આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દર્શને, પોતાના પિતા ગોપાલભાઈને કહ્યું, ‘‘બાપુજી, સાહેબને તમારો પાસપોર્ટ બતાવો.’’ બાપુજી કોટના ખિસ્સામાં ફાંફાં મારવા લાગ્યા. બાપુજીને પાસપોર્ટ હાથ લાગતો નહોતો. અને દર્શન ભારપૂર્વક બોલ્યો, ‘‘મેં તમને થોડા વખત પહેલાં તો આપ્યો હતો !" દર્શનનો ગુસ્સો સમજી શકાય તેમ હતો. લાઈનમાં તેમની પાછળના લોકો હવે ઊંચા– નીચા થતા હતા.
દર્શન અને તેના બાપુજી અમેરિકા જતા હતા. તેઓ અમદાવાદના એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઈનમાં ઊભા હતા. હવે વાત એમ હતી કે બેટા દર્શનને બાપુજી ગોપાલભાઈને અમેરિકા લઈ જવા હતા અને બાપુજીને જવું નહોતું. આમ જોઈએ તો આ મુશ્કેલી બે પેઢીઓ વચ્ચે આજકાલ બહુ દેખાય છે. માબાપ અને છોકરાંઓ વચ્ચેના પ્રેમમાં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા ટપકી પડે છે !
ગોપાલભાઈ જાતે અને ધન્ધે સોની હતા. મૂળ નાનકડા રાજપીપળા ગામમાં સોનીની દુકાન હતી. ગોપાલભાઈએ વરસોથી ચાલતો આવતો બાપદાદાનો ધન્ધો ચાલુ રાખ્યો હતો. તેઓ રજવાડાના પણ સોની હતા. એટલે વડવાઓની મિલકત પણ હતી. ગોપાલભાઈની આવક પણ સારી રહેતી. તેમણે પોતાના બે દીકરાઓને પણ વડોદરાની યુનિવર્સિટીમાં ભણાવ્યા હતા. મોટો દર્શન આર્કિટૅક્ટ થયો હતો અને નાનો આશિષ સિવિલ એંજિનિયર થયો હતો. ગોપાલભાઈ અને એમનાં પત્ની ભાનુબહેનની હમ્મેશાં એવી ઇચ્છા
રહેતી કે સોનીના ધન્ધામાં હવે કાંઈ રહ્યું નથી. અને છોકરાઓએ તો આ મજુરી કરવાની જ નથી. આમ જુઓ તો ગોપાલભાઈ મજૂરી નહોતા કરતા. ખરેખર તો એમના નકશીકામને કોઈ ન પહોંચી શકે. એ બહુ મોટા કારીગર હતા. તેમણે બન્ને દીકરાઓને પરણાવ્યા હતા, વહુઓ પણ ભણેલી ગણેલી, નાતની મળી હતી. દર્શનને અમદાવાદમાં આર્કિટૅક્ટની નોકરી મળી. ગુજરાત કૉલેજ પાસેના એક બિલ્ડિંગમાં એક ફ્લેટ ભાડે રાખી લીધો. એણે બા બાપુજીને અમદાવાદ બોલાવી લીધા.
