આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? આ સવાલનો જવાબ કોઇ વક્તાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે વક્તા કાગળમાંથી ડોકું ઊંચું કરી ઓડિયન્સ તરફ જુએ તો તેમને તુરત જ સમજ પડી જાય. એક વક્તા દેશની જાગૃતિ પર પ્રવચન આપતા હતા.અને તેમની નજર પહેલી હરોળમાં ઊંઘતી સ્ત્રી પર પડી-તેમણે તેમનું ભાષણ અટકાવી, તેની બાજુમાં બેઠેલા ભાઇને કહ્યું,”આ તમારા પત્નીને ઉઠાડોને ! તે ભાઇ બોલ્યા. “તમે સુવડાવી છે. તમે ઉઠાડો.”
આનો અર્થ એ લેવાનો કે અનિદ્રાનો રોગ દૂર કરવા કોઇનું પણ ભાષણ સાંભળવું જોઇએ.સામાન્યરીતે તેમ કરવામાં ખર્ચ તો જરાય થતો નથી.ઉપરથી ચહા પાણી અને નસીબ હોય તો નાસ્તો પણ મળે. બીજા લોકોના ભાષણોનો બહુ પરિચય નથી,પરંતુ કોઇપણ ગુજરાતી સંસ્થામાં અપાતા ભાષણોને જોવાનો અનુભવ છે.તેને પુરેપુરું સાંભળવા જેટલી મારી ધીરજ નથી હોતી-પ્રસંગ જ્ઞાતીનો હોય,ભાષાનો હોય,ધર્મનો હોય ,કે પોલિટીક્સનો હોય ત્યારે લોકોને માથે ભાષણો ફટકારવાની પ્રથા છે.જો આપણે એ ભાષણો છપાયેલા જોઇએ અને વાંચવા પ્રયત્ન કરીએ તો વાંચતાં કલાકેક લાગે.ત્યારે વિચાર આવે કે જયારે આ પ્રવચન ચાલતું હશે ત્યારે કેટલા માઇના લાલ સાંભળતા હશે? હા, એક વ્યક્તિ જરૂર સાભળે છે, તે છે બોલનાર પછીનો વક્તા.તેને એમ કે આ પુરું કરે તો સારું. જેથી લોકોને ટોર્ચર કરવાનો આપણો વારો આવે.અને એના ભમરડાની જાળી તપતી હોય છે.
ભાષણની વાત આવે તો અમારા રાજપીપળાના મહારાજા અવશ્ય યાદ આવે-મહારાજા રાજેન્દ્રસિંહજી વરસમાં એક વખત પોતાના પિતાશ્રીએ બંધાવેલી ભવ્ય ઇમારતવાળી હાઇસ્કુલની વિઝીટ મારતા. આઝાદી પછી દશ -પંદર વરસ સુધી પ્રજા,રાજાને માન આપતી. અમારી હાઇસ્કુલમાં મહારાજા આવે એટલે અમે ખુશ થઇ જતા.અમને સેન્ટ્રલ હોલમાં ભેગાં કરતાં-અમારા સંગીત માસ્તર પોતાની નોકરીની અગત્યતા જાળવવા,સ્કુલની છોકરીઓ પાસે ચાર પાંચ સ્વાગત ગીત ગવડાવતા. એકવાર પ્રિન્સીપાલે કહ્યું “હવે મહારાજા સાહેબ,પ્રેરણાદાયક બે શબ્દો કહેશે.” મહારાજાએ બેઠા બેઠા કહ્યું-“નથી કહેવા”. પછી પ્રિન્સીપાલે જાહેરાત કરી કે “પ્રવચનની જગ્યાએ મહારાજાસાહેબે આપણાં વિદ્યાર્થીઓને દૂધ પીવાના સો રૂપિયાનું દાન કર્યું છે.”ભાષણના બદલે દૂધ મળે તો આપણે ખૂશ થવાનું ને ! મહારાજાનું આગમન અમે દર વરસે વધાવી લેતાં.અને મહારાજા સાહેબે આ પ્રથા દર વરસે ચાલુ રાખી હતી-હા, પાછલા વરસોમાં દૂધ મોંઘું થયું ત્યારે બસો રૂપિયાનું દાન કરતા.તે સમયમાં નવી નવી મળેલી આઝાદીને વધાવવા છાશવારે કોંગ્રેસી નેતાઓ પણ અમારી સ્કુલમાં પધારતા અને અમને કહેતા કે “તમે દેશનું ભવિષ્ય છો.” અને સાથે લાંબા લાંબા ભાષણો ઠોકતા અને પોતે બાપુજીના ખરા વારસદાર છે એમ અમને ઠસાવવા પ્રયત્ન કરતા. કોઇક કોંગ્રેસ નેતા તો એવું પણ ઠસાવતા કે એ પોતે ન હોત તો બાપુજીને આઝાદી હાંસલ કરતાં હજુ વાર લાગી હોત. હવે આ લોકોને કારણે અમારા મહારાજા અમને વ્હાલા વ્હાલા લાગતા.
