Print
Parent Category: ચિંતન
Category: સદાશિવ

User Rating: 5 / 5

Star ActiveStar ActiveStar ActiveStar ActiveStar Active
 

સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૬૧ થી ૮૦

Sri Sadashiv

૬૧. શ્વાસની ગતિ ઉપર આધાર રાખીને કરવામાં આવેલા વાચિક જપમાં પ્રાણાયામ તો થાય જ છે, અને પ્રત્યાહાર ક્રિયા પણ થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૨. વાચિક જપમાં થતી પ્રત્યાહાર ક્રિયાના કારણે સીધા આકાશ તત્ત્વમાં ધારણા-ધ્યાન પણ થાય છે, કેમકે આ જપમાં મુખ્ય અવલંબનમંત્ર છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૩. મંત્ર શબ્દ છે અને શબ્દ એ આકાશનો ગુણ છે.  તેથી આકાશ તત્ત્વમાં જ ધારણા-ધ્યાન પણ થાય છે, અને આકાશ તત્ત્વનું સ્થાન કંઠ એટલે વિશુદ્ધ ચક્ર હોવાથી, નીચેના બધા ચક્રોને ભેદીને સીધા વિશુદ્ધ ચક્રમાં સ્થિત થવાય છે.  તેથી નીચેના ચક્રોમાં જે વિઘ્નો હોય છે તે વિઘ્નો નડતાં નથી અને સાથે સાથે ભાવનાત્મક અને વિચારાત્મક સાધન અમુક પ્રક્રિયાના આધારે અથવા તો ચિંતનના આધારે ચાલુ રાખવાથી સહજ સમાધિની સ્થિતિમાં પહોંચી શકાય છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૪. કેવળ પ્રાણાયામ વડે પૃથિવી, જળ, તેજ અને વાયુ આ ચાર તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.  પ્રાણાયામમાં વાયુ તત્ત્વનું પ્રાધાન્ય છે. વાયુ તત્ત્વ બીજા ત્રણ તત્ત્વનું કારણ હોવાથી વાયુની સાથે બીજા ત્રણ તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૫. આકાશ તત્ત્વ વાયુનું પણ કારણ હોવાથી કાર્ય કારણને શુદ્ધ કરી શકે નહિ.  તેથી કેવળ પ્રાણાયામ કરનારને આકાશ તત્ત્વની શુદ્ધિ થતી નથી.  જ્યારે મંત્ર આકાશ તત્ત્વમય હોવાથી મંત્ર જપ વડે આકાશ તત્ત્વની શુદ્ધિ થઇ શકે છે.    (જીવન વિજ્ઞાન પાન ૧૧૫)