બાપુજીને અમદાવાદ પણ આવવું નહોતું. એમનું અને ભાનુબાનું જીવન રાજપીપળામાં સુખેથી જતું હતું. ગોપાલભાઈ ખૂબ જ ધાર્મિક હતા. રોજ સવારે નહાઈને સૌ પહેલાં રાજ રાજેશ્વરના મંદિરમાં શંકરની પૂજા કરતા. પછી શરીર ઉપર બાંડિયું, ધોતિયું અને માથે બ્રાઉન કલરની ટોપી પહેરતા. જૂના જમાનાના ગોપાલભાઈ હમ્મેશાં એમની બ્રાઉન ટોપી જ પહેરતા. આ ગણવેશ તેમણે આખી જિન્દગી સાચવી રાખ્યો હતો. તેમણે દીકરા દર્શન સાથે ખૂબ દલીલો કરી. દર્શને અને આશિષે બાપને સવારથી સાંજ, નાની પાતળી છેડેથી વાળેલી તાંબાની ફૂંકણીથી, ગલોફા ફુલાવી ફુલાવીને ફૂંકતા જોયા હતા. ખોળામાં સમાય એટલી નાની ભઠ્ઠીમાં કોલસા ઊંચાનીચા કરતા જોયા હતા. બન્ને છોકરાઓને ડર હતો કે ભવિષ્યમાં બાપુને ફેફસાંનું કેંસર થાય તો ? બન્ને દીકરાઓના અતિશય આગ્રહ અને ભાનુબાના મનામણાં પછી, છેવટે ગોપાલભાઈ માની ગયા. અને અમદાવાદ આવી ગયા તેમને વતન વહાલું હતું. કોઈ દિવસ ઘર હોય અને પાછું આવવું હોય તો અવાય એમ સમજીને રાજપીપળાનું ઘર તો ન જ વેચવા દીધું.
અમદાવાદમાં ગોપાલભાઈ ઠરીઠામ થવા લાગ્યા. તે રહેતા હતા તે હાઈ રાઈઝ બિલ્ડિંગની આજુબાજુ બીજાં એવાં જ બિલ્ડિંગ હતાં. તેની વચ્ચે એક મઝાનું નાનકડું શંકરનું મંદિર હતું. શંકરજી તો નામના જ, બાકી કોઈ માતાજીના ભક્તોએ માતાજીને પણ ગોઠવ્યા હતાં. અને ઓટલા પર સાંઈબાબા અને હનુમાનજીને પણ બેસાડ્યા હતા. લોકોને જગ્યાની મારામારી હતી. તેની અસર ભગવાનો પર પણ પડતી હતી. તેમ છતાં ગોપાલદાદાને તેનો જરાય વાંધો ન હતો. પૂજાપાઠ પતે એટલે દાદા ગુજરાત કૉલેજ તરફથી સીધા લૉ ગાર્ડનમાં ચાલવા જતા. આ ગાર્ડન તેમને ફાવી ગયો હતો. ગાર્ડનનું એક ચક્કર માર્યા પછી તે એક ભાગમાં આવેલા સામસામા ગોઠવાયેલા છ-સાત બાંકડાઓ તરફ જતા અને ત્યાં બેસતા. આ જગા પર દસબાર રિટાયર્ડ કાકાઓ ગોઠવાતા. માનોને કે સિનિયર પુરુષોની ક્લબ જ તો ! આ મંડળમાં રિટાયર્ડ ઓફિસરો, પ્રૉફેસરો, બિઝનેસમૅનો વગેરે મળતા. સૌની પાસે પોતાના ફિલ્ડનું પુષ્કળ જ્ઞાન હતું. ગોપાલદાદા પાસે જીવનનો અનુભવ હતો. ઉપરાંત આજ સુધીમાં વાંચેલા ધર્મગ્રંથોનું જ્ઞાન હતું. લગભગ રોજ નવા નવા વિષય પર ચર્ચા થતી. આ ગ્રુપમાં એક બે રિટાયર્ડ એન.આર.આઈ પણ હતા. લૉ ગાર્ડન દરરોજ બારથી બે, છોડવાઓને અને ઘાસને પાણી પીવડાવવા બંધ રહેતો. ત્યારે બાર વાગ્યા સુધી આ સિનિયરો ગાર્ડનનો લાભ ઉઠાવતા હતા. ગોપાલભાઈને પોતાના જ બિલ્ડિંગમાં રહેતા, રતિભાઈ સાથે ફાવી ગયું હતું. રતિભાઈ રિટાયર્ડ ઇન્કમ ટૅક્સ ઓફિસર હતા. લૉ ગાર્ડનમાંથી, ગોપાલદાદા ઘરે જતા, જમતા, બપોરે આરામ કરતા અને પાંચ વાગે એક ઝવેરીની દુકાન પર ત્રણચાર કલાક કામ કરતા. આ કામ, એટલે ગોપાલભાઈએ બેઠાબેઠા સોનાના દાગીનાની ચકાસણી કરવાની અને માલિકને કયો નવો માલ ખરીદવા લાયક છે એની સલાહ આપવાની. એમને એ કામ ગમતું. એમાં મજુરી નહોતી. કોઈક વાર રાતે રતિભાઇ પણ બેસવા આવતા અને વાતો કરતા. ઘણીવાર ભાનુબહેન પણ જોડાતાં હતાં. રતિભાઈ, ગોપાલદાદાથી બે પાંચ વરસ નાના હતા. વિધુર હતા. બાળકો નહોતાં. હવે તો સારા મિત્રો બની ગયા હતા. આમ દિવસ આનંદથી વીતી જતો.
