશે ખોટી ભંભેરણી કરીને તેનું કાટલું કઢાવ્યું હતું. બાકી બિચારા પાસે ન્યુક્લિયર કે કૅમિકલ્સ શસ્ત્રો હતાં જ નહીં’ એક રીતે જોઈએ તો અમેરિકા કાચા કાનનું તો કહેવાય જ.
ખરું જોતાં અમેરિકાની જન્મકુંડળીમાં જશ છે જ નહીં. લાગે છે કે ૪થી જુલાઈ ૧૭૭૬ને દિવસે અમાવાસ્યા હશે ને સાથે ખગ્રાસ સૂર્યગ્રહણનો યોગ હશે. અથવા તો અમેરિકા એવું કામ પસંદ કરે છે કે જેમાં જશ જ ન હોય. અમેરિકા અબજો ડૉલરની મદદ દુનિયાના બધા દેશોને કરે છે; પરંતુ એના મિત્રો કેટલા ? બે જ : બ્રિટન અને ઇઝરાયેલ ! અમેરિક્નોએ પહેલી વાર માણસને ચંદ્ર પર ઉતાર્યો ત્યારે દુનિયાએ શંકા ઊઠાવી કે ખરેખર માણસ ચંદ્ર પર પહોંચ્યો હતો ખરો ? સોવિયેટ યુનિયન તો માની ગયું; પરંતુ ફ્રેંચ લોકોએ જણાવ્યું કે અમેરિકાએ એરિઝોનાના ડેઝર્ટ એરીયામાં એસ્ટ્રોનોટ્સને રેતીમાં કુદકા મરાવીને વિડિયો ઉતાર્યો છે. જો કે આજથી બેતાલીસ વરસ પહેલાં, સામાન્ય લોકોને તો વિડિયો શી બલા છે તેની જ ખબર નહોતી ! અમેરિકાએ તો ‘અમે માણસ ચંદ્ર પર પહોંચાડ્યો છે’ એવા સમ ખાવા પડ્યા હતા અને હજુયે ખાય છે. તેમ છતાં અમેરિકાની વાત ન માનનારા લોકોનો પોઈન્ટ પણ બરાબર છે જ છે કે, ‘જો તમે ખરેખર ચંદ્ર પર ગયા હતા તો પછીનાં છેલ્લાં ચાલીસ વરસથી કેમ ત્યાં ગયા જ નથી ?’
૯/૧૧નો બનાવ બન્યે દસ વરસ થયાં છે. ત્રણ હજાર નાગરિકો વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભુંજાઈ ગયા. ચાર પ્લેઈન ભરેલા મુસાફરોનો પણ અંત

આવ્યો તોય એ વાતના તંતનો અંત નથી આવતો કે કોણે ત્રાસવાદી હુમલા કર્યા ? એમાં તો ઇઝરાયલનો હાથ હતો. જુઓને, તે દિવસે કેટલીયે જ્યુઈશ ફર્મ બંધ રહી હતી ! બાકી દસ હજાર લોકો જે બિલ્ડિંગમાં કામ કરે તેમાં ફક્ત ત્રણ હજાર જ કેમ મરે ? અમેરિકન સરકારી ઓફિસરો તે દિવસે રજા પર કેમ ઊતરી જાય ? પેંટાગોન પર જો પ્લેઈન અથડાયું હતું તો ફોટો બતાવો. વોશિંગ્ટન ડી.સી.માં તો કેટલાયે ટુરિસ્ટો હોય-તો કોઈએ ફોટો સુધ્ધાં નથી પાડ્યો ? ફ્રેન્ચ લોકો તો એ માનતા જ નથી. ઈરાનના પ્રમુખ કહે છે કે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે એકે જ્યુઈશ વ્યક્તિને નથી મારી. હોલોકોસ્ટ એ તો અમેરિકા અને ઈઝરાયલના મગજનો તુક્કો છે. પર્લ હાર્બર પર ૧૯૪૧માં જાપાને કરેલા અમેરિકી નેવલ કાફલા પરના હુમલાને પણ ખોટો ઠરાવનારાઓનો તોટો નહોતો. અમેરિકાએ  જાપાન પર હુમલો કરવા માટે બહાનું જ જોઈતું હતું. એટલે જાપાનના હાથે પર્લ હાર્બરમાં માર ખાધો. અને આમ બીજા વિશ્વયુદ્ધમાં સાથી દેશોએ ભેગા મળીને લડાઈમાં પ્રવેશ કર્યો. આ ૯/૧૧ની વાતો તદ્દન ખોટી કહેનાર હવે એટલું તો કહે છે કે એ બનાવ બન્યો હતો; પરંતુ એવું કહેવાનું નથી ચૂકતા કે ‘એમાં અમેરિકાનો જ હાથ હતો.’
છેલ્લે, અમેરિકી પ્રમુખો આવશે અને જશે. પ્રે.ઓબામા ઇલેક્શન જીતે કે ન જીતે; પરંતુ બિન લાદેનની વાતો તો સદીઓ સુધી જાતજાતની વાતોના તરંગોમાં ઝોલા ખાશે. અફઘાનિસ્તાનની કંદરાઓ અને ગુફાઓમાં લોકોને રાતે બિન લાદેન હરતોફરતો નજરે આવશે. કદાચ કોઈ બહાદુર ગુજરાતી (અફઘાન નહીં) બિન લાદેનની ગુફાઓના દર્શન કરાવતી ટુર

પણ ચાલુ કરે. એક આડવાત, તમને ખબર છે - જાપાનમાં આવેલા સુનામીનું કારણ ? અમેરિકાના નેવેડા સ્ટેટમાંથી સેટેલાઈટ પર મોકલાયએલા તરંગોથી દરિયામાં ધરતીકંપ સર્જાયો હતો તે છે.
શું કરે, અમેરિકાની કુંડળીમાં જશ જ નથી ત્યાં !

લખ્યા તારીખ -૩જીમે, ૨૦૧૧