આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મુંબઈથી ભુસાવલ જતી રેલ્વે લાઈન પર ૧૮૮ કિ.મી. દૂર મહારાષ્ટ્રમાં નાસીક રોડ રેલ્વે સ્ટેશન આવેલુ છે ત્યાંથી નાસિક શહેર ૮ કિ.મી. દૂર છે. અને અહિંથી મોટર રસ્તે ૨૮ કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ નામનાં પર્વત આવેલો છે. જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને તેની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવના જયોર્તિલિંગનું મંદિર આવેલ છે.
કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા. પરંતુ એક વખત ઝઘડો થતાં બીજા ૠષિઓએ ગૌતમ ૠષિને હેરાન કરવા શ્રી ગણેશજીને રીઝવવા તપ કર્યું. ગણપતિજી પ્રસન્ન થયા ત્યારે આ આશ્રમમાંથી ગૌતમ ૠષિને કાઢી મૂકવાનું વરદાન માંગ્યુ. ત્યારે ગણેશજીએ નિર્બળ ગાયનું રૂપ ધારી ગૌતમ ૠષિ પાસે પડેલું ધાન ખાવા ગયા. જેવા ગૌતમ ૠષિએ ઘાસના પૂળાથી ગાયને અટકાવી કે તરતજ ગાય જમીન પર પડીને મૃત્યુ પામી આ સમયે અન્ય ૠષિઓ દોડી આવ્યા અને કહ્યું કે તે ગૌહત્યા કરી છે, માટે સપરિવાર અહિથી ચાલ્યો જા ત્યારે ગૌતમૠષિ એ ગૌહત્યાના પાપ-નિવારણનો ઉપાય પૂછતાં ૠષિઓએ જવાબ આપ્યો કે ગંગા નદી કે અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ ૧૧ વખત બ્રહ્મગિરિ પર્વતની પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને એ ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપશુદ્ધિ થશે આ પ્રમાણે ગૌતમ તથા અહલ્યાએ કર્યું. આથી ભગવાન શંકર પ્રસન્ન થઈને પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ૠષિએ તેમને પાપ મુકત કરવા કહ્યુ, આ પછી મહર્ષિ ગૌતમની ભકિતપૂર્ણ યાચનાથી બ્રહ્મગિરિના પર્વત ઉપરથી ગંગાજી નીચે ઊતર્યા અને ૠષિના આશ્રમ પાસે થઈને વહેવા લાગી, જયારે તેને કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્ભ એમ ચાર શિવલિંગોના બનેલા જયોર્તિલિંગ સ્વરૂપે શિવજી અહીં સ્થિત થયા. અહીં આ ગંગા નદી ગૌતમીના નામથી પૂજાવા લાગી, એક વખત ઈન્દ્ભએ અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો, તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્ભને કાઢી મૂકયા. તેથી ત્યા ખાડો રહ્યો, આમ ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે.
આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે. આ મંદિરથી થોડે દૂર કુશાવર્ત નામનો કુંડ આવેલ છે.
નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે. આ ઉપરાંત નાસિકથી ૧૧૨ કિ.મી. દૂર વિખ્યાત યાત્રાધામ શીરડીમાં શ્રી દત્તાત્રયના અવતાર ગણાતાં સાંઈબાબાનું મંદિર છે.
ઉત્તર પ્રદેશમાં વરુણા અને અસી નદીઓ જયાંથી વહે છે એ વારાણસીમાં વિશ્વનાથ જયોર્તિલિંગ આવેલું છે. નગરની વચ્ચોવચ ગૌદોલિયા ચોક પાસે સાંકડી ગલીઓમાં આ વિખ્યાત મંદિર આવેલું છે. અહીંથી ગંગાતટ એકાદ ફર્લાંગ દૂર છે. અને લલિતા-ઘાટ સૌથી નજીકનો ઘાટ છે.
શિવજીના લગ્ન પાર્વતીજી સાથે થયા પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર રહેતા હતા. પરંતુ પાર્વતીજીને પોતાના પતિ ઘરજમાઈની માફક પિયરમાં રહે તે ગમતું નહીં. તેથી ભગવાન શિવે નવાં સ્થળો શોધતાં શોધતાં કાશી ક્ષેત્રમાં નિવાસ કરવાનું નકકી કર્યું.