જીવનના દાગીના માંડ ગોઠવાયા હતા. તેમાં મોટો દર્શન અમેરિકા ગયો અને તેણે નાના દીકરા આશિષને પણ બોલાવી દીધો. બન્ને ભાઈઓ ન્યુ જર્સીમાં નજીક નજીક ગોઠવાયા હતા. મોટો દર્શન ન્યુ યૉર્કની એક આર્કિટૅક્ટ ફર્મમાં કામ કરતો. નાનો આશિષ ન્યુ જર્સી સ્ટેટમાં સિવિલ એંજિનિયરિંગ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો. વૃદ્ધ માબાપ અમદાવાદમાં રહેતાં. એમનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલતો. તેઓ સુખી હતાં.
હવે, દીકરાઓને ગિલ્ટી ફિલિંગ(સ્વદોષ–ભાવના)થતી. તેમને થતું કે ઘરડાં માબાપને અમદાવાદમાં એકલાં છોડ્યાં અને પોતે અહીં આવી ગયા. મોટરોમાં ફરીએ, મોટાં ઘરોમાં રહીએ; પરંતુ જે માબાપે આપણને મોટા કર્યા તેને ઘડપણમાં છોડીએ ? માબાપને પણ મનમાં તો થોડો અજંપો રહે; પણ હમ્મેશાં કહે કે, ‘‘તમે ત્યાં નિરાંતે રહો. આ દેશમાં તમારે માટે મોટી–સારી નોકરીઓ નહોતી અને તમને પૈસાની તંગી રહેતી. તમે ત્યાં સુખથી રહો. અમે અહીં આનંદમાં છીએ. સાજે–સમે, મિત્રો-પાડોશીઓ મદદ કરે છે. સૌ અમારી સ્નેહથી સંભાળ રાખે છે.’’ તેમ છતાં દીકરાઓ દર વરસે અમદાવાદ એક મહિનો રહેવા આવતા. હવે તો તેમને બાળકો થયાં હતાં. મોટાને બે દીકરા, બે અને ચાર વરસના હતા અને નાનાને એક દીકરી હતી બે વરસની. ગોપાલભાઈને પોતાનાં પૌત્રો-પૌત્રી જોડે સમય વીતાવવાનો ગમતો; પરંતુ એ લોકો અમેરિકા પાછા ફરતાં ત્યારે બહુ દુખી થતાં.
