આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કચકડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું,
સૈયર શું કરીએ?
ફળિયે રોપ્યો લીંબોળીનો કાચો છોડ,
કાચો રે પડછાયો એમાં તકલાદી થડ ફરે,
ખડખડ કરતું પડે પાંદડું ભણકારા અવતરે,
ખરબચડી કેડી પર પાની પરવાળાની માંડું
સૈયર શું કરીએ?
અડધે મારગ ઠેબે આવ્યું રાતું ફૂલ
રાતું રે અજવાળું એમાં લીલો સૂરજ તરે,
પડતર પાંપણના તોરણથી ખરખર નીંદર ખરે
સપનાનું સાંબેલુ લઇને ઉજાગરાને ખાંડું
સૈયર શું કરીએ?
...
ઊનાં રે પાણીનાં અદ્ભૂત માછલાં
ઊનાં રે પાણીનાં અદ્ભૂત માછલાં -
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ,
સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં ઃ
ઊનાં રે પાણીનાં....
સાતે રે સમંદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ,
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં ઃ
ઊનાં રે પાણીનાં....
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં ઃ
ઊનાં રે પાણીનાં....
..................................
ઘેરૈયાનો ઘેરો
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
આજે છે રંગ રંગ હોળી નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !
આવ્યા નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !
જૂની તે પોતડી પ્હેરી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !
ભારે હિમ્મત તમે કીધી, નવાઈલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ !
ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !
ચશ્માંની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ !
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !
મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ !
કાળા કલપમાં બોળો, નવાઈલાલ !
કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ !
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ !
આજે સપરમો દા’ડો નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
...
તારી આંખનો અફીણી
્તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
હે આજ પીઉં દરશનનું અમૃત કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો......
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.....
હે તારા રૂપની... તારી આંખનો...
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરાવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો....
હે તારા રૂપની... તારી આંખનો...
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી, પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો,
હે તારા રૂપની... તારી આંખનો...
ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો,
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.
હે તારા રૂપની... તારી આંખનો...
...
સાંજ પહેલાની સાંજ
હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂયૅવબુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો
હજી કયાં પંખી આવ્યા તરુવર પર?
અને કયાં દીપક પણ પ્રગટયા ઘરઘર?
હજી ના મનડું બેઠું મહુવર પર.
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો...
સાંજ તો પડવાદો.
દિવસને ઢળવા દો.
હજી કયાં દુનિયાદારી થાકી છે?
હવાની રુખ બદલવી બાકી છે.
હજી આ કિરણોમાં કરડાકી છે!
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો!
સાંજ તો પડવાદો.
દિવસને ઢળવા દો.
હજી આધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારકસૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે
કનકકિરણને નભવાદળમાં
અદ્ભુત રંગ રગડવા દો.
સાંજ તો પડવાદો.
દિવસને ઢળવા દો.
...
થોડા શબ્દોની સભા હું છું ગઝલ!
સવૅની સંવેદના હું છું ગઝલ!
કોઇ સમજે પ્રેમની વાતો મને
મશૅિયાની કરુણતા, હું છું ગઝલ?
વાત સૌની તોય કોઇની નથી,
દપૅણો કેરી મતા,હું છું ગઝલ!
શાયરી તો શોર પણ તે મૌન પણ
રિકતતાની ગીચતા, હું છું ગઝલ?
...
કદમ એ રીતે ઉઠવા જોઇએ કે,
સુમન થઇને શૂળો જ રસ્તા બતાવે,
ને મંઝીલતણી ઝંખના હો એવી
ગતિ આપ મેળે જ મારગ બતાવે.
...
તૃપ્ત છતાંયે તરસ્યાં પાણી,
મોસમ વિણ જે વરસ્યાં પાણી.
રણની પણ છાતી ચીરીને
થોર બનીને થરકયાં પાણી.
તણાતી ગઇ
તણાતી ગઇ
તણાતી ગઇ
ને તૂટી.
એક ટૂકડો પત્ની,
બીજો ટૂકડો ગૃહિણી
ત્રીજો મા,
અસંખ્ય ટૂકડામાં
વિભાજીત થઇ
રેત બની ને
રણમાં
પથરાતી રહી
પથરાતી રહી
પથરાતી રહી
...
બંધ આંખોમાં
પીળચ્ચટો અંધકાર
અંગે અંગમાં
વેદનાનાં ઉગ્યા થોર
બંધ મુઠઠી
ખોલતાં જોયો પ્રકાશ
...
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved | Feed Entries |