Print
Parent Category: પ્રત્યંચા
Category: વિજય શાહ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તારો લાગણીથી નિતરતો પત્ર મળ્યો.

હા એ કદાચ કરમોની કઠણાઇજ.. કે તુ અહિ હતો ત્યારે તબિયત સારી હતી અને હવે નથી ત્યારે પડ્યો અને મોટુ ઓપરેશન કરવુ પડ્યું. અત્યારે તો થાપાનાં ઓપરેશન પછીની દેહ પીડા ભોગવું છું. તમે બધા મારી તકલીફોથી માનસિક રીતે પીડાવ છો જ્યારે હું બંને પીડાઓ જેવી કે શારીરીક અને તમારા બધાની માનસિક પીડાનું હું નિમિત્ત છું તેમ બંને રીતે પીડાઉં છું.

‘ઘડપણ’ ઉપરનું આ કાવ્ય વાંચ્યું અને ઇચ્છા થઇ કે તને લખી જણાવુ કારણકે લેખકે જાણે મારા મનની વાત શબ્દ સ્વરુપે મુકી હોય તેવું મને લાગે છે.



શ્વાસ શ્વસંતા સીત્તેર ગયા, લેખ લખંતા પચાસ થયા
કાળા હતા તે ધોળા થયા, ધોળા હતા તે થોડા રહ્યા
આંખનાં દિવા ઝાંખા થયા, કાનના પડદા પો’ળા થયા
દાંત પડ્યા ને પેઢા રહ્યા, જીભનાં લોચા વળતા ગયા
પ્રભાત પહોરને બપોર ગયો, સાંજ ઢળીને રાત પડી
પડખાં ઘસતાં પરોઢ થયું તોય ન મનને ચેન પડ્યુ
વિસ્મૃતિનો વિકાસ થયો, સારાસારનો વિવેક ગયો
હાથપગમાં ધરતીકંપ, તો ય ન બેસે વાળી જંપ
કામના વકરી કરતી કૂદાકૂદ, મનમર્કટની હૂપાહૂપ
વળગેલું તે છૂટતું ગયુ, વળગેલા સૌ છોડતા ગયા

મન દુ:ખી થઇને રડવા ચહે છતા હવે રડવુ નથી આવતુ કારણ કે હજી મનમર્કટ તો સાબુત છે. મારા અંદર નો વડીલ / અધિકારી હજી એવા નશામાં છે કે તે સમજે છે કે કુકડો બાંગ પુકારશે તો જ સવાર પડશે. આ પત્રમાં મને કહેવા દે કે તુ અને તારી બા મને સદા કહ્યાં કરો છોને કે ધર્મ કરો જપ કરો તે વાત કંઇ હું સમજતો નથી તેવુ નથી પણ આ સતત પગની પીંડીઓ જ્યાં દુખ્યા કરતી હોય ત્યાં મન તે દુ:ખમાંથી બહાર ન નીકળેતો હું કેવી રીતે મનમાં પ્રભુનું નામ લઉં?

હા તુ હતો ત્યારની વાત જુદી હતી પરંતુ તે દિવસો હવે તો ગયા…

તારા પત્રમાં તુ વરંવાર દેશનિકાલાની સજાની વાત કરે છે ત્યારે એક વાત સમજ કે આ દેશનિકાલાની સજા જે તેં સ્વયંભુ લીધેલી છે. ધારે ત્યારે બદલી શકાય છે. હજી તારુ પોતાનુ ઘર અને પૈસા છે તેથી ‘ભુલ્યા ત્યાંથી ફરી ગણીયે’ વાળા ધોરણે પાછુ ફરી શકાય છે.અને તુ જો આવી શકે તો મારા ઘણાં માનસિક દુ:ખો ઘટી શકે પણ હવે તે શક્ય બને નહે.તેથી વધુ લખતો નથી
શીખા આશ્કાનાં કોલેજ ગમનને કારણે અને સોળ વર્ષ પછી આવતા દરેક પરિવર્તનોથી ચિંતિત હોય તે સમજી શકાય છે. પણ તે ચાર વર્ષ દરેક માતા આ પ્રકારનાં ભયોથી પીડાય તેમા નવું કશું નથી. ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું ..

જો કે આમ કહીં મેં પણ હંગામી સમાધાન મારે માટે મેળવી લીધુ તેમ કહુ તો કશુ ખોટુ નથી.

તબિયત સાચવજો અને સંપર્કમાં રહેજો એમ કહી અટકુ?

મોટાભાઇનાં આશિષ