Print
Parent Category: પ્રત્યંચા
Category: વિજય શાહ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તમે પત્રો લખીને કચરા પેટીમાં નાખી દો છો તે ના સમજાયુ. મે ટીકીટો બુક કરાવી લીધી છે.. કદાચ આ પત્ર અને હું બંને ત્યાં સાથે હોઇશું. મને ખબર છે કે મારા આવવાથી તમને રાહત થશે તેથી કપાતા પગારે ત્યાં આવુ છું. તમારા શબ્દોનું વજન એટલું ભારે હોય છે કે ‘અંતિમ સમય’ જેવા શબ્દો તમારા વિચારોમાં આવે તે અસહ્ય બને છે.

મને યાદ છે આઠમા ધોરણમાં કિશોર ઠક્કર કરીને એક છોકરો મને બહુ હેરાન કરતો હતો તેથી તેનો ત્રાસ દુર કરવા તમે મને બે વાત કહી હતી. એક જો આપણે ગુનામાં ના હોઇએ તો કોઇનાં બાપની તાબેદારી નહિ સહેવાની અને જો ગુનામાં હોઇએ તો વર્ગ શિક્ષક્ને વાત કહિ જે તે સજા ભોગવી લેવાની. અને તે વાક્યો બરોબર યાદ રહ્યાં હતાં. અને કિશોર જેવો મારી પાસે મારો ડબ્બો લેવા આવ્યો અને મેં જોરથી તેની સામે આંખ કાઢી મોટે અવાજે શિક્ષક સાંભળે તેમ ઘાંટો પાડ્યો તે દિવસથી તેના થકી હું કદી હેરાન નથી થયો.

આ વાત અત્યારે મને એટલે યાદ આવી કે તમે મૃત્યુ થી ભયભીત છો. તમને થાય છે કે આ ખાડામાંથી બીજા કયા ખાડામાં જન્મવાનુ થશે? કાલ્પનીક ભયોથી તમે પીડીત છો. એક વાત મેં ક્યાંક વાંચી હતી ..જિંદગી જેટલી લાંબી અને દુ:ખ દાયક છે તેટલુ મૃત્યુ દુ:ખદાયક નથી. ક્ષણનાં ત્રીજા ભાગમાં આતમ રાજ ખોરડું બદલી નાખે છે. જિંદગી વર્ષોનાં વર્ષો જીવવી પડે છે અને તે તમે જીવી ચુક્યા છો તમે હજી તેમા માહેર છો. મૃત્યુ તો ક્ષણ માત્રની ઘટના છે. દિકરાઓની આ વેદના તો જુઓ તમે જેમણે અમને જીવન આપ્યુ તેમની સાથે અમારે મૃત્યુની વાત કરવી પડે છે..તે બદ નશીબી નહિ તો બીજુ શું?

પછી બીજો વિચાર આવે છે કે અહિનુ છોડીને જવાનું છે તે તો સાચુ પણ એક વાત તો નક્કી છે જે મૃત્યુનાં પ્રદેશમાં પહોંચી જાય છે તેમાંનુ કોઇ પાછુ આવતુ નથી તેનો અર્થ એવો પણ થાયને કે ત્યાં એકલુ સુખ અને સુખ જ છે તેથી અહિનું કશુ યાદ રાખ્યા વિના તે ત્યાંની પરિસ્થિતિને માણે છે. અહિ દિકરા દિકરીઓને ત્યજવાનાં છે પૌત્ર પૌત્રીને ખોવાનાં છે પણ ત્યાંથી કોઇ પાછુ નથી આવતુ તેનો અર્થ એ થાયને કે ત્યાં અહિનાં કરતા વધુ પ્રિય જન સાથે મુલાકાત થાય છે શક્ય છે તે વરસો પહેલા વિખુટા પડેલા ભાઇ બહેન કે માતા પિતા પણ હોય..દાદા દાદી પણ હોય..અનેક મિત્રો હોય!

ખરી વાત તો એ જ છે કે તમે મને નિર્ભય બનાવવા જે કહ્યું હતુ તેજ સત્ય પ્રભુને તમારે કહેવાનું છે.

” હે જગનિયંતા! મારા આયુષ્ય કર્મનો ક્ષય થઇ ગયો હોય તો મને લઇ લે પ્રભુ એક ક્ષણ નો વિલંબ મને ના જોઇએ અને જો ના થયો હોય તો તારા સમયે મને લઇ જજે. પણ મને આ રોજ જીવવાનું કે રોજ મરવાની ભીતી થી ડરવાનું જોઇતુ નથી.”

ધર્મ તો કહે છે મૃત્યુ એ બદલાવ માત્ર છે. એક જંક્શન કે જ્યાંથી મુસાફરી બદલાય.આત્મા ખુબ જ શક્તિશાળી છે તેને એક દેહ ત્યજતા અને નવો દેહ ધારણ કરતા બીલકુલ સમય લાગતો નથી. જેમ નવા વસ્ત્રો પહેરતા આનંદ થાય તેમ નવો દેહ જે મળશે, જ્યારે મળશે ત્યારે તે મને સ્વિકાર્ય છે. તેને ચિંતાનો વિષય બનાવી તમે પરમ કૃપાળુ પરમાત્માની જે કૃપા અવતરવાની છે તે કૃપા નો રસ્તો કુંઠીત ન કરો તેવી પ્રાર્થના.
વધુ જ્ઞાની પુરુષોતો એમ પણ કહે છે કે મૃત્યુ તો મહોત્સવ છે. જેમ જન્મ લગ્નનાં પ્રસંગો ઉજવાતા હોય તેમ આ પ્રસંગને “સ્વર્ગારોહણ”નાં રુડા નામથી સંબોધવો જોઇએ… પણ આપણે અલ્પમતિ તેથી તેને રડી કુટીને સ્વાર્થગાન કરતા હોઇએ છે. હાય! હવે મારુ શું થશે? કહી રુદન કરતા હોઇએ છે.

તમારો પ્રતિભાવ હું 10000 માઇલ દુરથી પણ જોઇ શકુ છુ. ભાઇ કહેવામાં અને કરવામાં બહુ ફેર છે. અને તે તદ્દન સાચુ છે પરંતુ મન આપણું મરકટ છે. તેને નિયંત્રણમાં રાખવાનાં ઘણા બધા ઉપાયોમાંનો એક સર્વોત્તમ ઉપાય છે જીવનની સારી બાબતો પર ધ્યાન વધુ કેંદ્રીત કરી પ્રભુનો તે દરેક બાબતો માટે ઉપકાર માનવો.

મેં તમને ડાયરી લખવાની વિનંતી કરી હતી તેનુ કારણ આ જ હતુ. તટસ્થતાથી જોશો તો તે ડાયરીમાં સુખનાં પાના વધુ અને દુ:ખનાં પાના ઓછા હશે.હવે રુબરુ મળીશું ત્યારે વધુ વાત કરશુ.
બાની તબિયત સારી છે તે જાણી આનંદ.
સોહમનાં પ્રણામ.