મારું માનવું છે કે પ્રવચનો થતાં હોય ત્યારે જે શ્રોતા, વક્તાની સામે ટગર ટગર જોતા હોય છે. તે સહેલાયથી હિપ્નોટાયઝ થઇ જાય છે અને તેમની આંખો બિડાય જાય છે.આમાંથી બચવું હોય તો બોલનાર સાથે આંખ જ નહીં મિલાવવી. આમાં સ્ટેજ પર બેઠેલાની સ્થિતી સૌથી દયાજનક હોય છે.ઊંઘ આવે તો આપણે તો ઓડિયન્સમાંથી ઊભા થઇને બહાર આંટો મારી આવીએ.પરંતુ સ્ટેજ પર બેઠાં બેઠાં ઝોખું પણ ન ખવાય અને ઉઠાય પણ નહીં.તેમાં સભાપ્રમુખનો તો મરો જ.તેમણે બધાંના બોરિંગ લેક્ચરો સાંભળવા પડે જો કે એમને મનમાં એક શાંતિ હોય છે કે છેલ્લે આ બધા અત્યાચારોનો બદલો લેવાની તક મળશે.
અમારે ત્યાં અમેરિકામાં તો પહેલીથી નક્કી હોય કે આપણે ફલાણા સંમેલનમાં મળીશું. ચા પાણી -ભોજનનું પણ ત્યાં જ પતી જાય.અને પ્રેમથી મિત્રને પણ ભેટાય. એટલે આવા સમ્મેલનમાં હૉલ કરતાં બહાર વધુ લોકો હોય છે. તેમાં કોઇ ધાર્મિક કથામાં પણ એ જ દશા. કથામાં તો લોકો સમજીને જ આવે છે કે આપણે રામ કે કૃષ્ણની વાતો સાત દિવસ સાંભળવાની છે. એટલે કંટાળાનો સવાલ જ નથી.એ કથામાં કોઇ થાક્યો પાક્યો ઊંઘતો હોય તો લોકો એના તરફ દયાદ્રષ્ટિ રાખી ઊંઘવા દે છે. મને સ્વામિનારાયણ મંદિરમાં જવાનું ગમે છે.એ જ મંદિર એવું છે કે જેમાં મારે મારી પત્ની સાથે બેસવું નથી પડતું. એટલે હ~ઓલમાંથી ઊઠીને બહાર જતાં કોઇ ન રોકે.અને જો બેસી રહીએ તો ધ્યાનના બહાને આંખો મીંચીને બેસવાનું અને માથું ટટ્ટાર રાખીને એકાદ ઊંઘ ખેંચી કાઢવાની.અમેરિકામાં ધાર્મિક કથાઓમાં પણ બહાર મિટીંગ તો ચાલતી જ હોય. પરંતુ લંડન જેવામાં તો હૉલની બહાર થોડું ચાલો, ત્યાં પબ મળે-જ્યાં બિયરની ચુસ્કીઓ લેતાં લેતાં મિટીંગ થાય અને આવી મિટીંગનો તો નશો જ ઓર હોય છે.
આમાં ભાષણનો વિષય અગત્યનો છે. વિષયની વાત કરીએ તો વડોદરા યુનિ.માં ભણતો હતો ત્યારે પ્રો.રાનડેના બાયોલોજીના કલાસમાં મને કાયમ ઊંઘ આવતી.જયારે જુઓ ત્યારે તે “રાના ટિગ્રીના” પર બોલતા હોય આથી જ અમે તેમને “દેડકા સર” કહેતા.પ્રો.જી.કે.જી.જોષીના ઇંગ્લીશના પિરીયડમાં તો મને સપના પણ આવતા.અમારી ટેક્ષ બુક- વિલીયમ થેકેરેની “વેનિટી ફેર” તો સપનામાં જ પતી.સામાન્ય રીતે જોષી સાહેબ મારી આ ટેવ સહન કરી લેતા. ફ્ક્ત એક વખત કલાસમાંથી કાઢી મુક્યો હતો.અને હું બહાર નિકળતો હતો ત્યારે તે બોલ્યા-“ આઇ ડોન્ટ માઇન્ડ યુ સ્લીપીંગ, બટ આઇ હેઇટ સ્નોરિંગ.”પાછળથી મારા મિત્રે જણાવ્યું હતું કે મારા નસ્કોરાં બોલતા હતા.