ભાનુબહેન છોકરાંઓને કહેતાં કે, ‘‘ભાઈ, તમે હવે બહુ કમાયા. ઘરે આવી જાઓ.’’ ભાનુબહેનની વાત ખરી હતી. માનું હૃદય હતું. તેમને લાગતું કે જે છોકરાઓ માટે આખી જિન્દગી વૈતરું કર્યું, તે ઘડપણમાં કામ નથી લાગતા. બીજા લોકો ભલા છે. પણ આપણું પેટ એટલે આપણું જ પેટ ! પૈસા આપે છે; પણ નાનાં ભૂલકાંને અને તેમને પ્રેમ તો નથી અપાતો - નથી લેવાતો. ગોપાલદાદાની તબિયત તો સરસ હતી; પણ એમને પણ દિલમાં છોકરાંઓનો ઝુરાપો તો રહેતો. ઉપરાંત ભાનુબહેનને હાય બ્લડ પ્રેસરની પણ માંદગી રહેતી. એમને કયારે કંઈ થઈ જાય તે કહેવાય નહીં એમ એમને લાગતું. અને થયું પણ તેમ જ, ભાનુબહેનને હાર્ટ એટૅક આવ્યો. અને દીકરાઓ અમેરિકાથી દોડી આવ્યા; પરંતુ ભાનુ બહેનની લોહીની ધમની ફાટી જતાં તેમને બચાવી ન શકાયાં અને તેમનું અવસાન થયું. બાનાં ક્રિયાકર્મ પતી ગયાં પછી બન્ને દીકરાઓએ નક્કી કર્યું કે ગોપાલદાદાને અમેરિકા લઈ જવા. એમને માટે મોટા દીકરા દર્શને કાગળિયાં કરવાની તૈયારી આરંભી દીધી.
હવે આ બાજુ ગોપાલદાદાને અમેરિકા નહોતું જવું. તેમણે દીકરાઓને કહ્યું કે "મારું ઘર આ છે. આ મારો દેશ છે. આ ભુમિ મારી મા છે. તમારી જેમ મારી પાસે મારી માને ત્યજવાને માટે કોઈ કારણ પણ નથી. અહીં મારો દેવ છે. અહીં મારા મિત્રો છે." દીકરાઓ કહેતા કે, "અહીં તમને કંઈ થઈ જાય તો ? ત્યાં તો અમે છીએ. સરસ મૅડિકલ સગવડ છે. વધુમાં તમારાં જ પૌત્ર-પૌત્રીને દાદા મળશે.’’ અને દાદા કહેતા કે, "જ્યાં આખું જીવન ગાળ્યું છે ત્યાં મરવું પણ ગમશે. તમારે ત્યાં સવારે ઊઠું ત્યારથી મારે શું કરવાનું ? તમારા ઘરમાં ટી.વી. જોવાનો. મારે છોકરાં સાચવવાનાં, ચોપડીઓ વાંચવાની. ઇન્ડિયન ચેનલ પર ફિલમ જોવાની. ત્યાં રતિલાલ જેવા મિત્રો ક્યાંથી લાવવા ? મારા લૉ ગાર્ડનના મિત્રો તો મારા માટે થેરાપી સમાન છે. મારાં સુખદુ:ખની વાતો સાંભળવાનો તમને અમેરિકામાં સમય મળશે ?’’
તેમ છતાં મોટો દર્શન છ મહિનામાં ગોપાલભાઈ માટે વિઝા-પાસપોર્ટ-ટિકિટ બધું તૈયાર કરીને તેમને અમેરિકા લઈ જવા હાજર થઈ ગયો. આ બાજુ ગોપાલદાદાને અમેરિકાના નામમાત્રથી ગુસ્સો આવતો. ઘર છોડવાના વિચારમાત્રથી રોવું આવતું. તેમને થતું કે, પૈસા ખાતર વતન છોડીને અમદાવાદ આવ્યા. હવે અમદાવાદમાં જેમતેમ ઠેકાણે પડ્યાં ત્યારે ઘર છોડવાનું ? દેશ છોડવાનો ?’ પછી રતિભાઈ તેમને સમજાવતા. તેમને કહેતા કે, ‘‘ગોપાલભાઈ, પાંચ છ મહિના રહી આવો ! ના ગમે તો પાછા ! ઘર ચાલુ રાખવાનું. વેચવાનું નહી.’’ અને એ જ વાત દર્શન કરવા લાગ્યો. છેવટે ગોપાલભાઈ માની ગયા અને જવા તૈયાર થઈ ગયા. તેઓ આટલા જલદી માની ગયા. જાણી રતિભાઈને પોતાને થોડી નવાઈ લાગી. પરંતુ આથી સંતોષ પણ થયો. ઘરની બધી કાળજી લેવાનું સ્વીકાર્યું. અને એમને વિદાય આપવા એરપોર્ટ પર પણ ગયા.