૬૬. કેવળ પ્રાણાયામ વડે મનની શુદ્ધિ થતી નથી, કારણ કે પ્રાણાયામ વડે કુંભકનો અભ્યાસ કરનારનું મન મૂર્છિત અવસ્થામાં રહે છે. તેથી મનમાં રહેલાં સંસ્કારો જેમના તેમ જ રહે છે.  (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૭. ‘મન એ જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ હોય છે.  વાસના સહિત મન એ જ બંધનનું કારણ છે.  વાસના રહિત મન એ જ મુક્તિનું કારણ છે.’  આ શ્રુતિ વાક્ય અનુરૂપ મન એ જ સર્વ સુખ અને સર્વ દુ:ખનું કારણ હોવાથી મનની શુદ્ધિ એ જ જીવનની શુદ્ધિ બને છે.  (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૮. સંસ્કારનો જથ્થો એ જ મનનું સ્વરૂપ છે.  શબ્દોનો ભંડાર એ જ સંસ્કાર છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૬૯. સંસ્કાર સંકલ્પ-વિકલ્પને આશ્રિત છે.  જે કાંઇ સંકલ્પ-વિકલ્પ થાય છે તે દરેક વ્યક્તિ પોત પોતાની ભાષામાં કરે છે.  સંસ્કારને અનુરૂપ આપણે જે કાંઇ બોલીએ છીએ તે વાણી એટલે બહિર્ વાક્ ને આધારે બોલીએ છીએ અને સંસ્કારને અનુરૂપ જે કાંઇ સંકલ્પ-વિકલ્પ કરીએ છીએ તે મન એટલે આંતર્ વાક્ ના આધારે કરીએ છીએ.  મન અને વાણીમાં વિશેષ તફાવત છે જ નહિ.  મન સૂક્ષ્મ રૂપ છે, તેમાં સંસ્કાર પૂંજ કે ભાવનાઓ સૂક્ષ્મ રૂપે રહે છે, તેમાંથી અમુક ભાગના સંસ્કાર કે ભાવનાઓને વાણી સ્થૂળ રૂપે એટલે કે બીજાને સમજ પડે તે રીતે પ્રગટ કરે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૭૦. મંત્ર જપ કરતાં કરતાં જેમ જેમ વાણીની જડતાનો નાશ થતો જાય છે, તેમ તેમ મનની પણ શુદ્ધિ થાય છે.  જેમ ગરમીના કારણે આકાશમાં રહેલાં ઝીણા ઝીણા જીવો મરી જાય છે તેમ જ મંત્રનો વાચિક જપ કરવાથી મંત્ર શક્તિથી મનના ઘણા એવા તુચ્છ કે નિરર્થક સંસ્કારો નાશ પામે છે.  તેથી વધારે બોલવાની પણ ઇચ્છા થતી નથી.  સતત જપ કરતા રહેવાથી મનમાં જે પ્રબળ સંસ્કારો સુપ્ત રૂપે રહેલા હોય છે તે ભાસી આવે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૭૧. જે લોકો મંત્ર જપ નથી કરતા તેઓનું મન સતત ક્રિયાશીલ અને વ્યગ્ર હોય છે.  તેથી જે સંકલ્પ-વિકલ્પ થાય છે, તે વિષે તેઓ પોતે જાણી શકતા નથી. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૭૨. જ્યાં સુધી મનના પ્રબળ વેગને રોકવામાં નહિ આવે  ત્યાં સુધી મનમાં શું છે, મનનું સ્વરૂપ કેવું છે તે સમજી શકશે નહિ.  જેને આપણે જોઇ-સમજી ન શકીએ તેને વશ કેમ કરીને કરી શકીએ? (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૩.  મનને વશ કરતાં પહેલા મનના વેગ ઉપર કાબૂ મેળવવાની અપેક્ષા છે. મંત્ર જપ કરતા હોવાથી મનના વેગ ઉપર અસર થાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૬)

૭૪.  મંત્ર જપ કરવામાં મનની શક્તિઓની પણ અપેક્ષા હોય છે.  કેમકે મન વગર વાણી નિષ્ક્રિય થઇ જાય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૭૫.  નિરર્થક બકવાદ કે વાતચીતમાં પણ મનની શક્તિ ખરચાય છે.  પરંતુ વૃથા વાક્યાલાપથી મનના વૃથા સંસ્કારોમાં ઉમેરો થાય છે,જ્યારે મંત્ર જપ કે કલ્યાણકારી વાક્યાલાપથી વૃથા સંસ્કારો નાશ પામે છે, મન અને વાણીની શુદ્ધિ થાય છે, અને તેમની શક્તિ વધે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૭૬. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી આ પ્રમાણે વાણી ચાર પ્રકારની હોય છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૭૭. આપણે જે મોટેથી બોલીએ છીએ તે વૈખરી વાણી છે.   મનમાં જે સંકલ્પ-વિકલ્પ થાય છે તે મધ્યમા વાણી વડે થાય છે.  જ્યારે સંકલ્પ-વિકલ્પ ખૂબ ધીરે અને શાંતિથી થાય કે આપણે સંકલ્પના શબ્દોને જોઇ શકીએ ત્યારે તે પશ્યંતી છે અને પરા વાણી તો એ છે કે મનમાં સંકલ્પ કરતા વાણી અટકી પડે અને વાણીમાં બોલતા મન સંકલ્પ કરતું અટકી પડે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૭૮. જેઓ વાચિક જપની પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે, તેઓ સ્થૂળ વાણીમાં જ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચારે સ્થિતિની અનુભૂતિ કરી શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૭૯. વાચિક જપની પરાકાષ્ઠા સુધી પહોંચી જનારાઓ મનના સંપૂર્ણ સંસ્કારોનો નાશ કરી શકે છે.  તેઓ મનને સંપૂર્ણ નગ્ન સ્વરૂપે જોઇ શકતા હોવાથી ઇચ્છા પ્રમાણે મનને ઘડી શકે છે.  અને મન મારફતે ઇચ્છિત કાર્ય સાધી પણ શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)

૮૦. વાચિક જપની પરાકાષ્ઠા સુધી પહોંચી જનારાઓ મનને વશીભૂત નથી હોતા, પરંતુ મનને વશમાં લઇને અને તેને ઇચ્છા પ્રમાણે સંસ્કાર સંપન્ન બનાવીને તેના વડે સ્વ પર કલ્યાણ પણ સાધી શકે છે. (જીવન વિજ્ઞાન પાન ૧૧૭)