આ વખતે સુદેવના પુત્ર સમ્રાટ દિવોદાસ વારાણસીનગર પર રાજ કરતાં હતા. ભગવાન શંકરે પોતાના સેવક નિકુમ્ભ મારફત નગરને નિર્જન કરાવી બીજા દેવતાઓ અને નાગલોક સાથે ભગવાન શંકર અહીં રહેવા લાગ્યા. રાજા દિવોદાસ પોતાની રાજધાની છીનવાઈ જવાથી ખૂબ જ દુઃખી થયા. તપસ્યા કરીને તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે દેવો દિવ્યલોકમાં, નાગલોક પાતાળમાં અને મનુષ્યો પૃથ્વી ઉપર જ રહેશે. આથી ભગવાન શંકર, દેવતાઓ અતે નાગલોકોને વારાણસી છોડવું પડયું. અને શિવજી મંદરાચળ નામના પર્વત પર ચાલ્યા ગયા. પરંતુ તેમની ઈચ્છા તો અહીં જ રહેવાની હતી. એટલે શંકરજીની પ્રેરણાથી બ્રહ્માજી અને વિષ્ણુ રાજા દિવોદાસ પાસે રહેવા લાગ્યા.
ત્યારબાદ સમ્રાટ દિવોદાસે શિવજીને પ્રસન્ન કરવા તપ કર્યું આથી ભગવાન શંકરે દર્શન આપ્યો. અને દિવોદાસને વારાણસીમાં રહીને રાજ કરવાની અનુમતિ આપીને પોતે અહીં જયોર્તિલિંગ વિશ્વેશ્વર અથવા વિશ્વનાથના નામથી પૂજાવા લાગ્યા છે.
આ ભવ્ય મંદિરના સિંહદ્વારમાં દાખલ થતાં જ નાનકડું પ્રાંગણ આવે છે. અહીં બે ફૂટ ઊંચા ઓટલા પર મંદિર ચણવામાં આવ્યું છે. ગર્ભગૃહની વચ્ચોવચ ચાંદીના ચારેક ફૂટના થાળામાં વિશ્વનાથ મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ બિરાજે છે. આ થાળું દોઢેક ફૂટ ઊંડું છે. અને તળિયામાંથી નિરંતર વહેતા ગંગાજળથી જયોર્તિલિંગ અડધું ડૂબેલું રહે છે. તેથી વાર વાર આ ગંગાજળ ઉલેચવું પડે છે. પંજાબના મહારાજા રણજીતસિંહ વિશ્વનાથ મહાદેવના દર્શન આવ્યા ત્યારે જયોર્તિલિંગને પોતાનો કોહીનુર હીરો અર્પણ કરેલો. પરંતુ પછી એનું રક્ષણ કરવાનું વ્યવહારુ નહીં લાગતાં હીરાની કિંમત જેટલાં ૮૨૦ કિ.ગ્રા. સોનાના પતરાંથી મંદિરના બંને શિખરો મઢવામાં આવ્યાં. એટલે આ મંદિર સુવર્ણમંદિર પણ કહેવાય છે. બહારના પ્રાંગણમાં રાખેલી ખાસ સીડી દ્વારા શિખર સુધી પહોંચીને એનાં દર્શન થઈ શકે છે.
આ નગરી ભારતની સાત પવિત્ર નગરી પૈકીની એક ગણાય છે. નગરીના સમગ્ર ગંગા તટ પર અગણિત ઘાટો આવેલા છે. મણિકર્ણિકા ઘાટ તથા ચિતાઘાટ પર લોકો પોતાના મૃત આપ્તજનોના અગ્નિસંસ્કાર કરે છે. માનમંદિર ઘાટ પર ભારતની પ્રખ્યાત પાંચ વેધશાળાઓ પૈકીનો એક વેધશાળા આવેલ છે. પુરાણોમાં લખ્યા મુજબ કાશીમાં દેહત્યાગ કરનારને મોક્ષ મળે છે. એટલે કાશીનું મરણ પ્રખ્યાત થયું.
વારાણસીના દક્ષિણ સીમાડે પંડિત મદનમોહન માલવિયાજીના પુરૂષાર્થની બાંધવામાં આવેલ બનારસ યુનિવર્સિટી આવેલ છે. આ સિવાય કાશી વિધ્યાપીઠ, ભારતમાતા મંદિર, માનસ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. લલિતા ઘાટ નેપાળના મહારાજાએ બંધાવેલ નેપાળી મંદિર તથા તેમાંનું સામ્રાજયેશ્વર શિવલીંગ દર્શનીય છે.
ભગવાન શંકર નાગનું સ્વરૂપ ધારણ કરી ભકતની રક્ષા કરતાં અહીંયા સ્થિત થયા તેની કથા પ્રમાણે-ગોદાવરી નદીની ઉત્તરમાં આવેલ દારુકાવન નામના જંગલમાં એક રાક્ષસ યુગલ દારૂક અને દારૂકા રહેતું હતું. એક વખત ગોદાવરી નદીમાં ઉત્તમ પ્રકારની અનેક નૌકાઓ આવી પહોંચી. રાક્ષસોને આની જાણ થતાં ત્યાં ઘસી ગયા અને માલ સામાન લૂંટીને બધા મુસાફરોને પકડીને કેદ કરી દીધા. આમાં સુપ્રિય નામનો એક વૈશ્ય હતો. તે પરમ શિવભકત હતો અને કેદીની સ્થિતિમાં પણ નિયમિત શિવનું પૂજન કરતો હતો.