અમદાવાદના એરપોર્ટ ઉપર દર્શન અને ગોપાલભાઈને ભેટીને રતિભાઈએ ગેટ ઉપર વિદાય આપી. બાપ–બેટાએ સિક્યુરિટી ચૅક કરાવ્યું અને ઈમિગ્રેશનની લાઈનમાં ઊભા રહ્યા. ત્યાં આ પાસપોર્ટની ગરબડ થઈ. ગોપાલભાઈ પાસપોર્ટ શોધવા લાગ્યા.
દર્શને ગોપાલભાઈના કોટના ખિસ્સાં જાતે તપાસ્યાં; ખમીસનું ખિસ્સું પણ તપાસ્યું. હવે તે બેબાકળો થવા માંડ્યો. તે બન્ને લાઈનમાંથી નીકળી ગયા. ગોપાલભાઈ તેની શોધમાં સહકાર આપતા. હાથની બેગ આખી ફેંદી વળ્યા. દર્શનને કંઈ ન મળ્યું. દર્શન હાંફળોફાંફળો થતો સિક્યુરિટી ઓફિસરને પૂછવા લાગ્યો. તે એક જ વાત બોલતો કે, ‘‘હમણાં તો પાસપોર્ટ હાથમાં હતો !’’ હવે તે ગોપાલભાઈ પર ચિડાવા લાગ્યો. ‘‘બાપુજી, છેવટે તમે પાસપોર્ટ ખોઈને બેઠાને !’’ બીજી બાજુ અંદરથી બોર્ડિંગનો કૉલ આવ્યો. તેણે ના છુટકે, દૂર કાચની દિવાલની બહાર ઊભેલા રતિકાકાને હાથનો ઇશારો કરી સમજાવ્યું કે બાપુ બહાર આવે છે. તેણે ગોપાલદાદાને તેમની બેગ આપી દીધી. અને પોતે દોડ્યો ઇમિગ્રેશનની લાઈનમાં.
ગોપાલદાદાને એક બે ઓફિસરોએ ચૅક કર્યા અને પછી બહાર જવા દીધા. ગોપાલદાદા બહાર આવીને સીધા રતિભાઇને ભેટ્યા. રતિભાઈને કંઈ સમજાયું નહીં ! ‘‘તમે પાછા કેમ આવ્યા ?’’ ગોપાલભાઈ કહે, ‘‘મારો પાસપોર્ટ ખોવાઈ ગયો એટલે ન જવાયું.’’ રતિભાઈ કહે, ‘‘એ વાતમાં માલ નથી. હું ન માનું તમારી વાત. એમ બને જ કેમ ?’’ દાદા કહે, ‘‘હું તમને બધું પછી કહું છું.’’
હવે સવાર પડવા આવી હતી. ગોપાલભાઈ દૂર ઊગતા સૂરજને જોઈ રહ્યા. આજે આ સવાર બહુ રૂપાળી લાગતી હતી. તેમણે સૂર્યદેવને નમન કર્યા. રતિભાઈ તરફ જોઈને માથા પરની બ્રાઉન ટોપી ઊંચી કરી. તેમાંથી પોતાનો પાસપોર્ટ ખેંચી કાઢ્યો. અને રતિભાઈ સામે ફરકાવવા માંડ્યો. રતિભાઈને હવે ખબર પડી કે ગોપાલભાઈ અમેરિકા જવા પાછળથી કેમ આટલા ઝટ માની ગયા હતા. તે કાંઈ બોલે તે પહેલાં ગોપાલભાઇ બોલ્યા, ‘‘ચાલો ચાલો, રિક્સા પકડી ઘેર પહોંચી જઈએ. નહીં તો લૉ ગાર્ડનમાં મોડા પડીશું.’’
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Read more...