Print
Parent Category: ચિંતન
Category: સદાશિવ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 
સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૪૧ થી ૬૦
Sri Sadashiv

૪૧. પાંચે તેજ રૂપી અગ્નિઓ પ્રાણ દ્વારા મસ્તકના સપ્ત દ્વાર વાટે બહાર નીકળીને દિવ્ય શક્તિ રૂપે સાધકને છાઇ દે છે, આવરી લે છે. પ્રાણમાંથી નીકળેલી ક્રિયા શક્તિ રૂપી આ પ્રથમ સિદ્ધિ કે શક્તિ છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૨. જે મંત્રનો જે દેવ હોય તે દેવનું વારંવાર મંત્ર સાથે સ્મરણ કરતા હોવાથી તે દેવ પ્રસન્ન થઇને પોતાનામાં રહેલી ઇચ્છા શક્તિ સહિત સાધકના મનમાં રમી જાય છે. અને સાધકની ઇચ્છાઓની સફળતામાં સહયોગ આપે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૩. મંત્રના જે ઋષિ હોય તે ઋષિનું પણ વારંવાર સ્મરણ કરતા હોવાથી મંત્ર દ્રષ્ટા ઋષિ, જેમનામાં મંત્રનું રહસ્યાત્મક જ્ઞાન સંપૂર્ણપણે અંતર્નિહિત હોય છે તે ઋષિ પ્રસન્ન થઇને સાધકના મસ્તકમાં વિરાજમાન થાય છે અને સાધકના અહંકાર તથા જ્ઞાન કે વિચાર શક્તિ ઉપર અધિકાર મેળવે છે. તથા સાધકનું કલ્યાણકારી માર્ગમાં સંચાલન કરીને સાધક સહિત બીજા ઘણાંનું કલ્યાણ સાધે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૨)
૪૪. કોઇ પણ વેદિક મંત્રના ઋષિ, દેવ અને છંદ સાથે પરિચિત થઇને જપ કરતા રહેવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધિ પછી સંકલ્પાત્મક વિનિયોગ વડે મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રયોગ વિધિઓ પણ સાધકની રુચિ, પ્રકૃતિ, સંસ્કાર અને અધિકાર અનુરૂપ પૃથક્ પૃથક્ હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૩)
૪૫. ગાયત્રી મંત્રના ઉદાહરણ સહિત મંત્ર વિજ્ઞાન વિષે લખું છું. ગાયત્રી મંત્રમાં ત્રણ પાદ અને ચોવીસ અક્ષરો છે. પ્રથમ પાદ ‘ૐ તત્ સવિતુર્ વરેણ્યમ્’ માં ‘ૐ’ એક અક્ષર બે માત્રા છે; ‘તત્’ એક અક્ષર બે માત્રા છે; ‘સ’ અને ‘વિ’ લઘુ હોવાથી એક એક અક્ષર અને એક એક માત્રા છે; ‘તુર્’ ગુરુ હોવાથી માત્રા બે પણ અક્ષર એક છે; ‘વ’ એક અક્ષર એક માત્રા છે;
‘રેણ્’ ગુરુ હોવાથી અક્ષર એક અને માત્રા બે છે. ‘યમ્’ ગુરુ હોવાથી માત્રા બે અક્ષર એક છે. આ પ્રમાણે પ્રથમ પાદમાં આઠ અક્ષર અને તેર માત્રા છે. દ્વિતીય પાદ ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ છે. તેમાં પણ લઘુ ગુરુ મળીને આઠ અક્ષર અને તેર માત્રા છે. તૃતીય પાદ ‘ધિયો યો ન: પ્રચોદયાત્’ છે. તેમાં પણ આઠ અક્ષર અને તેર માત્રા છે. સંપૂર્ણ મંત્રમાં ચોવીસ અક્ષર અને ઓગણચાળીસ માત્રા છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૩)
૪૬. મંત્ર જપમાં પ્રથમ વાચિક જપનું વિધાન નથી, પરંતુ નિત્ય નિયમિત અથવા તો વખતો વખત નૈમિત્તિક રૂપે વિહિત ઉપાયે વેદ પાઠ અથવા તો છંદની રીતથી કોઇ પણ સ્તોત્ર પાઠ કરવાની આવશ્યક્તા હોય છે. જો તેમ ન કરે તો વાણીમાં અશુદ્ધિ રહી ગયેલી હોવાથી માનસિક જપ ઠીક ઠીક રીતે થઇ ન શકે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૩)