એક દિવસ દારૂકનો દાસ તેને શિવલિંગની પૂજા કરતો જોઈ ગયો અને તેણે આ વાત દારૂકને જણાવી. એટલે દારૂક તરત જ પોતાના સૈન્યને લઈને ત્યાં આવ્યો અને પૂછયું કે તું આ બધું શું કરી રહ્યો છે? સાચી વાત કહી દે નહિંતર તને મારી નાંખીશ ત્યારે સુપ્રિયે જવાબ આપ્યો કે તે શિવની પૂજા કરી રહ્યો હતો. પરંતુ દારૂકે આ વાત માની નહિ. અને સુપ્રિય દારુકના સંહાર માટે કાવતરુ રચી હોવાની શંકાથી ગુસ્સેે થઈને દારૂક તલવાર લઈને સુપ્રિયનો વધ કરવા ધસી આવ્યો. આ વખતે ભગવાન શંકરે ભયંકર ઝેરી નાગનું રૂપ ધારણ કર્યું અને કાતિલ ડંસ મારીને દારૂક તથા અન્ય રાક્ષસોનો સંહાર કર્યો અને ભકત સુપ્રિયને ઉગારી લીધો. ત્યારબાદ સુપ્રિય તથા અન્ય મુસાફરોની પ્રાર્થના સાંભળીને મહાદેવજી જયોર્તિલિંગના સ્વરૂપે અહીં સ્થિત થયા. પછી સુપ્રિય અને અન્યોએ શ્રી નાગનાથના નામથી આ જયોર્તિલિંગનું પૂજન કર્યું આથી આ જયોર્તિલિંગ નાગનાથના નામથી જાણીતું છે.
પવિત્ર નાગનાથ જયોર્તિલિંગ મહારાષ્ટ્રમાં ઔંધ ગામમાં આવેલું છે. ઔરંગાબાદથી નિઝામ હૈદ્ભાબાદ જતી મનમાડ કાચીગુડા રેલ્વે લાઈન પર ૧૭૭ કિ.મી. પૂર્વમાં પરભણી રેલ્વે જંકશન છે. ત્યાંથી મોટરમાર્ગે ૪૦ કિ.મી. દૂર ઈશાનમાં ઔંધ આવેલ છે. ઔંધ બસ સ્ટેશનની નજીકમાં શ્રીનાગનાથનું મંદિર આવેલ છે. આ પ્રદેશ ખૂબ જ રળિયામણો છે ઔંધની આસપાસ અનેક સરોવરો છે. અને તેમાં પુષ્કળ પ્રમાણમાં કમળનાં મોટાં અને સુંદર ફૂલ થાય છે.
આ મંદિરના પટાંગણની ફરતે મજબૂત કિલ્લો છે. પટાંગણની મધ્યમાં પંચોત્તેર ફૂટ પહોળો, દોઢસો ફૂટ લાંબો અને આઠ ફુટ ઊંચો પથ્થરનો ઓટલો છે. અને તેની ઉપર નાગનાથ જયોર્તિલિંગનું ભવ્ય મંદિર આવેલ છે.
ગર્ભદ્વારમાં દાખલ થતાં સામેની દિવાલને અડીને જ મોટું શિવલિંગ આવેલું છે. પરંતુ આ જયોર્તિલિંગ નથી. શિવલિંગની જમણી બાજુએ ગર્ભગૃહના ખૂણામાં માત્ર એક જ વ્યકિત ઊતરી શકે એટલી સાંકડી સીડી ઊતરતાં ભોંયરા જેવા ગર્ભગૃહમાં પહોંચાય છે. આની બરાબર વચ્ચે કાળમીંઢ પથ્થરનું દોઢેક ફૂટ ઊંચુ શ્રી નાગનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. આ ગર્ભગૃહ તદ્ન અંધારિયું છે અને ચોવીસે કલાક અહીં ઘીનો દીવો પ્રગટેલો રાખવામાં આવે છે.
એમ કહેવાય છે કે આ મંદિર અસલમાં પાંડવોએ બંધાવ્યું હતું આ આખુંય મંદિર કાળમીંઢ પથ્થરનું બંધાયેલ છે બહારની દિવાલો પર અનેક મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. અને શિખરની ટોચે સુવર્ણકળશ મુકવામાં આવેલ છે.
વૈધ્યનાથ જયોર્તિલિંગની માફક આ નાગનાથ જયોર્તિલિંગ વિશે એવો વિવાદ છે કે ઉત્તર પ્રદેશમાં અલ્મોડાથી ૨૫ કિ.મી. દૂર ઈશાનમાં આવેલુ જોગેશ્વર શિવલિંગ અસલી નાગનાથ છે. પરંતુ એના પુરાવા મળતા નથી.
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved | Feed Entries |