આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ડોંગરેજી મહારાજને ‘શુકાવતાર’એટલા માટે કહેવામાં આવે છે કે તેમનું જીવન શુકદેવજીની જેમ નિસ્વાર્થ હતું. કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં અને કોઈ ટ્રસ્ટ બનાવ્યું નહીં.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકòષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હે અર્જુન! ‘મનુષ્યાણાં સહૅોષુ કિશ્ચત યતિત સિદ્ધયે’ હજારો મનુષ્યોમાં કોઇક ભકત મારા તરફ ડગલું માંડી શકે છે. આવા લાખોમાં એક એવા ભાગવત કથાકાર સંતને આપોઆપ નમસ્કાર કરવાનું મન થઇ જાય. ઇંદોરની પાવનભૂમિ ઉપર જેમનો જન્મ થયો તથા વડોદરામાં મોટા થયા એવા ડોંગરેજી મહારાજ આજે પણ ભકતોના હૃદયમાં સ્થાન પામેલા છે. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’હતું. ડોંગરેજી મહારાજે અમદાવાદના સંન્યાસ આશ્રમ તથા કાશીમાં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી. તેમની વાણીથી લોકો ભાવવિભોર બન્યા, બસ ત્યાર બાદ કથાનો અવિરત પ્રવાહ ચાલુ થયો. તેત્રીસ વર્ષ સુધી માલસરમાં નર્મદાકિનારે સત્યનારાયણ મંદિરમાં તેમની કથા એકધારી ચાલી. દર વર્ષે આજે પણ તેમની પુણ્યતિથિએ કથા થાય છે. જેમાં અનેક ભકતો ભાગ લઇ પુણ્યશાળી બને છે. આજે પણ કથા માટે બનાવેલો ઓટલો મોજૂદ છે. આજે પણ માલસરનું નામ આવતાં ડોંગરેજીની યાદ તાજી થઇ જાય છે.
ડોંગરેજીને ‘શુકાવતાર’એટલા માટે કહેવામાં આવે છે કે તેમનું જીવન શુકદેવજીની જેમ નિસ્વાર્થ હતું. કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં, કોઇ આલિશાન મકાન બાંઘ્યું નહીં, કયારેય પોતાનું વાહન વસાવ્યું નહીં, કોઇ ટ્રસ્ટ બનાવ્યું નહીં. બાપજીની કથાથી અનેક ટ્રસ્ટો કાર્યરત બન્યાં છે. જલારામ બાપાની જેમ બાપુજીની કથાથી તથા પ્રેરણાથી અનેક ‘સદાવ્રતો’ ચાલુ થયાં, આજે પણ ચાલે છે. સદ્વિચાર પરિવાર માટે પણ બાપજીએ દસેક કથાઓ કરી હતી. આજે પણ આ ટ્રસ્ટ બાપજીની સ્મૃતિમાં અનેક ગરીબોની સેવા કરે છે. દવાખાનાં વગેરે ચલાવે છે. શિક્ષણકાર્યોકરે છે. બાપુજીના જીવન વિશે થોડી ચર્ચા કરીએ. બાપજી ખૂબ જ સરળ હૃદયના હતા. તેમની વાતોમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારનું કપટ જૉવા મળતું નહીં. સરળ વાણી, સાદો ખોરાક, સાદો પોષાક. ભાગવતજીમાં શુકદેવજી માટે ‘ગામટમાન’ શબ્દનો ઉપયોગ કર્યોછે. બાપુજી પણ ગામટમાન હતા. કોઇ એક સ્થળે રહેવું નહીં તેવો નિયમ હતો. તેઓ કહેતાં, કેટલીક વાર સ્થળની માયા પણ છૂટતી નથી. પોતાની પાસે પૈસા કે દાગીના રાખવાના નહીં. તેઓ કહેતા, માયા તો માણસને મારે છે. માયા ભકિતમાર્ગમાં અવરોધ કરે છે માટે તેઓ માયાથી દૂર રહેતા. લગ્ન કર્યા પરંતુ ભકિતમાર્ગમાં અવરોધ લાગતાં પત્નીથી દૂર રહેવા લાગ્યા. ભાગવતજીમાં શુકદેવજી માટે ‘અવધૂતવેષ:’ શબ્દ વાપર્યોછે. બાપજી