મને યાદ આવે છે,ભટ્ટ સાહેબ. અતુલ પ્રોડક્ટસમાં ,જીવનની મારી પહેલી નોકરી હતી. કોલેજ હજુ હમણાં જ પતી હતી .અને નોકરીનો અર્થ પણ મને ખબર નહોતી. ભટ્ટ સાહેબનો એક શિરસ્તો હતો. બધાં કેમિસ્ટને પોતાની ઓફિસમાં બોલાવી-પોતે બહુ કડક અને શિસ્તના ચાહક છે.એમ અમારા મગજમાં ઠસાવવા લાંબાં લાંબા લેક્ચર મારતા.ત્યારે તેમની આંખોમાં આંખ મેળવવી, એ બહુ જોખમની વાત હતી એટલે એ જ્યારે મને કોઇ પણ પ્રકારનું લેકચર આપતા હોય તો હું બારીની બહાર જોતો. એક દિવસે ભટ્ટ સાહેબે પૂછ્યું “હું બોલું છું ત્યારે બારીની બહાર શું જુઓ છો?” મેં કહ્યું કે “સાહેબ,આપણાં સિનીયર કેમિસ્ટ શાહ સાહેબે મને શિખવાડ્યું છે કે જયારે તમે સામે બેસાડીને લેક્ચર આપો તો બારી બહારના લીમડાના પાંદળાં ગણવાના.-બધાં કેમિસ્ટ તેમ કરે છે.અને મેં તો બુક પણ બનાવી છે.” બીજે દિવસે ભટ્ટ સાહેબે બારી બંધ કરાવી દીધી પણ લેક્ચર આપવાનું તો ચાલું જ રાખ્યું. જીવનમાંનો એ બોધપાઠ હવે પરણ્યા પછી કામ લાગે છે. પત્ની જ્યારે પણ લાંબું લેક્ચર આપે છે તો ઘરની બહાર દેખાતા “ઓક ટ્રી” ના પાંદડાં ગણું છું.અને એ વાત હજુ પત્નીને કહી નથી-એ ડરથી કે કદાચ બારણું જ બંધ કરાવી દે તો?
એટલે વિષય ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે.ગુજરાતી ભાષાના પ્રવચનો ખૂબ ભારેખમ હોય છે.એક તો વિષય જ શુષ્ક-ફલાણા યુગની કવિતાઓ કે ગુજરાતી ભાષાનો ઇતિહાસ કે પછી ફ્લાણા કવિ કે લેખકની કૃતિઓનું રસ દર્શન. જ્યારે આવા વિષય સ્કુલ અને કોલેજમાં અભ્યાસક્રમમાં ભણવામાં આવતા ત્યારે નહોતા સાંભળતા. તો હવે સ્વેચ્છાથી સાંભળવા ગમે ખરા? ઊંઘવા માટે, કવિ સંમેલન નકામા.એક કવિની કવિતાથી કદાચ ઊંઘ આવતી હોય ત્યાં બીજા કવિ આવે એટલે ઊંઘ ઊડી જાય. અને જો કવિઓએ નક્કી કર્યું હોય કે બધાંએ બે કૃતિ વાંચવાની.અને જો કોઇ કવિ ત્રીજી કવિતા વાંચવા બેસી ગયા તો તેમના પર ચિઠ્ઠીઓ આવવા માંડશે. ઓડિયન્સમાંથી નહીં પરંતુ પાછળ બેઠેલા બીજા કવિઓ તરફથી. એટલે આપણી આવતી ઊંઘ ઉડી જાય. અને તેમ ઓછું કોય તેમ લોકો વાહ વાહ કરી ને ઊંઘવા નહીં દે! ભાષણ સાંભળવાની મઝા તો આપણાં વડા પ્રધાન શ્રી મનમોહન સિંહના ભાષણમાં. હું કહું છું કે “મનમોહનસિંહને કોઇ દુશ્મન જ નથી. કારણ કે એ શું બોલે છે તે જ કોઇને સમજાતું નથી. વળી તે હિંદીમાં બોલે છે કે ઇંગ્લીશમાં તે પણ સમજાતું નથી.” એ એમની જાતે નીચું ડોકું કરીને બોલ્યે જાય છે.મને તો લાગે છે કે દુનિયામાં સૌથી બોરિંગ પ્રવચનો દરેક દેશની પાર્લામેંટમાં થતા હશે. તેમ છતાં ઊંઘવા માટે પાર્લામેંટ નકામી.પુષ્કળ બૂમાબૂમ થતી હોય છે.આપણે ત્યાં તો વિરોધ પક્ષ વિરોધ કરવાનું નક્કી કરીને જ આવે અને ગાદી પર બેઠેલા પક્ષના પ્રધાન બીજા એમ.પી.ના માથામાં જાત જાતના આંકડા ફટકારે.એટલે એમ.પી. લોકોને ઊંઘ આવે ખરી ? મને લાગે છે કે એ ઊંઘ ઉડાડવા માટે જ આ સભ્યો,બૂમો પાડતા હશે. અને ગાળા ગાળી કરતા હશે.
છેલ્લે,કદી વિચાર્યું છે કે જે લોકોને ભાષણોમાં ઊંઘ આવતી હોય છે તે લોકો કરીના કપૂર સ્ટેજ પર બેસીને બીજું કાંઇ જ ન કરવાની હોય અને ફક્ત છીંકો ખાવાની હોય તો તેને જોતાં મટકું પણ નહીં મારે !
-
સાને ગુરુજીZazi.com © 2009 . All right reserved |
Read more...