૪૭. મન ફાવે તે પ્રમાણે માનસિક જપ કરવાથી મનની ચંચળતા વધે છે અને સાથે સાથે પ્રાણની ઉગ્રતા પણ વધે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૪૮. પ્રાણાયામ સહિત માનસિક જપ જો ઠીક ઠીક રીતે થાય તો સાધકના સાધન વેગ અનુરૂપ થોડા સમય પછી મંત્ર-વાણી-મન એક થઇને પ્રાણમાં રમી જાય છે. અને તે પ્રાણમય કોષ સહિત મન સ્થૂળ શરીરમાંથી છૂટું પડી જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૪૯. પ્રાણમય કોષ સહિત મન સ્થૂળ શરીરમાંથી છૂટું પડે છે, ત્યારે સાધકમાં કેટલીક શક્તિઓ પણ આવે છે. જો સાધક સિદ્ધિના ધંધામાં ન પડી જાય તો તેને આગળ વધવા માટે પ્રાણાયામ મૂકીને પ્રત્યાહાર અને ધારણાનો અભ્યાસ કરવો પડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૦. જો ક્રમ માર્ગમાં સાધક આગળ વધવા ઇચ્છતો હોય તો શરીરના ષટ્ ચક્રમાંથી એક એક ચક્રમાં પ્રાણને વાળીને એક સ્થાનમાં કેન્દ્રિત રૂપ પ્રત્યાહાર અને ધારણા-ધ્યાન-સમાધિનો અભ્યાસ કરે. આ પ્રમાણે કાળાંતરમાં સમાધિ સ્થિતિમાં આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. સાથે સાથે ઘણું એવું દિવ્ય જ્ઞાન પણ મેળવી શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૧. ક્રમ માર્ગમાં દરેક ચક્રને વટાવતાં વટાવતાં ઘણાં એવાં ભયના કારણો તથા પ્રલોભનો પણ આવે છે, જે સાધકની પૂરેપુરી કસોટી કરે છે. કદાચ ભય કે પ્રલોભનના કારણે અટકી પડે તો આત્મ સાક્ષાત્કાર માટે વર્ષો અથવા જન્મો પણ વ્યતીત થઇ જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૨. જો સાધકો ક્રમ માર્ગ વડે અતિક્રમણ ન કરતાં એક જ સાથે ષટ્ચક્રોનું ભેદન કરવા ઇચ્છે તો તેઓને પૃથક્ ઉપાય વડે મંત્રોનો અભ્યાસ કરવો પડે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૩. પ્રાણમય કોષને અન્નમય કોષથી છૂટો પાડ્યા પછી માનસિક જપ છોડી દેવા પડશે. શ્વાસની ગતિ પ્રમાણે વાચિક જપ કરવા પડશે. આ જપ વિધિ પ્રથમ કષ્ટદાયક લાગે છે, પરંતુ પ્રાણને શીઘ્ર ઉદ્બોધન કરવામાં બહુ જ ઉપયોગી છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૪. વાચિક જપ વૈજ્ઞાનિક સાધન છે. વાચિક જપમાં પ્રાણાયામ ન કરે તો પણ પ્રાણાયામનું ફળ મળે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૫. એક શ્વાસમાં એક મંત્ર, બે મંત્ર, ત્રણ મંત્ર એમ ધીરે ધીરે વધારતા રહેવાથી, મંત્ર સાથે પ્રાણનું રેચન થતું રહે છે અને બાહ્ય કુંભક થયા કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૪)
૫૬. શ્વાસ ખૂટી ગયા પછી ખૂબ જોરથી ભરીએ કે જેથી પગની આંગળીઓ સુધી પ્રાણની ગતિની ખબર પડે. ત્યાર બાદ મંત્ર તેના દરેક અક્ષર છૂટા પાડી સ્પષ્ટ રીતે બોલાતા રહે. જ્યાં સુધી શ્વાસ ખૂટે નહિ ત્યાં સુધીમાં જેટલા મંત્ર થઇ શકે તેટલા મંત્ર બોલે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)
૫૭. હમેશાં એક પદ્ધતિથી ન બોલતા કોઇ વખતે દ્રુત (ઉતાવળે) છતાં અક્ષર છૂટા છૂટા બોલે અને જ્યારે થાક લાગે ત્યારે વિલંબિત રીતે મંત્ર બોલે, પરંતુ શ્વાસની ગતિ ઉપર આધાર રાખીને જ મંત્ર કરે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)
૫૮. વિલંબિતમાં એક શ્વાસમાં મંત્રની સંખ્યા ઓછી થાય તો ચિંતા નહિ. પરંતુ જેમ બને તેમ આ પ્રમાણે મંત્રનો જપ કરવાની ધારા જેટલા સમય સુધી સંભવ હોય તેટલા સમય સુધી ચાલુ રાખે, કેમકે ત્રુટક ત્રુટક રીતે કરવાથી જોઇએ તેવું ફળ મળતું નથી. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)
૫૯. ધારા પ્રવાહ રૂપે મંત્ર ચાલવાથી શરીરમાં એક પ્રકારની શુદ્ધ ગરમી આવે છે. આ ગરમી શરીરમાં રહેલ વાત, પિત્ત, કફના દોષોનો નાશ કરે છે. વળી તે પ્રાણને ઉદ્દબોધિત પણ કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)
૬૦. જ્યારે થાક લાગે ત્યારે વાચિક જપ બંધ કરીને માનસિક જપ શરૂ કરી દેવા. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)
***
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૪૧થી૬૦-૨જુલાઇ૧૯