પણ ઢીંચણ સુધીની પોતડી તથા ખેસ ઓઢતા. પગમાં પાદુકાઓ પણ પહેરતાં નહીં. હાથમાં ઘડિયાળ કે વીંટી પણ કયારેય જૉવા મળી નથી. ખોરાકમાં પણ મગ અને બાજરીનો રોટલો, દૂધ વગેરે લેતા. તેઓ કહેતાં, ખાવાનું શરીરને ટકાવી રાખવા માટે છે. જીભને આનંદ કરાવવા માટે નહીં. જીભ તો હરિકીર્તન કરવા માટે છે. મેં તેમને ખૂબ જ નજીકથી જૉયા છે. હું સોલા વિધાપીઠમાં અભ્યાસ કરતો ત્યારે પંદર દિવસ તેમની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કથા કરવા જાય ત્યારે તેમને જે ઉતારો આપવામાં આવ્યો હોય તે છોડીને બહાર જવું નહીં. કથા પતે એટલે પોતાના ઉતારે આવી માળા કરવા બેસી જાય. છાપું વાંચવું નહીં, રેડિયો, ટી.વી. જૉવા નહીં. તેઓ કહેતાં, આ મન બાળક જેવું છે. ભૌતિકતાના રવાડે ચડશે તો બાળક જેમ ભણવાનું છોડી દે તેવી રીતે આ મન ભકિતમાર્ગમાંથી ચલિત બની જશે. કોઇને ચરણસ્પર્શ કરવા દેતા નહીં. તેઓ કહેતાં તમે જેવા વ્યકિતનો સ્પર્શ કરશો તેવા વિચારો બનશે, જેવું અન્ન ખાશો તેવું મન બનશે, જેવા વિચારો કરશો તેવું જીવન બનશે માટે બને તો પોતાના હાથે રસોઇ બનાવતા અથવા તેમનો એક વૃદ્ધ સંન્યાસી સેવક રસોઇ બનાવતો. કોઇને કંઠી બાંધવાની નહીં. તેઓ કહેતાં, શિષ્ય પાપ કરે તો તેની સજા ગુરુને મળે છે. લોભી ગુરુ ઔર લાલચી ચેલા દોનોં કા નરકમેં ઠેલમ્ઠેલા. આ રીતે જીવનભર કોઇને શિષ્ય બનાવ્યો નહીં. કયારેય ગુરુપદ સ્વીકાર્યું નથી. બાપજી બ્રાહ્મણપ્રેમી હતા તથા સંતરામ મંદિર તથા માલસર મંદિરમાં રોકાઇને ભકિત કરતાં. સંતરામગાદી તરફ ખૂબ જ આદરભાવ રાખતા. બાપુજીનું મૃત્યુ પણ સંતરામ મંદિરમાં થયું હતું તેમના પાર્થિવ દેહને તેમના કહેવા પ્રમાણે નર્મદાજળમાં વિસર્જિત કરવામાં આવ્યો હતો. જીવ્યા ત્યારે પણ સમાજની, ગરીબોની સેવા કરી અને મૃત્યુ બાદ પણ પોતાનું પંચભૌતિક શરીર નર્મદાજળના જીવોને અર્પણ કર્યું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને અનેક ભકતો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા, જાણે પોતાની વરચેથી કોઇ સ્વજન ચાલ્યું ગયું હોય. આવો, આપણે પણ તેમની પુણ્યતિથિએ હૃદયમાં આવા સંતનું સ્મરણ કરી તેમને શત શત પ્રણામ કરીએ તથા તેમના ઉપદેશનાં પાંચ વાકયો જીવનમાં ઉતારીએ.
(૧) માનવ જન્મ ભકિત કરવા તથા ભગવાનને મેળવવા થયો છે. તેનો સદ્ઉપયોગ કરો.
(૨) માયા મનુષ્યનો શત્રુ છે. માટે મનને બને તેટલું હરિભજનમાં રાખો.
(૩) ભૌતિકતાની વરચે રહીને પણ ભૌતિકતાથી દૂર રહો.
(૪) તમારું જીવન, વાણી, પોષાક, ખોરાક એવો બનાવો જેનાથી તમારું મન અવળા માર્ગે જાય નહીં.
(૫) કોઇ ધર્મની નિંદા કરશો નહીં. સૌ પોતાના કર્મ પ્રમાણે જીવે છે માટે કર્મદોષને દૂર કરવા શાંત બનીને જપ કરો. જપની પણ ગણતરી ન કરો. કેવળ જપ કરો. વાણી વર્તન સરળ રાખો.
-
સાને ગુરુજી.Zazi.com © 2009 . All right reserved |
Comments